મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / તમારો પગાર કેટલો? ખોબો ભરાય એટલો!

- નાગણ નોકરી નોકરી નાગણ લાગવાનું કારણ નોકરિયાત જીવનો ટૂંકો પગાર પણ ખરો!! હાસ્તો. દુનિયાની મોટામાં મોટી કંપનીમ

શતરંગ / તમારો પગાર કેટલો? ખોબો ભરાય એટલો!

- નાગણ નોકરી

નોકરી નાગણ લાગવાનું કારણ નોકરિયાત જીવનો ટૂંકો પગાર પણ ખરો!! હાસ્તો. દુનિયાની મોટામાં મોટી કંપનીમાં કામ કરતા કર્મચારી માટે પગાર તો હંમેશા ટૂંકો જ રહેવાનો. પછી એ છ આંકડામાં પણ કેમ ન હોય! દરેક નોકરિયાત નોકર માટે એ ક્ષમતા કરતાં ઓછું મેળવે છે એવો દિલાસો એને ખુદને માટે હંમેશા રહ્યા કરે. જો મને તમારા સપના પૂરા કરવા પૂરી ન રાખ્યો હોય તો હું મારા સપનાઓના આકાશમાં વિહરતી/તો હોઉં એવો ફાંકો અમને જીવનભર રહેવાનો. પછી ભલે ને જંપ કરવાના બહાને બીજી નોકરી શોધતા શોધતા પહેલી છોકરી પણ હાથમાં રહેતી ન હોય.    દુનિયામાં ત્રણ સવાલ કોઈને ન પૂછાય. આમ તો જો કે કોઈને સવાલ જ ન પૂછાય, સિવાય કે તમે અમિતાભ બચ્ચન હોવ ને તમને સવાલ પૂછવાના પૈસા મળતા હોય.હા તો સવાલ નંબર એક કોઈ પુરુષને એની ઉંમર ન પૂછાય, ઓ ભાઈ સ્ત્રીની ઉંમર વાળું તો ગતકડું છે. સ્ત્રીને હકીકતમાં એમની ઉંમર કોઈ પૂછે એનો હરખ હોય છે જેથી એ એનો ખોટો જવાબ આપીને પોતે રાજી રહી શકે. એની કથા એકાદ લેખમાં કરીશું. વટથી, હકથી ને હુકમથી વાળા લેખમાં હો.    બીજો સવાલ તમારો પગાર કેટલો? પછી એ સ્ત્રી હોય કે પુરુષ એનાં માટે હંમેશા એનો પગાર ઓછો જ રહેવાનો, લાગવાનો. એને મન ટેક્સ કપાયા પછી આવતો પગાર જીવ કપાયા પછી થતાં દાન જેવો હોય છે. ને ત્રીજો સવાલ કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને ન પૂછવો કે ભાઈ તું કેટલી એટેમ્પ્ટ પછી પાસ થયો? ના મુન્ના ના. એ પાસ થયો એમાં જ એનો જીવંત મોક્ષ સમાયેલો છે.    પુરુષ માટે તો પગાર એ આંખના પલકારા સમાન છે. બેંક એકાઉન્ટમાંથી સીધો પત્નીના હાથમાં ને પત્નીના હાથમાંથી પત્નીના હૈયામાં સમય જાય જ્યાં પતિ પણ સમાયેલો હોય છે. હવે પગાર વધુ જગ્યા રોકે છે કે પતિ એ તો પત્નીનું હૈયું જ જાણે. સ્ત્રી માટે એનો પગાર એની શોપિંગ કરવા જેટલો પણ નથી હોતો. એને માટે તો એ ખિસ્સા ખર્ચી પણ આપી શકે નહિ તેટલી નબળી કંપનીમાં નોકરી કરે છે એવો દ્રઢ ભરોસો.   એમાં ય જો કોઈની પેલી નોકરી હોય તો તો સિટીસીમાં સીટી વાગી જાય. દિખાયા કુછ, દિયા કુછ ઔર પાયા કુછ જેવી પરિસ્થિતિ. જો બીજી નોકરી હોય તો પહેલી નોકરી કરતા કેટલો હાઈક મળ્યો ને હવે બીજીમાં જંપ કરીએ તો શું સ્થિતિ થાય એની અસમંજસ ભરી જિંદગી જ બાકી રહી જાય છે. આમ પણ આપણે પહેલા લેખમાં ઉલ્લેખ કરેલો કે નોકરિયાત જીવ ગુંદા અને ભીંડા જેવા હોય છે, ચીકણાં એટલે એમને દરિયો ભરીને પગાર મળતો હોય તો ય એને ટીપે ટીપે સરોવર ભરાય ને ડબલે ડબલે ડોલ ભરાય એવું જ લાગ્યા કરતું હોય છે. ફીફા વર્લ્ડકપમાં મળતા રૂપિયા ને ફીફા ખાંડવા મળતા રૂપિયા એકસમાન જ હોય છે. પણ આળસુ નોકરિયાત વર્ગને ક્યારેય પોતાની આળસ ક્યારેય દેખાશે નહિ. નોકરિયાત અને આળસુ? બને જ નહિ. પારકા લોકો માટે મહેનત કરનારા લોકો આળસુ કઈ રીતે હોઈ શકે બોસ? વો ભી કભી બતાયેંગે. નોકરી નાગણ હોય નોકરિયાત નહિ એ મને ખબર છે બાપા, અત્યારે મોઢા ન બગાડો. આળસ એ તો નોકરિયાત જીવનો બીજો ભાઈ છે. કરકસર હવે સાવકો ભાઈ છે.    ચાર પૈસા કમાશો તો પાંચમા પૂછાશો જેવી કહેવત બદલીને હવે ચારસો પૈસા કમાશો તો પાંચમાં પૂજાશો તરીકે ઓળખાય તો નવાઈ નહિ. નોકરિયાત વર્ગ માટે તો પૈસા વગરનો ઘેલો, ને સાબુ વગરનો મેલો નહિ પણ પૈસા હોય તો ય ઘેલો ને છતે સાબુએ મેલો એમ લાગુ પડે! અમારા નાગણ નોકરી વાળા પરિવારો તો પૈસાનો કોઈ પૂરો નહિ, ને અક્કલનો કોઈ અધૂરો નહિ એવું નથી બોલતા પણ પગારનો કોઈ પૂરો નહિ ને અક્કલનો કોઈ અધૂરો નહિ એવું બોલે છે. ખૈર ખોબા જેવડા પગાર ને દરિયા જેવડી જવાબદારી, આ છે નાગણ નોકરીની કરજદારી.   કોઈને સવાલ પૂછો કે તમારો પગાર કેટલો ત્યારે દરેક કર્મચારી એવું બોલવા ઈચ્છે કે દરિયા જેટલો પણ એવું આવતા સતર ભવમાં શક્ય નથી એટલે ખોબા જેટલો એવું મનમાં બોલીને સાંત્વના મેળવી લે છે.    - સ્નેહલ તન્ના

આ સમાચાર શેર કરો