મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / આદિમ સામ્યવાદથી સમાજવાદ સુધી

- ઇતિહાસ ગાથા વિશ્વના ઇતિહાસની ભૌતિકવાદી દ્રષ્ટિકોણથી સમજૂતી આપતો કાર્લ માર્ક્સનો સિદ્ધાંત એટલે-

શતરંગ / આદિમ સામ્યવાદથી સમાજવાદ સુધી

- ઇતિહાસ ગાથા 

વિશ્વના ઇતિહાસની ભૌતિકવાદી દ્રષ્ટિકોણથી સમજૂતી આપતો કાર્લ માર્ક્સનો સિદ્ધાંત એટલે-ઐતિહાસિક ભૌતિકવાદ. જેમાં તેઓ આર્થિક રચનાતંત્રના આધારે ઈતિહાસને પાંચ યુગમાં વિભાજીત કરે છે. આદિમ સામ્યવાદી અવસ્થા, દાસ અવસ્થા, સામંતવાદી અવસ્થા, પૂંજીવાદી અવસ્થા અને સમાજવાદી અવસ્થા. આ પાંચ તબક્કા પછીનો અંતિમ તબક્કો એ સામ્યવાદી અવસ્થાનો તબક્કો હશે એવી ભૌતિકવાદ બાબતે માર્કસે આગાહી કરી હતી. આર્થિક ઉત્પાદનની વ્યવસ્થાના આધારે આ પાંચ તબક્કાઓને આપણે વિસ્તૃત રીતે સમજીએ.

1) આદિમ સામ્યવાદી અવસ્થા: 

યુરોપમાં સામ્યવાદી કાળમાં લોકો કબીલામાં વસવાટ કરતા અને સાથે મળીને શિકાર કરતા. એસ.એ.ડાંગેએ નોંધ્યા મુજબ ભારતમાં વૈદિકકાળમાં આદિમ સામ્યવાદી વ્યવસ્થા પ્રવર્તતી હતી. જેમાં સામૂહિક રીતે શ્રમ કરવામાં આવતો અને વળતર પણ સામૂહિક જ મળતું. આ યુગમાં કોઈ વિશિષ્ટ પ્રકારનું શ્રમવિભાજન જોવા મળતું નહીં. સમુદાયમાં રાજા,પ્રજા કે સિપાહી જેવા હોદ્દાઓ ન હતા. આ ઉપરાંત હિંદુ આર્ય સમાજમાં ‘યજન’ વ્યવસ્થા પ્રવર્તતી હતી. જે મુજબ, ‘ય’ એટલે પરસ્પર એકબીજાને મળવું, ‘જ’ એટલે અર્થનું ઉત્પાદન કરવું અને પ્રજનન કરવું જયારે ‘ન’ ક્રિયા કરવી એવું સૂચવે છે. ટૂંકમાં, યજન એટલે-એકબીજા સાથે મળીને સામૂહિક રીતે અર્થનું ઉત્પાદન કરવું અને સંતાનોત્પતિ કરવી. વૈદિક કાળમાં સંપૂર્ણ વ્યવસ્થા ‘યજન’ના સિદ્ધાંત દ્વારા નિયંત્રિત થતી હતી. લગ્નને પણ આ સમયમાં સામૂહિક કાર્યની રીતે જ જોવામાં આવતું હતું. જેમાં, સ્ત્રી-પુરુષના લગ્ન સંબંધ હોવા છતાં લિંગના સંબંધો સામૂહિક હતા. આ અવસ્થામાં ઉત્પાદનના સંબંધો અને શક્તિઓ અપરિપક્વ અવસ્થામાં હતી.

