મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ઐતિહાસિક ભૌતિકવાદ

- ઇતિહાસ ગાથા ‘ઇતિહાસ એટલે માનવ સમાજના ઉદ્ભવકાળથી માંડીને આજ સુધીના તમામ આર્થિક, રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક

શતરંગ / ઐતિહાસિક ભૌતિકવાદ

- ઇતિહાસ ગાથા

‘ઇતિહાસ એટલે માનવ સમાજના ઉદ્ભવકાળથી માંડીને આજ સુધીના તમામ આર્થિક, રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનનું અખંડ, અતૂટ અને પરિવર્તન પામતું ઘટનાચક્ર.’

- કાર્લ માર્કસ 

ભારતના ઇતિહાસનું વિભાજન રાજા-મહારાજાઓના શાસનકાળના આધારે થયેલું છે. જેમાં-પ્રાગ ઐતિહાસિક યુગ, પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત, બ્રિટીશકાલીન ભારત અને સ્વતંત્ર ભારત જેવા યુગોનો સમાવેશ થાય છે. જયારે, કાર્લ માર્ક્સે વિશ્વના ઇતિહાસનું ભૌતિકવાદી દ્રષ્ટિકોણથી વિભાજન કર્યુ છે. જેની સમજૂતી આપતો સિદ્ધાંત એટલે - ઐતિહાસિક ભૌતિકવાદ. જેને આર્થિક નિર્ણાયકવાદ પણ કહે છે. આ સિદ્ધાંતમાં તેમણે ‘ભૌતિક’ શબ્દ આર્થિક રચનાતંત્ર અથવા અર્થવ્યવસ્થાના સંદર્ભમાં પ્રયોજ્યો છે.
 
માર્ક્સના અભ્યાસ મુજબ, સમાજમાં પાયાનું અને માળનું એમ બે પ્રકારના રચનાતંત્ર અસ્તિત્વ ધરાવતા હોય છે. જેમાં, અર્થતંત્ર એ સમાજનું  પાયાનું પાયાનું રચનાતંત્ર છે. ભૌતિક જરૂરિયાતો સંતોષવાના કારણરૂપ વિકસતા સંબંધોના માળખાને માર્ક્સ પાયાનું રચનાતંત્ર કહે છે. જેમાં ઉત્પાદનના સંબંધો અને ઉત્પાદનના ભૌતિક પરિબળોનો સમાવેશ થાય છે. માનવીની આર્થિક જરૂરિયાતો સંતોષવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ઉત્પાદનના સાધનો, મશીનો, કારખાનાં તેમજ મિલકતના સંબંધો પાયાના રચનાતંત્રનો ભાગ છે. આ સમગ્ર રચનાતંત્ર મૂડી સાથે સંકળાયેલું છે. અને શ્રમવિભાજન તેનું અગત્યનું અંગ છે.

પોતાની જરૂરીયાતોની પૂર્તિ કરવા માટે માણસ શ્રમ કરવા ઉપરાંત વિવિધ સાધનો, ટેક્નોલોજી, અને અન્ય લોકોની મદદ લે છે. આ ઉપરાંત ચોક્કસ પ્રકારના ઉત્પાદન સાથે મિલકત અને તેની વહેંચણીના સંબંધો વિકસે છે. તેથી સમાજમાં શ્રમવિભાજનના સંબંધો અસ્તિત્વમાં આવે છે. જેમાં સત્તાધારી અને સત્તા વિહીન, માલિક અને કામદાર વગેરે જેવા વર્ગોનો ઉદ્ભવ થાય છે. જે સમાજમાં વર્ગસંબંધો અને વર્ગસંઘર્ષને જન્મ આપે છે. તેના મૂળમાં અસમાનતા અને લોકોના હિતો વચ્ચેનો તફાવત રહેલો હોય છે. જેથી વર્ગસભાનતાનો ઉદ્ભવ થાય છે. સમાજમાં જોવા મળતા કિસાન વર્ગ, મૂડીપતિ વર્ગ, મજૂર વર્ગ વગેરે પાયાના રચનાતંત્ર સાથે સંકળાયેલા છે. 

