શતરંગ / પ્રેમ અને પ્રકૃતિ
- નોન ફિલ્ટર્ડ ૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ. આખું વર્ષ મમ્મીની વાતો અને કોલ્સ અવગણ્યા બાદ મધર્સ ડે પર વરસતા વ્હાલની જેમ જ ગ

- નોન ફિલ્ટર્ડ
૫ જૂન, વિશ્વ પર્યાવરણ દિવસ.
આખું વર્ષ મમ્મીની વાતો અને કોલ્સ અવગણ્યા બાદ મધર્સ ડે પર વરસતા વ્હાલની જેમ જ ગ્લોબલ વોર્મિંગથી લઈને ક્લાઈમેટ ચેન્જ અને વૃક્ષો વાવવાથી લઈને પાણી બચાવવા સુધીની ઠાવકાઈ આજે સઘળે ઠલવાશે પણ અંદરથી આપણે સહુ જાણીએ છીએ કે આપણે સમય ચૂકી ગયા છીએ. મૂળ તો મુખ્ય મુદ્દો જ ચૂકી ગયા છીએ. વાત કદી પ્રકૃતિ બચાવવાની હતી જ નહીં. વાત તો હતી માનવજાતને બચાવવાની. બુદ્ધિનું બળ બતાવવાની હોડમાં આપણે જે ભાન ભૂલ્યા, એની કિંમત ભવિષ્યની પેઢીઓએ ચૂકવવી જ રહી.
ખેર, આજે ભૂતકાળની ભૂલો ને ભવિષ્યની ભયાવહતાની વાતો નથી કરવી. આજે વાત કરવી છે પ્રકૃતિની. હા, એને જાળવી નથી શક્યા. તો હવે શું? ચાલો, એને થોડો પ્રેમ કરી જોઈએ. જરીક સિમેન્ટના પાંજરામાંથી બહાર નીકળીને એને સ્પર્શીએ કદી. સ્ક્રીનમાંથી નજર ઉઠાવીને એની સુંદરતાને ય માણીએ.
કો'ક તળાવની પાળે, નદી તટે કે દરિયાકાંઠે મોડી રાત્રે બેસીને શાંત ચિત્તે એનું સંગીત સાંભળ્યું છે? દરેક વખતે નવી ધૂન ક્યાંથી લાવતી હશે? ને મનના દરેક ઉદ્વેગને શાંત કરી દેનાર એનો ભીનો ચરણસ્પર્શ, આહા!
પહાડોની ઊંચાઈમાં એની કોઈ પણ પરસ્થિતિમાં અડગ રહી સાથ આપવાની મક્કતા વર્તાય છે તો પેલી ખીણની ઊંડાઈમાં એની નાની નાની વાતે રડી પડતી લાગણીઓ પડઘાય છે. ઉત્તુંગ શિખરોથી ઝરતાં ઝરણાઓના વહેતા વળાંકોથી વધુ ઉત્તેજક કશું હોઈ શકે?
પેલા કેસુડાથી લઈને ગરમાળા અને ગુલમહોરથી લઈને ચંપા સુધીના રંગો એના... નજરને ઠારવા એને બીજા કોઈ શૃંગારની જરૂર પડી છે કદી? રાતરાણીથી મોગરા સુધી એની સુગંધમાં જે માદકતા છે એ કોઈ પ્રેમીની પ્રિય ગંધથી ઓછી લાગે? લીમડા કે વડના છાંયે આડા પડી ટેકવાતું માથું પ્રિયતમના ખોળાનો ભાસ નથી આપતું?
ભીડથી દૂર કોઈ એકાંત સ્થળે શ્વાસમાં ખેંચાતી એ હવા ચુંબન જેવી લાગી છે ને? વરસતા વરસાદમાં ભીંજાતા શરીર અને સંભોગ સમયના પ્રસ્વેદમાં સામ્યતા નથી જણાઈ કદી? ઉગમણીએ મિલનનું તેજ ને આથમતી સંધ્યાએ ઘેરાતો વિરહનો અંધકાર ક્ષિતિજ પર કેટકેટલા કાવ્યો લખી જાય છે! પેલા ચંદ્રનું વારંવાર રિસાઈને સંતાઈ જવું ને તારલાઓનું મંદ મંદ મુસ્કાઈને એને મનાવવું – કેવી સુંદર પ્રણયકથા!
પ્રકૃતિ સમર્પિત પ્રેમિકા છે. એ જે પણ આપે છે, અનહદ આપે છે. માંગ્યા કરતા વધારે આપે છે. વગર માંગ્યે ય આપતી રહે છે. શરતો વિના આપે છે. અપેક્ષા વિના આપે છે. હા, કદીક અવગણનાથી અકળાય તો આક્રોશ પણ અનહદ ઠાલવે છે. પણ પછી સઘળું ભૂલીને, માફ કરીને, ફરી એ જ સમર્પણ સાથે અનહદ પ્રેમ કરે છે.
પ્રકૃતિનો પ્રેમ સરળ છે, એટલે જ એને પ્રેમ કરવો સરળ છે. પ્રેમ કરશું તો આપોઆપ જાળવી લઈશું એને. ને એ તો જાળવી જ જાણે છે ને આપણને!
- કૃતિ શાહ








