શતરંગ / અપને પે ભરોસા હૈ તો એક દાવ લગા લે...
- છલકા યે જામ... રતન ખત્રીનું અવસાન થયું છે, રતન ખત્રી સટ્ટાનો કારોબાર કરતા. ”ધર્માત્મા” ફિલ

- છલકા યે જામ...
રતન ખત્રીનું અવસાન થયું છે, રતન ખત્રી સટ્ટાનો કારોબાર કરતા. ”ધર્માત્મા” ફિલ્મ ગોડફાધર પરથી બનેલી પણ ફિરોઝખાન એ મુખ્ય માફિયા બોસ તરીકે વરલી મટકાના રતનખત્રી પરથી પોતાની ફિલ્મમાં પાત્રલેખન કરાવેલું અને એ પાત્રને પળદા પર પ્રેમનાથે જીવંત કરી દીધેલું!
જેવી રીતે આપણે કોઈએ મુઘલ બાદશાહ અકબરને જોયો નથી પણ જે કોઈએ “મુઘલ-એ-આઝમ” ફિલ્મ જોઈ હશે એના મન-મગજ માં અકબર એટલે પૃથ્વીરાજ કપૂર એમ છપાઈ ગયું છે અને ક્યારેક કોઈ અસલી અકબરની તસ્વીર પણ નજરે ચડેને તો પણ એ અસલી અકબરને પણ સાચો માનવાનું મન-મગજ કબૂલ ન કરે. એવી જ રીતે જે લોકોએ
“ધર્માત્મા” ફિલ્મ જોઈ છે અને રતન ખત્રી વિષે જાણકારી હશે પણ ક્યારેય રત્ન ખત્રીને જોયા નથી કે એમની તસ્વીર પણ નથી જોઈ એવા લોકોના મન-મગજમાં પ્રેમનાથ જ રતનખત્રી તરીકે છપાઈ ચુક્યા છે!
આપણા આધુનિક ભારતના બે નંબરના ધંધાના ઇતિહાસના એક પાના રૂપે અહીં લખવામાં આવ્યું છે, જે બની ગયું છે તે આમ હતુ!
એક વખત એવું બન્યું, બોમ્બેના વરલી વિસ્તારમાં રતન ખત્રી નામના માણસે મટકાની અંદર ગુલામ,રાણી અને
બાદશાહ સિવાયના 40 પતા નાખી તેમાંથી 3 પતા નીકાળીને આંકડાનો જુગાર રમાડવાનું શરૂ કર્યું.
આ જુગાર ગઝબ સફળતાને વર્યો, આખા ભારતમાં આ જુગાર જુગારીઓ રમવા લાગ્યા, શહેર, નગર, ગામમાં આ જુગાર રમાડતા એજન્ટો બન્યા જેને બુકી કહેવામાં આવે છે, સમયાંતરે કલ્યાણભાઈ નામના માણસે પણ બોમ્બેમાં જ આ જુગાર રમાડવાનું શરૂ કર્યું અને આ જુગારમાં બે બજાર બની ગઈ!
થિયરી ઓફ પ્રોબેબલિટી (સંભાવનાનું ગણિત)ને આધારે આ અદભુત જુગારનું જડબેસલાક માળખું રચવામાં આવેલું. આંકડા, પાના, મોટર, જોડી, પેટીપાનું એવી અનેક રીતે જુગાર રમાડવામાં આવતો. દરેક રમતના અલગ અલગ ભાવો
રાખવામાં આવતા. બપોરે 12 વાગ્યે ઓપન અને બપોરે 3વાગ્યે ક્લોઝ એવી જ રીતે રાત્રે 9 વાગ્યે ઓપન અને 12 વાગ્યે ક્લોઝ એમ આ જુગાર દિવસમાં ચાર વખત રમાડવામાં આવતો.
આંકડાના આ જુગારમાં ઓપન અને ક્લોઝમાં ત્રણ રીતે દાવ લગાડાતો. જે ત્રણ પત્તાનો સિંગલ આંકડો આવે એના પર
દાવ રમાતો. આમાં દસમાંથી એકની શક્યતા હોવાથી ઈનામ નાનું રહેતું. પછી ત્રણ આંકડાનો દાવ રમાતો. જેમાં શક્યતા ઓછી હોવાથી ઈનામ મોટું રહેતું. પછી ઓપન અને ક્લોઝ બંનેના ત્રણ આંકડાનો દાવ રમાતો જેને પેટીપાનું કહેતા. એની શક્યતા નહિવત્ હોવાથી એનું ઈનામ સૌથી મોટું રહેતું! ગુજરાતી છાપામાં બીજા દિવસે છેલ્લે પાને રતન મટકાનું પરિણામ જાહેર થતું જેને કોઈ વેપારના આંકડા હોય એવું રૂપ અપાતું.
