મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહી સાચ્ચે જ હારી? ના, બિલકુલ નહિ

- અર્થ અને તંત્ર આ લેખના શીર્ષકમાં સવાલ અને જવાબ બંને છે. લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીનાં પ

શતરંગ / હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહી સાચ્ચે જ હારી? ના, બિલકુલ નહિ

- અર્થ અને તંત્ર

આ લેખના શીર્ષકમાં સવાલ અને જવાબ બંને છે. લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીનાં પરિણામોથી લોકશાહી, માનવ અધિકારો અને બંધારણના આમુખમાં લખવામાં આવેલા ભારત નામના રાજ્યના સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય અને વ્યક્તિનું ગૌરવ સિદ્ધ કરવાના ઉદ્દેશો માટે લડતા લોકોને થોડી રાહત થઈ છે પણ તેથી તેમણે શાંત બેસી રહેવાની જરૂર નથી. સવાલનો જવાબ આંકડાકીય હકીકતો પર આધારિત છે. 

ભૂકંપ, સુનામી કે પૂર જેવી કુદરતી આપત્તિ આવે ત્યારે સૌથી પહેલું કામ લોકોને જીવતા બચાવી લેવાનું અને રાહત આપવાનું થાય છે. પછી જ પુનર્વસન અને પુનર્સ્થાપનનું કામ થાય છે. છેલ્લાં દસ વર્ષમાં ભારતની લોકશાહી પર નરેન્દ્ર મોદી, ભાજપ, આરએસએસ અને એનડીએસર્જિત તાનાશાહીની જે આપત્તિ આવી પડી હતી તેમાંથી લોકસભાની ચૂંટણીનાં પરિણામોએ ભારતને અને ભારતના નાગરિકોનો બચાવ કર્યો છે અને મજબૂત વિપક્ષ મળ્યો છે થોડી રાહત થઈ છે એટલું જ. પણ બંધારણના આમુખમાં જે આદર્શો સિદ્ધ કરવા માટે લખવામાં આવ્યું છે તે સિદ્ધ કરવા માટેની લડાઈ વધુ મજબૂત રીતે ચાલુ રાખવાની જરૂર છે. 

આ વૈચારિક લડાઈ છે, લોકશાહી અને માનવ અધિકારોનાં મૂલ્યોની લડાઈ છે અને તેમાં માત્ર બચાવનું જ કામ આ પરિણામોએ કર્યું છે, આ મૂલ્યોનું પુનર્વસન અને પુનર્સ્થાપન નથી થયું. જે હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહી મોદી, ભાજપ અને એનડીએ દ્વારા ઊભી કરવામાં આવી હતી તે સહેજે હારી નથી એ સમજવા માટે કેટલીક હકીકતો જોઈએ: 

(૧) ભાજપને ૨૩.૬ કરોડ મતદાતાઓએ મત આપ્યા છે કે જે ૨૦૧૯ કરતાં આશરે ૭૦ લાખ વધારે છે. આ દેશની ૧૪૦ કરોડની વસ્તીના એ લગભગ 17 ટકા થયા. એટલે, હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહીની જે રીતરસમ મોદીની સરકાર દ્વારા દસ વર્ષ અપનાવાઈ તે વધુ ૭૦ લાખ નાગરિકોને ગમી છે. તેમને લોકશાહી મૂલ્યો સાથે કશી લેવાદેવા નથી. આ લોકોનું લોકશાહી મૂલ્યોમાં પુનર્વસન કેવી રીતે થઈ શકે?  

(૨) દેશમાં જે પ્રાદેશિક પક્ષો છે તેમને તેમના પ્રદેશમાં સત્તા જોઈએ છે અને મળેલી સત્તા ટકાવવી છે. તેમને સમગ્ર દેશની લોકશાહીની ઝાઝી ચિંતા છે જ નહિ. એટલે તેઓ ભાજપ સાથે હાથ મિલાવે છે. જેઓ આ ચૂંટણીમાં ‘ઇન્ડિયા’માં રહ્યા છે તેનું કારણ એ છે કે તેમને સત્તા જોઈએ છે. તેઓ મોટે ભાગે માત્ર સત્તા માટે ‘ઇન્ડિયા’ સાથે છે કારણ કે તેમના ઘણા પ્રદેશોમાં તેઓ ભાજપ સાથે હરીફાઈમાં છે. ચંદ્રબાબુ નાયડુ અને નીતીશકુમાર જેવા નેતાઓ અને તેમના પક્ષો આનાં તાજાં ઉદાહરણો છે. 

