મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / માતૃત્વ વિના સ્ત્રી અધુરી જ છે?

- કાગળ પરના પંખી ટહુક્યાં શ્રદ્ધા હવે કંટાળી ગઈ હતી... એલોપેથી, આયુર્વેદિક, હોમીયોપેથી, નેચરોપેથી, યોગ – પ્

શતરંગ / માતૃત્વ વિના સ્ત્રી અધુરી જ છે?

- કાગળ પરના પંખી ટહુક્યાં

શ્રદ્ધા હવે કંટાળી ગઈ હતી... એલોપેથી, આયુર્વેદિક, હોમીયોપેથી, નેચરોપેથી, યોગ – પ્રાણાયામ, દવાઓ અને એટલી જ દુઆઓ પણ..... પણ કંઈ પરિણામ નહિ... આઈ.વી.એફ.ની બે - બે સાયકલ પણ ફેઈલ. શરીર જાણે પ્રયોગશાળા બની ગયું હતું. એનું વજન દિવસે દિવસે વધી રહ્યું હતું. મૂડ સ્વીંગસ, હોટ ફ્લેશસ, દવાઓની આડ અસર પેટે ના જાણે કેવી કેવી તકલીફો શ્રદ્ધાને સહન કરવી પડી રહી હતી. લગ્નને ૧૩ વર્ષ થઇ ગયા તેમ છતાંય શ્રદ્ધાનો ખોળો સુનો જ હતો. એને સમજાતું નહોતું કે કરવું તો કરવું શું? ધીમ ધીમે શ્રદ્ધા એ લોકોને મળવાનું સામજિક પ્રસંગોમાં જવાનું ઓછું કરી નાખ્યું હતું કારણ કે દરેક જગ્યા એ બસ એક જ પ્રશ્ન પૂછાતો હતો કે ગુડ ન્યુઝ ક્યારે આપો છો? કોઈક એને બિચારી કહેતા તો કોઈક એને કહેતા કે “આ તો ભગવાનની મરજી છે”, કોઈક એમ કહેતું કે “ગયા ભવના કર્મો” તો કોઈ કહેતું કે “કર્મોની સજા”. શ્રદ્ધા આમ તો આઈ.ટી.એન્જીનીયર હતી અને મામલતદારની નોકરી કરતી હતી. આખા તાલુકામાં એની છાપ સૌથી ઝડપી, હોશિયાર અને માનવીય અભિગમવાળા ઉમદા અધિકારીમાં થતી હતી. એ લોકોને નિ:સ્વાર્થ મદદ કરતી ક્યારેક તો એના પોતાના પૈસા ખર્ચીને પણ કોઈનું ભલું થતું હોય તો એ ના જોતી...એ ના માત્ર એની નોકરીમાં જ આગળ પડતી હતી પણ રસોઈમાં પણ અવ્વલ હતી. અવાર - નવાર એના ઘરે એની રસોઈ જમવા માટે
સ્પેશ્યલી એના પરિવારના લોકો અને મિત્રો આવતા. શ્રદ્ધા બધાને સાચવતી. સાદી ભાષામાં કહીએ તો એ એક આદર્શ નારી હતી..બસ એક જ ખોટ..શેર માટીની...પણ એ ખોટ એવી હતી કે જેણે એના આખા અસ્તિત્વ પર જ પ્રશ્ન ઉઠાવી દીધો હતો. શ્રદ્ધા એ બાળક દત્તક લેવાની વાત પરિવારમાં કરી તો પરિવારના બધા એ કહ્યું કે ગમે તેમ તોય આપણું બાળક એ આપણું બાળક..હવે શ્રદ્ધા કરતી તો કરતી શું?

