મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / 'મંથન' વખતની કાઠિયાવાડી યાદો

- ફિલ્મગાથા 'મંથન' ફિલ્મના શૂટિંગના સ્મરણો ફંફોસતી ડોકબારી અહીં ખોલવામાં આવી છે! 'મેં સ્મિતા પાટીલ

શતરંગ / 'મંથન' વખતની કાઠિયાવાડી યાદો

- ફિલ્મગાથા

'મંથન' ફિલ્મના શૂટિંગના સ્મરણો ફંફોસતી ડોકબારી અહીં ખોલવામાં આવી છે!

'મેં સ્મિતા પાટીલને અમારી ભેંસ દોહતાં શીખવાડયું હતું અને મારા પત્ની સાથે સ્મિતાએ રોટલી પણ વણી હતી.'

સૌરાષ્ટ્રના સાંગણવા ગામના મોહનસિંહ જાડેજાએ પાંચ દશકા જૂના સંસ્મરણો સંભારતા મને શ્યામ બેનેગલની 'મંથન' ફિલ્મના શૂટીંગની વાત કરી રહ્યા હતા. એ મંથન ફિલ્મ, જે ૨૦૨૪માં ફરી ચર્ચામાં છે અને અમુક થિયેટરમાં રી-રિલીઝ પણ થઈ છે. ૧૯૭૪-૭૫ની સાલમાં એ બની ત્યારે રાજકોટ નજીકના સાંગણવા ગામમાં દોઢ મહિનો તેનું શૂટીંગ ચાલ્યું હતું અને નસીરુદીન શાહ, સ્મિતા પાટીલ, ફૂલભૂષણ ખરબંદા, અમરીશ પૂરી, મોહન અગાશે, ગિરીશ કર્નાડ સહિતના દિગ્ગજ કલાકારોનો કાફલો સાંગણવા ગામમાં રહેલો અને એ સમયે તમામ વ્યવસ્થા મોહનસિંહ જાડેજાએ સંભાળી હતી. તેઓ તો હું મળ્યો ત્યારે પણ નસીરુદ્દીન શાહ માટે તેના ફિલ્મી પાત્રનું નામ જ બોલે છે, "ભોલુને એક વખત ગુસ્સાનો સીન કરવાનું શ્યામ બેનેગલે કહેલું તો તેણે (વાસ્તવિકતા લાવવા) ગાળ બોલી હતી. શ્યામ બેનેગલે તેને એમ કરવાની ના પાડેલી. પરંતુ ગિરીશ (કર્નાડ) સાથે મને વધારે ફાવી ગયું હતું. અમે વહેલી સવારે ખેતરોમાં પક્ષીઓનો અવાજ રેકોર્ડ કરવા જતા હતા.'

'મંથન'ના એ શૂટીંગને આજે તો પાંચ દશકા વીતી ગયા છે પણ મોહનસિંહ જાડેજા ત્યાર પછી 'મંથન'ના એક કલાકાર સિવાય કોઈને ફરી મળ્યા નથી. એ કલાકાર પણ ગિરીશ કર્નાડ. મોહનસિંહ જાડેજાના સાળા એ દિવસોમાં ધારવાડ (કર્ણાટક)માં રહેતા અને ગિરીશ કર્નાડ પણ ત્યાં જ રહે. સાળાના ઘેર ગયેલાં મોહનસિંહ તો ગિરીશ કર્નાડના ઘેર પહોંચી ગયા તો તેના માતા-પિતા હતા. તેમણે કહ્યું કે ગિરીશ તો શૂટીંગમાં છે પણ હમણાં તેનું ટીફીન લેવા માટે ગાડી આવશે. તેમાં તમે ચાલ્યા જજો. મોહનસિંહ એ રીતે શૂટીંગ સ્થળે પહોંચ્યા તો ગિરીશ કર્નાર્ડ ખુશખુશાલ થઈને તેમને ભેટી પડયા. એવી જ રીતે રાજકોટમાં ૧૯૮૮માં ‘અગ્નિકાલ'નું શૂટીંગ હતું અને રાજ બબ્બર આવેલો ત્યારે મોહનસિંહ સ્મિતા પાટીલ સાથેનો ફોટો લઈને રાજબબ્બરને મળ્યા હતા. આઇએએસ ઓફિસર જગદિશન પરથી રાજકોટના જ નિર્માતાએ અબ્બાસ-મસ્તાનને દિગ્દર્શન સોંપીને 'અગ્નિકાલ' ફિલ્મ બનાવેલી અને તેનું શૂટીંગ રાજકોટમાં થયું હતું. એ વખતે શૂટીંગમાં કોર્ટનો સીન શૂટ કરવાનો હતો તો રાજકોટના વકીલ અને રાજયસભાના સાંસદ અભય ભારદ્વાજને જજનો રોલ આપવામાં આવ્યો હતો. જયાં શૂટીંગ હોય ત્યાંના લોકોને ફિલ્મ યુનિટવાળા કચકડે મઢી લેતાં હોય છે. 'અપને' ફિલ્મનું શૂટીંગ થયું ત્યારે સાચુકલા પત્રકારો-કેમેરામેનો બોબી દેઓલ અને આર્યન વૈદને ઘેરી લેતાં હોય તેવા દ્રશ્ય ઝડપવામાં આવ્યા હતા. રાજકોટની એક યુવતીને ટીવી ચેનલની રિપોર્ટર બનાવવામાં આવી હતી. સાંગણવા ગામમાં મોહનસિંહ જાડેજા, તેના દીકરા મહાવીરસિંહ અને કેટલાંય ગામવાસીઓ 'મંથન' ફિલ્મમાં ડાયલોગ પણ બોલ્યાં છે. એ જ અરસામાં જૂનાગઢની ગિરનાર તળેટી પર 'હિરા ઔર પથ્થર' (વિજય ભટ્ટ) ના શૂટીંગ માટે શશી કપૂર અને શબાના આઝમી આવ્યા હતા અને તેમને ડોળીમાં ગિરનાર પર્વત પર લઈ જવા માટે સાચુકલા ડોળીવાળા જ વાપરવામાં આવ્યા હતા. શબાના આઝમીને ખબર પડી એટલે તે અને શશી કપૂર એક દિવસ ખાસ 'મંથન' ના કાફલાને મળવા માટે સાંગણવા ગામ પણ આવ્યા હતા.

