શતરંગ / ઇન્દુલાલ યાજ્ઞિક: માત્ર મહાગુજરાત ચળવળના નાયક જ?
- ઇતિહાસ ગાથા કવિવર ઉમાશંકર જોશી, એ માત્ર કવિ જ નહીં પરંતુ ગુજરાતના સાંસ્કૃત

- ઇતિહાસ ગાથા
કવિવર ઉમાશંકર જોશી, એ માત્ર કવિ જ નહીં પરંતુ ગુજરાતના સાંસ્કૃતિક પુરુષ હતા. પોતાના સમયમાં બનનારી ઘટનાઓ વિષે તેમણે વેધકપણે અને સચોટતાથી લખ્યું છે. 'જે પ્રજા પોતાના વીરોનું એટલે કે પ્રતિભાવંત પુરૂષોનું સન્માન નથી કરતી, એનું ગૌરવ નથી કરતી એ પ્રજા કાળક્રમે એવા પ્રતિભાવંત પુરુષો પેદા પણ નથી કરી શકતી.' આવું સ્પષ્ટપણે લખનાર ઉમાશંકર જોશી ગુજરાતના વીરો વિષે લખે જ, એ સ્વાભાવિક છે. ગુજરાતના યુગપુરુષ ઈન્દુલાલ યાજ્ઞિક વિષે તેમણે લખ્યું છે કે,
‘ઇન્દુલાલ એટલે એની બેસન્ટથી ઇન્દિરા ગાંધી સુધીની ભારતની વિકાસકૂચનો એક મહારથી. ગાંધીજી સાથે એ હતા ત્યારે કોઇએ એમની એન્જિન સાથે સરખામણી કરી હતી. થેલીમાં ચણા કે શીંગ હોય ને તેઓ ગામડા ખૂંદતા હોય. હાથ અડાડે ને સંસ્થા સર્જાય એવી એમને સંજીવની વરી હતી. અમદાવાદની મુખ્ય સંસ્થાઓ પાછળ, ગુજરાત વિદ્યાપીઠ પાછળ પણ ઇન્દુલાલની યૌવન મૂર્તિ દેખાશે. ઇન્દુલાલ પર સરસ્વતીના આશિર્વાદ હતા. નડિયાદના નાગર હતા ને! વકતૃત્વ અને કલમમાં ગુજરાતી ભાષાનું હીર ઊછળતું. એમની આત્મકથાના આરંભમાં નડિયાદના એક ભાગમાંથી બીજામાં તેઓ આપણને લઇ જાય છે ત્યારે એક નગરના વ્યક્તિત્વની સુરેખ છબી ઉપસે છે. ગુજરાતના ઇતિહાસના એક અઠંગ વ્યાસંગી હતા. પણ ઇતિહાસ સર્જવા એ સર્જાયા હતા. ચાર શબ્દમાં ઇન્દુલાલની ઓળખાણ આપવી હોય તો એમ કહી શકાય કે ઇન્દુલાલ એટલે શ્રીમંત નગરીના ફકીર નેતા. સામાન્ય માનવી સાથે એમનો દિલનો નાતો હતો. રીક્ષાવાળો કે હોટેલવાળો એમની પાસેથી પૈસા લેવાની ના પાડે. રીક્ષા સરઘસ તો ઇન્દુલાલનું જ નીકળે ને? ઇન્દુલાલ જેટલી ચાહના કોઈ વિરલા રાજકારણીના ભાગ્યમાં ભાગ્યે જ હોય. એ ચાહનાનાં મૂળ જનતા સાથેના એમના સરળપણામાં હતા. ઇન્દુલાલનું ઘર, કુટુંબકબીલો જે ગણો તે જનતા. ઇન્દુલાલનું નિવાસ્થાન ક્યાં? દરેકના હ્રદયમાં. ઇન્દુલાલનું સરનામું? ગુજરાત.’
ઇન્દુલાલ યાજ્ઞિકને આપણે મહાગુજરાત ચળવળના મુખ્ય આગેવાન તરીકે જ મોટાભાગે ઓળખીએ છીએ. એ જ તેમની સૌથી મોટી ઓળખ બની છે. પરંતુ એ તો તેમની ઢળતી ઉંમરની સિધ્ધી છે. પ્રમાણમાં પ્રૌઢ કહી શકાય એ ઉંમરે તેમણે મહાગુજરાત ચળવળ થકી ગુજરાતને એક અલગ રાજકીય ઓળખ અપાવી. પરંતુ એ પહેલા તેઓ એક સ્વાતંત્ર્ય સેનાની, પત્રકાર, ફિલ્મકાર, લેખક, અનુવાદક જેવી અનેક ઓળખ ધરાવતા અને બહુ આયામી વ્યક્તિત્વ ધરાવતા સરળ વ્યક્તિ હતા.
