મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

લેખમાળા / હેલ્થ : અવેરનેસથી અધિકાર સુધી પહોંચતા 75 વર્ષ લાગ્યા

આ વર્ષનાં વર્લ્ડ હેલ્થ ડેની થીમ છે - મારું સ્વાસ્થ્ય, મારો અધિકાર. આજે ૨૧મી સદીમાં પણ ઘણાં

લેખમાળા / હેલ્થ : અવેરનેસથી અધિકાર સુધી પહોંચતા 75 વર્ષ લાગ્યા

આ વર્ષનાં વર્લ્ડ હેલ્થ ડેની થીમ છે - મારું સ્વાસ્થ્ય, મારો અધિકાર. 

આજે ૨૧મી સદીમાં પણ ઘણાં દેશોમાં મૂળભૂત સ્વાસ્થ્ય સેવા નાગરિકોનો અધિકાર ગણાતો નથી. 

સ્વાસ્થ્યની આ વ્યાખ્યા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને બનાવી છે. સામાન્ય રીતે રોગમુક્ત શરીર હોય એટલે વ્યક્તિ સ્વસ્થ ગણાય છે, પરંતુ એ સમજ અધૂરી છે. શારીરિક ઉપરાંત માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. એમાંય ૨૧મી સદીના એક પછી દાયકાઓ આગળ વધશે તેમ મેન્ટલ હેલ્થ મહત્ત્વનો મુદ્દો બનશે. સામાજિક સુખાકારી પણ સર્વાંગી સ્વાસ્થ્યમાં એટલી જ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. આ ત્રણેય વગર સંપૂર્ણ સ્વાસ્થ્યનો વિચાર અધૂરો રહે છે.

વેલ, સ્વાસ્થ્યનો અધિકાર એટલે શું?

અગેઇન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને ટાંકીએ: ગુણવત્તાસભર હેલ્થ સર્વિસ, એજ્યુકેશન, જગતની જરૂરી માહિતી, સ્વચ્છ હવા-પાણી, પોષક આહાર, રહેવાલાયક ઘર, યોગ્ય વળતર આપે એવી નોકરી, સારું વાતાવરણ, ભેદભાવ મુક્ત સમાજજીવન - આટલું હોય તો સ્વાસ્થ્યનો મૂળભૂત અધિકાર મળ્યો ગણાય. જી હા, સ્વાસ્થ્યના અધિકારમાં આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે.

ને દુનિયામાં આટલી મૂળભૂત બાબતો મેળવનારા સદ્ભાગી લોકો ૮૦૦ કરોડની વસતિમાંથી માંડ ૧૦૦-૧૫૦ કરોડ હશે! ૪૦૦ કરોડ જેટલાં લોકોને તો જરૂરી હેલ્થ સર્વિસ મળતી જ નથી. ૨૦૦-૨૫૦ કરોડ લોકોને હેલ્થ સર્વિસ મળે છે, પણ એ સિવાયની ઘણી બાબતોમાં બાંધછોડ કરવી પડે છે. અમર્યાદિત પ્રદૂષણના કારણે અત્યારે સ્વચ્છ હવા અને પાણી જ વસતિના મોટા હિસ્સાને ક્યાં મળે છે?

વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણીનું આ ૭૫મું વર્ષ છે. એની શરૂઆત થઈ ત્યારે સ્વાસ્થ્યની સેવાઓ માટે જાગૃતિ લાવવાનું અને સુવિધાઓ સૌ માટે ઉપલબ્ધ બને એવા વાતાવરણના નિર્માણનો મુખ્ય હેતુ હતો. છેક આટલા વર્ષોએ એમાં હકનો વિચાર ઉમેરાયો છે. આ વર્ષની થીમ છે: મારું સ્વાસ્થ્ય, મારો અધિકાર. સ્વાસ્થ્યની અવેરનેસથી એને અધિકાર બનાવવામાં આટ-આટલા વર્ષો નીકળી ગયા. તેમ છતાંય હજુ કરોડો લોકો માટે સ્વાસ્થ્ય અધિકાર નથી, જરૂરિયાત છે. એ લોકો હકથી કહી શકતા નથી કે સ્વાસ્થ્યની સેવા મેળવવી એ અમારો મૂળભૂત અધિકાર છે. એ કહે છે: આ અમારી જરૂરિયાત છે, મહેરબાની કરીને અમને એ આપો!

