મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ગીતામાં કૃષ્ણનું જે નામ પહેલીવાર આવે છે, એ કેટલું સૂચક છે!

- ગીતા Talks જે કૃષ્ણને આઠ પટરાણી અને ૧૬૧૦૦ રાણીઓ છે, જે કૃષ્ણને સંતાનો છે, જે કૃષ્ણ જરૂ

શતરંગ / ગીતામાં કૃષ્ણનું જે નામ પહેલીવાર આવે છે, એ કેટલું સૂચક છે!

- ગીતા Talks

જે કૃષ્ણને આઠ પટરાણી અને ૧૬૧૦૦ રાણીઓ છે, જે કૃષ્ણને સંતાનો છે, જે કૃષ્ણ જરૂર પડે પ્રતિજ્ઞા તોડી દે છે, જે કૃષ્ણ જરૂર પડે રણ છોડી દે છે. એ કૃષ્ણને ભીષણ પ્રતિજ્ઞાઓનું પાલન કરનાર એવા બ્રહ્મચારી ભીષ્મ ‘હૃષીકેશ-ઇન્દ્રિયોના સ્વામી’ કેમ કહે છે?

ભગવદગીતામાં કૃષ્ણનું નામ પહેલી વાર ક્યાં શ્લોકમાં આવે છે ખ્યાલ છે? અને કયું નામ આવે છે? પહેલા અધ્યાયના ૧૫માં શ્લોકમાં પહેલીવાર કૃષ્ણનો ઉલ્લેખ થાય છે. જ્યારે પાંડવસેના વતી યુદ્ધનો પહેલો શંખનાદ કૃષ્ણ કરે છે અને ભગવાન વેદવ્યાસ લખે છે કે: पाञ्चजन्यं हृषीकेशो देवदत्तं धनञ्जय: કે હવે હૃષીકેશ કૃષ્ણએ પોતાનો પાંચજન્ય શંખ ફૂક્યો.

કૃષ્ણ માટે ગીતામાં પહેલી વાર જે નામ ઉચ્ચારાયું છે એ છે ‘હૃષીકેશ’. હૃષીકેશ એટલે શું? કોને હૃષીકેશ કહેવાય? ‘હૃષીકેશ’ શબ્દમાં બે શબ્દોની સંધી છે: હૃષિક્ + ઈશ ... હૃષિક એટલે ઇન્દ્રિયો અને ઈશ એટલે સ્વામી અથવા ઈશ્વર... તો હૃષીકેશ એને કહેવાય જે ઇન્દ્રિયોનો સ્વામી છે. 

ભગવદ ગીતામાં કૃષ્ણ માટે વપરાતું પહેલું જ નામ હૃષીકેશ છે. ભગવાન વેદ્વ્યાસે કેટલું સૂચક લખ્યું છે. એનાથી આગળ એક મજાની વાત જોઈએ તો મહાભારતનું યુદ્ધ પૂરું થઇ ગયું પછી ‘શાંતિપર્વ’માં બાણશૈયા પર સુતેલા પિતામહ ભીષ્મ યુધીષ્ઠીરને કહે છે.

એક: કર્તા સ કૃષ્ણશ્ચ જ્ઞાનીનાં પરમા ગતિ:

તસ્માદ વ્રજ હૃષીકેશં કૃષ્ણમ્ દેવકીનંદનમ્

શ્લોકનો અર્થ છે કે, ‘કૃષ્ણ એકમાત્ર કર્તા છે અને જ્ઞાનીઓની પરમ ગતિ છે. એટલે જ તું દેવકીનંદન કે જે હૃષીકેશ છે. જે સર્વ ઇન્દ્રિયોના સ્વામી એમના શરણે જા.’

આ આખી વાત બહુ સમજવા જેવી છે. પિતામહ ભીષ્મ જે પોતે આજીવન બ્રહ્મચારી રહ્યા છે, જેમનો પ્રતિજ્ઞાપાલનનો સંયમ એટલો તો ભીષણ છે કે એનું નામ જ ભીષ્મ એવું વિખ્યાત થઇ જાય છે. એનું મૂળ નામ દેવવ્રત છે જે  કોઈના હોંઠે નથી આવતું. એ ભીષ્મ કોને 'હૃષીકેશ' કહે છે? ભીષ્મ કોને ઇન્દ્રિયોના સ્વામી કહે છે ? ભીષ્મ કૃષ્ણને ઇંદ્રિયોના સ્વામી કહે છે ...જે કૃષ્ણને આઠ પટરાણી અને ૧૬૧૦૦ રાણીઓ છે, જે કૃષ્ણને સંતાનો છે, જે કૃષ્ણ જરૂર પડે પ્રતિજ્ઞા તોડી દે છે, જે કૃષ્ણ જરૂર પડે રણ છોડી દે છે. એ કૃષ્ણને ભીષણ પ્રતિજ્ઞાઓનું પાલન કરનાર એવા બ્રહ્મચારી ભીષ્મ ‘હૃષીકેશ-ઇન્દ્રિયોના સ્વામી’ કહે છે. ગજબ વાત છે ને !  પણ ભીષ્મ કેમ એમ કહે છે?  

