મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સાધો રે, યે મુર્દો કા ગાંવ!

- કરન્ટ કીક 500 વર્ષ પહેલાં કબીરે લખેલા ગીતની આ "ટાઇટલ" પંકિત આજેય એટલી જ પરફેક્ટ ફિટ બેસે છે

શતરંગ / સાધો રે, યે મુર્દો કા ગાંવ!

- કરન્ટ કીક

500 વર્ષ પહેલાં કબીરે લખેલા ગીતની આ "ટાઇટલ" પંકિત આજેય એટલી જ પરફેક્ટ ફિટ બેસે છે. આજે જો સંત કબીર જીવિત હોત તો એ રાજકોટના "ગેમ ઝોન કાંડ" બાબતે લખ્યા વગર રહી ના શક્યા હોત, એ લખત કે....

સાંભળો એય, આ મરેલાઓનો દેશ છે.

નેતાઓ મરેલા, પરજા પણ મરેલી,

અધિકારી મરેલા, કર્મચારીઓ પણ મરેલા

ગરીબ તો સાવ મરીયલ જ, શ્રીમંત પણ મરેલા.

અભણ તો મરીયલ જ, પણ ભણેલા પણ મરેલા.

સાધો રે, યે મુર્દો કા ગાંવ!

હવે લાગે છે કે ગુજરાતના માથે છેલ્લા પાંચ વર્ષમાં શનિની સાડાસત્તી બેઠી છે. 25 મે, 2019 થી 25 મે, 2024 સુધીમાં NCRB ના ડેટા મુજબ 3286 જેટલા જે લોકો તો આગમાં જ ગુજરી ગયા છે.  સુરતનો તક્ષશિલા કાંડ તો યાદ જ હશે, જેમાં 20 બાળકો જીવતા હોમાય ગયેલા. એ સિવાય, ત્રણેક હોસ્પિટલમાં આગ લાગેલી ને જે દર્દીઓ લાબું જીવવા ગયેલા એ જ ગુજરી ગયેલા. NCRB એ આગથી થયેલ મૃત્યુનો ડેટા આપ્યો છે. એટલે એમાં તો ઘરમાં લાગેલી આગમાં કોઈનું અવસાન થયું હોય તો એ પણ આવી જાય. પણ એ કિસ્સાઓ ઓછા જ હોય, અને નાના પાયે હોય. એટલે મૃત્યુ પણ સ્વભાવિક પણે ઓછા જ હોવાના! 

પણ ટ્યુશન કલાસ, ફેકટરી, હોસ્પિટલ્સ, હોટેલ્સ, મેળા કે મોલમાં જ્યાં ઇલેક્ટ્રિસિટી પણ હોય ને પબ્લિક પણ "માસ"માં હોય. પણ, આમાંથી મેળા સિવાયની કોઈ જગ્યાએથી તમે ફટાફટ ભાગી ના શકો, કેમ કે એક તો પબ્લિક વધારે, વળી ઘણી જગ્યાએ એક્ઝિટ એક જ હોય, હોય તો ય નાની હોય. ( હોસ્પિટલમાં બીમાર દર્દીને કહો કે આગ લાગી છે. તો એ બિચારાને દાખલ થતી વખતે પીડામાં કોઈને પૂછવાનો વેંત પણ ના રહે, અને એવું અનાયાસે ય મનમાં ના આવે!)

તો ઉપાય શું? તો આવી જગ્યાઓએ જોઈએ ફાયર સેફટી, પણ કોણ પૈસા ખર્ચે એમ કરીને મ્યુનિસિપાલિટીમાં જાવ ને થોડીક નોટો ટેબલ નીચેથી સેરવી દો, એટલે ઘરબેઠા આવી જાય. NOC અર્થાત Non Objectional    Certificate... એટલે એમાંય જીવ જવાની બહુ થોડી બહુ થોડી ગેરેન્ટી ખરી. પણ એ બહુ થોડી બહુ થોડીમાં 30, 40, કે 50 કોઈકના વ્હાલા સ્વજનો, કોઈક હરામી અને "ભ્રષ્ટ" અધિકારી કે નેતાના કારણે અકાળે ગુજરી જવાની ગેરેન્ટી ખરી. અહીં ભ્રષ્ટ શબ્દ કોમામાં લખવાનો અર્થ હવે આગળ વાચતા સમજાશે.

