શતરંગ / રોબોટ ય ન ઝીલી શક્યો, નાગણ નોકરીનો આ"ભાર"!!
- નાગણ નોકરી આત્મહત્યા. આપઘાત. આઘાત. પ્રત્યાઘાત. પૂર્ણ વિરામ સાથે લખેલા આ શબ્દોમાં જાણી જોઈ

- નાગણ નોકરી
આત્મહત્યા. આપઘાત. આઘાત. પ્રત્યાઘાત. પૂર્ણ વિરામ સાથે લખેલા આ શબ્દોમાં જાણી જોઈને અલ્પ વિરામ નથી મૂક્યા કેમકે આ શબ્દોનો ભાર અલ્પ હોતો નથી ને આ શબ્દોની ભાવનાઓ અલ્પ વિરામ માફક વિરામ લઈ શકતી નથી. માણસ તો માણસ એક મશીન પણ નોકરીના ભાર હેઠળ દબાઈ મર્યો. કોઈ માણસ આમ આપઘાત કરે તો એના પર આરોપ લાગે ને કેસ પણ થાય, હવે આ રોબોટ પર શું થશે એ જોવાનું રહ્યું. વિચાર કરો કે આ નોકરીનો અણગમો માણસ જાતથી આગળ વધીને ક્યાં સુધી પહોંચી ગયો છે. નોકરી કરાવતી કે કંપની ચલાવતી પ્રજાતિ માટે આમ પણ માણસ એક મશીન જ હોય છે ને આ વખતે એ લોકોએ નવો પ્રયોગ કર્યો અને મશીનને માણસ બનાવવાનો પ્રયત્ન કર્યો! અંતે થયું એ કે તમે માણસને જે રીતે રાખો છો એ રીતે મશીનને પણ રાખવા જાવ એટલે મશીન પણ માણસાઈ વગરના માણસો સહન કરી શકે નહિ અને જીવન ટૂંકાવી નાખે.
પેલા ડાયરાના કલાકારોની ભાષામાં કહીએ તો સાહેબ જરાક વિચાર તો કરો કે તમારો આ પૃથ્વી પરનો ફેરો કેવડો ધક્કો કહેવાય જો તમે એક મશીનને પણ ત્રાસ આપી દો. ટૂંકમાં નોકરી કરાવનાર બોસ હોય કે સાસરું, આ બે જગ્યાએથી તમે પ્રેમ, સતત, કરુણા કે લાગણીની અપેક્ષા ન રાખી શકો. એ હાળા જમ જેવા જ હોય બાપલિયા. એમને માટે આવનાર વ્યક્તિ એ ફક્ત એમની ઑફિસ કે ઘરના નોકર જ છે, માણસ નથી. આ માણસાઈની બાદનાકી ન થાય એવી આશા એટલે પોર્ન ફિલ્મના કલાકારો પાસે ઢાંકેલા શરીરની આશા!! ઠગારી જ નીવડે ને કદાચ પૂરી પણ થાય તો ય સમાજ એને સ્વીકારે નહિ એ નફામાં! નોકરી હોય કે સાસરી ત્યાં સ્નેહની આશા રાખવી નકામી.
છોકરી નામની બલાને તો નક્કી કરવાનું કે ક્યાં ઓછી પીડા છે ત્યાં વધુ સમય વીતાવે. વિચાર કરો કે જે રોબોટને માણસે બનાવ્યો એનામાં ય માણસાઈ આવી હશે ને કે એને નોકરીના સ્થળે તકલીફ પડવા લાગી. અમથી થોડી આને નાગણ નોકરી કહેવાય છે. બિચારાને નહોતી પત્ની કે નહોતા બાળકો કે નહોતા સામાજિક વ્યવહારો. હજુ તો ઉગીને ઉભો થયો હશે ને ત્યાં એનાં પર કામનું ભારણ કેવું આવી ગયું હશે. લોકો માટે નવાઈની ઘટના છે પણ આ આપણું ભવિષ્ય છે. કોઈ માણસ આત્મહત્યા કરે તો એના પર કટાક્ષ ન થાય પણ કોઈ રોબોટ આપઘાત કરે તો એના પર કરુણા થાય એવા યુગમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ.
હજુ તો રોબોટે મરતા પહેલા ચીઠ્ઠી લખવાની હતી. તો બકાસુર બોસ ને કુરુક્ષેત્રના કલીગ કેવા હોય એની દુનિયાને જાણ થાય. આ તો દક્ષિણ કોરિયા છે કે રોબોટ આપઘાત કરે, ઇન્ડિયામાં હોય તો આ રોબોટ ચાર જણને જાણ કરે, પાંચના નામ લખે બે ને મારે ને પછી મરે!! અહીં કદાચ સહનશક્તિ વધુ હોય એવો રોબોટ બને પણ પછી એનો બાટલો ફાટે એટલે એ કોઈને ન છોડે.
ભારતમાં કોઈ રોબોટ નોકરી કરતો હોય તો થોડા સમયમાં પ્રેશર અને ટોર્ચર ઝીલતા શીખી જાય ને પછી આપતા ય શીખી જાય. બિચારો પ્રમોશન ને બદલીની આશામાં ખેંચી કાઢે સમય. લંચ બ્રેકની રાહમાં ને છૂટી જઈશ હમણાં એ ચાહમાં અધમૂઓ થયા કરે એવું ય બને. કઈંક ખોટા સપના જોઈ કાઢે, મકાનના હપ્તા ચાલુ છે એમ માનીને જીવી પણ જાણે!
હજુ આ રોબોટ લેડી હતો કે મેલ એ ખ્યાલ નથી. ભારતીય લેડી રોબોટ હોય તો સાસુના ત્રાસથી બોસના ત્રાસ સુધી લડ્યા કરે ને feminist પણ બની જાય ને બીજી ચારને રીંછ જોડે રહેવાની સલાહ પણ આપી જાય. ઝંડા લઈને નીકળી પડે ને સોશિયલ મીડિયામાં હોશિયારી કરવા માંડે ને આપઘાત કરાવે એવું ય બને.
આપઘાત કરનાર રોબોટ મોટી વેશનલ સ્પિકરના વક્તવ્યોથી વંચિત હશે બાકી સાવ આમ ન થાય, એ સાંભળીને તો મડદા ય જીવતા થાય. એને પ્રોપર કોર્પોરેટ ટ્રેનિંગ મળી નથી એમ પણ કહેવું પડે બાકી એને આસપાસના વાહિયાત વાતાવરણની અસરો વિશે અગાઉથી જાણ હોય જ ને એ મુજબ એ માનસિક, મશીનિક રીતે તૈયાર પણ થાત. ખૈર, આપણે તો આ રોબોટની બેટરી આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરીએ. એને મોક્ષ પ્રાપ્ત થાય ને ફરી કોઈ નાગણ નોકરી ન કરવી પડે એવી દુઆ પણ કરીએ. આપઘાતના સાચા કારણો બહાર આવે ને જવાબદાર સામે યોગ્ય પગલાં લેવાય એવી ન્યાય તંત્રને વિનંતી. જેથી ભવિષ્યમાં કોઈ બીજા રોબોટે આવું પગલું ભરવાનો વારો ન આવે!
- સ્નેહલ તન્ના