(૩) ઇન્દિરા ગાંધીએ ૧૯૭૫-૭૭ના 19 મહિના દરમ્યાન કોંગ્રેસને તાનાશાહી પક્ષ બનાવી દીધો હતો. એ જ કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ છેલ્લાં દસ વર્ષથી ભારે અવરોધો વચ્ચે લોકશાહી માટે લડે છે. તેને આ ચૂંટણીમાં ૧૩.૭ કરોડ મત મળ્યા છે કે જે ૨૦૧૯ કરતાં ૧.૮ કરોડ વધારે છે. આ મત દેશની વસ્તીના માત્ર ૧૦ ટકા જ થયા. એટલે એમ કહી શકાય કે દેશની વસ્તીના માત્ર ૧૦ ટકાને જ રાષ્ટ્રીય સ્તરે લોકશાહી ટકે તેમાં ખરો રસ છે. 

(૪) ભાજપને ૨૦૧૯માં ૩૭.૩૬ ટકા મત મળ્યા હતા. ૨૦૨૪માં તેને ૩૬.૫૬ ટકા મત મળ્યા છે. માત્ર ૦.૮ ટકાનો જ ઘટાડો તેમાં થયો છે. એટલે, જેમને ૨૦૧૪-૧૯ દરમ્યાનની હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહી ૨૦૧૯ની ચૂંટણી સમયે ગમી હતી તેમાં કોઈ જ મોટો ફેરફાર થયો નથી, ભલે ભાજપની બેઠકોની સંખ્યા ૬૩ જેટલી ઘટી ગઈ હોય. ભાજપને 44.20 ટકા બેઠકો મળી છે અને તે સૌથી વધુ છે. એટલે મોદીને પરમાત્માએ મોકલ્યા છે અને તેમનું હિંદુ-મુસ્લિમ તરાના સંભાળવા યોગ્ય છે એમ ભાજપને મત આપનારા લોકો માને જ છે. ૨૦૧૪માં ભાજપને 31 ટકા મત મળ્યા હતા. આમ, ભાજપને ૨૦૧૯માં જે વધુ ૬.૩૬ ટકા મત મળ્યા હતા તેમાં કોઈ જ મોટો તફાવત ઊભો થયો નથી. આ બધા વંડી પર બેઠેલા હતા પણ તેઓ ભાજપના ખેતરમાં આવી ગયા છે એમ પણ કહેવાય. 

(૫) મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, દિલ્હી, ત્રિપુરા અને ઉત્તરાખંડમાં ભાજપને બધી જ બેઠકો મળી છે. છત્તીસગઢ, ગુજરાત, બિહાર, ઝારખંડ, કર્ણાટક, ઓડિશા, રાજસ્થાન અને તેલંગણામાં ભાજપ બહુમતી બેઠકો જીત્યો છે. અને વળી, તે ઓડિશામાં એકલે હાથે વિધાનસભાની ચૂંટણી જીતી ગયો છે અને આંધ્ર પ્રદેશમાં ટીડીપી સાથે ગઠબંધનમાં વિધાનસભા જીત્યો છે. આ રાજ્યોમાં હવે લોકશાહી મૂલ્યો કેટલાં જળવાશે તે મોટો સવાલ છે. કારણ કે ગુજરાતનો તો ૨૪ વર્ષનો અનુભવ એવો રહ્યો છે કે ભાજપે રાજ્યમાં લોકશાહી મૂલ્યોનું સત્યાનાશ કાઢી નાખ્યું છે. આ બધાં રાજ્યોની વસ્તી દેશની લગભગ ૫૦ ટકા કરતાં પણ વધારે થાય. ત્યાંના લોકોને દેશની લોકશાહીની ઝાઝી ચિંતા નથી એમ જ અર્થ થાય.   

(૬) જે તમિલનાડુમાં ભાજપને એક પણ બેઠક મળી નથી ત્યાં પણ તેને સાથી પક્ષો સાથે ૧૮.૨૭ ટકા મત મળ્યા છે. એટલે ત્યાં ભલે તાનાશાહીનો અનુભવ થયો ના હોય, પણ એટલા નાગરિકો હિંદુત્વ બ્રાન્ડ તાનાશાહીને આવકારે છે એમ કહેવાય. ત્યાં પણ સ્થાનિક રાજકારણને આધારે પ્રાદેશિક પક્ષો ભાજપ સાથે હાથ મિલાવવા તૈયાર થાય છે. સત્તા મહત્ત્વની છે એમને માટે, લોકશાહી નહિ.        

