મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે, જંગલી રીંછડા જીતી જતાં ને અજાણ્યા પુરુષ હારી જાય છે!!

- વટથી, હકથી ને હુકમથી મને એ જ સમજાતું નથી કે આવું શા

શતરંગ / મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે, જંગલી રીંછડા જીતી જતાં ને અજાણ્યા પુરુષ હારી જાય છે!!

- વટથી, હકથી ને હુકમથી

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે,
જંગલી રીંછડા જીતી જતાં ને અજાણ્યા પુરુષ હારી જાય છે!!

કરસનદાસ માણેકની માફી સહ ઉપરોક્ત પંક્તિ સાર્થક કરતી પ્રજાતિને આજનો લેખ અર્પણ કરતા મને જંગલી રીંછ જેટલો જ આનંદ થાય છે.

રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી,
સામે રાણી ફેમિનિસ્ટ મળ્યા, આફત આવી મોટી..

ફરી રમણલાલ સોનીની માફી અને એ દરેક બાળકની માફી માંગવી પડે જેમનું બાળપણ આ બાળગીત સાંભળીને વીત્યું છે, વીતી રહ્યું છે. વીતી તો બિચારા અજાણ્યા પુરુષ પર રહ્યું છે. ન મઝા આવી ને આ વાક્યમાં?!! બસ આવું જ નાકનું ટેરવું ચડી જાય એવો સર્વે ગામમાં થયો ને ગામ ગોકીરો થયો. હવે તો પાદરે બેઠેલા ભાભલા ને ઘોડિયામાં ઝૂલતાં બાબલાને પણ ખબર છે કે ઇન્સ્ટા પર એક સર્વે પરથી ટ્રેડિંગ થયું રીંછ અને અજાણ્યા પુરુષનું ડિંડક જે આખા સોશિયલ મીડિયામાં ચવાઈને ચિગમ થઈ ગયું તો ય ફેમિનિસ્ટ ફુદરડીઓ એને મેલવા તૈયાર નથી. એમને એવું છે કે જંગલી જાનવર કરતાં પણ અજાણ્યો પુરુષ વધુ ખતરનાક છે. છે જ ભાઈ, ખોટી નથી આ મહિલાઓ. કેમકે જ્યાં આવી ખૂંખાર સ્ત્રીઓ વસતી હોય ત્યાં અજાણ્યા પુરુષે ખતરનાક થઈને જ જીવવું પડે બાપ!

રીંછ, રીંછડી, પુરુષ, સ્ત્રી અને જંગલ..

"હવે તમે જવાબ આપો. તમે જંગલમાં એકલા હોય અને તમારી સામે કોઈ અજાણી સ્ત્રી કે રીંછડી આવે તો તમે કોને પસંદ કરો?"

"રીંછડી જ ને જ વળી... કારણ કે અજાણી સ્ત્રીને પસંદ કરું તો એ ફરીથી મને આવા માણસ કે રીંછ વાળા સવાલ કરીને પકવે."

આ મારો અને મારા હસબન્ડ વચ્ચે થયેલો સંવાદ છે. આખું ગામ (ઇન્ટરનેટ આવ્યા પછી દુનિયા ગામ જેવડી જ થઈ ગઈ છે ને) સ્ત્રીઓને રીંછ અને પુરુષ વચ્ચે પસંદ કરવાનું કહે તો મેં મારા વરને ઉલટો સવાલ પૂછ્યો. પણ આ વર લોકો જવાબ તો આવા આપે અને વળી એમાં ભૂલ પણ કાઢે. મને કહે કે, રીંછડી એવો કોઈ શબ્દ નથી હોતો. માદા રીંછ કહેવાય. મેં મનમાં કીધું કે રીંછ કે એની બહેન ક્યાં વ્યાકરણ ભણવા ગયા હોય છે તે ભૂલ કાઢવા બેસે. હવે તો મને ય રીંછ સારું લાગે છે કારણ કે એટ લીસ્ટ એ મારા શબ્દોમાં કે મારા વ્યંજનોમાં ખોચરા તો ન કાઢે. "આ શબ્દ આમ ન બોલાય ને શાક સહેજ કાચું રહી ગયું છે ને ભાત ગળી ગયા છે ને.." રીંછને તો મધનો ડબ્બો આપી દો તો ખુશ ખુશ. ને મારા ભરથારને મધ આપુ તો એ મધમાખીના હક્કનું છીનવી લીધું એમ કહીને બે કલાક લેક્ચર આપે. મને એવો ભ્રમ હતો કે ભારતમાં મેનકા ગાંધી એક જ છે પણ આ તો મારા ઘરમાં જ...

રીંછ કે પુરુષ? આ સવાલે તો મંગલમાં જંગલ કરી કાઢ્યું છે. મને એમ થાય કે સાલું આપણો મિત્ર, ફીયોન્સ કે પતિ પણ એક સમયે અજાણ્યો જ હોય તો શું એ જંગલી રીંછ કરતાં ય વધુ ડેન્જર હતો? તો પછી એનું ડેન્જરત્વ ગયું ક્યાં? ના એટલે હું આ વાત સાથે એકસો એકના ચાંદલા જેટલા ટકા અગ્રી જ કે જંગલી રીંછ પર ભરોસો થાય પણ અજાણ્યા પુરુષ પર નહિ. પણ રીંછ તો સાલું જંગલી અને ડર લાગે એવું હતું, છે ને રહેશે પણ પુરુષ બિચારો, વિચારો કે અજાણ્યો હતો ત્યારે આટલો ખતરારૂપ હતો એ જાણીતો થયા પછી શું થઈ જાય? એનું જંગલીપણું કે નુકસાનકર્તા હોવું જતું ક્યાં રહે? પેલું જતી રહેજે મિમ માફક શું એય, ડેન્જર અજાણ્યા પુરુષના અવિશ્વાસપણા!! જતું રહેજે!! એવું કોઈએ કહ્યું હશે?!

જો એવું નથી તો પછી અજાણ્યો કે જાણીતો કોઈપણ પુરુષ સ્ત્રી સાથે જંગલમાં રહેવા લાયક નથી રીંછ ભાઈ માફક એમ સમજવાનું? પેલ્લ્લા આ લોજિક ક્લિઅર કરો કોઈક. શું છે કે હવે તો રીંછ સાઈડમાં રહી ગયું છે, મામલો અજાણ્યા અને જાણીતા પુરુષ વચ્ચે મેદાને ચઢ્યો છે કેમકે જાણીતા પુરુષે એવું કહ્યું છે કે મારી પણ સિરિયલ બનાવો, ક્યોંકિ જાણીતા પુરુષ ભી કભી અજાણ્યા પુરુષ થા!! એણે એવો સવાલ પણ કર્યો છે કે મારામાં રહેલી જંગલીયત જાય છે ક્યાં? મારે તો કાયમી એ જોઈએ છે બોસ!

જો આવા સર્વે કરવા વાળા લોકોનું ચાલે તો સ્ત્રીઓની જ કેમ છેડતી કરવાની? પુરુષોની કેમ નહિ? આવું કહીને પુરુષો પર નજર બગાડવાનું ફરમાન બહાર પાડે! લાગે છે ને વાહિયાત વાત? આવા સવાલો અને સર્વે કરતાં થોડી ઓછી વાહિયાત. મને પુરુષો સાથે ન સરખાવો,

લિ. જંગલી રીંછ. વટથી, હકથી ને હુકમથી..

- સ્નેહલ તન્ના

આ સમાચાર શેર કરો