મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / બંદૂકની ગોળીઓ પર કોઈ નામ-સરનામાં હોતા નથી

- ઇતિહાસ ગાથા મહાગુજરાત ચળવળ સમયે તત્કાલિન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને જુજારું કોંગ્રેસી

શતરંગ / બંદૂકની ગોળીઓ પર કોઈ નામ-સરનામાં હોતા નથી

- ઇતિહાસ ગાથા

મહાગુજરાત ચળવળ સમયે તત્કાલિન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી અને જુજારું કોંગ્રેસી નેતા ઠાકોરભાઈ દેસાઈના એક વિધાને આ આખી ચળવળની રૂપરેખા અને કથાનકને બદલી દીધું હતું.

વાત છે આઝાદ ભારતના એ સમયની જ્યારે આંદોલન દ્વારા આઝાદ થયેલા દેશમાં પણ એક અલગ આંદોલન થઇ રહ્યું હતું. જે હતું ભાષા આધારિત અલગ રાજ્યની માંગણી માટેનું આંદોલન.

બંધારણ નિર્માણની પ્રક્રિયાના સમયગાળામાં જ ભાષાકીય ધોરણે રાજ્યો રચવાની માંગ પ્રબળ થઇ હતી. અને ત્યારબાદ વિવિધ અંદોલનો શરુ થયા હતા. તેથી ભાષા આધારિત રાજ્યોની રચના વિષે વિચારણા કરવા જૂન, 1948માં ન્યાયમૂર્તિ એસ. કે. ધારના અધ્યક્ષપદે એક પંચની રચના કરવામાં આવી. કોંગ્રેસે પણ જે.વી.પી (જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ અને પટ્ટાભિસીતારામૈયા) કમિટી રચી. આ સમય દરમિયાન અલગ આંધ્રપ્રદેશની રચના માટે આંદોલન કરી રહેલા સ્વતંત્રતા સેનાની પોટ્ટી શ્રીરામુલુનું 56 દિવસના ઉપવાસ પછી અવસાન થતા આંધ્રપ્રદેશની એક અલગ રાજ્ય તરીકેની માંગણી સ્વીકારવામાં આવી.

આખરે ભાષાવાર પુનર્રચના માટે 1953માં હૃદયનાથ કુંજરુના અધ્યક્ષ સ્થાને એક પંચ નીમવામાં આવ્યું. જેમાં તેમણે 16 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોની રચનાની ભલામણ કરી. પરંતુ તેમાં ગુજરાતી અને મરાઠી ભાષી પ્રજા માટે અલગ રાજ્યની જોગવાઈ કરવામાં આવી ન હતી.

ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો ન મળતાં ગુજરાતી પ્રજાની લાગણી ઘવાઈ. તેથી 7 ઑગસ્ટ, 1956ના રોજ કેટલાક વિદ્યાર્થીઓ તત્કાલિન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ઠાકોરભાઈ દેસાઈને મળવા ગયા. પરંતુ વિદ્યાર્થીઓને તેમના તરફથી યોગ્ય પ્રતિભાવ ન મળતા તેમણે હડતાળની જાહેરાત કરી. અમદાવાદના એલિસબ્રિજ
વિસ્તારમાંથી જંગી સરઘસ નીકળ્યું અને 'લે કે રહેંગે મહાગુજરાત'નો નારો બુલંદ બન્યો. આ રીતે મહાગુજરાત આંદોલનની શરૂઆત થઇ.

8 ઑગસ્ટ, 1956ના રોજ અમદાવાદમાં કૉંગ્રેસ ભવનની બહાર વિદ્યાર્થીઓએ દેખાવો કર્યા. જેમાં, વાત વણસતા વિદ્યાર્થીઓ પર ગોળીબાર થયો. આ ગોળીબારમાં સુરેશ જયશંકર ભટ્ટ, પુનમચંદ વીરચંદ અદાણી, કૌશિક ઈન્દુલાલ વ્યાસ અને અબ્દુલભાઈ પીરભાઈ એમ ચાર વિદ્યાર્થીઓ શહીદ થયા. ગોળીબારને કારણે લોકોમાં સરકાર સામે રોષ ફેલાયો અને બળતામાં ઘી હોમાયું. અમદાવાદમાં ચાર વ્યક્તિઓ શહીદ થયા અને સો જેટલાં લોકો ઘાયલ થયા. ગુસ્સાની જ્વાળા ભડકી ઉઠી અને ચારે કોર લોકો દ્વારા લૂંટફાટ અને આગના બનાવો બન્યા. નવમી ઑગસ્ટના રોજ ગોળીબારમાં ચાર યુવકો માર્યા ગયા. આટલી ખુવારી છતાં લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ યથાવત રહ્યું. અને યુવાનોના મૃત્યુના બનાવો પણ ચાલુ રહ્યા. આ સમયે ગુજરાત કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઠાકોરભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓના આ વર્તનને ગુંડાગીરી સમાન ગણાવીને કહેલું કે, ‘બંદૂકની ગોળીઓ પર કોઈ નામ-સરનામાં હોતાં નથી’. તેમના આ વિધાનથી યુવાનોમાં રોષ વધ્યો.

