મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

બે લોકોના વટના ઝગડામાં ત્રીજો મારી ગયો બાજી!

'મહેતા સાહેબ, હમણા છ મહિનાથી મારે ને મારી પત્ની રૂચીને ખર્ચ બચત, પગાર વિગેરે બાબતો પર બહુ જ વાદવ

બે લોકોના વટના ઝગડામાં ત્રીજો મારી ગયો બાજી!
આ સમાચાર સાંભળો

'મહેતા સાહેબ, હમણા છ મહિનાથી મારે ને મારી પત્ની રૂચીને ખર્ચ બચત, પગાર વિગેરે બાબતો પર બહુ જ વાદવિવાદ થાય છે. રૂચીને બચત કરવાની જરૂર જ લાગતી નથી. આવેલ પગાર બધો ખર્ચ કરવામાં માને છે. જ્યારે મને ભવિષ્યનો વિચાર આવતા ખર્ચમાં કરકસર કરી બચત કરવાનો અને છોકરા માટે સારા ભણતરની જોગવાઈ કરવાનો વિચાર આવ્યા કરે છે. તેને લીધે લગભગ દરરોજ વાદવિવાદ અને બોલાચાલી થયા કરે છે. શું કરવું એ જ સમજાતું નથી.' રવિ એ વ્યથિત મને તેમના વડીલ એવા વકીલ સાહેબને રજૂઆત કરતાં કહયું. 

'તો પછી એકમેકની મંજુરીથી ખુશીપૂર્વક છુટા થઇ જાવ. તમારો મુન્નો તો હજી ચાર વરસનો જ છે, એટલે એ તો માતાના જ કબજામાં જશે.' વકીલે ચોખ્ખી વાત કરી.

'પણ એ નહીં માને તો ?'

'તમેં તો છુટા થવાની અરજી કરી દો, અંતે તેને અક્કલ આવશે, કે મેં ખોટું કર્યું છે.' મહેતા સાહેબે આઈડીયા બતાવ્યો.

બીજે દિવસે વાદવિવાદ વકરતાં ઝગડો વધી પડયો. રવિએ અંતે ચિડાઈને રૂચીને તેને પિયર મોકલી દીધી. વટનો સવાલ થતાં રૂચી પણ અકડાઈમાં પોતાને પિયર જવા મુન્નાને લઈને ઉપડી ગઈ તેને હતું કે એક બે અઠવાડિયામાં રવિ એકલો પડી જશે એટલે કંટાળીને લેવા આવશે. પણ વાત થઇ ગઈ ઉંધી.

પંદર દિવસ પછી રવિના વકીલ મહેતા સાહેબના છૂટાછેડાની નોટીસ આવી. હવે વટનો સવાલ થઇ ગયો. રૂચી પણ ટણીમાં આવી ગઈ અને તેના પપ્પા અશોકભાઈને લઇ ઉપડી તેમના વકીલ વોરા સાહેબ પાસે તેમણે સામો જોરદાર જવાબ લખી દીધો.

વાત વધી પડી. મુદતો વધતી ગઈ. એમને એમ બે વરસ વીતી ગયા. અંતે વોરા સાહેબે કહ્યું 'તમે માતાનું અને મુન્નાનું ભરણપોષણ ત્રીસ હજાર અને અડધી મિલકતો માંગો.' હવે રવિ મૂંઝાયો અને દોડયો તેના વકીલ મહેતા સાહેબ પાસે.

'સાહેબ, મારી પાસે વારસામાં આવેલ બંગલો અને બે ફ્લેટ છે, હવે શું કરવું ?'

બહુ વિચારીને મહેતા સાહેબે કહ્યું, 'તમે તમારી મિલકતો તમારા ઘરના કોઈને ગીફ્ટ કરી દો. કેસ પતી જાય પછી પરત લઇ લેજો.'

'સાહેબ, મારા માતા પિતા તો બે વરસ પહેલા ગુજરી ગયા છે. એક બહેન જ છે. તેને ગીફ્ટ કરી દઉં છું.' કહીને રવિએ રાત્રે જ તેની બહેન જલ્પાને ઘરે બોલાવી તેના બનેવી જીગરભાઈ જબરા લુચ્ચા માણસ હતા. તેથી તેને ખબર જ ના પડે તેમ જલ્પાને સમજાવી તેનો બંગલો અને બે ફ્લેટ જલ્પાના નામે ગીફ્ટ કરી દીધા.