વાત ફક્ત રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગની નથી, એક્ચ્યુલી, હવે વાત આગની જ નથી, એ તો ઉપર થઇ ગઇ. પણ મોરબીમાં પુલમાં માણસો બિચારા નવા બનેલા (રીનોવેશન) પુલ પર મોજ કરવા આવ્યા હતા ને, અચાનક પુલ ધડડડ દઈને બેસી જતા એમાંથી કેટલાય ગુજરી ગયા. એનો ઉપાય શુ? તો કે 2 કરોડનો ખર્ચો ઓરેવાવાળા જયસુખ પટેલે કરવાનો હતો.  તે ના કર્યો? બિલકુલ કર્યો પણ ફક્ત 12 લાખ! પુલને મજબૂત બનાવતા નટ બોલ્ટ જ પુલનો આધાર હોય. પણ કાટ ખાઈ ગયેલા બોલ્ટ જ ના બદલ્યા. અને પછી થઈ રહી સલામતી! હરણી નદીમાં બાળકોને બિચારાઓને કેપિસિટી બહાર બોટમાં બેસાડ્યા, ને એ કાળમુખી બોટ આપણા ભૂલકાંઓને ભેગા લેતી ગઈ!

મૂળ તો "ભ્રષ્ટાચાર" એ એવી પ્રેમિકા છે, જેને બે પ્રેમીઓ એકસાથે અનહદ પ્રેમ કરે છે. એ પ્રેમીઓ એટલે રાજકારણીઓ અને ટોચના અધિકારીઓ. વળી, આવા ગેમ ઝોન, હોસ્પિટલ્સ, ટ્યુશન કલાસીસ, ફેકટરીઓ, હોટેલ્સ, બોટના કોન્ટ્રાકટરો, પુલના કોન્ટ્રાકટરો કમ સિવિલ એન્જીનીયર્સ જેવી બીજી, ત્રીજી, ચોથી....એમ અનંત પ્રેમિકાઓ પાસેથી મલાઈ પ્રેમથી ખાવા મળે એટલે બધાય રાજીના રેડ. આને જોઇતુ હતું અને પેલાને આપવું હતું!

અને, આવા સિક્કાઓની બન્ને બાજુએ  "જનતા" જ હોય છે. જનતાને આવી બધી સેફટીઓનો ખ્યાલ તો સપનામાંય ના આવે. અને એ સ્વભાવિક છે. આપણે હોટેલમાં જમવા જઈએ ત્યારે કંઈ ફાયર સેફટી સિસ્ટમ જોવા નથી જતા. (સર્ટિફિકેટ હોય જ. પણ એ તો નકલી પણ હોય!) કોઈ પુલ પર જતી વખતે એના નટબોલટ કે પિલર્સને જોવા ટીંગાય ના જવાનું હોય. એટલો તો ભરોસો હોય જ ને, એમ કરી ને! આ થઈ જનતાની એક સારી અને નિર્દોષ બાજુ..

બીજી એક વિચિત્ર, વાયડી અને વલગર બાજુ પણ છે. ધર્મના નામે લડી મરવું. એમાંથી નવરા પડો તો જ્ઞાતિઓના નામે લડી મરવું, પોતાની જુદી જુદી માંગણી બાબતે આંદોલનો કરતી પ્રજા આવી સંવેદનશીલ બાબતોમાં આંદોલન તો શું એક પોસ્ટ પણ લખશે તો જ લખશે. વળી, ચૂંટણી આવે ત્યારે આવા જ વિષયો ઇલેક્શનનો મુખ્ય મુદ્દો બની જાય. કેમ કે, બીજા મુદ્દાઓ ભુલાય જવા સહેલા છે, જ્યારે આવા મુદ્દાઓ અમુક પ્રજાને ડીએનએમાં ઉતરી ગયા હોય છે, એટલે એ યાદ રાખવું કે યાદ રખાવડાવવું સાવ સહેલુ છે! અને દેશની સિસ્ટમ તો "ડિમાન્ડ એન્ડ સપ્લાય" ની નીતિ પર ચાલતી હોય, જે માંગશો એ મળશે, બીજું રોજગાર, નોકરી, મોંઘવારી કે જાહેર સ્થળોએ સલામતીની એકસો ને એક ટકાની ખાતરી! જોઈએ છે? પણ નહીં મળે, કેમ કે, ફરીથી રિપીટ, રાજતંત્ર  એટલે ડિમાન્ડ એન્ડ સપ્લાયનો ખેલ, બસ!

ખૈર, અંતે પ્રિય જય વસાવડાએ લખ્યું એમ--- આપણે ક્યાંક ફરવા ગયા હોઈએ અને એના ફોટા સોશ્યલ નેટવર્ક પર અપલોડ થાય એ પહેલા ડીલીટ થઇ જાય તો પણ બહુ વસમું લાગે છે. તો આ તો રીતસર એવા ફૂલડાં હતા જેમને તો હજુ જીવવાનું શરુ થાય એ પહેલા જિંદગી જ ડિલીટ થઇ ગઈ પરમેનન્ટલી!

- ડૉ. ભગીરથ જોગિયા

આ સમાચાર શેર કરો