લક્ષ્યાંક છતાં હેલ્થ સર્વિસને હક ન બનાવી શકવાના સેંકડો કારણો છે. દુનિયાના ૧૪૦ દેશોએ આરોગ્યને મૂળભૂત માનવ અધિકાર બનાવીને બંધારણમાં એનો સમાવેશ કર્યો છે ખરો, પણ એમાંથી અડધો અડધ દેશોમાં એનું પાલન ન થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવાની કોઈ જ જોગવાઈ નથી. સ્વાસ્થ્ય સેવા યોગ્ય રીતે મળે એવી યોજનાઓનો પારાવાર અભાવ છે. ગણીને ત્રણેક ડઝન દેશોમાં બહુ ઉમદા કહેવાય એવી સરકારી હેલ્થ સર્વિસ મળે છે.

૬૦-૭૦ દેશોમાં દર્દીને સારવાર મળી રહે છે, પરંતુ કેટલી રાહ જોવી પડે એ કહેવાય નહીં. જે સર્જરી કે સારવાર ૨૪ કલાકમાં થઈ શકે તેમ હોય એના માટે સરકારી હેલ્થ સર્વિસમાં પાંચ-આઠ દિવસ લાગી જાય છે. ભારતમાં પણ આયુષમાન જેવી સરકારી યોજનાઓથી સારવાર સરળ બની છે ને ગરીબ દર્દીઓ પર આર્થિક ભારણ ઘટયું છે એ ખરું, પરંતુ એમાંય અપાર ધીરજ રાખવી પડે છે. ઓપરેશનના દર્દીઓને તારીખ અપાઈ ગયા પછીય વારંવાર સર્જરી ડીલે કરીને નવી તારીખો આપવી પડે છે. એ પાછળ માળખાગત સુવિધાથી લઈને સ્ટાફની અછત, અપૂરતું બજેટ જેવા કેટલાય કારણો જવાબદાર છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશને એક હજારની વસતિએ એક ડોક્ટરની સુવિધા હોય એવો માપદંડ બનાવ્યો છે. ભારતમાં આ એવરેજ ૮૦૦એ એક ડોક્ટરની છે એવો સરકારી દાવો છે. હશે, પ્રાથમિક સારવાર આપી શકે એવા ડોક્ટર્સનો પણ આ આંકડાંમાં સમાવેશ થાય છે એટલે સરેરાશ ડોક્ટરની રીતે એવરેજ સારી હોવા છતાં સ્પેશ્યલાઈઝેશન ધરાવતા ડોક્ટરોની તો મોટી અછત છે. ડબલ્યુએચઓના કહેવા પ્રમાણે ભારતમાં ૪૩ લાખ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફની અછત છે ને આગામી વર્ષોમાં વધુ છ લાખ નિષ્ણાત સર્જનોની અછત સર્જાશે.

ભારતમાં જ નહીં, દુનિયાભરમાં તબીબો, નર્સિંગ સ્ટાફ, મેડિકલ રિસર્ચ સહાયકોની અછતનો મોટો મુદ્દો છે. હેલ્થ સેક્ટરમાં દોઢ કરોડ ડોક્ટર, ત્રણ કરોડ નર્સિંગ સ્ટાફ, ૪૦ લાખ ફાર્માસિસ્ટ, ૨૫ લાખ ડેન્ટિસ્ટ, ૨૨થી ૨૫ લાખ હોમકેર સ્ટાફ, દોઢ કરોડ સહાયકો સહિત સાતેક કરોડનો વર્કફોર્સ છે, છતાં આજની તારીખે ગ્લોબલી દોઢ કરોડ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, ફાર્માસિસ્ટ, કોમ્યુનિટી હેલ્થ વર્કર્સ, કેર ટેકર્સની અછત છે. આ ઘટને પહોંચી વળવા નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવે છે. નર્સિંગ સ્ટાફ મળે તે માટે વિકસિત દેશોમાં તાલીમકેન્દ્રો બનાવીને યુવાનોને આ ક્ષેત્રમાં આવવા પ્રેરિત કરાય છે, પરિણામે એવો અંદાજ છે કે ૨૦૩૦ સુધીમાં ૫૦ લાખ તબીબો, તબીબી સ્ટાફની અછત નિવારી શકાશે. તોય ૨૧મી સદીના ચોથા દશકાની શરૂઆતે એક કરોડની અછતનો સામનો કરવો પડશે.