કોર્ટમાં સુનાવણી વખતે રવિએ સ્પષ્ટ જણાવ્યું, 'હું તો ભાડાના ફ્લેટમાં રહું છું, અને મારી આવક વધારે નથી.' રૂચી વિચારે ચડી, તેના બંગલા અને બે ફ્લેટ ક્યાં ગયા ? કોર્ટ તો પુરાવા માંગે છે. આ બધી મિલકતો ચોપડે જલ્પાબેન જીગરભાઈના નામે બોલતી હતી. તેથી રૂચીને મિલ્કતમાં ભાગ શું મળે ? ભરણપોષણનો કેસ ચાલુ છે.

રવિવારે આશ્રમ રોડ પર સ્કુટર પર જતી જલ્પાને બસે ટક્કર મારી અને ઉંધે માથે પછડાતા તેનું સ્થળ પર જ હેમરેજ ને કારણે મોત થયું. રવિ આ સાંભળી ચોંકી ગયો. મોત પછીની બધી વિધિ પૂરી થયા બાદ તે પહોંચ્યો તેના બનેવી જીગરભાઈ પાસે. 

'જીગરકુમાર, મેં મારી બહેન જલ્પાને મારો બંગલો અને બે ફ્લેટ ગીફ્ટ કર્યો હતો, તે પરત લેવા આવ્યો છું.ધ'

'ક્યા ફ્લેટ ? કયો બંગલો ? મને તો કાંઈ ખબર જ નથી.' જીગરભાઈ ગુસ્સે થઇ બોલ્યા.

'હજુ છ માસ પહેલા જ મેં તેને ગીફ્ટ કર્યા હતા, તે પરત જોઈએ છે.' રવિએ વિનંતી કરતા કહ્યું.

'શું મૂરખ જેવી વાત કરો છો, એક વખત ગીફ્ટ આપ્યા એટલે આપ્યા. હવે પરત ના અપાય. એ તો હવે મારા નામે કાયદા મુજબ થશે.' લાલચુ બનેવી જીગરે દાઢમાં કહ્યું.

'જુઓ, મારે જલ્પા જોડે વાત થઇ હતી, તેણે પરત કરવાનું વચન આપ્યું હતું.' હવે રવિ રડમસ થઇ ગયો.

'તો જાવને જલ્પા પાસે, મારી પાસે કેમ આવ્યા છો.' 

કહીને જીગર છેલ્લી પાટલીએ બેસી ગયો.

હવે રવિ પાસે કોઈ ઉત્તર ન હતો, કે પુરાવો ન હતો. નિરાશ વદને રડમસ થતો તે ઘરે ગયો.

રૂચીને મિલકતમાં કાંઈ જ મળે તેમ ન હતું, ભરણપોષણ પણ ખુબ જ ઓછું મુકરર થાય તેમ લાગતું હતું. તેને મનમાં પસ્તાવો થયો. અરેરે ! મારે બચત કરીને રવિની દલીલો માનવા જેવી હતી. આટલા ઓછા ભરણપોષણમાં મારું અને મુન્નાનું ગુજરાન કઈ રીતે ચાલશે ? મુન્નાના આગળના ભણતરનો ખર્ચ ક્યાંથી કાઢીશ ! 

તેના માતાપિતાએ પણ આ વાત તેને સમજાવી, અંતે સમાધાન કરવા કહ્યું.

બીજા દિવસે તે રડતી રડતી મુન્ના સાથે ઘરે પહોંચી. 'રવિ, મને માફ કરી દે. હવે મને બચતનું મહત્વ સમજાયું છે. હું ખોટા ખર્ચા નહીં કરું.'

રવિ પણ વિચારમાં પડી ગયો. હવે આ ખુલ્લા દિલથી માફી માંગે છે. તો અપનાવી લેવામાં વાંધો નથી. બન્નેએ છુટાછેડાનો કેસ પાછો ખેંચી સમાધાન થયાનું લખીને આપી દીધું.

રૂચી અને રવિ રાત્રે જમતાં હતાં, ત્યારે રવિ રડી પડયો, અને બધી સાચી વાત ખુલ્લા દિલે કરી. રૂચી બોલી, 'અરેરે ! આપણે વાદ, ઝગડો અને કોર્ટ કેસ કરીને છુટા થવા સુધી પહોંચી ગયા, એમાં જીગરકુમારને કરોડોનો ફાયદો લઇ ગયા.

લાસ્ટ સ્ટ્રોક  

પતિ પત્નીમાં વાદવિવાદ થતો હોય તો છેક કોર્ટ સુધી જતાં પહેલા સો વાર વિચારવું. બેની લડાઈમાં ત્રીજો માણસ ફાયદો ઉઠાવી જ જાય, પછી તે વકીલ હોય કે સગાવહાલા.

ત્યારે પસ્તાવાનો કોઈ અર્થ નથી. 

આ સમાચાર શેર કરો