મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / મધુરજનીએ મૈથુનથી વધુ મૈત્રીને માનતા એક ગામડિયાનું કાવ્ય

- એય, સાંભળે છે? લગ્ન બાબતે ભલભલા રીલેશનશીપ એડવાઇઝરોએ કાન પકડવા પડે એવી પાયાની વાત એક

શતરંગ / મધુરજનીએ મૈથુનથી વધુ મૈત્રીને માનતા એક ગામડિયાનું કાવ્ય

- એય, સાંભળે છે?

લગ્ન બાબતે ભલભલા રીલેશનશીપ એડવાઇઝરોએ કાન પકડવા પડે એવી પાયાની વાત એક પરણિત ગામડિયો કરે છે!

     મહેસાણા જિલ્લાના કોઈ એક ગામડાના ચોતરે બે ભાઈબંધો બેઠા છે. બેમાંથી એક ભાઇબંધના તાજેતરમાં લગ્ન થયાં છે, એટલે બીજા ભાઈબંધે કદાચ એવી કૈક ટીખળ કરી હશે કે.” તારા તો લગ્ન થઇ ગયા એટલે હવે તારી બકરી ડબ્બે...તારા જલસાના દિવસો પૂરા...” તો બીજો તાજો પરણેલો ભાઈબંધ શું જવાબ આપે છે? એનું એક મજાનું કાવ્ય કવિ મધુસુદન પટેલ લખે છે, ભલભલા રીલેશનશીપ એડવાઇઝરોએ કાન પકડવા પડે એવો જવાબ પેલો પરણિત ગામડિયો આપે છે:

જો ભૈ
લગન એટલે જલસાનો સેલ્લો દાડો નહીં
જલસાની શરૂઆત
અન ભૈ
નશીબમાં બધ્ધુ જ લશેલુ ના હોય
થોડુ આપડય લખવું પડ(અ)

મેહોણી ભાષામાં પોતાની અનુભવની વાત માંડતા એ ભાઈબંધ કહે છે કે, “જો ભાઈ, લગ્ન ખરેખર તો જીવનના જલસાની શરૂઆત, પણ શરત એટલી છે કે એ માટે આપણે ઘટતું કરવું પડે, બધું નસીબમાં લખેલું ન હોય, કેટલુંક આપણે પણ લખવું પડે.” પછી આગળ પોતે પોતના લગ્નના ચોપડે શું લખ્યું છે એની વાત કરે છે:

આ તો તુ મારો હગ્ગો ભૈબંધ સ(અ) ન(અ)એટલે તન કહુ સુ.
માર લગનની પેલ્લી રાતે પેલ્લુ વાક્ય મુ આવુ બોલેલો:
ગ્લાસન(અ) ગોળી માર ન(અ) તુ ઑમ આય.
હનીમૂન પસ(અ) મનાઈશુ, અત્તારે મારી વાત હોંભળ
મુ હાવ દેશી મોંણહ
પ્યોર GJ 2

     કવિતાનો નાયક છે, એ પોતાના પાક્કા ભાઈબંધને પોતાની સુહાગરાતનો સંવાદ કહે છે કે, “જ્યારે પરણ્યાની પહેલી રાત્રે અમે બેઉ રૂમમાં ભેગા થયાં ત્યારે એ દુધનો ગ્લાસ લઈને આવી,તો મેં એને કહ્યું કે ગ્લાસ બાજુએ મુક અને તું મારી પાસે આવ, હનીમુન પછી મનાવીશું પહેલા મારી વાત સાંભળ...” જાણે એ રીતે પત્નીને કહેતો હોય કે મારા માટે સ્વાદ કે સંભોગ નહિ પણ પ્રથમ તો સંવાદ અગત્યનો છે. પછી એ પોતાનો પરિચય આપે છે કે, “હું સાવ દેશી માણસ છું, એકદમ પ્યોર GJ 2-મેહોણી...

     અહીં નાયક શાહબુદ્દીન રાઠોડના જોકના પતિ જેવું નથી કરતો કે સ્કુલમાં પોતે કોઈ નાટકમાં સાઈડમાં ભાલું લઈને ઉભો હોય. તોય પત્નીને કહે કે પોતે તો ઝુલીયસ સીઝર બનતો. આ તો કહે છે કે, ‘હું સાવ દેશી માણસ છું.’ પોતાનો પરિચય આપ્યા બાદ એ પોતના પરિવારનો પરિચય આપે છે:

મારી મા એક નંબરની જૂઠ્ઠી
મારો બાપ ઈનો ગુરુ
અન(અ) મારી બુનની તો વાત જ જવા દે

     પરિવારનો આવો પરિચય સાંભળીને પહેલા તો આપણને ઝટકો લાગે છે કે આ શું ? પણ આગળ એ પરિવારના જુઠ્ઠાણાની સચ્ચાઈ ખોલતા કહે છે કે,

