શતરંગ / ફિટનેસ: ક્યાં તો હોય છે અથવા તો નથી હોતી!
- જોગીજ્ઞાન હમણાં આપણે બધાએ સમાચાર જોયા કે અમદાવાદની ગરમીમાં શાહરુખ ખાનને લુ લાગી જતા હોસ્પિટલમાં એ

- જોગીજ્ઞાન
હમણાં આપણે બધાએ સમાચાર જોયા કે અમદાવાદની ગરમીમાં શાહરુખ ખાનને લુ લાગી જતા હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો. હવે, શાહરુખ પાસે તો ફિટનેસ ટ્રેનરોની ક્યાં કમી હશે! એક એક ફિલ્મના એક એક સીન માટે વજનની વધઘટ કે આ ખાવું ને પેલું ખાવા જેવા ચુસ્ત લિસ્ટ પકડાવી દેવાતા હોય તો અમદાવાદની ગરમીમાં સતત ગ્લુકોઝ કે એકાદ ચમચી ORS પાવડર પાણીમાં કે ઓરેન્જ જ્યુસમાં નાંખીને પી જવા જેટલી સામાન્ય સલાહો નહિ મળી હોય શાહરૂખને? બિલકુલ મળી હશે. તો પછી??? એનું કારણ ટેન્ડન્સી અર્થાત વલણ. અને બીજું કારણ ઇમ્યુનિટી...
ઉનાળો આવતા જ અમુક સારા ઘરના માણસો સંતરાનું જ્યુસ, તરબૂચ કે એનું જ્યુસ, વળી કેરી આવે ત્યારે રસમાં ભેગી સુંઠ નાખે, જેથી ગેસ ના થાય. અમુક તો વળી ભારે માયલ રેડીમેડ જ્યુસ લઈ આવે. જેથી લુ ના લાગે એટલે ઝાડા ઉલટી કે લો બીપી થઈ જવાથી દૂર રહી શકાય. તો ય આપણી આસપાસ આવા લોકો આપણે જોતા હોવા છતાં એ લોકો બીમાર પડે જ છે ને?
વળી, શિયાળામાં પાછું સૂકો મેવો ને, આંબળા ને અડદિયા કે ઘીની બીજી વાનગીઓ. એટલે કે શરીરને ગરમાટો આપવાના નુસખાઓ. છતાં શરદી ઉધરસ અને એના કારણે તાવના દર્દીઓ વગર ડોકટરો નવરા બેસી રહે છે? ચોમાસામાં રેગ્યુલર શ્રાવણના ઉપવાસ કરનારાઓ બધા આખું વરસ બીમાર જ નથી પડતા?
આપણે ત્યાં ઘણા કહેતા હોય કે દારૂને બદલે દૂધ પીવો. તો ય એવું બની શકે કે રાતે દેશી દારૂ પીને, રોટલો ખાઈને સુઈ ગયેલો ગરીબ માણસ સવારે ઉઠીને દસ-બાર કલાકની મજૂરીએ ચડી જાય. અને દૂધમાં એક ચમચો ઘી કે અમુક દેશી ઓસડીયાના ચૂર્ણ પીનારાઓ બીજે દિવસે ગેસ માટે ફરીથી કોઈ ઈલાજ ગોતતા ફરતા હોય!
એ સિવાય ફિટનેસ માટે વજન ઉતારનાર ઘટાડનારની તો ફેશન તો પૂરબહારમાં ખીલી છે છેલ્લા દસ વરસમાં. જેનું વજન વધારે છે એને પાતળા થવાનો શોખ હોય, ને જેને ઓછું હોય એને પાછું મસ્ક્યુલર "માચો" બની જવું હોય. હવે આમાં પહેલીનજરે જોતા કઈ ખોટું જ નથી. પણ, આડેધડ ખોરાકમાં વધઘટ પેટના પાચનતંત્ર ની પથારી ફેરવી નાંખે...
ખૈર, આખી જિંદગી મોડા ઉઠ્યા હો ને પછી સીધા ઓફિસમાં કે દુકાનમાં જઈને આઠ કલાક બેઠા રહેતા હો. પણ પછી અચાનક દોડવાનું ભૂત વહેલી સવારે ધૂણે તો બપોર સુધીમાં ઊંઘરેટા મોઢા થઈ જાય! અને તો એવી સો કોલ્ડ "ફિટનેસ" તમે ગુમાવીને આવ્યા કે મેળવીને?
ફિટનેસ મેળવવાના અસંખ્ય નુસખાઓને રવાડે ચડવાને બદલે એક જ નિયમ રાખો. ખોરાકમાં વધઘટ, દોડવું કે જીમમાં જઈને બાવડા ફુલાવવામાં ધીરજ રાખવી. સાવ ધીમે ધીમે જરૂરિયાત મુજબ આ પ્રમાણો વધારવા કે ઘટાડતા જવા.
આમ છતાંય તમારા શરીરનું જે "વલણ" હશે એ તો રહેવાનું છે. ક્યારેક તાવ આવશે જ, ક્યારેક મરડો થશે જ. બધી પરેજીઓ પુરી કાળજીથી પાળી લેવાથી રોગમુક્ત શરીર થઈ જતું હોત તો હોસ્પિટલોનો રાફડો ફાટી નીકળ્યો છે, એને બદલે તાળા લાગી ગયા હોત!
- ડૉ. ભગીરથ જોગિયા