આમ, રાજકીય હિંદુત્વ અને તાનાશાહી વલણોનું જે મિશ્રણ નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે તેને દેશના મતદાતાઓએ સદંતર નકારી કાઢ્યું છે એવું છે જ નહિ, પણ વધુ ૭૦ લાખ લોકોએ તેને આવકાર્યું છે. હિંદુ ધર્મ અને આરએસએસ બ્રાન્ડ કે ભાજપિયું હિંદુત્વ એક જ છે અને દેશમાં હિંદુઓ અને હિંદુ ધર્મ ખતરામાં છે એવું જે ખોટું કથાનક ઊભું કરવામાં આવ્યું તેને દેશના બહુમતી મતદારોએ સ્વીકાર્યું છે એમ કહેવાય કારણ કે ‘ઇન્ડિયા’ ગઠબંધનને પણ એટલા મત તો મળ્યા જ નથી કે જેટલા એનડીએને મળ્યા છે.    

બેકારી, મોંઘવારી, ગરીબી, ભૂખમરો અને અસમાનતા જેવા કોઈ વાસ્તવિક મુદ્દા આ ચૂંટણીમાં ઝાઝો પ્રભાવ પાડી શક્યા છે એવા ભ્રમમાં રહેવું જોઈએ નહિ. એ કોઈ સમગ્ર રાજ્યોમાં પણ નહિ, પણ કેટલાક પ્રદેશોમાં જ ચિંતાજનક મુદ્દા બન્યા હોઈ શકે છે. તમિલનાડુ સિવાય એક પણ મોટું રાજ્ય એવું નથી કે જ્યાં ભાજપ સાવ સાફ થઈ ગયો હોય.        

ઉપરાંત, જે ૬૩.૪૪ ટકા મતદારોએ ભાજપને મત આપ્યા નથી તેઓ બધાને લોકશાહી અને બંધારણપ્રેરિત મૂલ્યોની ચિંતા છે એમ પણ સમજવાની જરૂર નથી. તેમાં ઘણા મતદારો એવા છે કે જેમણે ભાજપને નહિ પણ એનડીએને તો  મત આપ્યા જ છે. ‘ઇન્ડિયા’માં જે પક્ષો જોડાયા તેઓ પણ બેઠકોની ભાગીદારીમાં બધે જોડાયા છે એવું નથી. ‘ઇન્ડિયા’ના સાથી પક્ષોમાં સૌને જે રાજકીય રીતે પોતાને લાભદાયક લાગતું હતું તે જ કર્યું છે, મોટે ભાગે લોકશાહી માટે કોંગ્રેસ સિવાય કોઈ પક્ષ નાનું-અમથું પણ બલિદાન આપવા માટે તૈયાર નહોતો એ એક હકીકત છે.

આવા સંજોગોમાં જેમને ભારતમાં લોકશાહી, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, કાયદાનું શાસન અને માનવ અધિકારો ટકે તેની ખરેખર ચિંતા છે તેમણે મતદારોમાં વૈચારિક ક્રાંતિ માટે પ્રયાસ કરવાની જરૂર રહે છે. આરએસએસની શાખા બે જણા હોય તો પણ ઝંડો લઈને રોજ સવારે તેના નિયત સ્થાને મળે છે અને ભાજપે આ લોકસભાની ચૂંટણી વેળાએ આશરે ૬૦ લાખ વોટ્સએપ ગ્રૂપ બનાવીને જુઠ્ઠાણું ફેલાવી પ્રચાર કર્યો હતો. આ વાસ્તવિકતા પિછાણીને લોકશાહી અને માનવ અધિકારોનાં મૂલ્યોનું પ્રશિક્ષણ લોકોમાં થાય તેનો સતત પ્રયત્ન કરવામાં આવે તો જ લોકશાહી બચે, ટકે અને તેનું સંવર્ધન થાય. દેશની લોકશાહીનો બચાવ થયો છે એટલું જ, લોકશાહીનું પુનર્વસન અને પુનર્સ્થાપન બાકી છે, એ લાંબા ગાળાનો વૈચારિક પ્રોજેક્ટ છે.

- હેમન્તકુમાર શાહ

આ સમાચાર શેર કરો