મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / હેન્ડ ગ્રેનેડ યાને કી હાથ ગોળા

- યુદ્ધગાથા ખરા અર્થમાં છોટા પેકેટ બડા ધમાકા: વાસ્તવમાં હેન્ડ ગ્રેનેડનો બાહ્ય દેખાવ અને કદ છેતરામણા છે. કદ જોઈએ ત

શતરંગ / હેન્ડ ગ્રેનેડ યાને કી હાથ ગોળા

- યુદ્ધગાથા

ખરા અર્થમાં છોટા પેકેટ બડા ધમાકા:

વાસ્તવમાં હેન્ડ ગ્રેનેડનો બાહ્ય દેખાવ અને કદ છેતરામણા છે. કદ જોઈએ તો સરેરાશ માણસની મૂઠીમાં સમાય જાય તેટલું. વજન 180 ગ્રામથી 910 ગ્રામ અને તેનો વ્યાસ (ગોળાઈ ભાઈ મેરે) 43 થી 82 મિલિમિટર હોય છે. (ઉપલબ્ધ માહિતી મુજબ પાકિસ્તાની સેના સરેરાશ કરતાં વધુ વજનદાર હાથ ગોળાનો ઉપયોગ કરે છે.) નાના અમથાં પ્રાથમિક ગ્રેનેડમાં સામાન્ય રીતે સોળ પાર્ટ હોય છે. વર્તમાન ઉચ્ચ ટેક્નોલોજીના સમયમાં હાથ ગોળાના ભૌમિતિક પરિમાણો સતત બદલાતા રહે તે સ્વાભાવિક  છે. પારંપારિક હાથ ગોળાઓ સાથે હવે ‘નીડ બેઝ્ડ’, તરહ તરહના હાથ ગોળાઓનું ઉત્પાદન વિવિધ દેશો કરવા લાગ્યા છે. દેખાવની વાત કરીએ તો માહિતગાર ન હોય તેવી વ્યક્તિને દેખાવ પરથી હેન્ડ ગ્રેનેડ વિનાશકારી ન લાગે.

હાથ ગોળાથી સંપૂર્ણપણે ‘અનવર્ઝ્ડ’ માટે હાથ ગોળો એટ્લે એક એવો નાનો શેલ / આવરણ કે શસ્ત્ર જેની અંદર  સ્ફોટક પદાર્થ હોય અને તે સામાન્ય રીતે હાથ વડે અથવા ગ્રેનેડ રાઇફલ વડે વિધ્વંશ ફેલાવવા ફેંકી શકાતો હોય. સૈન્યની જરૂરત અનુસાર ગ્રેનેડ લોન્ચર નામક શસ્ત્ર વડે પણ ગ્રેનેડ હુમલો કરવામાં આવતો હોય છે.  ગ્રેનેડ શબ્દ મૂલત: ફ્રેંચ ભાષાનો છે, જેનો અર્થ દાડમ થાય છે. સૈન્ય ઈતિહાસકારોના મતાનુસાર ગ્રેનેડના દાડમ જેવા ગોળ આકારના કારણે હેન્ડ ગ્રેનેડ નામ ચલણમાં આવ્યું હોવું જોઈએ. ગ્રેનેડના આકારોમાં સમય સાથે બદલાવ થયા છે. વર્તમાન સમયમાં ગ્રેનેડ ગોળાકાર, અંડાકાર કે નળાકાર આકારમાં ઉત્પાદિત થાય છે.

હેન્ડ ગ્રેનેડના સગડ તો રોમન સામ્રાજ્યના સમયમાં છેક સાતમી સદીથી  મળે છે. અગિયારમી સદીમાં ચીનના યુઆન રાજવંશે જાપાનીઓ પર હેન્ડ ગ્રેનેડનો ઉપયોગ કર્યાના પુરાવાઓ મળે છે. આપણાં માટે ગૌરવની વાત છે કે 12સદીના ભારતમાં હેન્ડ ગ્રેનેડનું અસ્તિત્વ પર્સીયન ઈતિહાસ મોજમલ અલ તવારીખમાં નોંધાયેલું છે.

