શતરંગ / વટ,વચન ને વેર રાખો તમારે ઘેર
- વટથી, હકથી ને હુકમથી વટ, વચન ને વેર રાખો તમારે ઘેર કેમકે હવે ચૂંટણી પતી ગઈ છે!! પણ અ

- વટથી, હકથી ને હુકમથી
વટ, વચન ને વેર રાખો તમારે ઘેર
કેમકે હવે ચૂંટણી પતી ગઈ છે!!
પણ અમે ભારતીયો છીએ. એમાં ય ગુજરાતી. અમારે કંઈ ધિંગાણું કરવા ચૂંટણીની જરૂર ન પડે. અમે તો સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ પર બહબહાટી બોલાવી દઈએ ને રાજકોટ અમદાવાદના ગોલા પર ગાળો પણ કાઢી લઈએ!! ભાગલા પાડો ને રાજ કરો એ સૂત્ર અંગ્રેજો ભેગું નથી લઈ ગયા, પાછું તો એવું દઈ ગયા છે જાણે બાપા પોતાના વારસદારોને લોન દઈને ગયા હોય!! છોકરાઓ હપ્તા ભર્યા જ કરે. ભગવદ્ગોમંડળમાં વટની જોડણી ફેરવીને વટ્ટ કરી દેવી જોઈએ, ના એટલે વટ્ટનું અસ્તિત્વ છે જ પણ વટને વટાવી દે એવું કરી નાંખવું જોઈએ કેમકે જે અડધા ટને વટ્ટમાં જે સ્થાન મળ્યું છે એનાં કરતાં બે ગણી ટણી લઈને હવે પ્રજા હાલે છે. બે વેંત અધ્ધર હાલે એનો વાંધો નહિ આ તો બબ્બે વેંત પર ચાર ચાર વટ વાળી વાતો, લાતો ને ચોરે ને પાદરે ન હોય એવી રાતો!! દિલ્હી ખાતે જેટલી ચર્ચા નહિ થતી હોય એટલી તો અમારા સૌરાષ્ટ્ર - કાઠિયાવાડના પાનના ગલ્લે થતી હોય. ક્યા રાજકીય પક્ષના ક્યા ઉમેદવારના પરિવારનો ક્યો છોકરો એને મત નથી આપવાનો એની ચંત્યા ત્યાં થતી હોય!! આઈપીએલમાં ધોનીએ ધોવાઈ જવું જોઈએ કે ખોવાઈ જવું જોઈએ એ નક્કી કરવા માટે દુનિયાના સાડા સાત લાખ લોકો પાસે પંચોતેર લાખ દલીલો છે. કોઈ કરવા દે તો વટ્ટ હુકમ બહાર પાડી દેવા લોકો તૈયાર જ છે! પહેલાંના સમયમાં ફક્ત રાજાને જ વટથી, હકથી ને હુકમથી રહેવાની આદત હતી જ્યારે આજે રાજા કરતાં પ્રજા વગર વાયારનો પાવર, પેનલ વગર ચેનલ દ્વારા છુટ્ટો લઈને ફર્યા કરે છે. ઘરમાં ટીવી કે એસીનું રિમોટ હાથમાં આવતું ન હોય ને લોકશાહી મારા હાથમાં કરીને ફરતી પ્રજાતિ ઉનાળામાં ઉભરાતી લાલ કીડીઓ માફક ઉભરાય છે!! જમાનો બદલાયો છે. પ્રેમનું સ્થાન પૈસા અને પાવરે લીધું છે. આવું પાછા એ લોકો બોલતા હોય જેનું છેલ્લા બે મહિનાનું વીજળીનું બિલ ભરવાનું બાકી હોય. ઉધાર બંધ છે એવું દુકાનમાં લખવા વાળાએ અગિયાર ટકા લેખે લોન અને ચાલીસ દિવસની મુદ્દત સાથે માલ ભર્યો હોય! સ્વચ્છતા અભિયાન અંતર્ગત લીડ લઈને શેરીઓ સાફ કરાવવા વાળાને ઘરે ત્રણ દિવસથી કચરા પોતા ન થયા હોય. શાંતિ જાળવો કહેવા વાળા ઘરે બટેટાનું શાક ન હોય ને ડખ્ખો કરીને આવ્યા હોય. દીકરી ગોળનું ગાડું કહેવા વાળા દીકરીના મનપસંદ જીવનસાથી સાથે લગ્ન કરવાની ના પાડતા હોય એવું પણ બને. સમયને સમયનું કામ કરવા દો એવું કહેવા વાળા ખુદની દાઢી પણ જાતે કરવા તૈયાર ન હોય એવું પણ બને!! કહેના ક્યા ચાહતે હો વાળાને એટલું જ કહેવાનું કે વટ, હક ને હુકમ, જરાય ન રાખો કમ!! હાસ્તો, આપણે કોણ કોઈને સલાહ આપવા વાળા. પાવર હાઉસ વગરનો પાવર પણ રાખવો જ જોઈએ. દેશ કેમ ચલાવવો કે ઝુકરબર્ગે ફેસબૂક ચલાવવું કે બંધ કરી દેવું, ક્રિકેટમાં કોણે ટકી રહેવું, એ બધું નક્કી કરવાનું જ. આપણી પાસે સમય જ સમય છે બોસ. સાચ્ચે. શેરીના નાકે ને વગર વાંકે દંડાય એ કૂતરા અને માણસ વચ્ચેની પાતળી ભેદરેખા ભૂંસવા તૈયાર આપણે સૌ એટલા પથ્થર થઈ ગયા છીએ કે ઉમંગ, ઉત્સાહ ને ઉલ્લાસનું સ્થાન એક એવા જોમ અને જુસ્સાને લીધું છે જે જોખમી બની રહ્યું છે. દરિયો જ શાંત હોય એ પૂરતું નથી ‘રઈશ’, ક્યારેક માત્ર નાવમાં ઉત્પાત હોય છે. – રઈશ મનીઆર આવા જ કોઈ ઉત્પાત અને ઉત્સાહ સાથે મળતા રહીએ વટથી, હકથી ને હુકમથી.. - સ્નેહલ તન્ના





