મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / આ તે હૈદરાબાદના નિઝામની સાદગી કે કંજૂસાઈ?

- ઇતિહાસ ગાથા સ્વતંત્રતા પહેલાના ભારતમાં સૌથી મોટા રાજ્યોમાનું એક અને ભ

શતરંગ / આ તે હૈદરાબાદના નિઝામની સાદગી કે કંજૂસાઈ?

- ઇતિહાસ ગાથા

     સ્વતંત્રતા પહેલાના ભારતમાં સૌથી મોટા રાજ્યોમાનું એક અને ભારતનું હ્યદય ગણાય એવું રાજ્ય એટલે હૈદરાબાદ. સરદાર પટેલ અને કનૈયાલાલ મુનશીના પ્રતાપે ભારતમાં ભળેલા આ રાજ્યના વિલીનીકરણની કથા સિવાય લગભગ ભારતીયો વધુ કંઈ જ જાણતા નથી. આ હૈદરબાદ રાજ્યનો શાસક રુસ્તમે દોરાન, અરસ્તુ-યે-જમાન, વાલ મામલિક, આસિફ જાહ, નવાબ મીર ઓસ્માન અલીખાન બહાદુર મુઝફર-ઉલ-મુલ્ક નિઝામ મુલ્ક-અલ-મદ, સિપાહસાલાર ફતેહ જંગ હૈદરાબાદના સાતમા નિઝામ આટલું લાંબુ નામ ધરાવતો હતો. જેને ભારતીય પ્રજા સામાન્ય રીતે એક નિઝામ તરીકે જ ઓળખે છે. પરંતુ આ નિઝામ ભારતના સૌથી શક્તિશાળી શાસકોમાંનો એક હતો. પોતાના સમયના વિશ્વના સૌથી ધનિક રાજવી એવો આ નિઝામ એક રહસ્યમયી વ્યક્તિ પણ ખરો! દુનિયાનો સૌથી ધનિક વ્યક્તિ પોતાના મહેમાનના સિગારેટના ઠુંઠા ફૂંકતો હશે એ માની શકાય? આવી તો અનેક કહાણીઓ છે આ નિઝામની. એમાંથી અમુક જાણીએ.

     આ નિઝામ એ ઈશ્વર પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતો અને પોતાના સમયનો અતિ વિદ્વાન વ્યક્તિ હતો. બે કરોડ, ૩૦ લાખની વસ્તી ધરાવતા રાજ્યનો એ સર્વોચ્ચ સત્તાધીશ શારીરિક રીતે તદ્દન નિર્માલ્ય, પાંચ ફૂટ જેવી સામાન્ય ઉંચાઈ અને જોઇએ તો મંદિરની બહાર બેઠેલા ભિખારીથી વિશેષ નહિ એવો દેખાવ. સોપારીના વ્યસની એવા આ માણસને હંમેશા એવી બીક રહેતી કે કોઈ એને ઝેર આપીને મારી નાખશે. ગુજરાતના મોહંમદ બેગડાને કોઈ ઝેર આપીને મારી ન નાખે એટલે તેની માતાએ તેને બાળપણથી થોડું થોડું ઝેર આપીને ઝેરની અસર નાબુદ કરાવી દીધી હતી. પરંતુ આ નિઝામ મૃત્યુના ડરથી પોતાની સાથે સતત એક માણસ રાખતો જે નિઝામને ખાવાની વસ્તુ પહેલા ચાખતો અને પછી નિઝામ ખાતો. દુધની મલાઈ, મીઠાઈઓ, ફળ અને કટોરો ભરીને અફીણ એ નિઝામનો સૌથી પ્રિય ખોરાક.

     બ્રિટીશ સત્તાધીશોનો તે સૌથી મોટો સમર્થક હતો. પહેલા વિશ્વ યુદ્ધમાં તેણે અંગ્રેજ સરકારને અઢી કરોડ પાઉન્ડનો ફાળો આપ્યો હતો. આ નિઝામ એ સમયે અંગ્રેજ સરકારને આટલી મોટી રકમ ફાળામાં આપી શકે એવી સ્થિતિમાં હતો છતાં એ કંજુસાઈની ચરમ સીમાએ પહોંચેલો વ્યક્તિ ગણાતો. તેના શાહી ખજાના વિષે અને તેને સાચવી રાખવા વિષે બહુ રસપ્રદ એવી દંતકથાઓ મળતી.

     સામાન્ય રીતે રાજા કે નવાબને ભવ્ય પોશાકમાં જોવા ટેવાયેલા આપણે આ નિઝામને જોઇને ઓળખી ન શકીએ કે આ ભારતના સૌથી મોટા રાજ્યનો રાજવી છે. હૈદરાબાદની સામાન્ય બજારમાંથી ખરીદેલા કપડા અને ચંપલ તે પહેરતો. આખા રાજ્યને આખું વર્ષ ભવ્ય મિજબાનીઓ આપે તો પણ તેના વાસણો ન ખૂટે એટલી અખૂટ સંપતિ હોવા છતાં તે સોનાના વાસણોને બદલે સામાન્યમાં થાળીમાં જમતો. પોતાના બેડરૂમમાં ભવ્ય ગાલીચાને બદલે સામાન્ય સાદડી પર સૂતો. આમ જોતા તો આપણે એને સાદગીનો પર્યાય પણ કહી શકીએ, પરંતુ મૂળ વાત હતી તેની કંજૂસાઈની.