એનો જવાબ ગીતાના એક શ્લોકમાં મળે છે, જે શ્લોકને કદાચ આ સમયમાં સમજવાની સૌથી વધુ જરૂર છે. ‘ગીતા talks’માં આપણે ઇન્દ્રિયો પર વાત માંડી છે પણ ઇન્દ્રિયો સાથે આપણે ઉપર ઉપરથી કેટલો દંભ કરીએ છીએ એ વાતને  સમજીએ ભગવદ ગીતામાં આ વિષય પરનો એક ખુબ મહત્વનો શ્લોક જોઈએ, એ છે ત્રીજા અધ્યાયનો છઠ્ઠો શ્લોક:

कर्मेन्द्रियाणि  संयम्य  य  आस्ते  मनसा  स्मरन् |

इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचार: स  उच्यते || ૩.૬ || 

પહેલા એકવાર આનો સરળ ભાવાનુવાદ જોઈએ તો: 'જે कर्मेन्द्रियाणि ( કે હાથ, પગ, મોં, ગુદા અને જનનેદ્રિય વગેરે) કર્મેન્દ્રિયને રોકી રાખીને-વશમાં રાખે છે પણ મનમાં એ જ ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરતો હોય તો એ વિમૂઢ માણસ મિથ્યાચાર એટલે કે દંભ કરે છે.'

કૃષ્ણ શ્લોકમાં કહે છે કે જે વ્યક્તિ અમુક તમુક બાબતે પોતાની કર્મેદ્રિયોને સંયમમાં કે દમનમાં રાખે છે પણ મનથી એ બાબતે વિચાર્યા કરે છે તો એ દંભ કરે છે. ગાંધીજીના ત્રણ વાંદરા યાદ છે ને, એકે મોઢા આડા હાથ દીધા છે કે ખોટું બોલાય નહીં, એકે કાન આડા હાથ દીધા છે કે ખોટું સંભળાય નહીં, એકે આંખ આડા હાથ કર્યા છે કે ખોટું જોવાય નહીં...પણ કૃષ્ણ આ શ્લોકમાં ચોથા વાંદરાની વાત કરે છે જે સૌથી અળવીતરો છે, એ ચોથો વાંદરો એટ્લે મન... ચોથા વાંદરાએ ક્યાં હાથ આડા દેવાના કે ખોટું વિચારાય નહીં? 

કોઈ ઉપવાસમાં માળા કરે છે પણ અંદર શું-શું ખાવું એ જ વિચાર આવે છે તો એ દંભ છે. કોઈ બે-ત્રણ લોકો કશીક ઘુસપુસ કરતાં હોય  કે વાતો કરતાં હોય ત્યાં જઈને ભલે ના ઊભા રહી પણ કાન એ બાજુ હોય કે કશુક સંભળાય જાય…તો એ મિથ્યાચાર છે. કશુંક એવું સામે આવે ત્યારે મોઢું ભલે ફેરવી જઈએ પણ અંદર તો એ જ દૃશ્ય ચાલતું હોય તો એ દંભ છે. ­ આ વાતને વધુ વિસ્તારથી શુક્રવારે ફરી gita talksમાં વિચારીશું…

ગીતા વિચાર:

મિત્રો એક વાત જરા ધ્યાનથી જોજો કે ગીતા વિશે આપણે આટલી વાતો કરીએ, એ ગીતાને વાંચવી સહેલી છે, પણ ગીતાને પામવી એટલી જ અઘરી છે. ગીતાને પામી એ જ શકે જે પોતાની નબળાઈઓનો સ્વીકાર કરે કે હા મને કોઈની ઈર્ષા આવે છે, મને ખોટું લાગે છે કે હા હું હતાશામાં છું કે દુઃખી છું…જો અર્જુને વિષાદ યોગમાં પોતાની નબળાઈઓનો સ્વીકાર ન કર્યો હોત તો શું એને મોક્ષ સંન્યાસ યોગ સુધીનો રસ્તો મળત? મિત્રો, યોગ્ય વ્યક્તિ સામે આપણી નબળાઈ, આપણો ડર વગેરે જેમ છે, એમ બધું કન્ફેસ કરીએ તો એ પણ યોગ બની જાય…

- મિલી મેર

આ સમાચાર શેર કરો