શતરંગ / લેફ્ટ વિંગ- રાઈટ વિંગ: કોણ જમણેરી, કોઈ ડાબેરી, કેવી રીતે ચાલુ થઈ આ પ્રથા?
- પન્ના પલટીએ લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, રિઝલ્ટ પણ આવી ગય

- પન્ના પલટીએ
લોકસભાની ચૂંટણી પૂરી થઈ ગઈ, રિઝલ્ટ પણ આવી ગયા. કેન્દ્રમાં સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદીની આગેવાનીમાં NDAની સરકાર બનશે. સદનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્થાન મળશે, જે પોતપોતાના વિસ્તાર અને વિષયને સંસદમાં મૂકશે. આમાં, એક સત્તાધારી પક્ષના સાંસદો સદનની જમણી બાજુએ જ્યારે બીજા પક્ષના સાંસદો ડાબી બાજુએ બેસશે. જેમને અનુક્રમે જમણેરી અને ડાબેરી કહેવામાં આવે છે. આપણે રાજકારણમાં આ શબ્દોનો ઉપયોગ અને ઉલ્લેખ અવારનવાર જોયો છે પરંતુ શું તમને ખબર છે કે, અસલમાં આ જમણેરી અને ડાબેરીઓનું વર્ગીકરણ કેવી રીતે થયું? કેવી રીતે જીતેલા પક્ષના લોકોનું સદનમાં જમણી બાજુએ અને અન્ય પક્ષના લોકોનું ડાબી બાજુએ બેસવાનું પ્રચલન ચાલુ થયું?
વાત છે 18મી સદીની. ફ્રાન્સમાં એક રાજાનું શાસન હતું, લુઈસ 16મો. આ સમયમાં ફ્રાન્સના લોકો ત્રણ વર્ગો (એસ્ટેટ)માં વહેંચાયેલા હતા. ધનવાન, મધ્યમ વર્ગીય અને ત્રીજો ગરીબ વર્ગ જેને થર્ડ એસ્ટેટ કહેવામાં આવતો. રાજા દ્વારા લગાવવામાં આવેલા કરનો લગભગ તમામ બોજ આ થર્ડ એસ્ટેટના લોકો સહન કરતા હતા. રાજ્યના 90 ટકા લોકો આ થર્ડ એસ્ટેટમાંથી હતા અને બાકીના 10 ટકા લોકો ગરીબોની મહેનત પર જાહોજલાલી ભોગવતા હતા.
લુઈનો એક દરબાર હતો. જેમાં સમાજના તમામ વર્ગોના લોકો સ્થાન હતું. રાજાને જ્યારે કોઈ નિર્ણય કરવાનો હોય ત્યારે તેણે આ દરબારની મંજૂરી લેવાની રહેતી હતી. આ દરબારમાં કુલ 1200 લોકોને સ્થાન હતું, ફર્સ્ટ એસ્ટેટના ત્રણસો, સેકન્ડ એસ્ટેટના 300 અને થર્ડ એસ્ટેટના 600. જોકે, આપણે ત્યાં જેમ દરેક વ્યક્તિને વોટનો અધિકાર છે તેવું ત્યાં નહોતું. જ્યારે કોઈ નિર્ણય લેવાનો થાય અને વોટિંગ કરવાનું આવે ત્યારે દરેક એસ્ટેટમાંથી એક જ વોટ આપવામાં આવતો જે તે એસ્ટેટના પ્રતિનિધિ દ્વારા નાંખવામાં આવતો. હવે આવામાં જ્યારે ટેક્સ વધારાની બાબતે મંજૂરી લેવામાં આવી તો સ્વાભાવિક હતું કે જે લોકોએ ટેક્સ ચૂકવવાનો જ નહોતો તેવા ઉપરના બંને વર્ગોના પ્રતિનિધિઓએ ટેક્સ વધારવાના તરફેણમાં વોટ કર્યો! અને આવું દર વખતે થતું જ હતું. દર વખતે ધનવાનો પક્ષમાં જે હોય તે જ કાયદો બનતો. લોકોના મનમાં ધીમે-ધીમે અસંતોષ વધી રહ્યો હતો. છતાંય જેમ-તેમ દિવસો નીકળી રહ્યા હતા.
