શતરંગ / કિસ્મત કે નામ કો તો સબ જાનતે હે લેકિન...
- જોગીજ્ઞાન એનિમલ ફિલ્મમાં જેનો 15 મિનિટનો રોલ આખી ફિલ્મનો ચર્ચાસ્પદ વિષય બની ગયો એ બોબી દેઓલે ફિલ્મની સફળતા પછી

- જોગીજ્ઞાન
એનિમલ ફિલ્મમાં જેનો 15 મિનિટનો રોલ આખી ફિલ્મનો ચર્ચાસ્પદ વિષય બની ગયો એ બોબી દેઓલે ફિલ્મની સફળતા પછી એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, એક સમયે એ નિષ્ફળતા સામે હિંમત હારી ગયેલો. ચિક્કાર દારૂ પીને સતત નશામાં રહેતો.
લોર્ડ બોબીની નિષ્ફળતા તો જગજાહેર છે. શરૂઆતમાં ગુપ્ત અને સોલ્જર જેવી વખણાયેલી ફિલ્મો આપ્યા બાદ પુરા પચ્ચીસ વરસ એની કોઈ ફિલ્મો ચાલી નહિ. પત્ની અબજોપતિ, ભાઈ સની અને બાપુજી ધર્મેન્દ્ર બન્ને સ્ટાર. છતાં પોતે ફ્લોપ. પણ ભલું થજો 'આશ્રમ' વેબસિરિઝનું કે હીરો નહિ તો વિલનના રોલમાં એ ઊંચકાયો અને પછી તો એ જ રોલથી ઇનસ્પાયર થઈને સંદીપ વાંગા રેડ્ડીએ એને એનિમલમાં રોલ આપ્યો. પણ એ નાનકડો અને એક પણ ડાયલોગ વગરનો રોલ એવો હિટ થયો કે માથે વહીસ્કીનો ગ્લાસ મૂકીને ડાન્સ કરતો લોર્ડ બોબી રિલ્સની વાયરલ દુનિયાનો હીરો બની ગયો છે. હવે તો 2024માં બે બિગ બજેટ ફિલ્મોમાં એ ખૂંખાર વિલન તરીકે જમાવટ કરવાનો છે.
આને જ કદાચ કહેતા હશે કે નસીબ આડેનું પાંદડું ખસી જવું કહેતા હશે. નિષ્ફળ માણસો માટે જગત ફિલોસોફી કર્યા કરતું હોય છે કે આમ સખત મહેનત કરાય ને આમ સ્માર્ટ વર્ક કરાય. પણ હકીકતમાં તો બધા સફળ ના થયેલા લોકોને આ બધી સલાહો આવડતી જ હોય છે ને જગત જ્યારે એમને સલાહો આપતું હોય છે ત્યારે એ સમજાતી જ હોય છે. મરીઝના એક શૅરમાં કહે છે એમ- તમે જે મને ડાહી સલાહો આપો છો એમાં હું સહમત જ છું, પણ...
આ 'પણ'નું જ મહત્વ છે સફળતામાં. ક્રિકેટરોને સલાહો આપનાર પોતે ક્રિકેટર બની શકતા નથી. રાજકારણના અભ્યાસુઓ સોસાયટીમાં પ્રમુખની ચૂંટણી પણ ના જીતી શકે એમ બને. ફિલ્મોમાં ટેક્નિકલ, કેમેરા અને સ્પેશિયલ ઇફેક્ટસ સમજી શકનારાઓ ઘણીવાર એક રીલ પણ બનાવી શકતા નથી. જો કે વાત એ નથી, વાત પેલી ફૂટબોલની કહેવત પ્રમાણે રાઈટ ટાઇમિંગ પ્રમાણે રાઈટ પોઇન્ટ પર હોવાની છે. અને એ બધું 'ટાઇમિંગ' દર વખતે માણસના કેલ્ક્યુલેટર પ્રમાણે સેટ નથી થતું, કુદરતના પણ પોતાના ચોક્કસ ગણિત એની પાછળ હશે જ?
સતત એક દસકા સુધી એક્ટિંગમાં મજાકનો વિષય બની ગયેલો શાહરુખ પઠાણ અને જવાનમાં એવો પબ્લિકની ઇમોશનલ લહેર પછી એવો ઊંચકાય કે 57 વરસની ઉંમરે ભારતીય સિનેમા ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાંખે. જે દિનેશ કાર્તિક પર્સનલ લાઇફની દગાબાજીના કારણે
ડિપ્રેશનમાં આવી જાય અને ભારતીય ક્રિકેટ તો સમજ્યા, રણજી ટ્રોફીમાંથી પણ ફેંકાય જાય ને આપણે એનું નામ પણ ભૂલી ગયા હોઈએ. પણ બાંગ્લાદેશ સામેની મેચમાં ધડાધડ સિક્સ ફટકારીને સાત આઠ વર્ષે 'પનોતી' એવી રીતે દૂર થાય કે IPL માં સતત હારતી રહેતી બેંગ્લોર ટીમમાં એ કોહલી કરતા સારું પરફોર્મન્સ આપે, એ પણ 38 વર્ષે ક્રિકેટમાંથી રીટાયર થવાની ઉંમરે.