હેન્ડ ગ્રેનેડની બાહ્ય સપાટી મજબૂત ધાતુ અથવા સિન્થેટીક પદાર્થની બનેલી હોય છે. બાહ્ય સપાટીની રચના મજબૂત હોવા છતાં વિસ્ફોટ સમયે ફાટી શકે તેવી હોય છે. ગ્રેનેડની અંદરની બાજુએ થયેલા વિસ્ફોટથી બાહ્ય સપાટી તૂટતાં સેંકડો ફ્રેગમેંટ-લોખંડની કરચો વેગપૂર્વક બહાર ધકેલાય છે.   હેન્ડ ગ્રેનેડ ક્યા ટાર્ગેટને ક્ષતિ પહોંચાડવી છે તે અનુસંધાને વિસ્ફોટક પદાર્થ અથવા રસાયણો વડે બનાવવામાં  આવે છે. અમુક હેન્ડ ગ્રેનેડ લોખંડના તીક્ષ્ણ ફ્રેગમેંટ અથવા છરા દુશ્મન તરફ ફેલાવે છે. એક સમયે બેટલ ટેન્ક-રણગાડીને નુકશાન પહોંચડી શકતા ગ્રેનેડ ચલણમાં હતા. શસ્ત્રોની  ટેકનૉલોજી સાથે ઘણા શસ્ત્રોનો ઉપયોગ કે ઉત્પાદન બંધ થતાં હોય છે. શક્તિશાળી લશ્કર ધરાવતા દેશોએ એન્ટિ બેટલ ટેન્ક ગ્રેનેડને આઉટ ઓફ ડેટનું પ્રમાણ પત્ર આપેલું. કારણકે, ટેન્કને નાથવા બીજા ઉપાયો શોધી લેવામાં આવેલા. છતાં, સંગ્રહેલો સાપ પણ કામ આવે તેવી ઘટનાઓ પણ જંગના મેદાનમાં બનતી રહેતી હોય છે. વર્ષ 2000ના ગાળામાં ઇરાકના બળવા દરમિયાન એન્ટિ બેટલ ટેન્ક ગ્રેનેડ એમઆરએપી(માઈન રેસિસ્ટંટ એમ્બુશ પ્રોટેકટેડ) પ્રકારના યુધ્ધ વાહનોનો ખાતમો બોલાવવામાં સફળ થયેલા.

વિસ્ફોટક પ્રકારના ગ્રેનેડ નામ તેવા ગુણના ન્યાયે વિસ્ફોટ દ્વારા મોટી માત્રામાં નુકશાન પહોંચાડે છે. વિસ્ફોટક પ્રકારના હેન્ડ ગ્રેનેડ માટે એક વણલખ્યો નિયમ છે. તેની મારક ક્ષમતા મર્યાદિત હોય છે. અગર મારક ક્ષમતા વિસ્તૃત કરવામાં આવે તો શક્ય છે કે શિકારી ખુદ જ શિકાર બની જાય. ગ્રેનેડ રાઇફલ અને ગ્રેનેડ લોન્ચરમાં મારક ક્ષમતા હેન્ડ ગ્રેનેડ કરતાં વધુ હોય છે. વિસ્ફોટક ગ્રેનેડ બંધ ઇમારતોમાં  કે શત્રુએ રચેલી દીવાલ જેવી સંરચનામાં વધુ સફળ થતાં હોય છે. મિલિટરી શસ્ત્રોના વિકાસમાં અગ્રેસર રહેતા અમેરિકાએ 2016માં ‘ટુ ઇન વન’ ગ્રેનેડ પણ વિકસાવ્યા. ગ્રેનેડ ફેંકતી વખતે સૈનિકે નિશ્ચિત કરવું રહે કે ફ્રેગમેંટ કે વિસ્ફોટક હુમલાની જરૂર છે.

