શતરંગ / ઘોસ્ટ રાઈટિંગ: આવડતની પૂનમ, પ્રસિદ્ધિની અમાસ!
- સ્લાઈઝ ઑફ લાઈફ ‘ઘોસ્ટ રાઈટર’ ની દુનિયા બડી અજીબ છે. ઘોસ્ટ રાઈટિંગ જેવી વસ્તુ દરેક ક્ષે

- સ્લાઈઝ ઑફ લાઈફ
‘ઘોસ્ટ રાઈટર’ ની દુનિયા બડી અજીબ છે. ઘોસ્ટ રાઈટિંગ જેવી વસ્તુ દરેક ક્ષેત્રમાં મૌજૂદ છે. જેમ કે સંગીત ક્ષેત્રમાં ગીત કોઈ લખે અને નામ-ક્રેડિટ કોઈના નામે આવે! એકેડમિક ક્ષેત્રે પણ સ્કુલ-કોલેજના પાઠ્ય-પુસ્તકો ઘોસ્ટ રાઇટર્સ પાસે લખવામાં આવતા હોય છે. તો બીજી બાજુ સાહિત્યમાં તો પોકેટ નોવેલ થી માંડી મોટી નોન-ફિક્શન બુક સુધી મોટા પાયે ઘોસ્ટ રાઈટિંગ થતું હોય છે. યાદ છે થોડા વર્ષો પહેલા આવેલી એડલ્ટ ફિલ્મ 'મસ્તરામ'! ઘોસ્ટ રાઈટર એટલે બીજું કંઈ નહીં પણ લખી કોઈ આપે અને નામ કોઈ બીજાનું છપાય! ઘોસ્ટ રાઈટિંગને આપણે મોટે ભાગે ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકીએ.
એક કે જે બાકાયદા બીજા લોકો માટે પૈસા લઈને આર્ટિકલ કે બુક લખી આપે જેમાં જેમને ક્રેડિટ મળવાની હોય એ વ્યક્તિ એક આઉટલાઈન પૂરી પાડે અને એ પ્રમાણે જ લખવામાં આવે. મોટે ભાગે રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓની આત્મકથા અને બીજી નોન-ફિક્શન બુક્સ ઘોસ્ટ રાઈટ થાય છે, જેમાં સેલ્સનો અમુક ભાગ રોયલ્ટી તરીકે એ ઘોસ્ટ રાઈટરને મળે છે. ઘોસ્ટ રાઈટરને આપવામાં આવેલા કામનું પણ ડિવિઝન કરવામાં આવે છે, જેમ કે આખી બુક લખશે કે પછી એક તૈયાર થયેલા રફ ડ્રાફ્ટને એડીટ કરી પ્રોપર વે માં લખી આપશે. મોટેભાગે આવા કેસમાં ઘોસ્ટ રાઈટર હાયર કરવાનું કારણ જે તે સેલેબ્રિટીના સમયની અછત, રાઈટીંગ સ્કીલનો અભાવ અને કઈ રીતે ૩૦૦-૪૦૦ જેટલા પેજની વાતને રસપ્રદ રીતે ગોઠવીને લખવી એ નથી ફાવતું હોતું. અહી ડિટ્ટો જેમ ફિલ્મોમાં સ્ટંટમેન કૂદકો મારે છે અને લોંગશોટમાં હીરોને કૂદકો મારતો બતાવાય છે એમ જ ઘોસ્ટ રાઈટર બધું જ રિસર્ચ વર્ક, ઈન્ટરવ્યુઝ કરી આપે છે.
બીજી પ્રકારનું ઘોસ્ટ રાઈટીંગ એટલે પેન-નેમ, સ્યુડો નેમ ઉર્ફે છદ્મ નામે લખવું. આપણે ત્યાં પણ હિન્દી અને બીજી બધી જ ભારતીય ભાષાઓમાં મોટા મોટા લેખકો અને કવિઓ પોતાના પેન નેમથી જ ખુબ લોકપ્રિય છે કે લોકોને એમનું સાચુ નામ ખબર હોતી નથી. અરે એવા એવા લેખકો છે જેમના પેન નેમ કોઈના કોઈ કારણો સર એક કરતા વધારે પણ હોય! અમુક વાર કોઈ વિવાદાસ્પદ લખાણ હોય અને ઈરાદાપૂર્વક ઓળખ છુપાવવાની આવે ત્યારે પણ પેન નેમનો ઉપયોગ થતો હોય છે. આપણે ત્યાં ગુલઝાર(સંપૂર્ણસિંહ કાલરા) તો વિશ્વ સાહિત્યમાં પાબ્લો નેરુદા(રિકાર્ડો બેસોલ્તો), લેમની સ્નીકેટ(ડેનિયલ હેન્ડલર), આયન રેન્ડ(અલીઝા રોસેન્બમ) વગેરે વગેરે જાણીતા છે, એમ તો આપણા પોતાનાં સ્વ.સલિલ દલાલ(હસમુખ ઠક્કર) પણ ગુજરાતી કોલમ રાઈટિંગ ક્ષેત્રે માંધાતા નામ હતા. અરે પંડિત જવાહરલાલ નેહરુ પણ ઘણી વાર ‘ચાણક્ય’ના ઉપનામે લખી ચુક્યા છે. ઘોસ્ટ નેમ કઈ રીતે પડે છે એ પણ એક બહુ જ રસપ્રદ ઘટના છે! પોતાના ગામના નામ થી લઈને બીજા ઘણા લોજીકથી પેન નેમ પાડવામાં આવતું હોય છે.
