મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / માત્ર સારથી તરીકે કૃષ્ણ કેવા કુશળ છે?

- નાની નાની વાતો ગીતામાં કૃષ્ણના મતે માણસ પોતાના કામમાં સૌપ્રથમ તો હોંશિયાર હોવો જોઈએ પછી બીજું

શતરંગ / માત્ર સારથી તરીકે કૃષ્ણ કેવા કુશળ છે?

- નાની નાની વાતો

ગીતામાં કૃષ્ણના મતે માણસ પોતાના કામમાં સૌપ્રથમ તો હોંશિયાર હોવો જોઈએ પછી બીજું બધું... વ્યક્તિ પોતાના
કામમાં કુશળ ન હોય અને બાકી ગમે તેવો જ્ઞાની હોય એનો શું અર્થ સરે? તો એ રીતે જોઈએ તો કૃષ્ણ રથ ચલાવવામાં
કેટલા કુશળ છે?

આપણને મહાભારતનું યુદ્ધ યાદ આવે તો આપણી આંખ સામેના અદૃશ્ય પડદે એક ચિત્ર ઉભું થાય: એક રથનું... એવા રથનું જેમાં ધનુર્ધર અર્જુન ઉભો છે અને સારથીની જગ્યાએ ઘોડાઓની લગામ હાથમાં ઝાલીને બેઠા છે સ્વયં કૃષ્ણ. કુરુક્ષેત્રમાં અર્જુનનો રથ પુરપાટ વેગે દોડાવતા સારથી કૃષ્ણનું પેઈન્ટીન્ગ આપણે સૌ કોઈએ જોયું છે. આપણે કૃષ્ણને અર્જુનના સારથી તરીકે યાદ કરીએ એટલે આપણને પહેલા તો ‘શ્રીમદ ભગવદ ગીતા’ યાદ આવે. કૃષ્ણને સારથી તરીકે જોઈએ ત્યારે આપણને યાદ આવે કે આ કૃષ્ણ તો અર્જુનના મિત્ર છે, મેન્ટોર છે, સલાહકાર છે, સાય્કાટ્રીટ છે. પણ આ બધા સ્વરૂપમાં આપણે રથ પર લગામ હાથમા લઈને  બેઠલા કૃષ્ણના સ્થૂળ સ્વરૂપ વિસરી જઈએ છીએ. આપણે જીવનરથના સારથી તરીકે કૃષ્ણને વિચારવા લાગીએ છીએ પણ આપણને ભાગ્યે એ જાણવાનું મન થાય કે કૃષ્ણ માત્ર સારથી તરીકે કેવા છે?

સારથી રહીને ‘ગીતા’ કહેનાર કૃષ્ણ, અર્જુનને સલાહ આપનાર કૃષ્ણ, અર્જુને વાત કહ્યા પહેલા સમજી જનાર કૃષ્ણ...આ બધું એક પળ માટે અલગ મુકીને વિચારીએ કે માત્ર સારથી, જેનું કામ યુદ્ધભૂમિમાં રથ ચલાવવાનું એવા સારથી તરીકે કૃષ્ણ કેવા છે ? ગીતા કહેનાર કૃષ્ણના મતે ખરેખર માણસ પોતાના કામમાં સૌપ્રથમ તો હોંશિયાર હોવો જોઈએ પછી બીજું બધું...વ્યક્તિ પોતાના કામમાં કુશળ ન હોય અને બાકી ગમે તેવો જ્ઞાની હોય એનો શું અર્થ સરે? તો એ રીતે જોઈએ તો કૃષ્ણ રથ ચલાવવામાં કેટલા કુશળ છે એની ઝલક મહભારત યુદ્ધમાં ઘણી જગ્યાએ છે...પણ એમાંની એક ઝલક મને બહુ ગમી છે એની આપણે વાત કરીએ. 

યુદ્ધમાં ૧૩માં દિવસે અભિમન્યુ મરાયો એ પછી અર્જુને પ્રતિજ્ઞા કરી કે,”જો જયદ્રથ કાલે યુદ્ધના મેદાનમાંથી ભાગી નહિ જાય તો આવતી કાલે સૂર્ય આથમે એ પહેલા હું જયદ્રથને મારી નાખીશ...અને જો એમ નહિ કરી શકું તો હું અગ્નિમાં પ્રવેશ કરી લઈશ...” જયદ્રથ દુર્યોધન બનેવી છે.કૃષ્ણ-અર્જુનને યુક્તિપૂર્વક રણભૂમિ દુર કરીને ગુરુ દ્રોણ ચક્રવ્યૂહ રચે છે. પિતા અને મામાની ગેરહાજરીમાં અભિમન્યુ એ ચક્રવ્યૂહમાં પ્રવેશે ત્યારે એની મદદમાં બાકીના ચારેય પાંડવો આવે છે. જયદ્રથે એ કોઈને અભિમન્યુની મદદે જવા ના દીધા. જયદ્રથને શિવનું એક વરદાન હતું કે એ અર્જુન સિવાયના ચારેય પાંડવોને એક દિવસ માટે હરાવી શકશે. એ વરદાનનો ઉપયોગ જયદ્રથે કુરુક્ષેત્રમાં અહીં કર્યો. એટલે અર્જુને અભિમન્યુના મૃત્યુ માટે જવાબદાર એવા આ જયદ્રથને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી. 

