મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ભારતીય રાજાઓની રમ્ય કથાઓ

- ઇતિહાસ ગાથા ઇતિહાસ ગાથામાં આપણે અગાઉ જોઇ ગયા કે કેવી રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વ્યાપારના નામે ભારતમાં સત્તા જમાવવાની શરૂઆત ક

શતરંગ / ભારતીય રાજાઓની રમ્ય કથાઓ

- ઇતિહાસ ગાથા

ઇતિહાસ ગાથામાં આપણે અગાઉ જોઇ ગયા કે કેવી રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વ્યાપારના નામે ભારતમાં સત્તા જમાવવાની શરૂઆત કરી. અંગ્રેજ ગવર્નર રોબર્ટ ક્લાઇવે દગાથી બંગાળના નવાબ સિરાજ ઉદ્દ દૌલાને શાસન પરથી હટાવીને ત્યાં પોતાના માનીતા લોકોને સત્તા સોંપી અને ભારતના જ લોકોએ દેશ સાથે ગદ્દારી કરી.

અંગ્રેજ શાસનને યાદ કરતા જ આપણને અત્યાચારોની હારમાળા દેખાય. કઈ રીતે અંગ્રેજ સલ્તનતે દેશને બરબાદ કરી દીધો એ બધું જ નજર સામે તરી આવે. પણ આપણે કદાચ એ ભૂલી જતા હોઈએ છીએ કે અંગ્રેજ શાસન કાળ દરમિયાન ભારતમાં એક બીજું પણ સત્તાનું કેન્દ્ર હતું. એક અંગ્રેજો શાસિત રાજ્યો અને એક દેશી રાજ્યો દ્વારા શાસિત રાજ્યો. દેશમાં પાંચસોથી વધારે દેશી રજવાડા હતા,
જ્યાં જે તે રાજા, મહારાજા કે ઠાકોરનું શાસન હતું. ભારતની ત્રીજા ભાગની જમીન અને ચોથા ભાગની વસ્તી આ રાજાઓના સત્તા પ્રદેશ હેઠળ હતી. અમુક દેશી રાજ્યો તો એકાદ નાનકડા ગામથી પણ નાના હતા. છતાં એના સત્તાધીશ ત્યાંના રાજા કહેવાતા. પેલી કહેવત જેવું-રાજા વાજા ને વાંદરા!

આપણને પ્રશ્ન થાય કે અંગ્રેજોએ અન્ય શાસકોની જેમ આ રાજાઓના રાજ્યો પણ કેમ ખાલસા ન કર્યા? તો એનું કારણ એ હતું કે, જે રાજાઓ સત્તા કરતા સ્વાધીનતામાં માનતા હતા તેઓ અંગ્રેજોની વિરુદ્ધ ગયા તેથી તેમના રાજ્યો ગયા. અને જેમણે અંગ્રેજો સાથે અનુકુલન સાધી લીધું એમને અંગ્રજોએ રાજ કરવા દીધું. જો કે એ રાજાઓ પણ નામના જ રાજા રહ્યા હતા, અંતે તો તેમને પણ
અંગ્રેજોની સર્વોપરિતા સ્વીકારવી જ પડી હતી.

ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સને તેમના પુસ્તકમાં આ રાજાઓની એવી રસપ્રદ વાતો આલેખી છે કે આપણે દંગ થઇ જઈએ! ભારતમાં એ સમયે અમુક રાજાઓ યુરોપના ઘણા દેશો કરતા પણ વિશાળ વિસ્તાર પર શાસન કરતા હતા. પાંચસો પાસઠ દેશી રજવાડામાંથી ચારસોથી વધુ રાજાઓના રાજ્ય માત્ર 20 ચોરસ માઈલથી વધારે ન હતા. એમાંના ઘણા રાજાઓ પોતાની પ્રજા માટે ખરા અર્થમાં અન્નદાતા હતા. ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજી, વડોદરાના સયાજીરાવ ગાયકવાડ, ગોંડલના ભગવતસિંહ તેમના શ્રેષ્ઠ શાસન માટે આજે પણ પ્રજામાં પૂજાય છે. જયારે અમુક રાજાઓ તદ્દન સરમુખત્યાર, આપખુદ અને માત્ર વિલાસી હતા. તેમના રંગીન શોખ અને બાદશાહી ઠાઠ જોઇને રાજા, વાજા ને વાંદરાવાળી કહેવત સાર્થક જણાય! એ રાજાઓના અમુક રસપ્રદ અને આશ્ચર્યજનક કિસ્સાઓ
જોઈએ.

