શતરંગ / કચ્છડો બારેમાસ: 'સ્મૃતિવન' દ્વારા માટીમાંથી પુનઃજીવન પામતી ગાથાઓ
- જિજીવિષા ઘણા દેકારાં અને હૈયાફાડ રુદનની તીવ્રતા અસહ્ય હોય છે, કેમકે તે કાયમી માટે

- જિજીવિષા
ઘણા દેકારાં અને હૈયાફાડ રુદનની તીવ્રતા અસહ્ય હોય છે, કેમકે તે કાયમી માટે નથી હોતા, એમાની ઘણી કીકીયારીઓ હંમેશને માટે શાંત થવા માટે સર્જાતી હોય છે. 2001ની 26 જાન્યુઆરીનો દિવસ ગુજરાત માટે આફત બની ઉગ્યો હતો. જયારે કચ્છની ધરા ફાટી, અને હજારોને પોતાનામાં સમાવ્યાં, લાખો અનાથ અને બેઘર થયાં. 7.9નાં સ્કેલ પર આવેલ દેશની સૌથી મોટી આફતમાંની એક, વિનાશક ભૂકંપ, લોકોની જિંદગી સાથે એ ધરતીના સાંકૃતિક વારસાને અને કલાકૃતિને પણ ગળી ગયો.
આ ધરા પર ખુબ જ ઉત્સાહી અને કળા પ્રેમી માનવ મહેરણ સાથે ઘણા જ ઐતિહાસિક સ્મારકો આવેલા હતાં.ભૂકંપ બાદ,એ બધુ જ માટી બની ગયું. કહેવાય છે કે અડીખમ અને અબોલ સ્મારકો અને થાંભીઓ, ભાવિ પ્રજા માટે એક દિવાદાંડીનુ કામ કરે છે. જે ઇતિહાસના સાક્ષી હોય છે, અને જેનાથી જે તે ભૂમિના લોકોની રીતભાત રૂપી, સંસ્કૃતિનો વારસો કાયમ જીવંત રહેતો હોય છે.પરંતુ આ ભૂકંપે કચ્છમાં કશું બચવાં ના દીધું. ભુજમાં આવેલ 113 વર્ષ જુના મ્યુઝિયમનુ નામો નિશાન ન્હોતું,ભગવાન બુદ્ધની સાતમી સદીની પ્રતિમા,ઘણીજ પ્રાચીન મૂર્તિઓ,કિલ્લાઓ તેમજ મંદિરો સહિત ઘણાજ સાંસ્કૃતિક સ્મારકોનો વિનાશ થયો હતો.જેમાનાં ઘણા તો 500 વર્ષથી પણ જુના હતાં.
પરંતુ, એ સમયે નવનિર્માણ કરવા માટે સમસ્યા એ હતી કે આવી આફતમાં ધ્યાન, લોકોના બચાવ કામગીરી પર હતું. ભારતના સંસ્કૃતિ મંત્રાલયના એક વરિષ્ઠ અમલદારનાં મત પ્રમાણે આવી માનવીય યાતના જયારે લોકોના ચહેરામાં છલકાતી હોય ત્યારે ઐતિહાસિક સ્મારકોને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા વિશે કેવી રીતે વાત કરી શકાય,ગુજરાતમાં 20,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા હોવાની આશંકા હતી, જે ભૂકંપને ભારતની અત્યાર સુધીની સૌથી ભયંકર કુદરતી આફતોમાંથી એક ગણાય છે.આવી પરિસ્થિતિમાં જ્યાં આકાશ અને ધરતી વચ્ચે કાટમાળ અને વિખરાયેલ જીંદગી સિવાય કંઈ નાં બચ્યું હતું, ત્યાં ફરી ઇતિહાસનુ સર્જન કરવું, કળા અને સઁસ્કૃતિને સાચવવી,એક સપના સમાન બની ગયું.