ચોમેર પ્રજા અને સત્તા વચ્ચે હિંસક વાતાવરણ છવાયું હતું. ગોળીબારમાં લોકોના મૃત્યુ થતા હતા ત્યારે આવા સમયે ગુજરાત કોંગ્રેસના સર્વોચ્ચ નેતા મોરારજી દેસાઈ અમદાવાદ આવ્યા, અને તેમણે લોકોની લાગણી અને માંગને સમજ્યા વગર જ દ્વિભાષી રાજ્યોનો વિરોધ કરનારાઓને કચડી નાખવાનો આદેશ આપ્યો. આથી લોકોમાં ઉશ્કેરાટ વધ્યો અને આંદોલનનો વ્યાપ પણ વધ્યો. સતત સત્તા અને પોલીસ સામેના સંઘર્ષમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો. ત્યારે રવિશંકર મહારાજે કહ્યું હતું કે, ગાંધીજી કહેતા હતા કે, અંગ્રેજોના ગયા પછી ગોળીઓ તમે લખોટીની જેમ રમી શકશો. પરંતુ તેમના ગયા પછી તેની કોઈ અસર થઇ નહીં. ગોળીબાર થયા પછી મને એક મહીનો ખાવાનું ભાવ્યું નથી.’

આ ગોળીબારથી ઈન્દુલાલ યાજ્ઞિક સહિતના અનેક મહાનુભાવો વ્યથિત થયા હતા. વિદેશી સત્તા સામે લડતમાં ઉતરેલા આ નેતાએ હવે ગુજરાતી પ્રજાના અધિકારો માટેની લડાઈનું નેતૃત્વ સાંભળ્યું. 9 સપ્ટેમ્બર,1956ના રોજ અમદાવાદના ખાડિયામાં એક સભામાં ઇન્દુલાલ યાજ્ઞિકને મહાગુજરાત જનતા પરિષદના પ્રમુખ તરીકે નીમવામાં આવ્યા. ઇન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ સંભાળતા કાર્યકરોમાં નવી ચેતના જાગી.

આ આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકને લોકો દ્વારા ‘ઇન્દુચાચા’નું બિરુદ મળ્યું. ચાર વિધાર્થીનું બલિદાન હંમેશા યાદ રહે એ માટે ઇન્દુચાચાએ કોંગ્રેસ ભવનના ઓટલા ઉપર જ શહીદ સ્મારક બનાવાની જાહેરાત કરી. આ આંદોલનમાં અનેક યુવાનો તેમની સાથે હતા, તેમણે આ સ્મારકની જવાબદારી સ્વીકારી લીધી. કડિયાનાકામાંથી ધાંગધ્રાની ઘંટીના પથ્થર મેળવી તેના પર પ્લાસ્ટર ઓફ પેરિસની મશાલ ગોઠવી સ્મારક તૈયાર કરવામાં આવ્યું. નક્કી થયા પ્રમાણે 1958ની 7 ઓગસ્ટની રાતે યુવાનોએ અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા જૂના કોંગ્રેસ ભવન બહાર આવેલો ઓટલો તોડી નાખી જગ્યા સાફ કરી નાખી. બીજા દિવસે 8 ઓગસ્ટે હજારો માણસોની હાજરીમાં ઈન્દુલાલ યાજ્ઞિકે ત્યાં ખાંભી ગોઠવી. યુવાનો દ્વારા ચણતર કરી દેવાયું અને ફરી આંદોલન શરૂ કરાયું. આ
સત્યાગ્રહને ‘ખાંભી સત્યાગ્રહ’ નામ આપવામાં આવ્યું. 226 દિવસ સુધી ખાંભી સત્યાગ્રહ ચાલ્યો અને મહાગુજરાત આંદોલન આગળ વધ્યું.

‘આપણે દ્વિભાષી રાજ્યના ભૂક્કા બોલાવીશું, કાં તો મહાગુજરાત લઈશું કે મોતને ભેટીશું.’ ઇન્દુલાલ યાજ્ઞિકના આ પ્રભાવી શબ્દો અને તેમણે લોકોમાં ટકાવી રાખેલા જુસ્સાના પરિણામ સ્વરૂપે છેવટે સરકારને આંદોલનકારીઓ સામે ઝૂકવું પડયું. બે વર્ષના કઠીન સંઘર્ષ પછી 1960માં કેન્દ્ર સરકારે ‘રાજ્ય પુનર્રચના કાયદો-1956’ના આધારે બૃહદ મુંબઈ રાજ્યનું વિભાજન કરીને બે અલગ રાજ્યની સ્થાપના કરી. ગુજરાતી ભાષા બોલતા લોકો માટે ગુજરાત રાજ્ય અને મરાઠી ભાષા બોલતા લોકો માટે મહારાષ્ટ્રની રચના કરવામાં આવી અને આવી રીતે ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો. જેથી 1 મે, 1960ના દિવસને આપણે સૌ ગુજરાત સ્થાપના દિવસ તરીકે
ઉજવીએ છીએ.

ગુજરાતને અલગ નામ અને નકશો અપાવનારા એ મહાન વ્યક્તિઓને યાદ કરીએ, તેમની કુરબાનીને સલામ કરીને મળતાં મળી ગયેલી આ મોંઘેરી ગુજરાત માટે તેમના ઋણી રહીએ.

-રક્ષા ત્રાપસિયા

આ સમાચાર શેર કરો