એક દાડો અમે ભૈબુન લેસન કરતોં’તોં
મારી માએ મોટેથી ઓડકાર ખાધો
મારા બાપા મુસો ઉપર પોંણી વાળા હાથ ફેરવત(અ) ફેરવત(અ) બોલ્યા :
આજ તો તારી માએ કૉય ખવડાયુ(સ) કૉય ખવડાયુ સ(અ)!
પેટ ફાટુફાટુ થાય સ(અ)
આટલુ હોંભળતોં જ મારી બુન મારા પૅલા રહોડામ પૅઠી
અન(અ) બીજી જ સેકન્ડે રોવા બેઠી
રોત(અ) રોત(અ) મન(અ) કે ભૈ,
તુ ખઈ લે, મન(અ) પેટમાં દુઃખ સ(અ)
મારી બુનના પેટમાં દુખાવાની switch મારી માએ પાડી’તી

     કવિતામાં નવવધુનો પતિ છે એ પોતાના બાળપણની એક ઘટના દ્વારા કહે છે કે પોતાનો પરિવાર કેવો જુઠ્ઠાડો છે! એકવાર પોતે અને બહેન બેઉ બાળપણ લેશન કરતા હતા. ત્યારે માતાએ જાણે જમીને ધરાઈ રહી હોય એમ ઓડકાર ખાધો. એ સાંભળીને પિતાએ મૂંછ પર ભીનો હાથ ફેરવતા બાળકોને કહ્યું, “આજે તો તારી માએ બહુ ખવડાવ્યું .” એટલે તરત બેન ઉભી થઈને રસોડામાં ગઈ, એણે અંદર જઈને જોયું તો માત્ર એક જ વ્યક્તિ જમી શકે એટલું જ ભોજન ઘરમાં છે. બહેન પણ માતા પિતાની જેમ જુઠ્ઠું બોલતા ભાઈને કહે છે કે,”મને પેટમાં દુ:ખે છે, તું ખાઈ લે.” ભૂખી બેનમાં આ સમજણ સ્વીચ માએ પાડી હતી. કારમી ગરીબાઈમાં આખું ઘર મળીને ઘરના નાના દીકરા માટે જમવાનું છોડી દે છે. માતાનો ઓડકાર, બાપાનો મૂંછો પર ભીનો હાથ ફેરવવો અને બેનનો પેટનો દુખાવો, બધું જુઠ્ઠું ! નાનકડો બાળક આ પરિવારમાં મોટો થયો છે.એટલે જ્યારે પહેલી રાત્રે એક જ દુધનો ગ્લાસ છે તો એ શું કરે છે?

આટલું બોલીન(અ) મુ ઊભો થ્યો
ગ્લાસ ઉઠાઈન કીધુ: લે, આ તુ પી જા
મન(અ) દૂધ નહી ભાવતુ
અન(અ) પિયર સૂટયાની પેલ્લી રાતે પેલ્લી વાર એ બોલી:
જાને હાળા જૂઠ્ઠા.

     દુધનો ગ્લાસ પત્નીને આપતા પતિ કહે છે કે, “મને દૂધ નથી ભાવતું, તું પી જા.” નવવધુ ગરીબીમાં ઉછરેલા પતિની ગરવાઇ પામી જાય છે. સુહાગરાતે જ પતિના આવા નિખાલસ સંવાદથી મનથી અનાવૃત થઇ ગયેલી ગામડાની એ સ્ત્રી પતિને હકથી કહે છે કે, “જા ને જાને હાળા જૂઠ્ઠા.’ સ્ત્રી સમજે છે કે પોતાનો પતિ પણ કેવો જુઠ્ઠો છે! જ્યારે જીવનમાં મુશ્કેલ ઘડીઓ આવશે ત્યારે આ પુરુષ પોતાની જાતને પણ બાજુએ રાખી એ પહેલા મારો ખ્યાલ કરશે.! આ દંપતી વચ્ચે મધુરજનીએ મૈથુન પહેલા મૈત્રી થઇ જાય છે! મેરેજલાઈફમાં સંવાદની આવી સમૃદ્ધિ હોય ત્યાં બીજા અભાવો બહુ અડચણ રૂપ બનતા નથી.

હોંકારો:

સાહિત્યએ સરેરાશ માણસને પણ કહેવાનું હોય છે: ‘એય, સાંભળે છે?’ મધુસુદન પટેલ ‘મધુ’ની આ કવિતા ગુજરાતની એક તળબોલીમાં આવો સાદ કરે છે!

- કાનજી મકવાણા 

આ સમાચાર શેર કરો