શતરંગ / હું દુઃખી છું!
- નોન ફિલ્ટર્ડ જીવનમાં બે-ચાર ચોપડી વધારે વાંચવાનો ફાયદો એ છે કે તમે ન વાંચતા લોકોની સાપેક્ષે વીસ-ચાલીસ મોટીવેશનલ કવોટ્સ વધારે જાણતા હો

- નોન ફિલ્ટર્ડ
જીવનમાં બે-ચાર ચોપડી વધારે વાંચવાનો ફાયદો એ છે કે તમે ન વાંચતા લોકોની સાપેક્ષે વીસ-ચાલીસ મોટીવેશનલ કવોટ્સ વધારે જાણતા હોવ છો ને નુકસાન એ છે કે તમારે વારે તહેવારે એમને એ કવોટીને મોટીવેટ કરવાનો પ્રયત્ન કરવો પડે છે. એમાં ય જો તમે લાગણીશીલ લલ્લુ હોવ તો લાઈફ આખી લોકોના લમણાં લેવામાં જ વીતી જાય.
એક સમયે મને બહુ ગમતું માણસોને મોટીવેટ કરવાનું. સવાર પડે ને હું કામધંધા વગર લોકોના જીવન સરળ બનાવવાના ધંધે લાગી જતી. ભણતરથી લઈને ભગ્ન હૃદય સુધીની તમામ સમસ્યાઓના સમાધાન માટે લોકોને સજ્જ કરતું ૧૦૦% અસરકારક મોટીવેશન રહેતું મારી પાસે. મારું કરેલું મોટીવેશન કોઈ તોડે તો મફતમાં સંભળાવેલા દરેક ક્વોટ દીઠ ₹૧૦/- આપવાની ગેરંટી આપતી હું. સમસ્યા ન હોય તો સમસ્યા કેવી રીતે ઊભી થઈ શકે એની ય સલાહો આપતી ભાવકના જોખમે. ભાવ તો એટલો કે કોઈ ન મળે તો ખુદ દુઃખી થઈને ખુદને જ મોટીવેટ કરી લઉં. જે દિ એકાદ દુઃખી માણસ મને મળી જાય એ દિ મારો સુધરી જતો.
મફતની મોટીવેટર બનવાના મારા બહોળા અનુભવે હું જાણી શકી કે દુઃખી માણસો બે પ્રકારના હોય –
૧. જે ખરેખર દુઃખી હોય.
૨. જેમને દુઃખી રહેવાનો શોખ હોય.
મોટેભાગે પહેલા પ્રકારના માણસોને મોટીવેશનની અસર નથી થતી ને બીજા પ્રકારના માણસો માટે મોટીવેશન કામનું નથી. પહેલા પ્રકારના લોકો સમય સાથે પોતાના દુઃખને ભૂલીને આગળ વધી જાય છે ને બીજા પ્રકારના લોકો આપણને ય એમનું દુઃખ ભૂલીને આગળ નથી વધવા દેતા. આ એ લોકો છે જેઓ હવામાંથી દુઃખ શોધી કાઢે છે. એમનું જીવન જ રોતલવેડા પર ચાલે છે.
આવા લોકોની દુઃખી રહેવાની ઇન્ટેન્સિટી એટલી હોય કે એમને મોટીવેટ કરતાં કરતાં ક્યારે આપણું વેઇટ લોસ થઈ જાય એ ય ખબર ન પડે. એમ જ થોડી મોટીવેશનલ સ્પીકરો આટલી તગડી ફી લેતા હોય છે? એક એક સેમિનાર પછી ઓછામાં ઓછા દસ કાઉન્સેલીંગ સેશન્સ લેવા પડતા હશે એમને ગળેથી કોળીયો ઉતારવા!
વળી એમને દુઃખની ક્વોલિટી જેવી તેવી ન ચાલે. સામાન્ય માણસો જેવા સામાન્ય દુઃખો એમને અભિભૂત ન કરી શકે. સર્ટિફાઇડ કે બ્રાન્ડેડ દુઃખથી ઓછું એમને પોસાય જ નહી. એમને દર્દ નહી, દર્દનો દરિયો જ હોય. જેમ કે, સામાન્ય લોકોનું બ્રેકઅપ થાય એટલે સંબંધ ખતમ થાય. આમનું બ્રેકઅપ થાય એટલે જીવન ખતમ થાય. ભલેને સંબંધ બે અઠવાડિયાનો હોય ને બસ્સો મી વારનું બ્રેકઅપ હોય! આવાઓ જ્યારે બ્રેકઅપ ની વાત કરે તો આપણને એવું થઈ જાય કે આપણું ય બ્રેકઅપ થયું છે. પછી યાદ આવે કે આપણું તો લફરું જ નહતું!
તો શું લોકોને મોટીવેટ કરવાના અભરખા છોડી દેવા? પરાઇ પીડ જાણીને ય અ-વૈષ્ણવજન બની રહેવું? આટઆટલું એક્સ્ટ્રા જ્ઞાન એમ જ અંતે રાખ થવા દેવું? ખિસ્સાને પોસાતી એકમાત્ર ભેટ એવી સલાહ જ નહી આપવાની કોઈને? આપવી, કોથળા ભરીને મફતની સલાહ આપવી. ના જોઇતી હોય તો ય પકડી પકડીને આપવી. પણ ફક્ત પહેલા પ્રકારના દુઃખી દેવદાસોને. બ્લડગ્રુપમાં દુઃખ દર્દ પીડા ભરીને જીવતી ‘બી નેગેટિવ’ જીવાતોને સમજાવવા કરતાં તો માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને પેસિફિકમાં કૂદી પડવું સારું!
હવે જાણવું કઈ રીતે કે સામેવાળાનું દુઃખ સાચું છે કે શોખનું? એનો સાવ સરળ રસ્તો છે એમના દુઃખની દાસ્તાન સાંભળતા સાંભળતા વચ્ચે શક્ય હોય તો અને ત્યારે હાસ્યનું હાર્મોનિયમ વગાડી જોવું. (અહીં ‘તો અને ત્યારે’ મહત્વના છે. મરશિયા ગવાતા હોય ત્યાં નાચવા ન જવાય.) જેમના જીવનમાં સાચે હડકંપ મચેલો છે તેઓ હાસ્યની હલ્કી કંપનથી ય રાહત અનુભવે છે, ઇન્સ્પાયર્ડ થાય છે. પણ કરુણરસને જ જીવનનું અમૃત માનવાવાળા લોકો હાસ્યના બે-ચાર ટીપાં માત્રથી એમ છળી મરે જેમ મિડલ ક્લાસ માણસ મોંઘવારીથી. સુખ એમના જીવનનું સહુથી મોટું દુઃખ હોય છે. ને એ સુખને દુઃખી કરવા તેઓ એમના જીવનના તમામ દુઃખ લગાવી દેશે. હસવાની વાત પર પણ રડવાનું ન છોડે એને હસાવવાનો પ્રયત્ન આપણને રડતા કરી દે. આપણા જેવા અતિઉત્સાહી અબૂધ ઍક્સપર્ટસનું અટેન્શન જ એમનું ફ્યુઅલ છે જે સમય સાથે આપણી જ ટાંકી અને બેટરી બંને ખાલી કરશે. એમના એકાદ દુઃખ પર પણ દયા ખાધી તો આપણી દયા પર દયા ખાવાનો વારો આવે એ નક્કી.
- કૃતિ શાહ








