શતરંગ / વિજ્ઞાનની અનેક શોધ પછી પણ માનવ ઉષ્મા તો શોધતો જ રહે છે!
- એય, સાંભળે છે? આપણી નિખાલસતાને સામેનું વ્યક્તિ આપણી નબળાઈ

- એય, સાંભળે છે?
આપણી નિખાલસતાને સામેનું વ્યક્તિ આપણી નબળાઈ કે મુર્ખામી સમજી લે છે. આવી સ્થિતિમાં એ નિખાલસ વ્યક્તિ મુર્ખ નથી, મુર્ખ તો એ છે જે પોતાના પતિ કે પત્નીના આ સુંદર ગુણને નબળાઈ સમજી લે છે.
માનવ ઉત્ક્રાંતિમાં માણસે ક્યારેક અચાનક પથ્થરનો ઘા કર્યો હશે અને એ પથ્થર બીજા એવા જ પથ્થર સાથે અથડાતાં ચકમક ઝર્યો હશે. એમ કદાચ અગ્નિની શોધ થઈ હશે. અગ્નિની શોધ એ માનવવિકાસનું વિરાટ પગલું હતું. અગ્નિને શોધીને અહીં સુધી પહોચેલો માનવ આજે ય ઉષ્મા તો શોધતો જ રહે છે. પોતાના જેવું જ કોઇ પોતાનું હોય, જેના સ્પર્શે-સ્પર્શે હૂંફ ઝર્યા કરે. દામ્પત્યમાં અનાવૃત શરીરનો આનંદ પણ ત્યારે જ છે જ્યારે મન અનાવૃત હોય.
આ તો વાત થઇ જ્યાં બેઉ સાથી એકમેક માટે એક સરખા જ સમર્પિત છે એમની. પણ દામ્પત્યમાં એક હાથે તાળી નથી જ વાગતી. મોટેભાગે લોકોની ફરિયાદ હોય છે કે આપણી નિખાલસતાને સામેનું વ્યક્તિ આપણી નબળાઈ કે મુર્ખામી સમજી લે છે. આવી સ્થિતિમાં એ નિખાલસ વ્યક્તિ મુર્ખ નથી, મુર્ખ તો એ છે જે પોતાના પતિ કે પત્નીના આ સુંદર ગુણને નબળાઈ સમજી લે છે. જ્યારે આમ વધુ બનવા લાગે ત્યારે બેઉ વચ્ચે ધીમે ધીમે એક શૂન્યાવકાશ સર્જાવા લાગતો હોય છે. ઊંડી લાગણીની જગ્યા ફોર્માલીટી લેવા લાગે. પતિ-પત્ની એકમેકને અંતરની વાત કહેવા વિચારી વિચારીને પગલા ભરવા પડે ત્યારે એ સબંધ પાંગળો થવા લાગે.
હાલના સમયમાં લગ્નજીવન બાબતે જૌન એલિયાનો આ શેર એકદમ લાગુ પડે એવું વાતાવરણ ઉભું થતું જાય કે,
एक ही हादसा तो है और वो ये कि आज तक
बात नहीं कही गई बात नहीं सुनी गई.
એક જ અકસ્માત વારંવાર થતો રહે છે કે વાત કહેવાવી જોઈએ એ કહેવાતી નથી, વાત સંભળાવી જોઈએ એ સાંભળવામાં નથી આવતી. જ્યાં મન કી બાત ન થઇ શકે એ સંબંધમાં બે વ્યક્તિ બસ ફર્નિચરની જેમ સાથે રહેવા લાગતા હોય છે. સમય ઝડપથી બદલાઈ રહ્યો છે. આપણે ત્યાં તો ડિવોર્સ કે તલ્લાકનો કોઈ સંસ્કૃત, હિન્દી કે ગુજરાતી શબ્દ ય નથી. આપણે ‘છુટ્ટા છેડા’ કે ‘સંબંધ વિચ્છેદ’ વગેરે શબ્દો કહીએ પણ એ તો બે શબ્દો જોડીને આપણે કામચલાઉ શબ્દ બનાવ્યો છે. ખરેખર તો એવો કોઈ એક શબ્દ આપણે ત્યાં છે જ નહિ. કેમ કે આપણું લગ્ન બંધારણ જ એવું રહ્યું છે કે જ્યાં પ્રવેશ છે, એ પછી કોઈ છોડીને નીકળી નહોતું શકતું. પણ હવે પશ્વિમી પવન આપણી તરફ ફૂંકાઈ રહ્યો છે. આપણે વેસ્ટર્ન કલ્ચર અને રીતભાતો અને સોશિયલ મીડિયાથી ઘણા પ્રભાવિત થઈએ છીએ. ભારતિય રોમેન્ટિક કલ્ચર ભલે જુદું છે. પણ આ સમયે એક બેલેન્સ તો આપણે સાધવું પડશે. અહીં આગળના બેઉ આર્ટીકલમાં આપણે એ વાત કરી છે કે શીખવું પડશે, લગ્નજીવન જીવતા ય શીખવું પડશે.