પંજાબનું પટિયાલા એ સમયે ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાંનું એક હતું. એ રાજ્યના રાજા પાસે એક ખુબ જ સુંદર મોતીની માળા હતી. જેનો એ સમયે દસ લાખ ડોલરનો વીમો લેવામાં આવ્યો હતો. અને એને ચડે એવી વાત એ કે તેમને છાતી પર પહેવાનું એક આભુષણ હતું, જેને હીરાથી જડવામાં આવ્યું હતું. અને તેમાં કેટલા હીરા હતા ખબર છે? 10001 હીરા! અને પટિયાલામાં એવો રીવાજ હતો કે તેનાના મહારાજા માત્ર એ હીરાજડિત બખ્તર જેવું આભૂષણ પહેરીને પ્રજા સમક્ષ નગ્ન ઊભા રહેતા અને એ સમયે તેમના ઉત્તેજિત પ્રજનન અવયવને પ્રજા જોતી! તેમનું આ પ્રદર્શન શિવલિંગના દર્શન સમું લેખાતું અને આ આખું અંગ પ્રદર્શન પૂરું થાય ત્યારે તેમના પ્રજનન અવયવનું કદ જોઇને લોકો તેમને બિરદાવતા. એવું માનતા કે એમાંથી કોઈ જાદુઈ શક્તિ નીકળે છે જે તેમનું રક્ષણ કરશે. છે ને આપણા રાજા ને એમની પ્રજા?

એવા જ એક રાજા હતા બનારસના રાજા. બનારસ જેવી પવિત્ર નગરીના રાજા હોય એટલે એમની ધાર્મિક આસ્થા અન્ય કોઇપણ રાજવી કરતા વિશેષ હોય એ સ્વાભાવિક છે. પણ આ રાજાની ધાર્મિક આસ્થા થોડી વધારે પડતી હતી. તેઓ એકવાર તેમના મિત્ર રામપુરના નવાબના મહેમાન બન્યા. બનારસના આ રાજવીનો એક નિયમ હતો કે રોજ સવારે તેમની નજર ગાય પર પડવી જ જોઈએ. ત્યાર બાદ જ તેમના નિત્યક્રમની શરૂઆત થાય. તેથી રાજમહેલની બારી પાસે રોજ ગાયને લાવવામાં આવતી. આ બધું તો બરોબર હતું. પરંતુ એકવાર તેઓ મિત્ર રાજ્ય રામપુર ખાતે નવાબની મહેમાનગતિ માણવા ગયા. જ્યાં તેમનો ઉતારો રાજમહેલના બીજે માળે આપવામાં આવ્યો. હવે ગાયના દર્શન પછી નિત્યક્રમનો નિયમ કેવી રીતે પાળવો? તો નવાબે એક ઊંટ મંગાવી તેમાં ઝોળી
બનાવીને ગાયને તેમાં નાખીને રોજ બીજે માળે લઇ જવાની વ્યવસ્થા કરાવી. અને તેના કારણે મહારાજ ગાયના દર્શન કરે એના પહેલા ગાયના ભાંભરવાથી આખો મહેલ ઉઠી જતો!

આ તો માત્ર બે જ કિસ્સાની વાત થઇ. ભારતીય રાજાઓની આવી તો અનેક રમ્ય કથાઓ છે. જેવી કે, પોતાના સમયમાં દુનિયાના સૌથી ધનિક ગણાતા એક બહુ મોટા રાજ્યના રાજા તેમની કંજુસાઈના કારણે જગવિખ્યાત હતા. રાજના મહેમાનો જાય પછી તેમની પીધેલી સિગારેટના ઠુંઠા તેઓ પોતે પીતા! કોણ હતા એ રાજવી? એ વિશે વાંચો હવે પછીના પ્રકરણમાં.

- રક્ષા ત્રાપસિયા

આ સમાચાર શેર કરો