     શાહી મહેલના મહેમાનોને એ સિગારેટ પીવા આપતો અને જયારે એ મહેમાનો જતા રહે પછી સિગારેટના વધેલા ઠૂંઠા એ પોતે પીતો. સારા પ્રસંગે શેમ્પેઈનની બોટલ ખૂલે તો પણ એવું ધ્યાન રાખતો કે એ બોટલ આસપાસના ત્રણ ચાર લોકોથી આગળ ન જાય.

     હદ તો ત્યારે થઇ જયારે બ્રિટીશ હિંદના સર્વોચ્ચ અધિકારી વાઇસરોય લોર્ડ વેવેલ જયારે હૈદરાબાદની મુલાકાતે આવવાના હતા ત્યારે નિઝામે તાર કરીને પૂછાવ્યું કે યુદ્ધના આ કપરા કાળમાં બેફામ વધેલા ખર્ચના કારણે વાઇસરૉય શેમ્પેઇન પીવાનું પસંદ કરશે? કંજુસાઈ આગળ વાઇસરોયની પણ કોઈ વિસાત નહીં!

     એ સમયની રાજાશાહીની પરંપરા અનુસાર વર્ષમાં એકવાર રાજાઓને તેમના ઉમરાવો તરફથી સોનાની એક લગડી ભેટ અપાતી. રાજાઓ આ ભેટ હાથમાં લઈને પ્રતીક રૂપે તેનો સ્વીકાર કરીને, લગડી પાછી આપતા. પરંતુ હૈદ્રાબાદના કિસ્સામાં એ પ્રતિક નહોતું. નિઝામ બધી જ સોનાની લગડી પોતાની પાસે જ રાખતો. પરંતુ એકવાર ઉમરાવ તરફથી મળેલો એક સોનાનો સિક્કો નીચે પડી ગયો ને રગડીને છેક દૂર જતો રહ્યો. નિઝામને ભેટ આપનાર ઉમરાવ એ સિક્કો લેવા જાય એ પહેલા નિઝામ દોડીને એ સિક્કો લઇ આવ્યો.

     નિઝામ એ હદના કંજૂસ હતા કે એક વખત મુંબઈથી ડૉક્ટર તેમનો કાર્ડિયોગ્રામ લેવા આવ્યા હતા. પરંતુ મશીન ચાલતું ન હતું. પછી ખબર પડી કે મશીનના કારણે થતા વીજળીના વપરાશથી વધેલા ખર્ચને ઘટાડવા માટે નિઝામે રાજમહેલના વીજળી પુરવઠામાં પણ ઘટાડો કર્યો હતો. તેથી જે 'પાવર' આવતો તેનાથી કોઈ મશીન બરાબર ચાલી શકતું નહિ.

     નિઝામનો શયનખંડ પણ એક ગંદા ઝૂંપડા જેવો જ રહેતો. તેમાં એક ડગમગતો ખાટલો, એક ટેબલ, ત્રણ ખુરસીઓ, ઠૂંઠાંથી ભરેલી 'એશટ્રે' અને નકામા કાગળોની ટોપલીઓ, જે વરસમાં એક વખત, નિઝામની વર્ષગાંઠને દિવસે, સાફ થતી. છતાં એ રાજમહેલના ખૂણે ખૂણે એટલી દોલત હતી કે જેની ગણતરી પણ ન થઈ શકે. નિઝામના ટેબલના ખાનામાં, એક છાપાના પડીકામાં રાખેલો, ૨૮૦ કૅરેટનો જેકબ ડાયમંડ હતો. લીંબુ જેવડા મોટા એ હીરાને નિઝામ 'પેપર વેઈટ' તરીકે વાપરતા. તેમના ગીચ બની ગયેલા બગીચામાં ડઝનબંધ ટ્રકો ભરીને સોનું હતું. સોનાની પાટોના વજનને કારણે એ ટ્રકોનાં પૈડાં પણ ધરતીમાં ખૂંપી ગયાં હતાં. નિઝામ પાસે ઝવેરાતનો ગંજાવર સંગ્રહ હતો. એમ કહેવાતું કે તેમની પાસે જે મોતી છે તે વેરવામાં આવે તો આખા પિકાડેલી સર્કસની ફૂટપાથો ઢંકાઈ જાય. કોઠારના ભોંયરામાં જેમ કોલસા રહે તેમ જ નિઝામના ભોંયરામાં મોતી, પન્ના, પોખરાજ, માણેક, નીલમ અને હીરાનો ઢગલો પડયો રહેતો. તેમની પાસે વીસ લાખ પાઉન્ડ કરતાં પણ વધુ રકમ રોકડી હતી. એ બધી નોટો છાપાંઓમાં બંડલ બાંધીને, રાજમહેલના ભૉયરાના અને માળિયાના ગંદા ખૂણાઓમાં રખાયેલી હતી. દર વર્ષે હજારો પાઉન્ડની નોટો ઉંદરો કાતરી પણ જતા. છતાં નિઝામની કંજુસાઈનો કોઈ તોડ ન હતો. અર્ધી રાતે આઝાદી પુસ્તકમાં લેખક ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સને તો ન માત્ર નિઝામ પરંતુ ભારતના અનેક રાજાઓની આવી કથા નોંધી છે, એ પછી ક્યારેય.

- રક્ષા ત્રાપસિયા

આ સમાચાર શેર કરો