2) દાસ અવસ્થા:

આદિમ સામ્યવાદી અવસ્થામાં મનુષ્યનું મગજ વધુ વિકસિત થયું. જેના પરિણામે ઉત્પાદનની નવી પ્રયુક્તિઓની શોધ થઇ. આથી અર્થ ઉત્પાદનની શક્તિઓ અને ઉત્પાદનના સંબંધો વચ્ચે ખાઈ ઉદ્ભવી. જેના પરિણામ સ્વરૂપ અભિજાત વર્ગ અસ્તિત્વમાં આવ્યો. જે ઉત્પાદનના સાધનોની માલિકી મેળવીને તેના પર પ્રભુત્વ ભોગવવા લાગ્યો અને શ્રમિકો તેમના દાસ બનીને રહી ગયા. ત્યારથી માનવ સમાજ દાસ અવસ્થામાં પ્રવેશ્યો. જેમાં અભિજાત વર્ગ શ્રમિકોનું શોષણ કરતો. શોષણમાં બળપ્રયોગ કરવા અને હુકમ ચલાવવા માટે તેઓએ નિયમો, સત્તા, સજા અને અદાલત જેવી વ્યવસ્થાઓ વિકસાવી.  એસ.એ.ડાંગેએ નોંધ્યા મુજબ ભારતમાં ઈસુની પૂર્વે 3,000વર્ષથી માંડીને ઇસુના પછીના 2,000 વર્ષ સુધી દરમિયાન દાસ વ્યવસ્થા પ્રવર્તતી હતી. આ સમયગાળામાં ભારતમાં ગણરાજ્યો અસ્તિત્વમાં આવ્યા. જે લોકતાંત્રિક વ્યવસ્થા ધરાવતા હતા પરંતુ ઉચ્ચ વર્ગ રાજ્ય પર પ્રભુત્વ ધરાવતો. આ સમયગાળામાં સંપત્તિનો વિકાસ થયો પણ માત્ર અભિજાત વર્ગની સંપત્તિ જ વધવા પામી. ગરીબ વર્ગની સ્થિતિ જેમની તેમ જ રહી. આથી ગરીબ વર્ગમાં અસંતોષ ઉત્પન્ન થયો અને બંને વર્ગો વચ્ચે સંઘર્ષ શરુ થયો. અભિજાત વર્ગે પોતાનું વર્ચસ્વ વધુ મજબૂત કરવાનું શરુ કર્યુ. જેના પરિણામસ્વરૂપ સમાજમાં એક નવી અવસ્થા- સામંતવાદી અવસ્થાનો ઉદ્ભવ થયો. 

3) સામંતવાદી અવસ્થા:

યુરોપમાં સામંતવાદી અવસ્થાની શરૂઆત અંદાજે પાંચમી સદીમાં થઇ હતી. જે 15મી સદી સુધી પ્રવર્તતી હતી. રામચરણ શર્માએ નોંધ્યા મુજબ ભારતમાં આ અવસ્થા મધ્યકાળથી માંડીને બ્રિટીશ યુગ સુધી પ્રવર્તતી હતી. સામંતવાદને મુખ્યત્વે જમીનની માલિકીના સંદર્ભમાં જોવામાં આવે છે.  અક્ષયકુમાર દેસાઈએ નોંધ્યા મુજબ, યુરોપમાં આ સમયગાળામાં ખેતી કરનાર મજૂર પોતાની જમીનના ટુકડાનો માલિક હતો જયારે ભારતમાં કોઈ મજુરી કરનાર જમીનનની માલિકી ધરાવતો ન હતો. આ અવસ્થામાં ઉત્પાદનના સાધનો પહેલાની અવસ્થા કરતા વધુ વિકસિત હતા. આ અવસ્થામાં સમાજ કૃષિ પર નિર્ભર હતો અને મજૂરવર્ગ ખેતી કરતો તેના બદલામાં તેને ખેતીની ઉપજમાંથી નિર્વાહ પૂરતું અનાજ મળતું. કાર્લ માર્ક્સે નોંધ્યા મુજબ ભારતમાં આ સમયગાળા દરમિયાન અનેક પરિવર્તનો આવ્યા. કેટલાય સામ્રાજ્યોનો ઉદય અને અસ્ત થયો પરંતુ ગ્રામીણ કૃષિ વ્યવસ્થામાં કંઈ જ પરિવર્તન આવ્યું નહીં.

