મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / શું ભૂલથી થયેલ ગુન્હાની માફી હોય?

- કલમ કાયદાની કાયદાની જાણકારી કાયદાની ભાષામાં નહીં પણ મારી ભાષામાં હું તમને આપીશ, IPCની એવી કલમો વિશે જાણીશું

શતરંગ / શું ભૂલથી થયેલ ગુન્હાની માફી હોય?

- કલમ કાયદાની

કાયદાની જાણકારી કાયદાની ભાષામાં નહીં પણ મારી ભાષામાં હું તમને આપીશ,

IPCની એવી કલમો વિશે જાણીશું જેમાં ગુના હેઠળ IPCની કોઈ કલમ લાગુ નહીં પડે એટલે કે સામાન્ય અપવાદો જે કલમ ૭૬થી લઈને ૧૦૬ સુધીની કલમોમાં દર્શાવેલ છે.

હવે તમને એવું થશે કે આ IPC એટલે શું?

તો IPC એટલે અંગ્રેજીમાં કહીએ તો ઇન્ડિયન પેનલ કોડ જેને ગુજરાતી ભાષામાં ભારતીય દંડ સંહિતા કહેવાય. જેમાં દરેક ગુનાના આધારે તેના યોગ્ય તેમજ કાયદાકીય દંડ વિશે સૂચવવામાં આવ્યું છે. 

તો ચાલો આજે જાણીએ એક મહત્વનો કાયદો એની યોગ્ય કાયદાકીય કલમ સાથે,

એવું ક્યારેય બની શકે કે કોઈ ભૂલથી થયલે ગુન્હાની માફી મળી જાય? એટલે કે એ ગુન્હો ગુન્હો જ ન ગણાય શું એવું શક્ય છે ખરું?

હા એવું શક્ય છે. 

આજે આપણે ભૂલને આધીન કલમ એટલે કે ૭૬ થી ૭૯ સુધીની કલમો વિશે ચર્ચા કરશું જે ગુન્હાને ગુન્હો ઠેરવી નહીં શકે.

કલમ ૭૬:

જેમાં કહેવામાં આવ્યું છે કે ભૂલ બે પ્રકારની હોય.

૧) કોઈ ભૂલ જે હકીકતને આધીન થઈ હોય.

જેમ કે, જ્યારે કોઈ વ્યક્તિ જંગલમાં કોઈ પ્રાણી સમજીને કોઈ માણસને ગોળી મારી દે તો તને હકીકતને આધીન કરેલી ભૂલ કહેવાશે.

૨) કોઈ ભૂલ જે કાયદાને આધીન થઈ હોય. 

જેમ કે, જ્યારે તમે ૧૦ કિલો સોનું લઈને બીજા દેશમાં જાવ છો અને ત્યાંનો કાયદો આની પરવાનગી નથી આપતો. તો તે વખતે તમે એવું કહો કે તમને આ કાયદા વિશે ખબર નહોતી તો એવું નહીં ચાલે અને ત્યારે આ ભૂલ કાયદાના આધીન થયેલી ભૂલ કહેવાશે.

    જ્યારે કોઈ વ્યક્તિ કાયદાથી બંધાયેલો હોય એટલે કે કોઈ વ્યક્તિ જે એક પોલીસ અધિકારી છે અને તેને તેના ઉચ્ચ અધિકારી દ્વારા હુકમ મળ્યો છે કે આ વ્યક્તિ પર ગોળીબાર કરો અને તે તેમના આદેશને આધીન રહીને વર્તે છે. તે વ્યક્તિને ગોળી મારે છે તો તે વ્યક્તિ એટલે કે પોલીસ અધિકારી ગુનેગાર ગણાશે નહીં. કારણ કે તે વ્યક્તિ કાયદાથી બંધાયેલો વ્યક્તિ છે અને તે તેમની ફરજમાં આવે છે.

    જ્યારે કોઈ વ્યક્તિ કોર્ટનો એક અધિકારી હોય અને તેને કોર્ટમાથી હુકમ મળે છે કે 'A' વ્યક્તિની ધરપકડ કરીને લાવે. ઘણી તપાસ કર્યા બાદ પણ તેને એવું લાગે છે કે 'B' વ્યક્તિ જ 'A' વ્યક્તિ છે અને તે 'B' વ્યક્તિને 'A' વ્યક્તિ સમજી તેની ધરપકડ કરી લાવે છે તો શું આ કેસમાં તે વ્યક્તિએ કોઈ ગુન્હો કર્યો ગણાશે?

ના, કારણકે આ કાયદા દ્વારા બંધાયેલો છે.

હવે આપણે જાણીશું IPC કલમ ૭૯ વિશે

જે છે કાયદાની ભૂલ. 

તો ચાલો સમજીએ કલમ ૭૯ને તેના ઉદાહરણ દ્વારા,

વ્યકિત ‘A’ છે જેને એવું લાગે છે કે વ્યક્તિ ‘B’ એ હત્યા કરી છે અને ત્યારે વ્યકિત ‘A’ વ્યક્તિ ‘B’ ને રોકવાનો પ્રયત્ન કરે છે જેનાથી તે વ્યક્તિને યોગ્ય સત્તાને સોંપી શકે.

પરંતુ સાચી હકીકત એ હતી કે વ્યકિત ‘B’ એ સ્વ બચાવનું નાટક કરતો હતો.

તો આવી પરિસ્થિતિમાં A એ કોઈ ગુનો કર્યો ગણાશે નહીં.

હવે સમજીએ કલમ ૭૭ અને ૭૮ વિશે જે ન્યાયિક અધિનિયમ વિશે જાણકારી આપી તેના સંરક્ષણના નિયમો વિશે માહિતી આપે છે.

જેમાં, કલમ ૭૭ એ ન્યાયાધીશને ફોજદારી કાર્યવાહીથી બચાવે છે. એટલે કે ન્યાયાધીશના કારણે કોઈ પણ ગુનેગારને ન્યાયિક એટલે કે કાયદાકીય રીતે સજા થાય તો તે માટે ન્યાયધીશ ગુનેગાર ગણાશે નહીં અને કલમ ૭૮ એ લોકોને ફોજદારી કાર્યવાહીથી બચાવે છે કે કોર્ટના કહેવા પ્રમાણે વર્તે છે.

દા. ત:  કોઈ જલ્લાદ (ફાંસી આપનાર વ્યક્તિ) દ્વારા કોઈ ગુનેગારને ફાંસી અપાય છે તો શું ફાંસી આપનાર વ્યક્તિ ગુનેગાર ગણાશે?

ના, કારણે ફાંસી આપનાર વ્યક્તિની ફરજમાં આવે છે અને તે કોર્ટના કહેવા પર આ કાર્યવાહી કરે છે માટે તે ગુનેગાર ગણાશે નહીં.

બસ આ હતી કલમ ૭૬ થી ૭૯ સુધીની કાયદાકીય કલમો

નવા લેખમાં મળીયે બીજી નવી કલમો સાથે…

ઉપરોક્ત લેખ વાંચતા કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તમે મને નીચે આપેલ mail id પર પ્રશ્ન મોકલી મને એ પ્રશ્ન વિશે પૂછી શકો છો.

[email protected]

નોંધ: પ્રશ્ન મોકલતી વખતે જે તે લેખના મથાળાંનો ઉલ્લેખ કરવો જરૂરી છે.

- ઝીલ ઠક્કર 

આ સમાચાર શેર કરો