જેમ કે આપણે ચાલાકી નહિ પણ નિખાલસતાની વાત કરીએ, પણ નિખાલસતા ય થોડી સ્માર્ટ હોય. વાત કરતી વખતે અવાજ, ટોન, એક્સપ્રેશન, આંખોના ભાવ બધું જ એક લાઈનમાં હોય અને શું આપણે એમ વાત ન કહી શકીએ કે સામેના વ્યક્તિના હૃદયને સ્પર્શી જાય ! વાત કહેતી વખતે વાતમાં એ વ્યક્તિ માટે આપણો ભારોભાર પ્રેમ જતાવી ન શકીએ? વાત શું કહીએ છીએ એના કરતાં ય વાત કેમ કહીએ છીએ એ શીખવા જેવું છે.
- જેમ કે પતિ મોડો આવે તો છણકો કરીને ‘તું હંમેશા મોડો જ આવે છે...’ વગેરે વગેરે કહેવાને બદલે એમ શું ન કહી શકાય કે ‘તું મોડો આવે છે ને ત્યારે તારા વિના પસાર થતી એક એક મિનીટ મને અઘરી પડે છે.’
- આવડતું હોય છતાં ક્યારેક કશીક ભૂલ કરીને પત્નીને આપણી ભૂલ સુધારવાનો મોકો ન આપી શકાય?
‘બાગબાન’ ફિલ્મમાં ગુજરાતી હેમંતભાઈ (એટલે કે પરેશ રાવલ) વારંવાર હિન્દી મુહાવરા બોલવામાં ભૂલ કરે છે, અને એની શુદ્ધ હિન્દીભાષી પત્ની એને વારંવાર સુધારે છે. પછી એકવાર હેમંતભાઈ મોટાભાઈને (એટલે અમિતાભ બચ્ચનને) કહે છે કે, “આપકો પતા હૈ, મેં મુહાવરે બોલનેમેં જાન બુઝકે ગલતિયાં કરતાં હું, ક્યોંકી વો જબ મુજે કરેક્ટ કરતી હૈ તબ ઉસકે મુંહ પે જો દબી દબી સી પ્યારી મુસ્કાન હોતી હૈ, વો દેખને કે લિયે, મોટાભાઈ ! મૈ સારી જીંદગી ગલતિયાં કરતા રહુંગા..”
અમુક અમુક પતિ-પત્ની સવારે ઝઘડે ત્યારે આપણને એમ થાય કે આ તો ભવે ય ભેળા નહિ થાય, પણ બપોરે જુવો તો બેઉ એકબીજાને જમવાનો આગ્રહ કરતાં હોય. અને અમુક કપલ વચ્ચે આપણને બહાર બહારથી એમ લાગે કે કોઈ પ્રોબ્લમ નથી અને એક દિવસે જાણવામાં આવે કે એમના ડિવોર્સ થઇ ગયા.
મેરેજ બાબતે આપણે એવું સંભાળીએ છીએ કે બેઉએ પોતાનું ૫૦%-૫૦% આપવાનું હોય છે. પણ મને લાગે છે કે બેઉએ પોતાનું ૧૦૦% આપવાનો પ્રયાસ કરતો રહેવાનો હોય છે. પેલો ટર્કીશ આઈસ્ક્રીમવાળો સામાન્ય આઈસ્ક્રીમ આપવામાં આપણને કેવો ઉલ્લુ બનાવતો હોય છે અને આપણે કિંમત ચૂકવી હોવા છતાં સ્ટુપીડની જેમ વારંવાર એના હાથમાંથી આપણો આઈસસ્ક્રીમનો કોન ઝડપી લેવા હસતા-હસતા પ્રયત્નો કરતાં હોઈએ છીએ.
લગ્નજીવનમાં એમ હસતા હસતા પ્રયત્નો કરતાં રહેવાના હોય છે, ભલેને સ્ટુપીડ ઠરીએ કે સ્માર્ટ !
હોંકારો:
આસપાસ ચાહે કેટલો પણ કોલાહલ હોય, જેને ચાહો એની હયાતી માત્ર તમે જ અનુભવો એમ ચૂપચાપ વરસતી જ રહેતી હોય છે...
અમૃત ઘાયલ કહે ને,
તારાં સ્મરણો ભીની ખુશ્બો
મારું અંતર બળતો ધૂપ.
- કાનજી મકવાણા








