મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / રાજકારણમાં "દૂધ અને દહીં" બન્નેમાં પગ રાખનારાઓ ગબડી પડે છે! પાર્ટ 1

- કરન્ટ કીક 2012-2013માં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા-નીતિન

શતરંગ / રાજકારણમાં "દૂધ અને દહીં" બન્નેમાં પગ રાખનારાઓ ગબડી પડે છે! પાર્ટ 1

- કરન્ટ કીક

     2012-2013માં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા-નીતિન ગડકરી. એમની છબી આમ તો સંઘનું બેકગ્રાઉન્ડ હોવા છતાં ટિપિકલ "હિંદુત્વ વાદી" નેતા કરતા સાવ સૌમ્ય, વિપક્ષને ય સન્માન આપનારા, દરેક અન્ય પાર્ટીના નેતાઓ સાથે વ્યકિતગત સંબંધો હોય એવા "સબ સે હિલ મિલ ચાલિયે" ટાઈપ હુંફાળું વ્યકિતત્વ. પણ એમણે એ જ અરસામાં એક ટીવી ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ કહી દીધું કે-અમારો મંત્ર એક જ છે... "શત પ્રતિશત ભાજપા, મતલબ ચપ્પા ચપ્પા ભાજપા..." નવાઈ લાગે છે ને?

     પણ આજે નવાઈ નહિ લાગતી હોય. કેટલાય કોંગ્રેસીઓ સામ, દામ, દંડ, ભેદ થકી ભાજપયુક્ત થઈ ગયા. મતલબ મોદી શાહે આ ભાંગફોડની રાજનીતિ અચાનક અમલમાં મૂકી દીધી એવું નથી. 11 વરસ પહેલાં તો નીતિન ગડકરીએ રોકડું પરખાવીને ઇન્ટરવ્યૂમાં કહ્યું હોય તો પ્લાન કેટલા વરસ જૂનો હશે? વિચારવા જેવી વાત છે, અથવા તો કોઈ રાજનીતિક પક્ષોને કવર કરતા જુના જમાનાના પત્રકારો પાસેથી સમજવા જેવી વાત!

     પણ મુદ્દો અહીંયા છે, વિચારધારા કે પોતાના લક્ષ્ય બાબતે સ્પષ્ટ રહેવાની. 1951માં જનસંઘ બન્યું અને છેક 1980માં અટલજીના નેતૃત્વ હેઠળ ભાજપ બન્યું ત્યાં સુધી ઢગલા ઇલેક્શન હાર્યા પછીય ભાજપ-સંઘ પોતાની મૂળભૂત વિચારધારા "હિંદુત્વ"ને કોરાણે ના મૂક્યું. ચુસ્ત પકડી જ રાખ્યું. 1990માં રથયાત્રાનું આયોજન થયું, 1992માં બાબરી મસ્જિદ તૂટી. એ અરસામાં અડવાણી સહિત કેટલાય નેતાઓની ધરપકડ થઇ. તો પણ "રામ મંદિરનું હિંદુત્વ" છોડ્યું નહિ.

     "હિંદુત્વ" પકડી ના રાખ્યું હોત તો કદાચ કોંગ્રેસની તત્કાલીન સરકારોની એન્ટી ઇન્કમ્બન્સી થકી ભાજપ જીતી શક્યું હોત ક્યારેક. ઇમરજન્સી પછીની ગઠબંધન સરકારમાં થોડી ક્રેડિટ, થોડોક હિસ્સો મળ્યો, એટલું જ. એ સરકાર પડી ગઈ, પછી ફરીથી ઇન્દિરા-રાજીવે પ્રચંડ બહુમતીથી સરકારો બનાવી. 1984માં તો ઇન્દિરા ગાંધીની હત્યા પછી એવી લહેર આવી, કહો કે કોંગ્રેસ તરફી આંધી આવી. અને રાજીવ ગાંધી 414 સીટો સાથે વડાપ્રધાન બન્યાં. અને ભાજપને ત્યારે કેટલી સીટ મળી? ફક્ત બે જ! છતાંય જુઓ કે, કોઈ લાળા ચાવ્યા વિના પાંચ વરસમાં તો "લાઠી ગોલી ખાયેંગે, મંદિર વહી બનાયેંગે!" થકી સીધી 89 સીટ લોકસભામાં...

     હવે, 89 સીટોમાં તો ભાજપની સરકાર તો બનતી નથી. પણ કોંગ્રેસે સરકારો બનાવ્યા કરી, ગઠબંધનો કરી કરીને. તે છેક 1999માં ભાજપમાંથી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી બન્યા. એય ગઠબંધન થકી હો. કેમ કે સીટ તો હજી 182 મળી જ હતી. (એ પહેલાં પણ વાજપેયી વડાપ્રધાન બનેલા. પણ અવિશ્વાસના પ્રસ્તાવ માં એક વોટથી હારી ગયા...)

     2004માં વાજપેયીના ચહેરા ઉપર તો ભવ્ય "ઇન્ડિયા શાઇન" કેમ્પઈન પછી પણ કોંગ્રેસે 145 સીટો
સાથે ગઠબંધન સરકાર બનાવી લીધી. મજા આવે એવી વાત એ છે કે- 2009ની ચૂંટણીમાં કોંગ્રેસ પર અનેક આરોપો લાગ્યા. ભ્રષ્ટાચાર, આતંકવાદી હુમલાઓ, 2જી સ્પેક્ટ્રમના ગોટાળા, કોમનવેલ્થમા કૌભાંડ. છતાં 2009માં કોંગ્રેસને 206 સીટ મળી.

     પછી તો બે જ વર્ષમાં અન્ના આંદોલન થયું ને, એમાં સંઘ જોડાઇ ગયું. અધૂરામાં પૂરું ભાજપને એક વડાપ્રધાન પદનો કહેવાતો "મોદી મેજીક" ચહેરો મળી ગયો. તે 2014ની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતીથી 282 સીટો સાથે સરકાર બનાવી લીધી. અને 2019માં પ્રચંડ રાષ્ટ્રવાદ (હિંદુત્વવાદ નહિ, પણ રાષ્ટ્રવાદ) થકી 303 સીટ બીજેપીને મળી. ભાજપના કે એના પૂર્વજ જનસંઘના સાડા છ દાયકાના ઇતિહાસમાં, 2014 અને 2019 એક રેકોર્ડ બની ગયો....

     ખૈર, 1925માં જન્મેલા સંઘથી લઈને વાયા 1951માં જનસંઘ અને પછી 1980માં ભાજપ સુધી અને ત્યાર પછીનો મોદી એરા 2014 થી 2024 સુધીનો... ટોટલ 99 વર્ષની લડત, ઢગલાબંધ હાર, છતાંય સપનું એક જ " હિંદુત્વ". ટૂંકમાં, રાજનીતિમાં લડવું કે જીતવું એ ખાવાના ખેલ નથી... આખી એક સદી સુધી લડવું પડે!

     (મોદીનો સામનો એના જ હથિયારથી થઈ શકે? કે પછી એનાથી એકદમ વિરુદ્ધ વિચારધારાથી? ખાસ તો કંઈ રીતે? એ નેક્સ્ટ કોલમમાં...)

- ડૉ. ભગીરથ જોગિયા

આ સમાચાર શેર કરો