એનું નેટવર્ક એટલું સોલીડ હતુ કે, મુંબઈ સેન્ટ્રલથી ઊપડેલ ટ્રેનનો એન્જીન ડ્રાઈવર દરેક સ્ટેશન પર ખૂલેલા આંકડા જેટલી સંખ્યામાં વ્હીસલ વગાડે, અને સમજવા વાળા સમજી લે.. કમાણીનો મોટો હિસ્સો લોકો લાલચમાં મટકા પાછળ
વાપરતા. હું એવાં કેટલાય કુટુંબોને જાણું છું જે ઘરના તમામ સભ્યો, પતિ,પત્ની, દિકરા, દિકરાવહુ સમેત બધાં મટકું ખેલતાં હોય પરિણામે ધોર અને દારુણ ગરીબી.. ઘરમાં શાકભાજી ના આવે પણ મટકું ખેલે જ ખેલે.. અમારા ગામનાં ઘણાં ઘર એમાં તારાજ થઇ ગયેલા.
આખા ભારતમાં એક સાથે બોમ્બેમાં જેવું પાનું ખુલે કે પાંચમી મિનિટે પાનું જાહેર થઈ જતું, ટેલિફોન કદાચ વડાપ્રધાનનો બંધ હોય શકે પણ બુકીઓના ટેલિફોન એક મિનિટ પણ બંધ નહોતા રહેતા!
દરેક ગામ, શહેરો, નગર, કસબાઓમાં પણ એક કેબિનમાં આ સટ્ટો લેવામાં આવતો અને રમનાર જે રમ્યો હોય તેની રસીદ મળતી. તે રસીદ બતાવીને જીતેલા જુગારીઓ વલણ મેળવી લેતા. જાહેરમાં બોર્ડ મૂકીને આ જુગારના આંકડા
લખવામાં આવતા, લોકો ટોળે વળીને આંકડા જાહેર થાય તેની વાટ જોતા! આને સટ્ટા તરીકે ઓળખવામાં આવે છે અને
રતન ખત્રીના નામ પર રતનબજાર અને કલ્યાણભાઈના નામ પર કલ્યાણબજાર હતું. વરલી વિસ્તારમાં શરૂ થયેલું મટકા માં પત્તા નાખીને એટલે વરલી મટકા તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે તો હવે મૃતપાય અવસ્થા થઈ, નથી રતન કે નથી કલ્યાણ પણ જો દુનિયાના જુગારનો ઇતિહાસ લખાય તો ભારતમાં આ અદભુત ગણતરી અને જબ્બર સંગઠન શક્તિથી ચલાવવામાં આવતો જેમાં હજારો માણસો તો દેશ આખમાં રમાંડનારા હતા ને લાખો રમનારા એવા આ જુગાર અને તે જુગાર બનાવનાર રતન ખત્રીનું નામ સોનેરી અક્ષરે જ લખવું પડે.
આ સિવાય આ જ થિયરી ઓફ પ્રોબેબલિટીને આધારે આખી દુનિયામાં કાયદેસર રમાડવામાં આવતો એક જુગાર છે
“વીમો”.
દુનિયાની કોઈ પણ કંપની ખોટ, નુકશાન કરી શકે છે પણ આ દુનિયામાં કદી પણ વીમા કંપનીઓ નુકશાન નથી કરતી
કારણકે આ વિમા કંપનીઓ બુકી છે અને બુકી કોઈ દિવસ સટ્ટાના જુગારમાં હારતા નથી!
આજે તો જુગારના અવનવા પ્રકારો નીકળ્યા છે અને ખુદ સરકારની રહેમનજરે ક્રિકેટમાં પણ કાયદેસરના સટ્ટા રમાય છે. IPL જેવી સિરિઝોમાં તો કાયદેસરનો બેહિસાબ જુગાર રમાય છે અને એ બધા જુગારોની જાહેરાત પણ ગ્લેમરની દુનિયાનાં કલાકારો અને ક્રિકેટરો કોઈ સંકોચ કે છોછ વગર કરે છે. સાથે જીણા અક્ષરે લખે છે અને ધીમા અવાજે
બોલે છે કે, ‘આ રમતની તમને લત લાગી શકે છે!’
યાદ રાખો માનવસમુહમાં અનાદિકાળથી થતી મનોરંજન માટેની પ્રવૃત્તિ જુગાર હતો, છે અને રહેશે. કોઈને ગમે કે ન ગમે, નૈતિકતાના આંચળા હેઠળ વિરોધ થાય પણ જુગાર અમર છે એ હકીકત છે.
- હકીમ રંગવાલા








