શતરંગ / ફેમિનિસ્ટ – ટુ – મેલિસ્ટ
જીવનના એક લાંબા સમય સુધી હું ફેમિનિઝમની ફેવરમાં રહી. જો કે મારા માટે ફેમિનિઝમનો એકમાત્ર અર્થ હતો હું જ કિચનમાં કેમ જાઉં

જીવનના એક લાંબા સમય સુધી હું ફેમિનિઝમની ફેવરમાં રહી. જો કે મારા માટે ફેમિનિઝમનો એકમાત્ર અર્થ હતો હું જ કિચનમાં કેમ જાઉં ને મારો કંથ કિચનમાં કેમ ન જાય! પોતાનું પાણી જાણતા પતિદેવે ઘણી સમજાવી કે હું નજર સામે પડેલો મારો ટુવાલ નથી શોધી શકતો ત્યાં મીઠા- મસાલાનો કારભાર કેમનો કરું? પણ અઠંગ ભક્ત (ફેમિનિઝમની જ તે વળી) એવી હું આવી રેશનલ વાતો થોડી માની લઉં? ઘરના અઝીમ-ઓ- શાન વાંચનના ઔરંગઝેબ, એટલે ફેમિનિઝમની ફેવરમાં લખાતા-છપાતા લેખો તો વાંચવાથી રહ્યા! છતાંય રોજ પત્નિદ્રોહ વિશેની અવનવી ૨૦-
૨૫ રિલ્સ અને એમની બુધ્ધિક્ષમતા મુજબના ૧૦-૧૫ મીમ્સ મોકલી મોકલીને મેં મારા હકની લડત ચાલુ રાખી અને અંતે મારા ટ્રોલિંગથી કંટાળીને મારા નગુણા નાવલિયાએ દૂધ-પાણીને આગ ચાંપી.
ધણીએ ધરેલી ચ્હા ના પહેલા ઘૂંટડા સાથે જ મારી ફેમિનિઝમની પ્રત્યેની ચાહ ફુરરર... કરતી બહાર ઊડીને એના છાંટણામાં ભીંજાયેલા ભોળા ભરથારનું ભયાવહ મોઢું જોઈને મારી અંદર સમગ્ર પુરુષજાત માટે ભારોભાર દયા ઉભરાઈ. આ બચારા સ્ત્રી સમોવડિયા થશે? કુમળાફૂલ જેવા મગજને આટલો ભાર આપવાનો વિચાર વાવનાર માટે તાબડતોડ નરકમાં સ્પેશિયલ તાવડાનો ઓર્ડર કર્યો ને સ્વયંને તાત્કાલિક અસરથી મેલિસ્ટ ઘોષિત કરી.
પોતું નીચોવતા પતિદેવને બૂમ પાડીને પાણી મંગાવ્યું ને ઘૂંટડા ભરતાં ભરતાં, પગ લાંબા કરીને હું પુરુષોના સંઘર્ષો વિચારવા બેઠી. આ પહેલા સ્ત્રી સ્વરૂપના સંઘર્ષો પર લગભગ પીએચડી નક્કી જ હતું મારું. પણ મૂળ સ્વભાવ આળસુ એટલે થીસિસ લખવા કોઈ ગણેશજી પ્રગટે એની રાહ જોતી બેસી રહેતી રોજ. પણ એ ય અંતે તો પુરુષ જ ને. સ્ત્રીની મદદે કેમ આવે? "ફોકસ કૃતિ, ફોકસ.... હવે આપણે પુરુષોની નિંદા નથી કરવાની!!" કદાચ કૈંક ખાઈ લઉં તો સારું રહેશે એમ વિચારીને સ્વામીને સેન્ડવીચ લેવા દોડાવ્યો ને હું ફરીથી વિચારો દોડાવવામાં લાગી ગઈ.
આમ જ વિચારતા વિચારતા મને વિચાર આવ્યો કે આટલા બધા અન્યાય ને જવાબદારીઓ વચ્ચે મને વિચારવાનો સમય કેમનો મળે છે? શું એ પણ સેન્ડવીચની લારીએ ઊભો ઊભો વિચારતો હશે? મારા વગર એને કેમની ખબર પડશે કે શું વિચારવાનું છે? આવે તો યાદ કરાવું કે કપડાં ધોવા માટે મશીનમાં નાખવાના અને ધોયેલા કપડાં ગડી વાળીને ગોઠવવાનો વિચાર કરવાનો હતો. વળી એ કરતા કરતા વાસણ ગોઠવવાના વિચારો ભૂલી ના જાય તો સારું! મારે કેટલું યાદ દેવડાવવાનું? આ પુરુષોની જેમ વિચારવાનું ભૂલી જઈએ તો કેવા વિચારો આવે?
ટેબલ સાફ કરતા મારા મનના માણીગરને જોઈને મને ટ્યુબલાઇટ થઈ કે મારે જો મેલિઝમનું મેનીફિસ્ટો લખવું હશે તો સ્ત્રી તરીકે વિચારવાનું પડતું મૂકીને પુરુષ તરીકે વિચારવું રહ્યું! હવે એ કરવામાં બે પ્રોબ્લેમ નડ્યા... એક, સ્ત્રી તરીકે વિચારવાનું પડતું મૂકવું ને બીજું, પુરુષ તરીકે વિચારવું! ખૂબ વિચારીને મેં વિચાર્યા વગર વિચારવાનું કામ એક્સપર્ટ એવા પતિદેવને મારી મહિનાની ઘરખર્ચની કટકીમાં એક પૂર્ણાંક ત્રણ તૃતીયાંશ ટકા ડિસ્કાઉન્ટ આપવાની અલિખિત, માત્ર મૌખિક બાંહેધરી સાથે આઉટસોર્સ કર્યું. આમ તો એ આટલી ગંભીર જવાબદારી લેવાના આકરા વિરોધમાં હતો પણ
વિદ્રોહ કરવામાં એ ફેમિનિસ્ટ તરીકે ગણાઈ જશે અને મેલિસ્ટ હોવાના નાતે હું એના વિરોધમાં લાંબી લડત ચલાવી શકું છું એ જાણ્યા બાદ એની પાસે શરણાગતિ સ્વીકારવા સિવાયનો કોઈ રસ્તો બચ્યો નહી! જો કે એક આદર્શ મેલિસ્ટ તરીકે મેં એની એ રિકવેસ્ટ માન્ય રાખી છે કે એ ઘર અને ઓફિસની વેઠમાંથી નવરો પડશે ત્યારે આ વૈતરું કરશે. એટલે હવે મેલિઝમ વિશે વધુ જાણવું હોય તો રાહ જુઓ ૧૦-૨૦-૫૦ વર્ષ!








