મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / પ્રશ્ન પૂછવાની પરંપરાને પોંખે છે કૃષ્ણ

- ગીતા Talks તર્કમાં સંવાદ સર્જાયછે, વિતર્કમાં વિસંવાદ પેદા થાય છે. સંવાદમાં પ્રશ્નોનાં જવાબો મળે છે, જ્

શતરંગ / પ્રશ્ન પૂછવાની પરંપરાને પોંખે છે કૃષ્ણ

- ગીતા Talks

તર્કમાં સંવાદ સર્જાયછે, વિતર્કમાં વિસંવાદ પેદા થાય છે. સંવાદમાં પ્રશ્નોનાં જવાબો મળે છે, જ્યારે વિસંવાદમાં તો પ્રશ્નો ઉભા થાય છે.

કૃષ્ણ મુખેથી ગીતા રૂપી જ્ઞાનની ધારા વહી એનું નિમિત્ત છે અર્જુનની સંવેદનશીલતા...અર્જુન સમર્થ છે પણ એટલો જ સંવેદનશીલ છે. પણ એ સંવેદનશીલ છે એટલા માત્રથી કૃષ્ણ એની પાસે ગીતાજ્ઞાન ખુલ્લું મુકતા નથી, કૃષ્ણના ગીતાજ્ઞાનના ગર્ભગૃહ સુધી પહોંચવા અર્જુન હરેક બારણે પ્રશ્નોનાં ટકોરા મારતો જાય છે અને કૃષ્ણ દ્વાર ખોલતા જાય છે. એટલે આજે એમ થાય કે વાત કરીએ પ્રશ્નોની, પ્રશ્ન કરવા કેવી રીતે, કોને કરવા, શા માટે કરવા જોઈએ એની વાત કૃષ્ણ જ કહે છે.

ગીતાના ચોથા અધ્યાયનો 34મો શ્લોક છે:

तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया।
उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः

આ મારો પ્રિય શ્લોક છે. આપણે આ શ્લોકનો સરળ અર્થ જોઈએ તો કૃષ્ણ અહીં કહે છે કે, 'તું તત્વદર્શી અને જ્ઞાની પાસે જઈને પ્રણીપાતેનપૂર્વક એટલે આમ તો દંડવત પ્રણામ કરીને પણ સરળતાથી વાત કરીએ તો કોઈ એવા જ્ઞાની પાસે જા, એને સેવીને ખૂબ નમ્રતા પૂર્વક એ જ્ઞાનીને પરિપ્રશ્ન કરવાથી જ્ઞાન પ્રાપ્તિ થાય છે, ઉકેલો મળે છે.

અહીં કૃષ્ણએ કેટલો સરસ વાપર્યો છે: 'પરિપ્રશ્ન'

જ્યાં સુધી મને સમજાયું ત્યાં સુધી પરિ  પ્રશ્ન એટલે પ્રશ્નમાંથી પ્રશ્ન થાય એ પૂછતું જવું. ફરી ફરી પૂછતું જવું એ. અર્જુન એક પ્રશ્ન પૂછે છે કૃષ્ણ એનો જવાબ આપે છે, વળી અર્જુનને જવાબમાંથી જ આગળ બીજો પ્રશ્ન થાય છે. એમ એમ કરતાં એ ગીતા પામે છે. એટલે આગળ કહ્યું એમ પ્રશ્નથી એક દ્વાર ખુલે પછી અંદર બીજું દ્વાર જોવા મળશે, ત્યાં ફરી પ્રશ્નના ટકોરા મારવાની વાત છે. એ ટકોરા છે એ પરિપ્રશ્ન છે.

નરેન્દ્ર નામનો એક યુવાન પણ રામકૃષ્ણ પરમહંસના જ્ઞાનના દરવાજે આમ જ પ્રશ્નોના ટકોરા મારતો મારતો વિવેકાનંદ બની ગયો હતો ને!

પરિપ્રશ્નેન સેવયા...આમ પ્રશ્ન પૂછવો એ એક કલા છે, ને જવાબ આપવો એ પણ...એક જ્ઞાની અને ડાહ્યાવ્યક્તિને કોઈએ પૂછ્યું કે, 'તમે આટલું સરસ જ્ઞાન કેવી રીતે મેળવ્યું?'

પેલી વ્યક્તિએ કહ્યું, 'બેશરમ થઈને…'

પેલા ફરી પૂછ્યું કે, 'બેશરમ થઈને એટલે કેવી રીતે…?'