હેલ્થ મૂળભૂત અધિકાર બને તે માટે આ અછતને દૂર કરવી પડે. ગણ્યાં-ગાંઠયાં દેશોને બાદ કરતાં સરકારી હેલ્થ સેક્ટરમાં સુધારાને અવકાશ છે. ખાનગી હેલ્થ સેક્ટર જે ઝડપે વિકસે છે એટલી ઝડપે પબ્લિક હેલ્થ સેક્ટરનો વિકાસ થતો નથી. પ્રાઈવેટ હેલ્થ સેક્ટરમાં સ્થાપિત હિતો - નેતાઓ-ઉદ્યોગપતિઓની મોટી ભાગીદારી છે. જો પબ્લિક હેલ્થ સેક્ટર વિકસી જાય તો એમને જ સૌથી મોટો ફટકો પડે. પબ્લિક હેલ્થ સર્વિસ જ્યાં સુધી ધક્કા ગાડીએ ચાલશે ત્યાં સુધી ધારવા છતાં લોકો માટે હેલ્થ અધિકાર નહીં બની શકે.

આજેય બે-ત્રણ કરોડ બાળકો સ્વાસ્થ્યની સવલતથી વંચિત છે. દોઢ કરોડ વૃદ્ધો પૈસાના અભાવે સારવાર કરાવી શકતા નથી. આ બાળકોના પેરેન્ટ્સ પાસે ને વૃદ્ધો પાસે એટલી રકમ નથી કે એ ખર્ચીને પ્રાઈવેટ સુવિધા મેળવી શકે. એટલી અવેરનેસ પણ નથી કે લડીને પબ્લિક હેલ્થ સર્વિસનો લાભ મેળવે.

ભલે ડબલ્યુએચઓ માય હેલ્થ માય રાઈટની થીમ પર ઉજવણીઓ કરે, પણ જ્યાં સુધી દરેક દેશની સરકારો હેલ્થને લોકોનો અધિકાર બનાવવાનું બીડું નહીં ઉપાડે ત્યાં સુધી કરોડો લોકો માટે મૂળભૂત જરૂરિયાત ગણાતી સ્વાસ્થ્ય સેવા સરકારી મહેરબાની બનીને રહી જશે. ટેકનોલોજી ઝડપભેર વિકસી રહી છે અને હવે તો મેડિકલ ક્ષેત્રમાં એઆઈના નેનો રોબોટ્સથી તબીબોનું કામ વધુ સરળ બનવા માંડયું છે, પરંતુ આ ટેકનોલોજી ડબલ્યુએચઓની હેલ્થની પરિભાષા વાસ્તવિક બનાવે તો માનવજાતને ખરેખર ઉપયોગી થઈ કહેવાશે.

વર્લ્ડ હેલ્થ ડેનો અમૃતકાળમાં પ્રવેશ

૭મી એપ્રિલ ૧૯૪૮ના દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબલ્યુએચઓ)ની સ્થાપના થઈ હતી. સંયુક્ત રાષ્ટ્રસંઘની હેલ્થ એજન્સીની સ્થાપના પાછળનો હેતુ હતો - દુનિયામાં જાહેર સ્વાસ્થ્યની સુધારણા. ૧૯૪૮માં જ પહેલી વર્લ્ડ હેલ્થ એસેમ્બલી મળી. એ વખતે નક્કી થયું કે સ્થાપના દિવસની ખાસ રીતે ઉજવણી કરવી અને પબ્લિક હેલ્થ વધુને વધુ બહેતર બને તેવા પ્રયાસો દર વર્ષે કરવા. ઉજવણીની શરૂઆત ૧૯૫૦થી કરવાનું નક્કી થયું. એ રીતે ૧૯૫૦થી દર વર્ષે ડબલ્યુએચઓના સ્થાપના દિવસે વર્લ્ડ હેલ્થ ડે ઉજવાય છે. આ વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠન એ દિવસે વર્લ્ડ હેલ્થ રિપોર્ટ પણ આપે છે. ૧૯૯૧થી વર્લ્ડ હેલ્થ ડેની જુદી જુદી થીમ આપીને એ પ્રમાણે સંયુક્ત રાષ્ટ્રસંઘના તમામ સભ્ય દેશોમાં અવેરનેસના કાર્યક્રમો યોજાય છે.

