શતરંગ / કોચ તરીકે કેવા નીવડશે ગૌતમ ગંભીર?
- ટાઈમ આઉટ જો BCCIની ઇન્ટરવ્યુ પેનલ પોતાની જાદુઈ ટોપીમાંથી સસલું બહાર નહીં કાઢે તો હાલમાં ચાલી રહ

- ટાઈમ આઉટ
જો BCCIની ઇન્ટરવ્યુ પેનલ પોતાની જાદુઈ ટોપીમાંથી સસલું બહાર નહીં કાઢે તો હાલમાં ચાલી રહેલા T20 World Cup બાદ ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના નવા કોચ તરીકે જાહેર કરવામાં આવશે. આપણે જાણીએ જ છીએ કે હાલના કોચ રાહુલ દ્રવિડની ટર્મ આ વર્લ્ડ કપ પછી પૂરી થાય છે અને તેઓ પોતે આગળ સેવા ચાલુ રાખવામાં રસ નથી દાખવતા એવું પહેલાં જ કહી ચૂક્યા છે.
આથી BCCIએ જ્યારે IPL 2024 તેની ચરમસીમાએ હતી ત્યારે ટીમના નવા કોચ માટે અરજીઓ મંગાવી હતી. આ બધામાં રસપ્રદ વાત એવી છે કે ગૌતમ ગંભીરે તે સમયે એટલેકે અરજી કરવાની છેલ્લી તારીખ જે IPL પૂર્ણ થવાના એક દિવસ પછીની હતી, ત્યાં સુધી અરજી કરી હતી કે નહીં તેની કોઈજ જાણકારી આપણી પાસે નથી.
પરંતુ જેવું KKR આ વર્ષની IPL જીત્યું કે તરત જ ગંભીરને કોચ બનાવવાની હલચલ અચાનક જ ચાલુ થઇ ગઈ હતી. એવું શક્ય તો નથી કે મેન્ટર તરીકે ગંભીરની IPLની સફળતાએ BCCIની આંખો આંજી દીધી હોય અને તેણે સામેથી કોચપદની ઓફર કરી હોય. પરંતુ જે રીતે ઘટનાક્રમ બન્યો તેનાથી તો એવું જ લાગે છે કે ગંભીર કરતાં BCCIને વધુ રસ હતો કે તે ટીમ ઇન્ડિયાનું કોચિંગ સંભાળે. જોકે ગંભીરને સાવ રસ ન જ હતો એવું પણ નથી, પરંતુ તે કદાચ BCCI તેને આમંત્રણ આપે તો જ હા પાડશે એવું લાગી રહ્યું છે.
જે હોય તે, પણ હવે જેમ અગાઉ આપણે વિચાર્યું તેમ બધું સમુસુતરું પાર પડી જાય તો આગામી સિરીઝથી આપણને ટીમ ઇન્ડિયાના કોચ તરીકે દ્રવિડ નહીં પરંતુ ગંભીર જોવા મળશે. પરંતુ તાજા સમાચાર અનુસાર BCCIને ગંભીરની તમામ શરતો મંજૂર હોવા છતાં ગંભીર ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝથી કોચપદું નહીં સંભાળે અને તેમના સ્થાને NCAના ચેરમેન વીવીએસ લક્ષ્મણ ઝિમ્બાબ્વે જશે.
ગૌતમ ગંભીર ક્યારે પોતાની જવાબદારી સંભાળશે એ તો હજી નક્કી નથી પરંતુ જો તે ટીમ ઇન્ડિયાના કોચ બનશે તો આપણને તેમની કઈ સકારાત્મક કે નકારાત્મક બાજુઓ જોવા મળશે તેના વિશે થોડું અવલોકન કરી લઈએ.
પહેલાં ગૌતમ ગંભીરની નકારાત્મક બાજુ જોઈએ:
ગંભીરની છબી, એટલીસ્ટ ટીવી ઉપર, એવી છે કે તેઓ ખૂબ ગુસ્સાવાળા છે. KKRની ટીમના સભ્ય પાસેથી ક્યારેય આવું સાંભળવા મળ્યું નથી પણ તેમનો ગુસ્સો કેવો છે તેના ઉદાહરણો આપણને તે રમતા ત્યારે પણ જોવા મળ્યા છે અને જ્યારે તેઓ IPLમાં LSGના મેન્ટર હતા ત્યારે પણ જોવા મળ્યા છે. આથી જ્યારે રાષ્ટ્રીય ટીમના કોચ બનવાનું હોય ત્યારે ગુસ્સો એક મોટો નકારાત્મક પોઈન્ટ બની શકે છે, કારણકે નકામી બાબતે કરવામાં આવેલો ગુસ્સો કોઇપણ ખેલાડીના દેખાવ પર મોટી અસર પાડી શકે છે જે છેવટે ટીમને જ નડશે.
