શતરંગ / રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને આપેલી ચેલેન્જ કેટલી કારગર નીવડશે?
- કરન્ટ કીક દસ વરસ પછી સંસદ એની અસ્સલ ક્ષમતાએ પહોંચી છે. સંસદીય લોકશ

- કરન્ટ કીક
દસ વરસ પછી સંસદ એની અસ્સલ ક્ષમતાએ પહોંચી છે. સંસદીય લોકશાહી શું ચીજ છે એ નવી જુવાન થયેલી પેઢીને કદાચ ખબર પણ નહીં હોય. 140 કરોડની વસ્તી ધરાવતા આ દેશની સંસદ ફક્ત કાયદાઓ જ નથી ઘડતી, સાથે વિચારધારાઓ પણ ઘડે છે, અને જનતાના વિચારોને આખો દેશ જુએ એમ રજૂ પણ કરે છે અને એમાં જે વડાપ્રધાન કે સ્પીકર સિવાયનું અતિ મહત્વનો રોલ ગણાય એ વિપક્ષીય નેતા ઉર્ફે LOP અર્થાત લીડર ઓફ અપોઝિશનનું છે.
2014 પહેલા જ્યારે જ્યારે ગઠબંધન સરકારો આવી અથવા તો એ પહેલાં કોંગ્રેસની પ્રચંડ બહુમતીની સરકારો આવી ત્યારે વિપક્ષના નેતા કે સાંસદોનો એક મોભો રહેતો. આપણા દેશની સંસદમાં વાજપેયી-નહેરુ પણ સામસામે કલાકો દલીલ કરી ચુક્યા છે, લાલુ પ્રસાદ યાદવ અને મમતા બેનર્જી પણ લાલચોળ થઈને ઝઘડી ચુક્યા છે, આપણે તો સુષ્મા સ્વરાજની કટાક્ષથી ભારોભાર શાયરીઓનો જવાબ આપતા મનમોહન સિંહને પણ સાંભળ્યા છે. પણ પછી છેલ્લા દાયકામાં વિપક્ષ જ ના રહ્યો, ત્યાં સંસદીય લોકશાહીની પણ અપેક્ષા ના હોય. હવે રાહુલ ગાંધીએ 234 સાંસદોના "ઇન્ડિયા" બ્લોકનો મોરચો બરોબર સંભાળ્યો છે અને મીડિયાએ પણ ફરજીયાત એટેનશન આપવું જ પડે એ સ્થિતિએ વિપક્ષ પહોંચી ગયો છે.
હવે થયું એવું કે, આ વખતે અઢારમી લોકસભાના પહેલા જ સત્રના શરુઆતીય સેશનમાં જ રાહુલ ગાંધીએ મણિપુર, મોંઘવારી, પેપર લીક અને અગ્નિવીર જેવા મુદ્દે સરકારને ઘેરી લીધી. સરકારને ઘેરી લેવી એ વિપક્ષના નેતા માટે કોઈ મોટી વાત નથી. પણ એમાં પેટા મુદ્દો એ છે કે રાહુલના આ પ્રવચનના સરકારી ચેનલ પ્રમાણેના વ્યૂઝ હતા પોણા અગિયાર લાખ પૂરા. અને લોકોના અંદાજ પ્રમાણે જ નરેન્દ્ર મોદી પોતાની સ્ટાઇલમાં જવાબ તો આપવાના જ હતા. પણ એમના લેક્ચરને વ્યૂઝ મળ્યા એંશી હજાર ફક્ત! હવે, પોલિટિકલ પંડિતોથી તો યુટ્યુબના જમાનામાં આવા આંકડાઓ છુપા રહેતા નથી અને એક પ્રચંડ નેરેટિવ શરૂ થયું- રાહુલ ગાંધી અગેઇન્સ્ટ ધી સીઈઓ ઓફ ઇન્ડિયા, કહો કે પેન ઇન્ડિયન ઈમેજ નરેન્દ્ર મોદીનું.