શ્રદ્ધાનો પતિ રાજીવ એ એમના માતા-પિતાનું એકમાત્ર સંતાન હતો એટલે એકાદ વાર તો શ્રદ્ધાએ એના પરિવારમાં એમ વાત પણ સાંભળી કે, “શ્રદ્ધાને બાળક ના થાય તો સમજીને બંને એ છુટાછેડા લઇ લેવા જોઈએ નહિતર રાજીવનો વંશ આગળ કેવી રીતે વધશે?” જો કે રાજીવ શ્રદ્ધાને બહુ જ પ્રેમ કરતો અને એના પ્રેમ પર બાળક ના હોવાને કારણે કોઈ ફેર નહોતો પડ્યો પણ શ્રદ્ધાના જીવનમાં બહુ ફેર પડી ગયો હતો. હવે બધા એને સીમંતમાં નહોતા બોલાવતા કારણ કે એના માથા પર લેબલ લાગી ગયું હતું ‘વાંઝણી’ નું. અને આવી વાંઝણી સ્ત્રીને ખોળો ભરવાની શુભ વિધિમાં થોડી બોલાવાય? કોઈ શુભ પ્રસંગે શ્રદ્ધાની હાજરી બધાને ખલતી કારણ કે જેને બાળકો ના હોય એવી વાંઝણી સ્ત્રી ના શુકન સારા ના હોય એવી માન્યતા વર્ષોથી પ્રવર્તે છે છે આજે પણ વત્તા ઓછા પ્રમાણે છે તો ખરા જ. એટલે શ્રદ્ધા
એ જાણી જોઇને જ બધે જવાનું ઓછું કરી નાખ્યું હતું. શ્રદ્ધા હવે ક્યારેક એને મળેલા મેડલ, ડીગ્રીઓ, બધાને જોઈ રહેતી અને એની આવડતો વિષે વિચારતી રહેતી...અને પોતાની જાત ને પ્રશ્ન પૂછતી કે હું શું? ને મારી લાયકાત શું? શ્રદ્ધાના સ્ત્રીપણા પર એની ખાલી કુંખે પ્રશ્નાર્થ ચીહ્ન મૂકી દીધું હતું? કારણ કે વર્ષોથી આપણે સાંભળ્યું છે અને શીખ્યું છે કે એક સ્ત્રી માં બનવાથી જ પૂર્ણ થાય છે. એક બાળકને જન્મ ના આપી શકવાને કારણે એની તમામ સિદ્ધિઓ, સારપ અને ક્ષમતાઓ અને શૂન્યમાં ફેરવાઈ ગઈ હતી.

આવા જ વિચારોમાં એક રાત્રે શ્રદ્ધા ખોવાયેલી હતી..બહાર સખત પવન ફૂંકાઈ રહ્યો હતો જાણે થોડી વારમાં વરસાદ તૂટી પડશે.. અને અચાનક એને ફોન આવ્યો કે તાલુકના એક ગામમાં એક ઘટના બની છે. પોલીસ પહોચી ગઈ છે, તમારે પણ આવવું પડશે અને શ્રદ્ધા નીકળી પડી એના સરકારી કામે. એ ઘટનાસ્થળ પર પહોચી તો ત્યાં ગોપીને જોઇને સહેજ એના પગ લથડી ગયા. ગોપી ૨૪ વર્ષની હતી. ૧૮ વર્ષે લગ્ન થઇ ગયા હતા. લગ્નને 6 વર્ષ થયા હતા પણ એને બાળક નહોતું થતું એટલે એના ઘરના લોકો બધું જ કરી છુટયા હતા.. ગોપી એ જયારે શ્રદ્ધાની આઈ.વી.એફની ટ્રીટમેન્ટ ચાલતી હતી ત્યારે એના ઘરનું કામ સાંભળ્યું હતું અને શ્રદ્ધાની ખુબ સેવા કરી હતી. ત્યારે તો હજી ગોપીના નવા - નવા લગ્ન જ થયા હતા. ગોપી શ્રદ્ધાને એ કહેતી કે “મેડમ તમે જોજો ને એક વરહમાં તો તમારે ઘીરે અને મારે ઘીરે બંનેના ઘીરે પારણીયુ બંધાઈ જાહે. મારો લાલો હૌ ની મનોકામના પૂર્ણ કરહે” ગોપી બાળ-ગોપાલની બહુ જ સેવા કરતી... દિવસો વીત્યા, મહીનાઓ વીત્યા અને વર્ષો વીત્યા પણ ના ગોપીનું પેટ ઠર્યું, ના શ્રદ્ધાનું. ગોપીના લગ્નને 6 વર્ષ થઇ ગયા.અને આ 6 વર્ષમાં ગોપીને બાળક થાય એના માટે એના ઘરનાએ કોઈ મંદિર, કોઈ બાધા બાકી નહિ રાખી
હોય..એ લોકો જરા ગામડાનાં એટલે આઈ.વી.એફ.ને એ બધામાં ના સમજે અને માને પણ નહિ અને ગોપી તો એકદમ ગાય હતી. એને જે બાજુ દોરે, એ બાજુ એ જતી રહેતી.