પાયાના રચનાતંત્ર પર વિકસતા સંબંધો કે માળખાને માળનું રચનાતંત્ર કહે છે. જે સમાજના વાસ્તવિક આધાર એવા આર્થિક રચનાતંત્ર પર રચાય છે. આ રચનાતંત્રમાં બિનઆર્થિક સબંધો, સામજિક સંસ્થાઓ, માનવ મન દ્વારા સર્જાયેલું જ્ઞાન કે વિચારસરણી, ધર્મ, નીતિ, શિક્ષણ વગેરેનો સમાવેશ થાય છે. માર્ક્સના મત મુજબ માળનું રચનાતંત્ર એ પાયાના રચનાતંત્રનું પ્રતિબિંબ છે. કારણ કે, કાનૂની સંસ્થા, લગ્ન અને કુંટુંબ સંસ્થા, વગેરેના પાયામાં પણ ભૌતિક રચના રહેલી છે.આમ, ‘માળની રચના એ પાયાની રચનાનું ગુણાત્મક પ્રતિબિંબ છે’ એવું  માર્ક્સનું માનવું છે. તેમના મતે માળની રચનામાં રાજ્ય સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્ય એ બધી જ સંસ્થાઓનું સંયુક્ત સ્વરૂપ છે. જે અન્ય વર્ગ પર પ્રભુત્વ, નિયંત્રણ તેમજ દમનકારી સત્તા ધરાવે છે. 

પાયાના અને માળના રચનાતંત્ર વચ્ચે પરસ્પરાવલંબન રહેલું છે. પાયાના આર્થિક રચનાતંત્રમાં આવતું પરિવર્તન એ માળના રચનાતંત્રના પાસાંઓ જેવા કે, કુંટુંબ, શિક્ષણ, કળા, ધર્મ, કાનૂન, રાજ્ય વગેરેમાં પરિવર્તન લાવે છે. આમ, એક માળખામાં આવતા પરિવર્તનને સમજવા માટે બીજું માળખું મદદરૂપ બને છે. 

માર્ક્સના મતે પાયામાં રહેલા ઉત્પાદનના ભૌતિક બળોની પસંદગી માનવી કરતો નથી. એ તો ઇતિહાસના પાયામાં હોય છે. ઐતિહાસિક ભૌતિકવાદના સિદ્ધાંત મુજબ, માનવ ઇતિહાસના દરેક તબક્કામાં આવેલા પરિવર્તનનું કારણ સંઘર્ષ(દ્વન્દ્વ) છે. અને આ દ્વન્દ્વના કારણે જ માનવ સમાજની પ્રગતિ થઇ છે. દરેક દ્વન્દ્વ એક નવી વ્યવસ્થાને જન્મ આપે છે. જેનો ઉદ્ભવ વર્તમાન વ્યવસ્થામાં જ થતો હોય છે.  એટલે કે ભવિષ્યમાં આવનાર પરિવર્તનના મૂળ વર્તમાન વ્યવસ્થામાં જ જોવા મળે છે. કાર્લ માર્ક્સે આ દ્વન્દ્વ એટલે કે સંઘર્ષને કેન્દ્રમાં રાખીને ઘણા અભ્યાસો કર્યા  છે. 

‘દ્વન્દ્વ’ શબ્દનો ઉલ્લેખ જયારે માર્ક્સ આર્થિક રચનાતંત્રના સંદર્ભમાં કરે છે ત્યારે, તેઓ ઈતિહાસને પાંચ યુગમાં વિભાજીત કરે છે. આદિમ સામ્યવાદી અવસ્થા, દાસ અવસ્થા, સામંતવાદી અવસ્થા, પૂંજીવાદી અવસ્થા અને સમાજવાદી અવસ્થા. આ પાંચ તબક્કા પછીનો અંતિમ તબક્કો એ સામ્યવાદી અવસ્થાનો તબક્કો હશે એવી ભૌતિકવાદ બાબતે માર્કસે આગાહી કરી હતી. જેના વિશે આપણે આગળ જોઈશું. 

- રક્ષા ત્રાપસિયા  

આ સમાચાર શેર કરો