ઇન્દુલાલ યાજ્ઞિકની સૌથી પહેલી ઓળખ તે પત્રકારત્વ ક્ષેત્રે તંત્રીની. મહાકવિ દાંતેની કવિતા ‘The New Life’થી પ્રેરાઈને તેમણે મિત્રો સાથે મળીને ‘નવજીવન’ નામનું સામયિક બહાર પાડ્યું. અને તેની સાથે બીજું એક સામયિક ‘સત્ય’ ખરીદીને તેને પણ નવજીવન સાથે જોડી દેવામાં આવ્યું. આમ, ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપણા નીચે ‘નવજીવન અને સત્ય’ સામયિકની શરૂઆત 1915થી થઇ. પહેલા વિશ્વયુદ્ધ વખતે ઇરાકના મોરચે લડતા ભારતીય સૈનિકોની સ્થિતિ તપાસવા સરકારે એક ટીમ મોકલી હતી. તેમાં ઇન્દુલાલ યાજ્ઞિક પણ સામેલ હતા.
ત્યારબાદ મહાત્મા ગાંધી સાથે મતભેદ થતા ઈન્દુલાલ અમદાવાદથી મુંબઈ જતા રહ્યા. વ્યવસાયે લેખનકાર્ય સાથે સંકળાયેલા હોવાથી મુંબઈમાં ફિલ્મ ઉદ્યોગ પર તેમની નજર ઠરી. ફિલ્મ ક્ષેત્રે કમાણી પ્રમાણમાં સારી હોવાથી તેમણે ફિલ્મ લેખન ક્ષેત્રે હાથ અજમાવ્યો. જેમાં તેઓ પ્રમાણમાં સફળ રહ્યા. એ સમય મૂંગી ફિલ્મનો હતો. તેથી ફિલ્મની નીચે સબ ટાઈટલ દેખાડવામાં આવતા. ફિલ્મી દુનિયામાં લેખન ક્ષેત્રે જાણીતા થઇ ચુકેલા ઇન્દુલાલને આ સમયગાળામાં અનુવાદનું એક કામ મળ્યું. હિમાંશુ રાયે ‘લાઇટ ઓફ એશિયા’ નામની ફિલ્મમાં અંગ્રેજી સબ ટાઈટલનો ગુજરાતીમાં અનુવાદ કરવા માટેનું કામ અંગ્રેજીના સારા એવા જાણકાર ઈન્દુલાલ યાજ્ઞિકને સોંપ્યું. ઇન્દુલાલના કામથી પ્રભાવિત થઈને તેમણે તેમની નૂરજહાં નામની ફિલ્મ લખવાનું કામ પણ ઈન્દુલાલને સોંપ્યું. પરંતુ નસીબની બલિહારી કે, એ ફિલ્મ બની શકી નહીં.
‘ઇન્દુલાલ યાજ્ઞિક અને ચલચિત્ર’ આમ કહેવું હોય તો ‘પાવાગઢનું પતન’નો સૌથી પહેલો ઉલ્લેખ કરવો પડે. આ ફિલ્મ ઇન્દુલાલ યાજ્ઞિકે લખી હતી. પરંતુ ઘણા વિવાદો પછી ય આ ફિલ્મ નિષ્ફળ રહી. છેવટે પાંચ વર્ષના સંઘર્ષના અંતે તેઓએ ફિલ્મ ક્ષેત્રને અલવિદા કહ્યું. ઇન્દુલાલ યાજ્ઞિક આમ તો હાર માની લેવાની પ્રકૃતિ ધરાવતા નહિ, પરંતુ અહીં તેમને ખ્યાલ આવી ગયો હતો કે આ કામ આપણું નથી. તેથી તેમણે પોતે શરુ કરેલી ફિલ્મ કંપની વેંચી દીધી અને ફિલ્મ નિર્માણ, લેખન તેમજ દિગ્દર્શનના ક્ષેત્રને કાયમી માટે અલવિદા કહી દીધું.
છેવટે, મહેમદાવાદ પાસે વાત્રક નદીના કાંઠે તેમણે આશ્રમ અને વાત્રક વિદ્યાલય સ્થાપ્યાં. જે તેમની નવી ઓળખ બની. આ નેનપુર ગામમાં નિવાસ દરમિયાન ગામડે ગામડે ફરવાનું અને ગામડા, ખેડૂતો તેમજ ખેતીનો વિકાસ એ ઇન્દુલાલના જીવનનું ધ્યેય બન્યું. 15 ઑગસ્ટ, 1947ની ઉજવણી તેમણે નેનપુર આશ્રમ ખાતે ધ્વજ ફરકાવીને કરી હતી.
1956માં અલગ ગુજરાતની માંગણી મુદ્દે આંદોલન થયું ત્યારે એ માંગણી કરનાર વિદ્યાર્થીઓ પર ગોળીબારના સમાચારથી તેમને બહુ આઘાત લાગ્યો અને તેઓ તરત આ આંદોલનમાં સક્રિય થયા. પછીનો ઈતિહાસ આપ સૌ જાણો છો!
- રક્ષા ત્રાપસિયા