આગ ફેલાવવા સક્ષમ ગ્રેનેડ લશ્કરી પરિભાષામાં ઇંસેન્ડીયરી ગ્રેનેડ તરીકે ઓળખાય છે. નામ મુજબ જ તે ગ્રેનેડ લક્ષ્યાંક પર આગ લગાડવાનું કામ કરે છે. આ ગ્રેનેડ સફેદ ફોસ્ફરસના દહનથી આગ લગાડે છે. બીજા વિશ્વ યુધ્ધ દરમિયાન ઇંગ્લેન્ડે સાંઠ લાખ ઇંસેન્ડીયરી ગ્રેનેડ બનાવેલા અને સ્થાનિક હોમ ગાર્ડને શત્રુ રણગાડી સામે વાપરવા કહેલું.

સમજણ માટે કહીએ કે ખાલી ડંખ મારતા ગ્રેનેડ પણ આ ધરા પર યુધ્ધખોર આદમ જાતે વિકસાવેલાં છે. તે ગ્રેનેડનું નામ સ્ટિંગ ગ્રેનેડ રાખ્યું છે. આ ગ્રેનેડની અંદર પ્લાસ્ટિક અથવા રબ્બરના ગોળા ભર્યા હોય છે. સ્ટિંગ ગ્રેનેડનો હેતુ નિશાનને ઘાતક રીતે જખમી કરવાના બદલે અંશત: શારીરિક હાનિ પહોંચાડવાનો છે. હેતુ એટલો જ કે ભોગ બનેલી વ્યક્તિ થોડા સમય માટે નિષ્ક્રિય થઈને વિરોધ ન કરી શકે કે અડચણ રૂપ ન થાય. આ પ્રકારના ગ્રેનેડ આધારભૂત રીતે શત્રુને ઘાયલ નથી કરી શકતા. ખરા જંગમાં સ્ટિંગ ગ્રેનેડનો ઉપયોગ કરવો અર્થહિન નીવડે છે. સામાન્ય રીતે સ્ટિંગ ગ્રેનેડ નાગરિક આંદોલન સમયે વાપરવામાં આવે છે. જો કે નસીબના નબળા લોકોને સ્ટિંગ ગ્રેનેડથી પણ આંખ કે હાથ ગુમાવવાની ઘટનાઓ બની છે.

ધડાકા ભડાકા ન થાય પરંતુ ધાર્યું કામ  પાર પાડવા માટે રસાયણ અને વાયુ ભરેલા ગ્રેનેડની વળી એક અલગ જ દુનિયા છે. રસાયણ ગ્રેનેડ સ્વાભાવિક રીતે જ માનવ માટે હાનિકારક હોવાના. કેમિકલ ગ્રેનેડ ફૂટતા જ ઝેરી રસાયણ દુશ્મન દીર્ઘામાં પ્રસરે છે. ગેસ ગ્રેનેડના હેતુ અનેક હોય છે. અમુક પ્રકારના ગેસ ગ્રેનેડ સિગ્નલ/સંકેતોની આપલે માટે ઉપયોગી હોય છે. બીજા પ્રકારના ગેસ ગ્રેનેડમાં શત્રુને બેભાન કરતો વાયુ, ચેતાતંત્ર ખોરવી શકે તેવો ગેસ અને લકવો થઈ જાય તેવો ગેસ પણ ખરો.

હેન્ડ ગ્રેનેડ એક શસ્ત્ર  છે. કોઈ પણ શસ્ત્રનો હેતુ દુશ્મનને નાબૂદ કરવાનો  હોય છે. પણ વક્રતા એ છે કે માનવનો શત્રુ સદાય બીજો માનવ જ હોય છે. બંને માનવો એકમેકથી ચઢિયાતાં શસ્ત્રો વિકસિત કરતાં રહેતા હોય છે. વધુ વિનાશકારી શસ્ત્રો બનાવનાર વિજેતા થતો હોય છે.

શિસ્ત સંગ સ્મિત:

કેપ્ટન: ગઇકાલની છદ્મવેશ(Camouflage) પરેડમાં તમને જોયા નહી !

સૈનિક: થેન્ક યુ વેરી મચ, સર.

- ફાલ્ગુન મોદી

આ સમાચાર શેર કરો