ડાહી વ્યક્તિએ કહ્યું, 'હું કોઈપણ બાબત ન જાણતો હોઉ, એ નાનામાં નાની બાબત હોય તોપણ મને ન જાણ હોય તો લોકો શું વિચારશે કે, 'આ તો જો કેવો મૂર્ખ છે , આને આટલી નાની વાત ય નથી ખબર.' એવી કશી શરમ રાખ્યા વિના, હું બેશરમ થઈને પ્રશ્નો પૂછી લેતો. જ્યાં સુધી મને સમજ ના પડે ત્યાં સુધી પૂછતો રહેતો…'

એક બાળકની માતાને સ્કૂલના ટીચરે કહ્યું કે, 'તમારો બાળક સાવ સ્ટુપીડ છે, કેટલા પ્રશ્નો કરે છે.’ 'બાળકની મધરે કહ્યું, 'મારું બાળક પ્રશ્નો કરે છે એટલે એ સ્ટુપીડ? હવેથી એ તમને પ્રશ્નો નહીં કરે. હું એને ઘરે ભણાવીશ…'

એ ખૂબ પ્રશ્નો કરતો સ્ટુપીડ બાળક એટલે થોમસ આલ્વા એડિસન.

લોકો સ્ટુપીડ કહે એવું બને પણ આમ કૈક જાણવા માટે બેશરમ થવું એટલે પોતાના ઇગોને છોડવો. હું જાણું છું એ અહં મૂકીને અજ્ઞાનના સ્વીકાર સાથે જિજ્ઞાસા પ્રગટ કરવી. એટલે જ આપણી પરંપરામાં પ્રશ્ન કરનારને પણ સન્માન મળ્યું છે. પ્રશ્ન કર્યા વગર ચુપચાપ પરંપરાઓને ફોલો કરવાથી વારસાનું વહન તો થાય છે, પણ સંવાદ-ડાયલોગ રચાતો નથી હોતો. સંવાદ થાય છે પ્રશ્ન કરવાથી…

સારો પ્રશ્ન સારા તર્કમાંથી જન્મતો હોય છે, આપણે કહીએ કે આજની નવી જનરેશન પ્રશ્નો કરે છે, તર્કો કરે છે, પણ એ પ્રશ્ન કે તર્ક કરે તો સારી બાબત છે, હરેક નવી પેઢી ઓછા વત્તા અંશે પ્રશ્ન કરતી જ આવી હશે. એટલે માનવ સમાજ પરિવર્તનશીલ રહ્યો. જે તર્ક કરે છે એ કદાચ સંવાદ ઝંખે છે...પણ જેમને પ્રશ્નો થાય છે એમણે પણ એક વાત યાદ રાખવી પડે કે પ્રશ્ન માત્ર તર્કમાંથી જ નહીં, વિતર્કમાંથી પણ જન્મે છે, ઉલટા વિતર્કમાં તો વધુ પ્રશ્નો થાય છે.

આ તર્ક અને વિતર્ક વચ્ચે એક પાતળી રેખા છે. અર્જુન પણ તર્ક કરે છે. કૃષ્ણ પણ તર્ક કરે છે, વૃંદાવનમાં વર્ષોથી થતી ઇન્દ્રની પૂજા સામે બાળ કૃષ્ણ પ્રશ્ન કરે જ છે અને સાક્ષાત પ્રકૃતિની પૂજા માટે પ્રેરે છે. કંસને માખણ, દહીં, દુધનું દાણ શા માટે? એવો સામાજિક પ્રશ્ન એમણે કેટલી નાની વયે કર્યો છે. ઇવન કૃષ્ણએ સજ્જનોની સાથે ઉભા રહેવા જ્યાં જ્યાં પણ નિયમો તોડ્યા એ ખરેખર તો એમના તર્ક છે- પરંપરા સામે એમના પ્રશ્નો જ છે.

ગીતા વિચાર:

તર્કમાં જિજ્ઞાસા હોય છે. વિતર્કમાં અહં ડોકાતો હોય છે તર્કમાં સંવાદ છે, વિતર્કમાં વિસંવાદ છે. સંવાદમાં પ્રશ્નોનાં જવાબો મળે છે, જ્યારે વિસંવાદમાં તો પ્રશ્નો ઉભા થાય છે.

- મિલી મેર

આ સમાચાર શેર કરો