મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / સાઈઝ ઝીરોથી ઓવર સાઈઝ: ફેશનની દુનિયામાં બદલાતો માઈન્ડસેટ

- ગ્લેમર ગાઈડ ટાઇટેનિક ફિલ્મથી ફેમસ થયેલ 'રોઝ', એ માત્ર અભિનય જ નહિ પરંતુ

શતરંગ / સાઈઝ ઝીરોથી ઓવર સાઈઝ: ફેશનની દુનિયામાં બદલાતો માઈન્ડસેટ

- ગ્લેમર ગાઈડ

ટાઇટેનિક ફિલ્મથી ફેમસ થયેલ 'રોઝ', એ માત્ર અભિનય જ નહિ પરંતુ એ સમયના અભિગમની ઝાંખી કરાવતું પાત્ર હતું. ત્યારના સમયમાં ફેશન,એ એક માત્ર બીજાને પ્રભાવિત કે ખુશ કરવાનો નુસખો હતો. મહિલાઓ માટે કોર્સેટનુ મહત્વ ત્યાં સુધી હતું કે એમના શ્વાસ પણ કોર્સેટની દોરીઓમાં વણાય જાય તો પણ એને પહેરી ચુસ્ત દેખાવું જરૂરી હતું. એક માન્યતા પ્રમાણે, કોર્સેટ બંધ કરવા માટે એક કરતાં વધુ લોકોની મદદ પણ લેવાતી.

માત્ર પશ્ચિમમાં જ નહિ, આપણે ત્યાં પણ મહિલાઓના શૃંગાર અને પોશાક હંમેશા માટે તેની મર્યાદા, સઁસ્કૃતિ અને બીજાને રિઝવવાના એક માત્ર સાધન હતા. જ્યાં જ્યાં,જયારે જયારે તેમાં ફેશનની લહેર આવી અને હવાઓ બદલાણી,ત્યારે પણ ફેશન સેન્સ હંમેશા માટે જ, ચુસ્ત ચોળીથી લઈને સ્કિન ટાઈટ જીન્સ અને સ્કાય હિલ્સ સુધી એક વ્યથા જ રહ્યું છે. જેને ક્રોનિક અન્ડર ઇટિંગ ડિસઓર્ડરસ,ડિપ્રેસન,બોડી શેમિંગ જેવી અનેક ભયાનકતાને વેગ આપ્યો છે.

જયારે જયારે ફેશન જગતમાં ઝીરો સાઈઝ જેવી માન્યતાઓ પ્રવેશી ત્યારે ત્યારે, લોકોના અને ખાસ કરીને પુરુષોના, મહિલાઓ પ્રત્યેના અભિગમે,તેમની માનસિકતા અને શારિરીકતા પર બિનકાયદાકીય હુમલાઓ કર્યા છે. 'આ શુ પહેર્યું?, આ કેવું લાગે?, આ ડ્રેસ પહેરવા માટે પહેલા ફિગર હોવું જોઈએ.' બોડી શેમિંગનો ડર, તેમને એક ભૂખમરા અને થકવી નાખે તેટલી એક્સરસાઈઝની મહામારીમાં હંમેશ માટે ધકેલી ગયો. 'ફિટ' શબ્દએ મહિલાઓને જરૂર કરતાં વધુ અવદશામાં નાખી. જ્યાં વધુ પડતાં ડાયટિંગ અને ભૂખમરાની અસર તેમની માનસિકતા પર પડી, છતાંય ફેશન ગુરુઓ અને સ્ટાઇલિસ્ટોએ ફેશનની વ્યાખ્યામાં કોઈ ફેરફાર કર્યા નહિ.

એવુ નથી કે ફેશન જગતમાં આરામને મહત્વ નહોતું જ  અપાયું. દાયકાઓ પહેલા હેરમ,બેલબોટ્સ જેવા નોનફિટેડ અથવા ફ્લે્રેડ સિલ્યુટીસ આવી ચુક્યા છે. પણ હંમેશની જેમ, તેઓ પણ સંવેદના અને લાગણીઓ પર હાવી થવામાં અસફળ જ રહ્યા. ઝીરો ફિગરની વાસ્તવિકતા,એ મહિલાઓના માનસિક જીવન પર પ્રહાર હતો. 31-24-34 ના આંકડાઓ આદર્શ બની ચુક્યા હતાં. 'ફેક ફિટનેસ' જેવા વિચારોથી ભરેલી જડ માનસિકતાઓ,બીબાઢાળ વિરુદ્ધ ફિગરને સ્વીકારવામાં અસમર્થ હતાં.

દોર આવ્યો કોવીડનો, જયારે કોર્પોરેટ લોકોએ પહેલી વાર,સખત આરામદાયક કપડામાં કામ કરવાનું શરૂ કર્યું. એમ્મા મેકક્લેંડન, સેન્ટ જ્હોન્સ યુનિવર્સિટીના ફેશન સ્ટડીઝના આસિસ્ટન્ટ પ્રોફેસર અને "ધ બોડી: ફેશન એન્ડ ફિઝિક" ના ક્યુરેટર કહે છે કે "મને ચોક્કસપણે લાગે છે કે લોકડાઉનએ કમ્ફર્ટેબલ ફેશનને વ્યાપકપણે અપનાવવા પર અસર કરી છે," તે સમજાવે છે કે “અમે લોકડાઉનની ઉંચાઈ દરમિયાન અને ઘરેથી કામ કરતા અમારા કપડામાં આરામની અનુભૂતિ કરવા માટે એટલા ટેવાયેલા થઈ ગયા કે તેનાથી અમારી ફિટ અને ફીલની ભાવના અને અમારા શરીર અને અમારા કપડાં વચ્ચેના સંબંધમાં ફેરફાર થયો છે."

હાલ,જમાનાના બદલાવ સાથે ફેશન જગતમાં સૌંદર્યની વ્યાખ્યાઓમાં ફિગર, ફિટનેસ અને ફિટિંગને બદલે આરામને પ્રાધાન્ય અપાય રહ્યું છે. આપણા ફિગર અને ફિટિંગથી બીજાઓ કેટલા ખુશ છે એને બદલે, હું કેટલી ખુશ અને આરામ અનુભવુ છું એ વધુ મહત્વનું બની રહ્યું છે. વિશ્વની ટોચની બ્રાન્ડ્સ, ફેશન ડિઝાઇનર્સ અને સ્ટાઇલ એક્સપર્ટ્સ ઓવરસાઈઝ ફેશન અને સ્લો ફેશનના ફંડા અપનાવી રહ્યા છે.એક સમયમાં ઝીરો ફિગર અને માદક અદાઓ વિખેરનારા સેલિબ્રિટીસ હવે લઘર વઘર રહેવામાં પોતાને સ્ટાઈલિશ માને છે. અને એ કહેવામાં જરાય અતિશિયોકતી નથી કે ઉચ્ચતમ બ્રાન્ડ અને સિલ્યુટીસ સાથે આરામદાયક લિનન, સિલ્ક, મલમલ અને મસલિન જેવા અનેક આરામદાયક ફેબ્રીકને કમ્ફર્ટના આધારે પહેલી પસંદગી મળે છે. સૌંદર્યએ પોતાનો રૂખ બદલ્યો છે. રંગ અને રૂપના બદલે છટાં અને આત્મવિશ્વાસ,એ ફેશન જગતમાં નવા સૂત્રો અને પર્યાય બનવા, એ બદલાતા અભિગમની નિશાની છે.

- જીજ્ઞા જોગીયા 

આ સમાચાર શેર કરો