ત્રીજો ઘોસ્ટ રાઈટીંગનો પ્રકાર જેમાં પુરો આર્ટિકલ કે બુક કોઈ જ નામ વગર છાપવામાં આવતા હોય છે. આપણે રોજ-બ-રોજ આવા કેટલાય લેખ કે બુક્સ જોતા હોઈશું જેમાં ક્યારેક ખ્યાલ જ ન રહે કે આ કોણે લખ્યું છે એ તો મેન્શન જ કર્યું નથી! અહીં મુદ્દો છે આવડતને ઢાંકવાનો, રાધર તમારું નામ અને શોહરત ક્યારેય બહારની દુનિયાની સામે નથી આવવાના એ જાણવા છતાં લખવાનો, સર્જન કરવાનો એક ઉત્સાહ અને અમુક કેસમાં મજબુરી! ‘અકેલે હમ અકેલે તુમ’ ફિલ્મના એક દ્રશ્યમાં જાણીતા સંગીતકાર એક ઉગતા સ્ટ્રગલરની ધૂન સસ્તા ભાવે ખરીદી લે છે, આવો જ ઘાટ અહી પણ સર્જાય છે. પણ આપણે ત્યાં લેખન ક્ષેત્રે વળતર એટલું નથી મળતું જેટલું ફિલ્મ કે ટીવી ક્ષેત્રે મળતું હોય છે. સીરીયલોના એપિસોડ્સ હોય કે મેગેઝિનની લેખમાળાઓ, કોઈના કોઈ કારણોસર ઘોસ્ટ રાઈટીંગ થતું રહે છે. સવાલ એ છે કે અમુક કેસમાં ક્યારેક કોઈ લખાણ અતિ લોકપ્રિય બનવા છતાં પણ એ લખનાર સર્જક ક્યારેય કોઈ પ્રસિદ્ધિ કે નામ કમાઈ શકતો નથી. અમેરિકા, યુકે અને કેનેડા જેવા દેશોમાં ‘ઘોસ્ટ રાઈટર્સ ઇન્ક’ જેવી રીતસર પ્રોફેશનલ ઘોસ્ટ રાઈટીંગ કંપનીઓ ચાલે છે જ્યાં કોઈ પણ અમુક-તમુક પૈસા ચૂકવી પોતાના માટે આત્મકથા થી લઇ કોઈ પણ પ્રકારની બુક લખાવી શકે છે! ઘોસ્ટ રાઈટર્સની આખી ટીમ હાયર કરેલી હોય છે જે રસપ્રદ શૈલીમાં લખાણને લખી કે મઠારી આપે.
ભારતમાં એમ પણ કળાની કદર આમ જનતામાં બહુ ઓછી થાય છે, ત્યારે સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ મજબુરી સિવાય ઘોસ્ટ રાઈટર બનવાનું પસંદ ન કરે. ત્યારે આપણે ત્યાં પ્રોફેશનાલિઝમનો અભાવ પરિસ્થિતિ વધુ ખરાબ કરે છે. જરા વિચારો કે એવી ખબર પડે કે કોઈ મહાન કૃતિ જે તે લેખકે નથી લખી અને કોઈ બીજા એ જ લખી છે તો કેટલો હાહાકાર મચી શકે. પણ આ દુનિયામાં મજબુરી આવી વસ્તુ છે કે એ માણસ પાસે બધું જ કરાવી શકે. નામ-ક્રેડિટ વગર લખવું એ ક્યારેક વેશ્યાવૃતિ જેવું ફીલ કરાવે જેમાં બધું જ આપવાનું છે,છતાં નામ કે ઈજ્જત મળતા નથી! પણ પૂનમની ચાંદની જોવા માટે કેટલીયે અમાસો વેઠવી પડે છે. ઘોસ્ટ રાઈટીંગ, મજબુરી અને શોષણ એકબીજાના સમાનાર્થી કહેવાય?
ઉદ્યોગપતિઓથી ફિલ્મ સેલેબ્રિટીઝ, ક્રિકેટર્સ થી નેતાઓ અને ધર્મ-સંપ્રદાયનાં અગ્રણીઓ પણ પોતાની જીવનકથાઓ ઘોસ્ટ રાઈટર્સ પાસે લખાવડાવે છે! નામ ભલે કવરપેજ પર એમનું જતું હોય, પણ અસલી આવડત અને કૌવત તો આ ઘોસ્ટ રાઈટર્સનું જ હોય છે! નેશનલ લેવલે આપણે ત્યાં આજે એક પાનું લખવાનાં 700 થી 1000 રૂપિયા ચાર્જ લઈને ફિક્શન-નૉન ફિક્શન પુસ્તકો લખી આપવામાં આવે છે!
સમયની પાબંદી, નામ ખાનગી રાખવું, કોઈની એક યુનિક પર્સનાલિટીને વોઇસ આપવો અને ધાર્યું કન્ટેન્ટ ક્રિયેટ કરી શકવાની ક્ષમતાને લીધે જ ઘોસ્ટ રાઈટર્સ પાસે લખાવડાવામા આવે છે, બાકી આજે ચેટ જીપીટી અને ગુગલ જેમિનીનાં આ હળાહળ એઆઈ યુગમાં લેખકોની ક્યાં કોઈ કદર છે જ? તમે શું માનો છો?
- ભાવિન અધ્યારુ