એ રીતે જોઈએ તો શબાના આઝમીને સૌરાષ્ટ્ર સાથે લેણાદેણી ધરાવતી અદાકાર કહેવાય કારણકે તેના ત્રણ ફિલ્મના શૂટીંગ સૌરાષ્ટ્રમાં થયા છે. ‘હીરા ઔર પથ્થર’, ‘ગોડમઘર’ અને ‘મૈં આઝાદ હૂં’. ‘મૈં આઝાદ હું’ના શૂટીંગ વખતે તો વન એન્ડ ઓન્લી અમિતાભ બચ્ચન પણ સૌરાષ્ટ્રમાં આવ્યા હતા અને વાંકાનેરના ગારીડા ગામે આ ફિલ્મનું શૂટીંગ થયું હતું. જો કે સિકયોરીટીને કારણે અમિતાભ પાસે કોઈ જઈ શકતું નહોતું પણ વાંકાનેરના સ્ટંટમેન ઈરફાન પીરઝાદા કહે છે કે, 'ડુંગરની ધાર પર સૂર્યાસ્ત સમયે ગાડાંઓની હાર જતી હોય એવું દ્રશ્ય શૂટ કરવાનું હતું અને એ બધી વ્યવસ્થા મેં કરી આપી હતી. શૂટીંગ સ્થળે સમય પસાર કરવા અમિતાભ બચ્ચન ક્રિકેટ રમ્યો હતો અને યુનિટના માણસો ફિલ્ડીંગ ભરતા હતા એવું હજુ યાદ છે ઘણાંને.'

અમિતાભ, નસીરુદ્દીન શાહ, શબાના આઝમી રિઝર્વ રહેતા એકટર ગણાય છે એટલે તેના સુધી દોડી જવાની હિંમત બહુ ઓછાં કરી શક્તાં હોય છે. 'ગોડમઘર' ના શૂટીંગ વખતે શબાના આઝમી મોરબીમાં હતા ત્યારે રક્તદાન શિબિર કે સંસ્થાઓની મુલાકાતે ગયા હતા પરંતુ શૂટીંગના સ્થળે કોઈ તેની નજીક ફરકી શકતું નહોતું એ આંખે દેખ્યો અનુભવ છે. જોકે પહેલાં આવું નહોતું. ‘મંથન’ વખતે તો બધા અદાકારો સાંગણવા ગામમાં એમ જ લટાર મારવા પણ નીકળી પડતા હતા. એ દિવસોમાં ગામમાં એક મૃત્યુ થયેલું તો આખા યુનિટે પાંચ મિનિટનું મૌન પાળીને શ્રધ્ધાંજલી આપી હતી. ૧૯૬૨-૬૩માં દેવ આનંદે માઇલસ્ટોન મૂવી 'ગાઇડ' બનાવેલી અને એના કલાઇમેક્સનું અમુક શૂટીંગ સુરેન્દ્રનગરની આજુબાજુ કર્યું હતું. રાતે તેઓ સુરેન્દ્રનગરમાં રહેતા. એક રાતે તેમને એક લોકડાયરામાં લઈ જવામાં આવ્યા. દેવ આનંદ એવા ઝૂમી ઉઠયા કે તેમણે બીજા દિવસે એ લોકગાયકને 'ગાઇડ' ના સેટ પર બોલાવ્યા અને હેમુગઢવી પાસે ફરી ગવડાવ્યું અને પોતાના અંગત સંગ્રહ માટે રેકોર્ડ પણ કરી લીધું હતું.

- નરેશ શાહ

આ સમાચાર શેર કરો