શતરંગ / કૃષ્ણ આજની જનરેશનના ગમતીલા ‘ગોડ’ છે. કેમ કે એ કહેતા પહેલા આચરી બતાવે છે!
- ગીતા Talks આપણે અગાઉ કોઈને કોઈ દ્વારા થઇ ગયેલ વાતો, વર

- ગીતા Talks
આપણે અગાઉ કોઈને કોઈ દ્વારા થઇ ગયેલ વાતો, વર્તન, કાર્યોને આપણા સ્વભાવ, સમય અને ક્ષમતા પ્રમાણે ઢાળીને જીવતા હોઈએ છીએ.
જીવનના નવ રસ છે, એવું વિદ્વાનો કહે છે: શૃંગાર, કરુણ, વીર, રૌદ્ર, હાસ્ય, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત... હવે જીવન તત્ત્વના આ નવેય રસ પર કૃષ્ણના ચરિત્રને મુકીને તપાસીએ કૃષ્ણએ નવે નવ રસ પર અમીટ છાપ છોડી છે. એ નવેય રસને કેમ જીવવા-કેમ પચાવવા એનો લાઈવ ડેમો એટલે કૃષ્ણજીવન. એટલે જ કૃષ્ણ આજની જનરેશનના ગમતીલા ‘ગોડ’ છે. એ માત્ર મારી જેમ વાતો નથી કરતાં, એ પહેલા આચરી બતાવે છે
કહેતા પહેલા આમ આચરી બતાવવું એટલે લોકસંગ્રહ, આપણે આગળ અહીં વાત કરી હતી કે ગીતાએ કેટલા સાવ પોતીકા શબ્દો આપ્યા છે, એવો શબ્દ છે આ લોકસંગ્રહ. ઓશો એ એક વાત ખૂબ સરસ કહી છે કે આ દુનિયામાં કશું મૌલિક નથી. We all are editors, not creators. આપણે અગાઉ કોઈને કોઈ દ્વારા થઇ ગયેલ વાતો, વર્તન, કાર્યોને આપણા સ્વભાવ અને ક્ષમતા પ્રમાણે ઢાળીને જીવતા હોઈએ છીએ. વિષ્ણુના દશ અવતારમાં રામ અને કૃષ્ણ આ બે અવતારે લોક હદય પર અમીટ છાપ છોડી છે. રામે જે રીતે જીવન જીવ્યું એ આદર્શ જીવનની શીખ હતી કે આટલી તકલીફો અને દુ:ખ વચ્ચે એક ઉત્તમ રાજા તરીકેની ફરજ કેમ નિભાવી શકાય. એમ કૃષ્ણના જીવનમાં તો રાજ્ય કે રાજપદ પણ કયા મહત્વનું હતું. અને એમણે જે કામ કર્યા એ એમને કરવા જરૂરી પણ નહોતા છતાં એમણે કર્યા, કેમ? કૃષ્ણ જ ત્રીજા અધ્યાયમાં કહે છે કે, “જો અર્જુન, મારે કોઈ જ કર્મ કરવા જરૂરી નથી, પણ છતાં હું કર્મ કરું છું...શા માટે? તો એનો જવાબ છે: ‘લોકસંગ્રહ’.
આપણે ‘ ગીતા talks’ પર ગીતાના ત્રીજા અધ્યાય ‘કર્મયોગ’ના એકવીસમાં શ્લોકને આની પહેલા ઉઘાડ્યો હતો આજે એ વાતને થોડા વધુ વિસ્તારથી સમજીએ તો અહી કૃષ્ણ કહે છે,
यद्यदाचरति श्रेष्ठ:स्तत्तदेवेतरो जन: |
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ||3. 21||
અનન્ય ક્ષમતા ધરાવવા છતાં વિષાદ પામેલા અર્જુનને કૃષ્ણ કહે છે, “જો અર્જુન! શ્રેષ્ઠ વ્યક્તિઓ જેવું આચરણ કરે છે, બાકીના લોકો પણ એનું અનુકરણ કરતાં હોય છે. स यत्प्रमाणं कुरुते શ્રેષ્ઠ લોકો પોતાના કર્મ-વર્તન-વાણી દ્વારા જે પ્રમાણ આપતા હોય છે. लोकस्तदनुवर्तते સમાજના લોકો પણ એ જ પ્રમાણે અનુસરતા હોય છે.”