જે નરેન્દ્ર મોદી પચ્ચીસ વર્ષ પહેલા ભારતમાં તો ઠીક, ભાજપમાં ય 'કશું' ના હોય એ આજે દેશના શકિતશાળી નેતા બની જાય. જેની સતત ટાંટિયાખેંચ થતી રહેતી હોય, એક તબક્કે એની ગાડી અમુક એરિયામાંથી નીકળવા દેવામાં આવતી ના હોય એવા બાહુબલીઓ સામે ઝીંક ઝીલતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લોકપ્રિયતાના રેટિંગમાં મોદી પછી બીજા નંબરે આવી જાય, આખા દેશમાં. અને એ પોપ્યુલારિટી જ પાછી 'ભૌકાલ'ને કારણે. જે મિજાજ એક સમયે સતત દબાયેલો રહેતો હોય એ જ સ્પ્રિંગની જેમ ઉછળવાના કારણે.
સિઝન IPL ની છે તો એક વાત ધોનીની પણ થવી જ જોઈએ. એ 42 વર્ષે ચેન્નઈની ટીમમાં રહેવાને લાયક છે કે નહિ એ બાબતે સમર્થન કે વિરોધ બન્ને તરફ પુરજોશમાં ચાલુ છે. છતાં, હકીકત તો એ છે કે એના વગર IPL નામના સર્કસનો 'ટેમ્પો' જળવાઈ શકે એમ જ નથી. એ જ ધોની 'હીરો' એટલે છે કે 2007 વર્લ્ડકપ ફાઇનલમાં જોગિન્દર નામનો નવોસવો બોલર મિસબાહ જેવા સેટ બેટ્સમેનની વિકેટ લઈ ગયો. અને, શ્રીસંતે કોઈ ભૂલ વગર કેચ કરી લીધો. હા, એનો મતલબ એ નહિ કે ધોની વગર લાયકાતે આગળ આવ્યો. દુનિયાભરના કેપ્ટનો જેના વખાણ કરતા થાકતા નથી એવો કેપ્ટન એ સાબિત થયો છે, અને એક જમાનામાં ધુરંધર બેટ્સમેન પણ ખરો. પણ એ તો કોહલી અને રોહિત શર્મા પણ છે જ. છતાં મોટી ટુર્નામેન્ટસની મોટી મેચોમાં ધોનીની જેમ એ પોતે કે ટીમના સાથી ખિલાડીઓ ઝળકી શકતા નથી એ હકીકત છે. આને હાજરીનો પ્રભાવ કહો, પોઝિટિવ થીંકીંગ કહો કે બીજી ગમે એ ભારે 'ટર્મ્સ' યુઝ કરો, પણ ગુડ લક ફેક્ટર તો એ ફરજિયાત કહેવું જ પડશે!
ખૈર, હવે આ બધા સફળ માણસો પર નજર કરીએ અને એનો ઊંડાણથી અભ્યાસ કરીએ તો એની પાછળના કારણોનું વિશ્લેષણ કરવામાં પુસ્તકોના પુસ્તકો લખાય. અને મોટિવેશનલ ભૂખ અને ડિપ્રેશનના જમાનામાં લાખો આવા પુસ્તકો કે પ્રવચનો જગતભરમાં ફરતા જ રહે છે. છતાં એ વાંચીને સફળતાની થિયરીઓ અમલમાં મૂકીને સફળ થઈ જવાની કોઈ ગેરેન્ટી નથી. કેમ કે, પેલું રાઈટ પ્લેસ એટ રાઈટ ટાઈમ પાછળ આપણે માણસજાત ગમે એટલા ગણિત માંડીએ તો પણ કુદરતની કેમિસ્ટ્રીને આપણે પહોંચી શકવાના નથી.
આપણે તો પેલા ફેમસ કવોટની જેમ એટલું જ સમજી શકીએ કે, સફળતાનો એક જ ગોલ્ડન રુલ છે, કે સફળતાનો કોઈ રુલ જ નથી.
- ડો. ભગીરથ જોગિયા








