મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / રાજકારણમાં "દૂધ અને દહીં" બન્નેમાં પગ રાખનારાઓ ગબડી પડે છે! પાર્ટ 2

- કરન્ટ કીક યાદ કરો 1989માં શરૂ થયેલી ભવ્ય રથયાત્રા

શતરંગ / રાજકારણમાં "દૂધ અને દહીં" બન્નેમાં પગ રાખનારાઓ ગબડી પડે છે! પાર્ટ 2

- કરન્ટ કીક

     યાદ કરો 1989માં શરૂ થયેલી ભવ્ય રથયાત્રા. ગુજરાતના  સોમનાથથી શરૂ થયેલી આ યાત્રાનો મુકામ હતો, અયોધ્યા, રામ જન્મભૂમિ. અડવાણીજીના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ યાત્રામાં આપણા આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારે ગુજરાતના પ્રભારી હતા. આ તો જસ્ટ ઉપરછલ્લી માહિતી. વાત આપણે "બેલેન્સવાદ"ની કરવાની છે. 

     તત્કાલીન યુપીના મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે ભાજપના "હિંદુત્વ"ને કોરાણે મૂકીને સ્પષ્ટ ચેતવણી આપી દીધી કે મારા રાજ્યમાં કોઈ ધમાચકડી ના જોઈએ. અને રામભક્તોએ ઐસી કી તૈસી કરતા એમના પર ગોળીબાર કર્યો. કેટલાક મૃત્યુ પામ્યા અને ઘણા ઘાયલ થયા. ત્યારથી સંઘ અને ભાજપ એમને "મુલ્લાં મુલાયમ" કહેતા થયા, જે નામ આજે 40 વર્ષેય ભુલાયું નથી!

     પછી તો 1992માં બાબરી મસ્જિદ તૂટી અને આખા દેશમાં હાહાકાર થઈ ગયો. એ સમયે રાજકીય પંડિતોને લાગતું હતું કે આવનારા યુપીના વિધાનસભા ઇલેક્શનમાં ભાજપ જરૂર જીતવાનું જ. પણ 1993 માં ઇલેક્શન થયું, પણ ભાજપને ભયાનક આઘાત લાગવાનો હતો. મુલાયમ-કાશીરામ-માયાવતીની ત્રિપુટીએ ભાજપને ધોબી પછાડ આપી દીધો હતો. દલિત, મુસ્લિમ, યાદવ, અમુક બેકવર્ડ કલાસ, તમામ વોટ આ ત્રિપુટીની વિશાળ છત્રી નીચે આવી ગયેલા.  

     આ તો થઈ જૂની વાત, પણ આજના પોલિટિક્સમાં પોતપોતાની વિચારધારાઓમાં સ્પષ્ટ કોણ કોણ છે? બિહારમાં લાલુ -તેજસ્વી પર ગમે એટલી રેડ પડે પણ એ ઝુકતા નથી કે નથી પક્ષપલટો કરી લેતા. અને એ છેલ્લા વિધાનસભા ઇલેક્શનમાં ભાજપ કેનીતીશ કુમારની જેડીયું કરતા વધારે સીટ લાવીને નંબર વન પાર્ટી બની જાય છે.  કેજરીવાલ જેલમાં જઈને "હીરોઇઝમ"નું પિક્ચર ઉભું કરવામાં ઠીક ઠીક સફળ રહે છે. હજી આવતા વર્ષની શરૂઆતમાં દિલ્હી વિધાનસભામાં કે આ વખતે પંજાબમાં લોકસભામાં પણ ભાજપ એને પહોંચી  શકે એમ લાગતું નથી. 

     તમિલનાડુમાં સ્ટાલિન પોતાની "દ્રવિડ" રાજનીતિ અર્થાત "બ્રાહ્મણવાદ" કે "સવર્ણવાદ" વિરોધી વિચારધારાને મોદી-શાહની વિશાળ સિસ્ટમ સામે પણ ચુસ્ત વળગી રહયા છે. કેરળમાં મુખ્યમંત્રી પી. વિજયન આ બીજો કાર્યકાળ પણ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. વાંમપથી રાજનીતિ બંગાળમાં તૂટી ગઈ, પણ કેરળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 40 વરસથી મહેનત કરતું હોવા છતાં...આ બન્ને રાજ્યોમાં 2019માં પણ ભાજપને ઝીરો ઝીરો સીટ મળેલી, આ વખતે 2024માં પણ કેરળમાં એક અને તમિલનાડુમાં 2 કે મેકિસમ 3 સીટ મળશે તો ભાજપ રાજી રહેશે.  

     અને બંગાળની તો વાત જ નિરાળી, મર્દાના મુખ્યમંત્રી મમતા બેનરજી પહેલા વામપંથીઓ સામે લડી તો, હવે એ  મોદી-શાહની મશીનરી સામે લડે છે. મજબૂતીથી. 2020માં તમામ સર્વે બંગાળમાં ભાજપને સ્પષ્ટ બહુમતી આપતા હતા, અને મમતાને નીચે પછાડતા હતા. પણ, રિઝલ્ટ આવ્યું ત્યારે થયું એક્ઝેટ ઓપોઝિટ!

     વધુ એક વાત. અયોધ્યા રથયાત્રા વખતે કોંગ્રેસના એક નેતાએ હિંદુ મુસ્લિમ વોટબેંક વચ્ચે અટવાય જવાના ભયથી કહ્યું કે- ભાજપથી તો લડી શકું, રામ સામે કેમ લડવું?  ખૈર, પછી તો બાબરી તૂટી અને મીડિયામાં બૉમ્બ ફૂટ્યો કે- યુપીમાં સરકાર ભલે ભાજપની હતી, પણ અયોધ્યા માટે તો કેન્દ્રએ દસ હજારની ફોર્સ મોકલેલી, અને કેન્દ્રમાં તો.... છતાંય મસ્જિદ તૂટી? બસ, ત્યારથી કોંગ્રેસના ઊંધા એકડા શરૂ થયા!

     ટુંકસાર એટલો જ કે, જિંદગી હોય કે રાજકારણ બહુ બેલેન્સવાદી બનવાથી જીવાતું કે જીતી શકાતું નથી. ગઈકાલે કોંગ્રેસ અને સમાજવાદી શકિતઓ સામે ભાજપે સ્પષ્ટ રસ્તો પકડી લીધેલો. હવે, ભાજપની મશીનરી સામે જીતવા માટે વિપક્ષોએ (ખાસ તો કોંગ્રેસ) કોઈ એક મજબૂત લાકડીનો ટેકો લઈને સીધા પહાડી રસ્તે દોડવું પડશે!

- ડૉ. ભગીરથ જોગિયા

આ સમાચાર શેર કરો