ગોપી એના પતિ મનુને બહુ પ્રેમ કરતી..નાનપણથી બંને સાથે જ રહેલા, સાથે રમ્યા, સાથે મોટા થયા અને પછી નાતમાં ને નાતમાં ઓળખીતા હતા એટલે સમાજની રીતે બંનેના લગ્ન કરાવી નાખ્યા..ગોપી હમેશા કહેતી, “મેડમ મારે હુ ચિંતા કરવાની? મારો મનુ છે ને મારી હારે. એ મારી હારે કોઈ દી કાંઈ ખોટું થાવા જ ના દે ને”... ગોપીને એના બાળ ગોપાલ પર જેટલી શ્રદ્ધા હતી એટલી જ એના મનુ પર પણ હતી. હમણાં ચાર દિવસ પહેલા જ તો ગોપી મળી હતી શ્રદ્ધાને. બહુ ખુશ હતી અને કહેતી હતી કે, “મેડમ મારી બધી તકલીફો દુર થઇ ગઈ. હવે એક-બે મહિનામાં જ મારા ઘરમાં ખુશ ખબર આવી જાહે”. શ્રદ્ધાને આશ્ચર્ય થયું કે ગોપીના હાથમાં કયો અલાદ્દીનનો જાદુઈ ચિરાગ લાગી ગયો છે? પણ ગોપી તો જાણે સાતમાં આકાશ પર હતી..એ એકદમ ઉત્સાહથી કહી રહી હતી કે, “મેડમ, મારું થઇ જાય ને પસી હું તમને લઇ જઈસ ન્યા”. શ્રદ્ધા એ પૂછ્યું, “ક્યાં?” પણ ગોપી એ કહ્યું કે, “હમણાં તમને નહિ કહી હકુ..મારા મનુ એ ના પાડી સે. મનુ એ જ શોધી છે એ જગ્યા, જ્યાં મારા હંધાય દુઃખનું નિવારણ થઇ જાહે”. શ્રદ્ધા હજી કંઈ સમજી નહોતી શકતી પણ એણે વિચાર્યું કે મનુ એ જે કર્યું હશે એ જોઈ વિચારીને જ કર્યું હશે ને...અને આજે સામે પડી હતી ગોપીની લાશ....પૂછતાં ખબર પડી કે મનુ અને એના ઘરના એ ગોપીને બાળક થાય એટલા માટે એક વિધિ કરી હતી એક ભુવાને બોલાવીને... પણ ગોપીનું કુમળું શરીર એ કારમી વિધિને સાંખી ના શક્યું...પ્રાણનું પંખી ઉડી ગયું, મનમાં ગર્ભાશયમાં બીજ રોપાય એ ઈચ્છા લઈને...

શ્રદ્ધાએ મનુ વિષે પૂછ્યું તો ખબર પડી કે મનુ અને એના પરિવારના લોકો ભાગી ગયા.. જે મનુ પર ગોપીને અપાર શ્રદ્ધા હતી એ ગોપીને છોડીને ભાગી ગયો હતો... પવન બહુ ફૂંકાઈ રહ્યો હતો એટલે ગોપીની લાશ પરથી કફન ઉડી ગયુ અને શ્રદ્ધા એ ગોપીની લાશને જોઈ.. શરીર પર હતા નિશાન, ડામના, ચપ્પા અને છરીના અને મન પર હશે જ પણ એ ક્યાં કોઈને દેખાતા હોય છે? પણ તોય ગોપીનો બંધ આંખોવાળો ચહેરો હજી એવો ને એવો જ અકબંધ સ્મિતવાળો હતો. શ્રદ્ધા એને જોતી જ રહી... અને એકદમ ધોધમાર વરસાદ તૂટી પડ્યો...આકાશમાંથી અને શ્રદ્ધાની આંખોમાંથી, બંનેમાંથી એકસાથે.વીજળીનો એક જોરદાર ચમકારો થયો અને અચાનક શ્રદ્ધાની નજર સહેજ ખસી તો સહેજ દુર દેખાઈ એને તૂટેલી બાળ ગોપાલની એક મૂર્તિ. અને એની બાજુમાં ક્યાંક ગોપીનો તૂટેલો વિશ્વાસ પણ જેને શ્રદ્ધા શોધી રહી હતી.

- અર્ચના તેજસિંહ ચૌહાણ

આ સમાચાર શેર કરો