શતરંગ / હીરામંડીની હકિકત
- ઇતિહાસ ગાથા જો આપ ફિલ્મ કે સંગીતની દુનિયામાં જરા પણ રસ ધરાવતા હશો તો આપ ‘હીરામંડી’ વેબ સિરી

- ઇતિહાસ ગાથા
જો આપ ફિલ્મ કે સંગીતની દુનિયામાં જરા પણ રસ ધરાવતા હશો તો આપ ‘હીરામંડી’ વેબ સિરીઝથી પરિચિત હશો. સંજય લીલા ભણસાલી દ્વારા બનાવવામાં આવેલી આ વેબ સિરીઝ પાછળનું સત્ય કંઈક અલગ જ છે. સામાન્ય રીતે હીરામંડી શબ્દનો અર્થ ‘હીરાનું વેચાણ થતું હોય તેવું કેન્દ્ર’ અથવા ‘હીરા બજાર’ એવો થાય. પરંતુ હીરામંડી માટેનો આ અર્થ પણ અહીં ખોટો સાબિત થાય છે.
મૂળ હીરામંડીને હીરાની કોઈ બજાર કે હીરાના વેચાણ સાથે કંઈ જ લેવાદેવા નથી. અખંડ ભારતના લાહોરના એ પ્રખ્યાત સ્થળને ‘હીરામંડી’ નામ શીખ શિરોમણી રાજા રણજીતસિંહના દીવાનના પુત્ર હીરાસિંહ ડોગરાના નામ પરથી મળ્યું હતું. હીરાસિંહે ત્યાં અનાજના બજારનું નિર્માણ કરાવ્યું હતું, તેથી તેને હીરામંડી નામ મળ્યું. જે સમય જતા તવાયફોના સૌથી મોટા કેન્દ્ર સમું બની ગયું. જો કે હકીકતમાં ભારતમાં તવાયફોની રાજધાની કહી શકાય એવું શહેર તો લખનૌ હતું. ભારતના સૌથી જાણીતા તવાયફ અજીજનબાઈ પણ લખનૌના જ હતા. આ અજીજનબાઈ તવાયફ તરીકે જાણીતા હતા પરંતુ તેમની ઓળખ તો સ્વાતંત્ર્ય સેનાનીની હતી. અંગ્રેજી હકુમત સામે એ સમયે જયારે અમુક રાજાઓને બાદ ઘણા મોટા અને સશક્ત શાસકો પણ અંગ્રેજો સામે અવાજ ઉઠાવતા ન હતા ત્યારે આ અજીજનબાઈએ ક્રાંતિકારીઓને પોતાનાથી બનતી મદદ કરી હતી. ઘણીવાર ક્રાંતિકારીઓની સભાઓ પણ તેઓએ પોતાના આંગણે કરી હતી. હીરામંડી વેબ સિરીઝમાં બિબ્બોજાનનું પાત્ર આ અજીજનબાઈના જીવન પરથી લેવામાં આવ્યું છે.
હીરામંડીની તવાયફોનું કેન્દ્ર શાહી મહોલ્લા હતા. જેનું નિર્માણ મુઘલકાળ દરમિયાન થયું. મુઘલકાળનો સમય તવાયફો માટે સુવર્ણકાળ સમો હતો. અને ત્યારે તવાયફો માત્ર તેમના દેહ નહીં પરંતુ કલાને કારણે વિખ્યાત હતી. રાજા મહારાજાઓ તેમના સંતાનોને કલાનું શિક્ષણ મેળવવા માટે તવાયફ પાસે મોકલતા. હીરામંડી એ નૃત્ય, ગીત-સંગીત અને તહેઝીબના શિક્ષણનું કેન્દ્ર હતું. જે મુખ્યત્વે કંજર અને મિરાસી જાતિના લોકોનું નિવાસ્થાન હતું. જેમનામાં નાચવા ગાવાની પરંપરા પેઢીદર પેઢી ઊતરતી. તેમની સ્ત્રીઓ જ નાચગાનની તાલીમ આપતી અને ઉસ્તાદ ગણાતી. તેમની પાસેથી તાલીમ લીધેલી સ્વરૂપવાન યુવતીઓ તવાયફ ગણાતી અને ધીરે ધીરે એ જ કોઠાની માલિક બની જતી. પંજાબીમાં ઊંચા માળને 'કોઠા' કહે છે અને તવાયફોના મુજરા ઉપરના માળના વિશાળ ખંડમાં થતાં તેથી એ જગ્યા કોઠા તરીકે ઓળખાતી.
