શતરંગ / મનને જીતવાનો કૃષ્ણ ચીંધ્યો માર્ગ...
- ગીતા Talks કૃષ્ણના મુખે ગીતાના ૨૦૧ શ્લોક સાંભળ્યા-સમજ્યા બાદ અર્જુન કહે છે કે, “હે મધુસુદન, તમાર

- ગીતા Talks
કૃષ્ણના મુખે ગીતાના ૨૦૧ શ્લોક સાંભળ્યા-સમજ્યા બાદ અર્જુન કહે છે કે, “હે મધુસુદન, તમારી બધી વાત સાચી પણ આ મનનું શું કરવું?”
એવું કહેવાય છે ને શરીર એ હાર્ડવેર છે, મન એ સોફ્ટવેર છે. સોફ્ટવેરમાં વાઈરસ આવી જાય તો એ કઈ જ ના કરવા દે, એરર આવે, ફાઈલો કરપ્ટ થઈ જાય, સીસ્ટમ હેંગ થઇ જાય. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ મનના સોફ્ટવેરનું એન્ટી વાઈરસ સ્કેનીંગ છે. એ સ્કેનીંગ સતત કરતું રેહવું પડતું હોય છે. એ સ્કેનીંગ એટલે એવેરનેસ-સજાગતા, સાક્ષીભાવ...પણ એ સજાગતા તરત નથી આવતી હોતી.
એટલે જ તો કૃષ્ણના મુખે ગીતાના ૨૦૧ શ્લોક સાંભળ્યા-સમજ્યા બાદ અર્જુન કહે છે કે, “હે મધુસુદન, તમારી બધી વાત સાચી પણ તમે જે યોગ કહ્યો એ મારી ચંચળતાને લીધે હું સ્થિરતાથી સમજી નથી શકતો. કેમ કે હે કૃષ્ણ મન ખુબ ચંચળ, જીદ્દી અને બળવાન છે. એને વશમાં કરવું વાયુને વશમાં કરવા જેવું લાગે છે.”
૨૦૧માં કૃષ્ણએ આટઆટલું સમજાવ્યા બાદ અર્જુન આમ પૂછે છે ત્યારે જવાબમાં કૃષ્ણ ૨૦૨મો શ્લોક, અત્યંત મહત્વનો એવો શ્લોક બોલે છે, અધ્યાય 6નો ૩૫મો શ્લોક:
असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलं।
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते ।।6.35।।
કૃષ્ણ કહે છે કે, “असंशयं महाबाहो...કે હે મહાબાહો, એમાં કોઈ જ સંશય જ નથી કે मनो दुर्निग्रहं चलं છે, તારી વાત બિલકુલ સાચી છે કે મન ચંચળ છે, અને એનો નિગ્રહ-એને વશમાં કરવું અઘરું છે. પણ મનને વશમાં કરવાનો ઉપાય છે, એ ઉપાય એટલે अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते. હે કુંતીપુત્ર! આવા ચંચળ મનને અભ્યાસ (practice) અને વૈરાગ્ય (detachment) દ્વારા વશમાં કરી શકાય છે.
આ શ્લોક સૌથી પહેલા એક સુંદર સાયકોલોજીકલ સંદેશ છે. અર્જુન જ્યારે મનની સામે પોતાની નબળાઈ કહે છે, એના જવાબમાં કૃષ્ણ પહેલા તો કહે છે કે, હા... અસંશય (Undoubtedly), બેશક તારી વાત તો સાચી છે. મનને કાબુમાં કરવું અઘરું તો છે જ.” અહી કૃષ્ણ સાયક્યાટ્રીટ છે, એ વાત પૂરી સાંભળે છે. આ સાથે કૃષ્ણએ અર્જુનને જે સંબોધન કર્યું છે એ મહત્વનું છે: असंशयं महाबाहो...આ ‘મહાબાહો’ સંબોધન અર્જુને પણ કૃષ્ણને ઘણીવાર કર્યું છે. અહી કૃષ્ણ કહે છે કે અર્જુન તારી વાત સાચી પણ તું તો મહાબાહો છો. તે ભૂતકાળમાં કેવા કેવા વિજયો મેળવ્યા છે. બીજા પર વિજય મેળવે એ વીર પણ પોતાના પર વિજય મેળવે એ મહાવીર...જેમ જામ્બવાન હનુમાનજીને એની ભુલાયેલી શક્તિઓ યાદ અપાવે છે એમ કૃષ્ણ અર્જુન યાદ અપાવે છે કે તું તો આવો મહાબાહો છે. તું આ ચંચળ મન પર વિજય મેળવી જ શકે છે, અને મનને જીતવાના બે જ રસ્તા છે ૧) અભ્યાસ અને ૨) વૈરાગ્ય...