તડ ને ફડની ગંભીરની આદત પણ તેમનું એક નકારાત્મક પાસું છે. રોજબરોજના જીવનમાં આપણને એમ કહેતા હોઈએ છીએ કે માણસે કશું જ મનમાં ન રાખવું જોઈએ અને જે હોય તે તડ ને ફડ કરી દેવું જોઈએ. પરંતુ ક્રિકેટ ટીમમાં સિનીયર ખેલાડીઓ પણ છે, જેવા કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા. આ પ્રકારના સિનીયર સાથે તડ ને ફડ ન થાય. તેમને અલગ રીતે ટ્રીટ કરવા પડે.
ગંભીર જીદ્દી હોવાનું પણ જાણવા મળ્યું છે. પરંતુ દરેક વખતે જીદ કામમાં આવતી નથી. હા દરેક ટીમના ખેલાડીઓ, કેપ્ટન અને કોચ દરેક મેચ જીતવી જ જોઈએ એમ માનતા હોય છે પરંતુ એ ક્યારેય શક્ય નથી હોતું. ગંભીરની દરેક મેચ જીતવાની એષણા જગજાહેર છે, પરંતુ નેશનલ ટીમ માટે આ પ્રકારની જીદ કામે નથી આવતી અને કેપ્ટન, કોચ અને સિનીયર ખેલાડીઓએ સાથે મળીને કામ કરવું જોઈએ. આથી તેમણે આના પર પણ કંટ્રોલ લાવવાની જરૂર છે.
હવે જાણીએ ગૌતમ ગંભીરની સકારાત્મક બાજુને:
ભારતના તમામ કોચમાં જો સફળ રણનીતિકારની યાદી હોય તો તેમાં ગૌતમ ગંભીર સામેલ છે. તેઓ કદાચ ભારતનું ડોમેસ્ટિક ક્રિકેટ ખૂબ ફોલો કરે છે અને આથી તેઓ મોટાભાગના ભારતીય ક્રિકેટરોની નસેનસ જાણે છે. આથી તેઓ ટીમની ઇલેવનમાં કોને ક્યાં અને ક્યારે રમાડવો તે બહુ સારી રીતે જાણે છે. આ ઉપરાંત મેચ જીતવા માટેની રણનીતિ પણ ગંભીર બહુ સારી રીતે બનાવી જાણે છે જે ટીમ ઇન્ડિયાના લાભમાં છે.
જીત માટે કાયમ હકારાત્મક રહેતા ગૌતમ ગંભીર આ મામલે રવિ શાસ્ત્રી જેવા છે. મેચ જીતવાના ઘણા મંત્રો તેઓ જાણે છે અને આથી રવિ શાસ્ત્રીની જેમ જ ગંભીર પણ મેચની વચ્ચે જ્યારે કોઈ તકલીફ આવી પડશે તો તેમાંથી કુશળતાથી માર્ગ શોધી શકશે એવી ગંભીરને જાણનારાઓ કહે છે.
ઉપર આપણે ગંભીરની નકારાત્મક બાજુ જોઈ તો પણ તેઓ એક સારા લિડર છે. તેમણે KKRને IPLમાં બે વખત કેપ્ટન તરીકે અને એક વખત મેન્ટર તરીકે IPL ટ્રોફીઓ જીતાડી છે. આ ઉપરાંત ધોનીની ગેરહાજરીમાં જ્યારે પણ ગંભીરે ટીમ ઇન્ડિયાની કપ્તાની સંભાળી છે ત્યારે મોટેભાગે વિજય જ અપાવ્યો છે. આથી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન ભલે ગમે તે હશે પરંતુ ગૌતમ ગંભીર આ મામલે એક એક્સ્ટ્રા લેવલ ઉભું કરશે જે ટીમને ફાયદો જ અપાવશે.
આમ જુઓ તો ટીમના સિલેક્શનમાં કોચની ભૂમિકા નહીંવત હોય છે પરંતુ જો ગંભીરની આ બાબતે પણ સલાહ લેવામાં આવશે તો તેમના અનુભવનો છેવટે ટીમને જ ફાયદો થશે. આમ ગૌતમ ગંભીરની એક કોચ તરીકે જેટલી પણ નકારાત્મક બાજુઓ હોય પરંતુ તેમને જો ટીમ ઇન્ડિયાના કોચ બનાવવામાં આવશે તો ફાયદો તો ટીમને જ થવાનો છે એ નક્કી છે.
- સિદ્ધાર્થ છાયા