હીરામંડીનો સૌથી વધુ વિકાસ મુઘલકાળ દરમિયાન થયો. મુઘલકાળના અંતિમ સમયમાં આ વિસ્તાર પર અફઘાન હુમલાઓ થવા લાગ્યા. પરંતુ સમય જતા લાહોર પર શીખ શિરોમણી રાજા રણજીતસિંહનું શાસન આવતા આ હીરામંડીનું નસીબ ફરી ચમક્યું. એક લેખમાં નોંધાયું છે કે, 1799માં રણજિતસિંહે લાહોર પર કબજો કરી લીધો અને તે શીખ શાસનનું કેન્દ્ર બન્યું. 1801માં માત્ર 20 વર્ષની ઉંમરે રાજા રણજીતસિંહને મહારાજા જાહેર કરવામાં આવ્યા હતા. 1802માં રાજા રણજીતસિંહ મોરા નામની કંજર નર્તકીના પ્રેમમાં પડ્યા. લાહોર અને અમૃતસરમાં તેમની વચ્ચે મુલાકાત શક્ય ન હોવાથી તેઓ મોરાનાં ગામ મખનપુર પાસે મળતાં. રણજિતસિંહના જીવન ઉપર સંશોધન કરનારાં મનવીન સંધૂ કહે છે કે મોરા સાથે લગ્ન કરીને મહારાજા રણજિતસિંહ તવાયફ સમુદાયનો ઉદ્ધાર કરવા માગતા હતા. સમાજની વિરૂદ્ધ જઈને તેમણે આ લગ્ન કર્યું અને અમૃતસર નજીક શરીફપુરા ખાતે તેમને પુનઃસ્થાપિત કર્યા.
મહારાજાના મૃત્યુ બાદ તેમના પરિવારજનો અને શીખ સરદારોની વચ્ચે સત્તાની સાંઠમારી શરૂ થઈ ગઈ, બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને શીખો વચ્ચે પણ યુદ્ધ થવાને કારણે શીખો નબળા પડ્યા હતા. છેવટે રણજિતસિંહના સીધી લીટીના વારસદાર દલિપસિંહને 10 વર્ષની કુમળી વયે સત્તા મળી. રણજિતસિંહના દિવાન ધ્યાનસિંહ હતા અને તેમના દીકરા હીરાસિંહ ડોગરા નવા શાસકના દિવાન બન્યા.
હીરાસિંહે અહીં બજાર બનવવાની સાથોસાથ આ વિસ્તારમાં તવાયફોને વસાવવાનું પણ કામ કર્યું હતું. આ વિસ્તાર લાહોરની વચ્ચે આવેલો છે. હીરામંડીને શાહી મહોલ્લો એટલા માટે કહેવામાં આવે છે કારણકે તે લાહોરના કિલ્લાની એકદમ બાજુમાં છે. અંગ્રેજોના શાસન દરમિયાન અહીં સૈનિકો પણ તેમના મનોરંજન માટે આવવા લાગ્યા. અંગ્રેજકાળ દરમિયાન હીરામંડી તવાયફોના કેન્દ્ર કરતા રેડલાઈટ એરિયા તરીકે વધુ ઓળખવા લાગ્યું. જો કે શીખ શાસકોએ એ વિસ્તારને રેડલાઈટ નામના બદનામ વિસ્તારના બદલે તવાયફોના કેન્દ્ર તરીકે ફરી સ્થાપિત કરવા ઘણા પ્રયત્નો કર્યા હતા. પરંતુ જયારે લાહોરમાંથી શીખ શાસનની નાબૂદી થઇ અને તે અંગ્રેજ સરકારની હકુમત હેઠળ આવ્યું ત્યારે આ આખો વિસ્તાર રેડલાઈટ વિસ્તાર બની ગયો હતો.
આજે તો હીરામંડીની એ ભવ્યતા નથી રહી. જો કે સંજય લીલા ભણસાલીએ બતાવી એવી ભવ્યતા તો ક્યારેય હતી જ નહીં. છતાં તે એક મહત્વનું કેન્દ્ર તો હતું જ. આજે તો હીરામંડીની હાલત માત્ર એક ચીલાચાલુ બજાર જેવી છે. જેની બે બાજુઓ છે. તે દિવસે બજાર હોય છે અને સાંજ પડતાની સાથે જ એ સામાન્ય દુકાનોનો બીજો માળ વધુ અંધકાર તરફ પ્રયાણ કરે છે.
પાકિસ્તાની લેખિકા ફૌઝિયા સઈદે તેમના પુસ્તકમાં હીરામંડી વિશે ઘણું વિસ્તારથી લખ્યું છે. તેમણે તેમનું પુસ્તક ‘ટબૂ: ધ હિડન કલ્ચર ઓફ અ રેડ લાઈટ એરિયા’ લખવા માટે તેઓએ 8 વર્ષ સુધી હીરામંડી પર સંશોધન કર્યું હતું. ફૌઝિયા સઈદે અહીં રહેતી મહિલાઓ અને સમુદાયના અન્ય લોકોના જીવનનાં ઘણાં પાસાંઓ બહાર લાવવન પ્રયાસો કર્યા છે. હીરામંડી વિશે વધુ જાણવા માટે આ પુસ્તક વાંચવું જ રહ્યું.
- રક્ષા ત્રાપસિયા