ડ્રાઈવિંગ શીખીએ ત્યારે પહેલા આપણું મન કેટલું ગભરાતું હોય છે. પણ જેમ જેમ કરતાં જઈએ એમ એમ એટલું સહજ થઇ જાય કે આપણે ભારતમાં તો લોકો એકટીવા પર પલાંઠી મારીને, ફોન પર વાત કરતાં કરતાં ડ્રાઈવિંગ કરતાં હોય એવા એક્સપર્ટ થઇ જાય છે. છોકરીઓ વઘાર કરતાં શીખે ત્યારે પહેલી વાર વઘારનો છમકારો થાય ત્યારે ત્રણ ફૂટ આઘા ખસી જતી હોઈ..પછી તો એવી પ્રેક્ટીસ થઇ જાય કે વાતો કરતાં કરતાં ત્રણ સ્ટવ પર એકસાથે ત્રણ ત્રણ વસ્તુઓ બનતી હોય કોઈ પણ માણસ દોડવાનું શરુ કરે...પ્રેક્ટીસ ના હોય તો પહેલા દિવસે બને કે માંડ અડધો કિલોમીટર દોડી શકે, પણ સતત પ્રેક્ટીસ કરે તો પોણો કિલોમીટર, એક કિલોમીટર, બે કિલોમીટર અને પાંચ પાંચ કિલોમીટર એકધારું આસાનીથી દોડી શકે...અભ્યાસ...અભ્યાસ...અભ્યાસ...એના સિવાય કોઈ શોર્ટ કટ નથી હોતો.
અભ્યાસની સાથે સૌથી જરૂરી છે વૈરાગ્ય. કૃષ્ણ બધું છોડીને સન્યાસી કે વૈરાગી થઇ જવાનું નથી કહેતા. ગીતા તો કહે કે, ‘સંસારમાં સરસો રહે ને મન રહે મારી પાસ.” કૃષ્ણ કહે કે સંસાર રહીને બધી ફરજો અદા કરવાની છે. પણ એ બધું કરતાં તારું મન મારી પાસે હોય. એટલે વૈરાગ્ય એવી રીતે કે જીવનમાં આવતા પ્રલોભનો, આકર્ષણો, લાલચો વગરે વગરેથી બને એટલા ખેંચાયા વિના કાર્યરત રહેવાનું છે.મનને શિસ્તબદ્ધ કરવા detach તો કરવું જ પડે.
કૃષ્ણ પણ વ્હાલા ગોકુળને, વ્હાલી યશોદા માને... નંદબાબાને... ભાઈબંધોને... ગોપીઓને.. ગાયોને... વનરાવનને... અને રાધાને છોડીને પોતાના જીવનકાર્યો નિભાવવા ચાલી નીકળે છે,કૃષ્ણને આ છોડવું કેટલુ વસમું પડ્યું હશે એતો આપણી કલ્પના બહારની વાત છે.વાત એ છે કે કૃષ્ણનું આ કેટલું મોટું detachment છે!
ગીતાવિચાર:
જેમાં બે વ્યક્તિ એકમેકને સાંભળે એ સંવાદ..જેમાં પોતાનો જ કક્કો ખરો એમ હાંક્યા કરે એ વિવાદ.
- મિલી મેર