ઉપરાંત, રાહુલ ગાંધીએ સરકારને પાડી નાખવાની ચેલેન્જ આપીને એ સીધી લડાઈ માથે લઈ લીધી. અત્યાર સુધી કોંગ્રેસ પોતે જ ઇચ્છતું કે નરેન્દ્ર મોદીની સામે કોઈ એક ચહેરો હોવો ના જોઈએ, અને એ ચહેરો રાહુલ ગાંધીનો તો હોવો ના જ જોઈએ. ભાજપ ઇચ્છતું કે બ્રાન્ડ મોદીની સામે રાહુલ ગાંધી કે ગાંધી પરિવારનો કોઈ સભ્ય સીધો ચેલેન્જર બને એમાં મોદીની લાર્જર ધેન લાઈફ ઇમેજનો સીધો ફાયદો જ છે. પણ બેય પાર્ટીની માન્યતાથી વિપરીત રાહુલ ગાંધીએ એ ચેલેન્જ ઉપાડી. વળી, ફક્ત સંસદની રાજનીતિ આ દેશમાં ચાલતી નથી, એના માટે સડકની રાજનીતિ પણ ફરજીયાત છે. તો રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા પછી ફગાવી દીધેલી "પપ્પુ"ની ઈમેજથી વિપરીત જઈને સંસદનું સત્ર પૂરું થતા જ અમદાવાદ, દિલ્હી, મણિપુર અને મુંબઈમાં પ્રવાસો કર્યા. જેને લોકોએ કે ખુદ કોંગ્રેસ પાર્ટીએ ધાર્યા કરતાં વધારે માઇલેજ મળ્યું મીડિયામાં.
પણ અમદાવાદ ખાતે મોદી સરકારને હરાવી દેવાની ચેલેન્જ પછી રાહુલએ પેલી સીધી લડાઈનું જબરદસ્ત નેરેટિવ ઉભું કર્યું છે. જેને દેખીતી રીતે જ વખાણવા કરતા વખોડાઈ રહ્યું છે, આપણા ગુજરાતમાં ખાસ. પણ હકીકત એ છે કે કોંગ્રેસ કે રાહુલ ગાંધી કે કોઈ રાજકીય વિશ્લેષકો અત્યારે માનવા તૈયાર નથી કે મોદીના ગઢમાં 2027ની ચૂંટણીમાં મોદીને હરાવી શકાય. પણ આ એક પોલિટિકલ મેસેજ છે, ગુજરાતમાં ચેલેન્જ આપવાથી નરેન્દ્ર મોદી હારશે કે નહીં એ તો દુરની કોડી છે, પણ નજીકની મહારાષ્ટ્રની ચૂંટણીથી લઈને આખા દેશમાં એક મેસેજ આપી શકાય કે, ભાજપ સામે હું લડી શકું છું. અને પોલિટિકસ મેસેજનો જ ખેલ છે.
ખૈર, રાજકારણ ફકત મેસેજનો જ ખેલ નથી. એમાં સંસદની રાજનીતિ, સડકની લડાઈ સિવાય પણ એક મહત્વનું પરિબળ હોય છે, પાર્ટીનું સંગઠન. કોંગ્રેસની સાંગઠનિક નબળાઈઓ દૂર ના થાય ત્યાં સુધી ઇન્ડિયા બ્લોકની રાજનીતિ જ મહત્વની રહેશે. ખુદ કોંગ્રેસને મેદાનમાં લાવવા માટે રાહુલ ગાંધીએ કોંગ્રેસની ઘણી નેગેટિવ હિસ્ટ્રી ડિલીટ કરવી પડશે. જૂનો ઇતિહાસ ભૂંસાશે નહિ, ત્યાં સુધી નવો ઇતિહાસ રચવો અશક્ય હોય છે. સામે નરેન્દ્ર મોદી જેવા વન મેન શો હોય ત્યારે તો ખાસ! કેમ કે, આપણા ઇલેક્શનોમાં નેરેટિવ પછીની લડાઈ હોય છે, મેનેજમેન્ટ.
હવે, મોદી-શાહની જોડીએ ભાજપના સંગઠનનો આકાર 2014ના ઇલેક્શન પહેલા અને પછી આપ્યો એ રાહુલ ગાંધી કોંગ્રેસ માટે કરી શકશે કે કેમ એ લાંબી ચર્ચાનો વિષય છે જે આવનારા સમયમાં ભારતની જનતા સમક્ષ આવી જશે. કારણ કે, ખંડેરમાંથી ઇમારત ઉભી કરવા જેવી અઘરી ચેલેન્જ છે આ...
- ડૉ. ભગીરથ જોગિયા