એક દિવસ રાજાનો ખજાનો ખાલી થઈ ગયો અને તેણે ફરી એકવાર ટેક્સ વધારવાની વાત કરી. ગરીબ લોકો પહેલેથી જ મારી નાખે તેવો ટેક્સ ભરી રહ્યા હતા અને ફરી એકવાર તેમાં થવા જઈ રહેલા વધારાથી તેઓ ભડકી ઉઠ્યાં. આ સમયમાં ફ્રાન્સમાં એક ફિલોસોફર રૂસો ખૂબ ફેમસ થઈ રહ્યો હતો. તેણે એક પુસ્તક લખ્યું હતું 'ધ સોશિયલ કૉન્ટ્રાક્ટ.' આ પુસ્તકમાં પ્રગટ કરવામાં આવેલા ખ્યાલોને ખૂબ પ્રશંસા મળી રહી હતી. રૂસોએ પુસ્તકમાં દરેક વ્યક્તિ પાસે મતાધિકાર હોવાની વાત કરી હતી. પહેલા બંને વર્ગના લોકો રૂસોની આ વાતથી સહમત નહોતા પરંતુ થર્ડ એસ્ટેટના લોકોએ તેને વધાવી લીધી. તેમણે રાજાના અધિકારોને મર્યાદિત કરવા માટે બળવો કર્યો. પરિણામે ફ્રાન્સમાં નેશનલ એસેમ્બલી અને બંધારણનું નિર્માણ થયું.
આ ક્રાંતિના હીરો હતા મિરાબો એરેબેસિયસ, જે પોતે અમીર પરિવારમાંથી આવતા હતા પરંતુ તેઓ ગરીબ વર્ગના લોકોની પીડાને સમજતા હતા એટલે તેઓ તેમના પક્ષે હતા. તેમણે આ ક્રાંતિમાં આગેવાની કરી. આ સમયમાં ફ્રાન્સમાં પાકનું ઉત્પાદન ખૂબ ઓછું થયું, ડિમાન્ડ અને સપ્લાયની કડી તૂટી ગઈ જેના કારણે દેશમાં ફુગાવો વધવા લાગ્યો. પ્રજા પહેલેથી જ રાજા પર ખિજાયેલી હતી એમાં સંગ્રહખોરી અને કાળાબજારીને લીધે તેમને ભૂખે મરવાનો વખત આવ્યો. આનાથી લોકોની સહનશક્તિ ખતમ થઈ ગઈ અને તે રોડ પર ઉતરી આવ્યા. લોકો એટલા રોષે ભરાયેલા હતા કે તેમણે રાજકીય સ્મારકો અને દસ્તાવેજોને તહેસ-નહેસ કરી નાખ્યા. છેવટે પ્રજાના ગુસ્સા સામે લુઈએ ઝૂકવું પડ્યું. આ જ બળવાને આપણે ફ્રાન્સની ક્રાંતિ અથવા નવજાગરણ યુગ તરીકે ઓળખીએ છીએ.
ખેર, લુઈએ ફરી એકવાર દરબાર ભર્યો. પણ હવે તેમાં ત્રણને બદલે બે જ પક્ષ હતા. એક પક્ષ હજુ પણ રાજાની બાજુએ હતો જ્યારે બીજો પક્ષ બંધારણ અને નેશનલ એસેમ્બલીની બાજુએ. રાજાને સમર્થન આપનારા લોકો તેની જમણી બાજુએ જ્યારે તેના વિરુદ્ધમાં રહેલા લોકો તેની ડાબી બાજુએ બેસવા લાગ્યા. અહીંથી જ પ્રથા શરૂ થઈ લેફ્ટ વિંગ અને રાઈટ વિંગની જેને દુનિયાના મોટાભાગના લોકશાહી દેશો આજે પણ અનુસરે છે.
- આગંતુક








