શતરંગ / ‘પ્રેમ અને લગ્ન’ - સરખું સરખું કે અલગ અલગ?
- કાગળ પરના પંખી ટહુકયાં આપણે ઘણી વાર બધાને પૂછીએ છે કે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે? એટલે

- કાગળ પરના પંખી ટહુકયાં
આપણે ઘણી વાર બધાને પૂછીએ છે કે તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે? એટલે સાદું સમજીએ તો પ્રેમ કરીને લગ્ન કર્યા છે કે નહિ એ આપણે જાણવાનો પ્રયત્ન કરતાં હોઈએ છીએ... પણ આપણે એવું પણ પૂછવું ના જોઈએ કે અરેન્જ મેરેજ થયા પછી પ્રેમ થયો કે નહિ? કોઈ કહેશે કે એમનો સંસાર શરુ થયો, એમને બાળકો આવ્યા, લગ્ન પછી તો એણે કેટલી પ્રગતિ કરી? એ બધું તો ઠીક પણ શું બાળકો હોવા, ફોટોફ્રેમમાં સુંદર ફેમીલી ફોટો હોવો, દર વર્ષે બે થી ત્રણ વાર ફેમીલી ટ્રીપ પર જવું, સ્ટેટ્સ અને સ્ટોરીમાં સારા ફોટા મુકવા, બર્થ ડે અને એનીવર્સરી ઉજવવી અને ક્યારેય ના ભૂલવી, પતિ-પત્નીને અને પત્ની-પતિને દર વર્ષે સારી અને મોંઘી ભેટ આપે એટલે લગનમાં બહુ પ્રેમ છે એ સાબિત થઇ ગયું? કોઈ વ્યક્તિ કોઈ લગનમાં ખુશ છે કે નહિ એના શું માપદંડો? ઉપર લખ્યા એ બધા જ? ઘણી વાર આપણે એવું જોઈએ છે કે પ્રેમ લગ્ન કરીને પણ કેટલાક છુટા પડી જતાં હોય છે તો કેમ છુટા પડતાં હશે એમાં તો પ્રેમ હતો ને? તો એ છુટા ના પડવા જોઈએ ને? એવી જ રીતે આપણે ઘણી વાર એમ પણ જોતા હોઈએ છે કે કોઈ કોઈની સાથે આખી જિંદગી વિતાવી દે પણ તેમ છતાંય એ એને પ્રેમ ના કરી શકે તો આવું કેમ? લગ્ન કરીએ એટલે પ્રેમ તો કરવાનો જ હોય ને તો અહીં એ પણ અગત્યનું છે કે પ્રેમ કરવામાં આવે કે પછી થઇ જાય? અને આ બધું જ સમજતાં પહેલા આપણે એ સમજવું પડશે કે લગ્ન એક ખુબ પવિત્ર વ્યવસ્થા છે પણ એમાં પ્રેમ હોય જ એ જરૂરી નથી.
ઘણી સ્ત્રીઓ એવી હશે કે જે પ્રેમ કોઈની સાથે કરતી હશે અને લગ્ન કોઈ બીજા સાથે થયા હશે અને પછી એક આદર્શ પત્ની, એક આદર્શ માં, એક આદર્શ વહુ બની એ એની આખી જિંદગી વિતાવી દેતી હોય છે પણ તેમ છતાંય જો જીવનના છેલ્લા પડાવમાં એને પૂછશો કે શું તમે આ લગ્નમાં પ્રેમ કરી શક્યા તો એ ‘ના’ કહેશે...
આપણે ઘણી વાર એવું પણ સાંભળીયે છીએ કે, “પ્રેમનું તો શું છે એક વાર લગ્ન થઇ જાય એટલે પ્રેમ આપોઆપ થઇ જાય” પણ એવું કેવી રીતે શક્ય છે? જયારે એક અરેન્જ મેરેજ કરવામાં આવે છે ત્યારે માતા-પિતા અને પરિવાર જુએ છે નાત-જાત સમાજ, દેખાવ, રૂપ, પૈસો અને પછી સગપણ નક્કી કરે છે, જયારે પ્રેમને જેને પ્રેમ કરીએ એના સિવાય કશું દેખાતું જ નથી. નહિતર રાધા અને કૃષ્ણના લગ્ન નહોતા થયા પણ એ પ્રેમ તો કરતા જ હતા ને, કૃષ્ણના રુકમણી સાથે લગ્ન થાય હતા પણ એ રાધાને ચાહતા જ હતા ને...
પ્રેમ અને લગ્ન એ એક જ નદીના બે કિનારા છે. જેની વચ્ચે વહે છે જીવન નામની નદી...કોઈ વ્યક્તિ જેને પ્રેમ કરે અને એની સાથે જ લગ્ન કરે અને આખી જિંદગી એને જ પ્રેમ કરતો રહે એનાથી મોટું સુખ જગતમાં બીજું કોઈ નથી..દરેક અરેન્જ મેરેજમાં પ્રેમ હોય એ ખુબ શ્રેષ્ઠ બાબત છે પણ મેરેજ હોય એટલે પ્રેમ હોય જ એ જરૂરી નથી. પ્રેમ એ જીવનની સુંદર ઘટના છે એ જીવનને નવા આયામો બતાવે છે, નવી દિશાઓ બતાવે છે, જીવનને નવી આશાઓ આપે છે એ જગતમાં છે તો જગતનું અસ્તિત્વ ટકી રહ્યું છે અને લગ્ન એક એવી વ્યવસ્થા છે કે જેની પવિત્રતાના આધારે સમાજ ટકી રહ્યો છે તો હવે એ જ સમજવાનું રહ્યું કે બે અલગ અલગ વાતો અને વસ્તુઓને એક જ કાચથી જોવાની જગ્યાએ અલગ એકાગ કાચથી જોવા જોઈએ, બંનેના અલગપણાને સ્વીકારવા અને બંનેના હોવાપણાને સન્માન આપવું...કારણ કે પ્રેમ અને લગ્ન બંને આમ સાથે જોડાયેલા અને આમ અલગ અલગ છે પણ જેટલો જીવનમાં પ્રેમ જરૂરી છે એટલા જ માણસના જીવનમાં લગ્ન પણ જરૂરી છે.
- અર્ચના તેજસિંહ ચૌહાણ