અર્જુનની પ્રતિજ્ઞાથી જયદ્રથ અને કૌરવસેના ફફડી ઉઠે છે ! જયદ્રથ તો પોતાના સિંધ દેશ ભાગી જવા તૈયાર થયો છે. પણ દ્રોણ, કર્ણ અશ્વત્થામા, દુર્યોધન સહીત મહારથીઓ એને રોકે છે. આ તો કીર્તિનો સવાલ થઇ ગયો છે કે આટલા મહારથીઓ હોવા છતાં જયદ્રથને ભાગવું પડે. વળી દુર્યોધનને એક લાલચ પણ થઇ કે જો આપણે સૌ મળીને માત્ર સુર્યાસ્ત સુધી જયદ્રથની રક્ષા કરી લઈએ તો સાંજ પડતા તો અર્જુન અગ્નિસ્નાન કરી લેશે. તો બીજા દિવસે સેનાપતિ દ્રોણ ‘શકટ વ્યૂહ’ રચે છે અને એના મોખરે દ્રોણ પોતે મોટી સેના લઇને ઉભા રહે અને ત્યાંથી છ કોશ દુર જયદ્રથને રાખે છે. (છ કોશ એટલે લગભગ અઢાર કિલોમીટર) જયદ્રથની રક્ષા માટે એની આજુબાજુ કર્ણ, અશ્વત્થામા, શલ્ય ,ભૂરિશ્રવા, વૃષસેન અને કૃપાચાર્ય એવા છ-છ મહારથીઓ છે. એની સાથે એક લાખ ઘોડેસવાર, સાઠ હજાર રથ, ચૌદહજારનું ગજદળ અને એકવીસ હાજર કવચધારી પાયદળ રાખે છે. વચ્ચે આખે રસ્તે લાખોના સૈન્ય સાથે દુર્યોધન, દુ:સાશન, કૃતવર્મા અને કેટકેટલાય યોદ્ધા છે. હવે આ બધાને ખસેડીને સાંજ સુધીમાં અર્જુને જયદ્રથ પાસે પહોચવાનું અને એને મારવાનો છે. 

કોઈ પણ હોલીવુડ મુવીને ય એકબાજુ મૂકી દે એવી આ લાંબી દિલધડક ચેઝ છે. ચૌદમાં દિવસની સવારે રણ શંખ ફૂંકાતા જ અર્જુન દ્રોણનો પહેરો ચીરીને દુર્યોધનના સૈન્યમાં ઘૂસે છે. અને પછી અર્જુન જે લાશો બિછાવે છે, જે તરખાટ મચાવે છે. મહર્ષિ વેદવ્યાસ લખે છે કે, “જયદ્રથની આસપાસ માનવશરીર, હાથીઓ, ઘોડાઓનો જાણે કિલ્લો રચાય ગયો હતો, એમાં કૃષ્ણ અને અર્જુન બાકોરું પાડતા જાય છે.”

ઠેર ઠેર માનવોના, હાથીઓના, ઘોડાઓના મૃતદેહો પડ્યા છે, રથનો કાટમાળ છે. એ બધા વચ્ચે કૃષ્ણ રથને કેવી ગતિએ હાંકે છે? તો એક શ્લોક છે કે રથ દોડતો હોય અને અર્જુન તીર ચલાવે છે,  એ તીર શત્રુના શરીરને વીંધે એ પહેલા તો રથ ત્યાંથી આગળ નીકળી ગયો હોય. વિચારો કે અર્જુનના બાણ પહોંચે એ પહેલા રથ ત્યાંથી આગળ નીકળી જાય. સારથી કૃષ્ણ તીર કરતાં વધુ ગતિએ રથ હાંકે છે. એ પણ આવા ભરચક રણમેદાનમાં. જ્યાં ચારેતરફ સામેથી પણ બાણની વર્ષા થઇ રહી છે. 

કૃષ્ણના સારથી કર્મની આવી ઘણી ઝલક છે મહાભારતમાં. પણ આ શ્લોક પણ પુરતો છે એ સમજવા કે પૂર્ણ પુરુષોત્તમ સારથી તરીકે કેવ કુશળ છે! 

કસુંબો:

કૃષ્ણ જે કર્મ ઉપાડે એ પૂરું નિભાવે છે. એટલે એ કહે કે જે કંઈપણ કર એમાં પોતાનું સંપૂર્ણ આપ...કેમ કે યોગ:કર્મસુ કૌશલમ્-કર્મમાં કુશળતા એ જ યોગ છે.

- કાનજી મકવાણા

આ સમાચાર શેર કરો