જેમ જેમ સમય પસાર થતો ગયો એમ અહીંના લોકો સ્વસ્થ થતાં ગયાં,એમના જીવન અને વ્યાપાર ધોરણોએ વેગ પકડ્યો. અને ફરી કચ્છ ધમધમ્યું. એક સમયમાં વેરાન થઈ ગયેલ અહીંની કળા અને સઁસ્કૃતિને ફરી જીવનદાન આપવમાં આવ્યું.એ પણ એ રીતે કે એમની ઓળખ વૈશ્વિક સ્તરે થઇ. ફરી કચ્છની આ કારીગરીએ વિશ્વમાં ડંકો વગડ્યો. માંડીને વાત કરીયે તો,હાલ જ, અહીં ભુજમાં બનાવવામાં આવેલ 'સ્મૃતિવન ધરતીકંપ મેમોરિયલ મ્યુઝિયમ' યુનેસ્કો દ્વારા દર વર્ષે આપવામાં આવતા પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ દ્વારા વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમમાંના એક તરીકે સૂચિબદ્ધ થવાથી તે વિશ્વભરમાં પ્રખ્યાત થયું છે.એટલે કે સ્મૃતિવન ભૂકંપ મ્યુઝિયમ,દુનિયામાં સૌથી સુંદર મ્યુઝિયમમાં સ્થાન પામ્યું છે.
આ મ્યુઝિયમ, એ માત્ર કલાકૃતિ જ નહિ પરંતુ ભારત અને કચ્છનાં લોકોની પરિસ્થિતિ સામે લડવાની તાકાત,મનની સ્થિરતા અને મજબૂતીનુ પ્રતીક છે. 2022માં વડાપ્રધાન મોદીજીએ તેમનું ઉદ્ધઘાટન કર્યું હતું. ભુજિયા હિલ પર,470 એકરમાં ફેલાયેલ, સ્મૃતિવનમાં 500,000 વૃક્ષો સાથે વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. આ સાઇટ ભૂકંપના 12,932 પીડિતોને શ્રદ્ધાંજલિ આપે છે, તેમના નામ 50 ચેકડેમ પર તકતીઓ પર કોતરેલા છે.એટલુંજ નહિ, અહીં 300 વર્ષ જુના કિલ્લાનાં અવશેષોને સમાવી લીધાં છે. વિવિધ થિયેટરમાં ભૂકંપના અનુભવનું વિશિષ્ટ પ્રદર્શન કરીને, અહીં ક્ષણને યાદ કરવામાં આવે છે.
2015માં સ્થપાયેલ પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ્સ, વિશ્વભરમાં અસાધારણ આર્કિટેક્ચર અને ડિઝાઇન પ્રોજેક્ટ્સને સન્માનિત કરવા માટે યુનેસ્કો દ્વારા દર વર્ષે રજૂ કરવામાં આવે છે. આ વર્ષે, મ્યુઝિયમ કેટેગરી રજૂ કરવામાં આવી હતી, અને સ્મૃતિવનને ચીનના ચેંગડુમાં A4 આર્ટ મ્યુઝિયમ સહિત પ્રતિષ્ઠિત કંપનીમાં સ્થાન મળ્યું હતું.
અહીં પૃથ્વીની ઉત્ક્રાંતિથી લઈને ગુજરાતની ભૂગોળીય અને વિવિધ કુદરતી ઘટનાઓની અનેરી ઝાંખી બતાવવામાં આવી છે.2001ના કચ્છ ધરતીકંપ પછીના પરિણામો બાદ નવનિર્માણ પામવાના અલગ અલગ દ્રષ્ટિકોણ દ્વારા ગુજરાતના પુનઃનિર્માણની ગાથા બહુજ સુંદર રીતે વર્ણન કરવામાં આવી છે. અને અહીં તમામ પીડિતોને ડિજિટલ શ્રદ્ધાંજલિ આપવા સુધી બધી જ કલાકૃતિઓ, કલાનો વર્ચ્યુઅલ ઉત્તેજના દ્વારા અનુભવ કરવામાં આવે છે.અહીં વર્ચુઅલ શ્રદ્ધાંજલિથી પીડિતોને યાદ કરવામાં આવે છે.
આ મ્યુઝિયમ,અહીંના લોકોના ધૂળમાં ભળી ગયાં બાદ ફરી અંકુરિત પામતી જિંદગીઓની સાહસ કથાઓનુ અને બજારમાં ટકવા ઘડાયેલ વ્યાપારીકરણની ગાથાનુ વર્ણન કરે છે. જ્યાં,લાગણીઓ ટેક્નોલોજી સ્વરૂપે જીવંત થઈ અને એ ચીસો હંમેશ માટે અહીં અમરત્વ પામી છે.
- જીજ્ઞા જોગીયા