એક મેટ્રો ટ્રેનમાં એક સ્ત્રી પુસ્તક વાંચતી હતી અને એની સાથે રહેલું સાત-આઠ વર્ષનું બાળક પણ પુસ્તક વાંચતું હતું. આ મોબાઈલના જમાનામાં આવું દુર્લભ દૃશ્ય જોઇને કોઈએ સ્ત્રીને પૂછ્યું કે, “ગજબ કહેવાય...આજના બાળકોના હાથમાંથી મોબાઈલ છોડાવવો જ માથાકૂટનું કામ છે, તમારું આ બાળક મોબાઈલ મુકીને પુસ્તક વાંચે છે. આ ચમત્કાર કેમનો કર્યો?” પેલી સ્ત્રીએ કહ્યું, “બાળકો કહેલું નથી કરતાં...બાળકો જોયેલું કરે છે.” એ સ્ત્રીને મોબાઈલની નહિ પણ પુસ્તકની ટેવ હતી તો આપોઆપ બાળક અનુસરવા લાગ્યું. આપણે ત્યાં કહેવત છે ને કે,કુવામાં હોય એ હવાડામાં આવે…”, એ કુવો એ માતા-પિતાનું, સમાજના આઇડીયલ કહેવાતા લોકોનું વાણી-વર્તન અને કર્મ છે. અને હવાડો એ સંતાનો છે, સમાજ છે.
આજકાલ સોશિયલ મીડિયામાં ઘણા લોકો એવા મળે જે રાવણના ગુણગાન કરતાં હોય. અરે સાહિત્ય કે લોકસાહિત્યમાં ય ઘણું એવું લખાયું કે જેમાં સર્જકે ખલનાયકને ગ્લોરીફાય કરવા એને નાયકને નબળો આલેખ્યો હોય. તો એવા કલાકારો કે સાહિત્યકારોની એ જવાબદારી છે એ ખોટા ઉદાહારણોને ગ્લોરીફાય ના કરે. આવા ઉદાહરણો સ્થાપિત થાય તો લાંબા ગાળે દેશ-સમાજને નુકશાન થાય જ. ‘શૂટ આઉટ એટ લોખંડવાલા’માં ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કરનાર પોલીસ ઓફિસરો પર કેસ ચાલતો હોય છે, ત્યારે એનો વકીલ છેલ્લે જજને એક સરસ સવાલ કરે છે કે, “તમારા ઘરની બહાર એક માણસ ગન-બંદુક લઈને ઉભો છે, તો તમે શું ચાહો કે એ માણસ એક ગેંગસ્ટર હોય કે એક પોલીસમેન...?” એક બાળકને મોટા થઈને પોતાના હાથમાં ગન સાથે પાવરફુલ વ્યક્તિ બનવું છે તો એ કયું ઉદાહરણ લે તો સમાજ માટે સારું? એ પોલીસમેન બને એ કે એ ગેંગસ્ટર બને એ ? આ શ્લોકમાં ઉત્તમ સમાજવ્યવસ્થાના પાયારૂપ વાત છે કે તમે લોકસમુદાયને જેવા દાખલા આપશો એવું વર્તન એવું અનુસરણ એ કરશે.
યમુના તિરેથી જરા પારધીના તીર સુધી કૃષ્ણએ કેટકેટલા કર્તવ્યો અદા કર્યા. કૃષ્ણ જ ગીતામાં કહે છે કે એ રીસ્પોબીલીટી નિભાવવા આગળ આવે છે, કારણ માત્ર લોક સંગ્રહ...
ગીતા વિચાર:
ગીતા સમજતા સમજતા એ ખ્યાલ આવે કે ક્રીયેટર ના થઇ શકાય તો કઈ નહિ, કૃષ્ણને કે કોઈપણ સારા લોકોને અનુસરતા એક સારા ફોલોવર, એક સારા એડિટર બની શકાય તો ય ઘણું...
- મિલી મેર