દુનિયાની સૌથી મોટી હેલ્થકેર યોજના

દુનિયાની સૌથી વિશાળ સરકારી હેલ્થકેર યોજના ભારતમાં ચાલે છે. આયુષમાન ભારત ઈન્સ્યોરન્સ-એસ્યોરન્સ યોજના છે. ૨૦૧૮થી શરૂ થયેલી આ સરકારી યોજના પાછળ વર્ષે આઠ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. દેશની વસતિ ૧૪૦ કરોડથી વધુ છે અને આ પ્રોગ્રામ માટે જે ધારાધોરણ નક્કી થયા છે એ પ્રમાણે ૭૦ કરોડથી વધુ લોકો યોજનાનો લાભ મેળવવા પાત્ર છે. ચાલુ વર્ષે જાહેર થયેલા આંકડાં પ્રમાણે આયુષમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૩૦ કરોડ કાર્ડ અપાઈ ચૂક્યા છે. આ કાર્ડથી એક પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીની સારવાર નિ:શુલ્ક મળે છે. દેશની સરકારી અને ખાનગી સહિત છ કરોડ હોસ્પિટલોને યોજનામાં આવરી લેવાઈ છે. દેશના પ્રાથમિક હેલ્થકેરના માળખામાં પ્રાથમિક સારવાર મળી રહે છે. તે સિવાયની સારવાર કે ઓપરેશન આ યોજનામાં થાય છે.

450 કરોડ પાસે હેલ્થ પૉલિસી નથી

વર્લ્ડ બેંક અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના સંયુક્ત અહેવાલનું માનીએ તો દુનિયાની અડધી વસતિને આવશ્યક સ્વાસ્થ્ય સેવાઓ મળતી નથી. ૪૫૦ કરોડ લોકો પાસે કોઈ જ હેલ્થ પૉલિસી નથી. ખાનગી હેલ્થ વીમો બધાને પોષાય નહીં. વિકસિત દેશોમાં તો સરકારી હેલ્થ પૉલિસી આપવામાં આવે છે, પરંતુ વિકાસશીલ અને ગરીબ દેશોમાં સરકાર પાસે એટલું ફંડ હોતું નથી કે નાગરિકોને સ્વાસ્થ્ય વીમો આપી શકે. પરિણામ એ આવે છે કે નાની-મોટી બીમારી વખતે લોકોને આર્થિક ફટકો પડે છે. ગરીબોને તો હજુય સરકારી કે સ્વૈચ્છિક સંસ્થાઓની સહાય મળે છે, પરંતુ નીચલા મધ્યમવર્ગના લોકોને દુનિયાભરમાં સંઘર્ષ કરવો પડે છે. તેમની પાસે હેલ્થ કવર હોતું નથી કે સરકારી સહાય માટેય તેમને ધ્યાનમાં લેવામાં આવતા નથી. વર્લ્ડ બેંકના તારણ પ્રમાણે દુનિયામાં ૧૦ કરોડથી વધુ લોકો સારવારના ખર્ચમાં એટલા ખુવાર થાય છે કે કાયમ ગરીબ રહે છે.

ભારતમાં 51 કરોડ હેલ્થ પૉલિસી

ફોર્બ્સના અહેવાલ પ્રમાણે ભારતની ૧૪૦ કરોડની વસતિમાંથી માત્ર ૫૧ કરોડ લોકો પાસે જ હેલ્થ પૉલિસી છે. એટલે કે ૩૭ ટકા લોકો જ હેલ્થનો વીમો ખરીદે છે. ૫૧ કરોડમાંથી ૩૦ ટકાને કંપનીઓનું હેલ્થ કવર મળે છે. જો તેમનો હેલ્થ વીમો કંપનીએ આપ્યો ન હોત તો એ લોકોએ પણ કદાચ એ પાછળ વર્ષે ૧૦-૧૨ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો ન હોત! ભારતની હેલ્થ ઈન્સ્યોરન્સ ઈન્ડસ્ટ્રી ૬૩૭ અબજ રૂપિયાની છે. મહામારી પછી આ ઈન્ડસ્ટ્રીમાં પાંચ ટકાની ઝડપે વૃદ્ધિ થઈ છે. ૪૦ કરોડ લોકો કોઈ જ પ્રકારનો હેલ્થ વીમો લેતા નથી. દેશની ૭૦ ટકા વસતિ પબ્લિક હેલ્થ પોલિસીના ભરોસે છે. દેશમાં ૪૧ ટકા પરિવારોની એટલિસ્ટ એક વ્યક્તિ કોઈને કોઈ હેલ્થ પૉલિસીમાં સામેલ છે, પરંતુ એમાં સરકારી હેલ્થ ઈન્સ્યોરન્સનો પણ સમાવેશ થાય છે એટલે આ આંકડો ઘણો ઓછો ગણાય.

આ સમાચાર શેર કરો