4) પૂંજીવાદી(મૂડીવાદી) અવસ્થા:

ભારતમાં પૂંજીવાદી અવસ્થાની શરૂઆત બ્રિટીશ શાસનકાળ દરમિયાન થઇ હોવાનું માનવામાં આવે છે. આ અવસ્થાનો ઉદ્ભવ અને વિકાસ ઔદ્યોગિક ક્રાંતિ સાથે જોડાયેલો છે. સામંતવાદી અવસ્થામાં જ પૂંજીવાદી અવસ્થાનો ઉદ્ભવ થઇ ચુક્યો હતો. સામંતો ખેડૂતો પાસેથી કર લેતા 

રહ્યા આથી તેમની મિલકતમાં વધારો થતો રહ્યો. અને મૂડીના માલિકો વ્યાપાર-ધંધા સાથે સંકળાયેલા હોવાથી તેઓ સમાજમાં સત્તા અને પ્રભુત્વ ધરાવતા થઇ ગયા. આ સમગ્ર પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ મૂડીવાદ વિકસ્યો. મૂડીવાદનો ઉદ્દેશ્ય નફો મેળવવાનો હોવાથી મજૂરોનું શોષણ થતું રહ્યું અને માલિકોની સત્તા અને સંપત્તિમાં વધારો થતો રહ્યો. મૂડીની માલિકી ઉચ્ચ વર્ગ પાસે હોવાથી રાજકીય અને કાનૂની સત્તા પણ તેઓના હાથમાં આવી ગઈ. આવું એકહથ્થું શાસન અને વ્યવસ્થા જોઈને મજૂરો પોતાના શોષણ અને અત્યાચારો બાબતે સભાન બન્યા. મજૂર/કામદાર વર્ગને તેના પર થતા અત્યાચારો અને અન્યાય બાબતે જાગૃત કરવામાં અને તેઓને લડત માટે પીઠબળ પૂરું પાડવામાં કાર્લ માર્ક્સનું અગત્યનું યોગદાન રહ્યું છે. મૂડીવાદી અવસ્થામાં જ સમાજવાદી અવસ્થાના ઉદ્ભવના મૂળ રહેલા છે એવું કાર્લ માર્કસનું માનવું હતું.

5) સમાજવાદી અવસ્થા: 

કાર્લ માર્કસના મતે સદીઓથી ચાલતા આવતા માનવ સમાજના સંઘર્ષનો અંતિમ તબક્કો એ સમાજવાદી અવસ્થા હશે. જયારે તમામ મજૂરો પોતાના હિત માટે એક થઈને મૂડીપતિઓ સામે પોતાના હક્ક માટે ક્રાંતિ કરશે ત્યારે એ સંઘર્ષનું પરિણામ એ આવશે કે મજૂરો મૂડીપતિઓની સત્તાને ઉખેડી ફેંકશે અને મિલકત તેમજ સત્તા પર પોતાની માલિકી સ્થાપશે. ત્યારે સમાજવાદની અવસ્થા આવશે જેમાં મજૂરો મૂડીના માલિકો હશે અને તેઓની પાસે સત્તા હશે.

ઐતિહાસિક ભૌતિકવાદની અંતિમ આગાહી એટલે સામ્યવાદ. માર્ક્સના મત મુજબ સમાજવાદ આવ્યા બાદ સામ્યવાદ આવશે. કારણ કે, સમાજવાદમાં મજૂરો સત્તા ભોગવશે અને મૂડીનું પ્રચંડ વેગથી ઉત્પાદન કરશે. જેથી સમાજમાં મૂડીનું સંતુલન સ્થપાશે. ઉત્પાદન પ્રચંડ માત્રામાં થવાથી અસંતોષ નહીં રહે. દરેક વ્યક્તિને પોતાની જરૂરિયાત મુજબનું મળી રહેશે. આથી, સમાજમાં આદિમ સામ્યવાદ જેવી વ્યવસ્થા પુનઃ સ્થપાશે. પરંતુ તેમની આ આગાહી સત્ય પુરવાર થવાની શક્યતાઓ નહિવત્ જેવી છે. તેથી આ સિદ્ધાંતની ઘણી ટીકાઓ કરવામાં આવી છે.

- રક્ષા ત્રાપસિયા 

આ સમાચાર શેર કરો