શતરંગ / યુરોપ-અમેરિકાએ દુનિયાને પ્લાસ્ટિકના રવાડે ચડાવી
- સાઇન ઇન પ્લાસ્ટિકના પ્રોડક્શન અને વપરાશના મુદ્દે આજે અમેરિકા અને યુરોપના દેશો ભારત-ચીન-રશિયા-જાપ

- સાઇન ઇન
પ્લાસ્ટિકના પ્રોડક્શન અને વપરાશના મુદ્દે આજે અમેરિકા અને યુરોપના દેશો ભારત-ચીન-રશિયા-જાપાન-ઈન્ડોનેશિયા પર દોષનો ટોપલો ઢોળે છે, પણ હકીકત જુદી છે...
પ્લાસ્ટિક વગર આપણો દિવસ ઉગતોય નથી ને આથમતોય નથી.
સવારે ઉઠીને બ્રશ કરીએ ત્યારથી પ્લાસ્ટિકનો ઉપયોગ શરૂ થાય છે. પછી દિવસભર પ્લાસ્ટિક-પ્લાસ્ટિક-પ્લાસ્ટિક. મોટાભાગની પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ આપણી સામે આવતી રહે છે. મોબાઈલથી લઈને લેપટોપ, કિચનની ચીજવસ્તુઓ, બારી-દરવાજાથી લઈને બાથરૂમમાં ખપમાં આવતી વસ્તુઓમાં પ્લાસ્ટિકનો થોડો કે ઘણો હિસ્સો હોય છે. આપણે આસપાસમાં જ્યાં નજર ફેરવીએ ત્યાં પ્લાસ્ટિકની હાજરી જોવા મળે છે. શાકભાજી, ડેરી પ્રોડક્ટ્સ, કરિયાણું ખરીદીએ ત્યારે પ્લાસ્ટિકના પેકેજિંગ વગર ચાલતું નથી. પ્લાસ્ટિક પેકેજિંગ ન હોય તો કેરીબેગ પ્લાસ્ટિકની હોય. આપણાં ૨૪ કલાક પ્લાસ્ટિક વગર નીકળી શકતા નથી. પ્લાસ્ટિક વગર એક દિવસ - એવા નામથી એક કેમ્પેઈન પણ દુનિયામાં ચાલે છે. ઘણાં લોકો એક દિવસ પ્લાસ્ટિક વગર રહી શકાયું કે નહીં તેના અનુભવો શેર કરતા હોય છે. પ્લાસ્ટિક વગર દિવસ પૂરો કરવાના પ્રયાસમાં દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં મોટાભાગના લોકોએ ઓછામાં ઓછા ૫૦-૭૦ વખત પ્લાસ્ટિકનો વપરાશ કરવો પડે છે. એ વગર તેમનો દિવસ પૂરો થાય તો બીજું કશું કામ થઈ શકે નહીં. તપ કરતા હોય એમ માત્ર ઘરમાં બેસી રહેવાથી જ પ્લાસ્ટિક વગર દિવસ પૂરો કરી શકાય.
આ જ કારણ છે કે આજે દુનિયામાં એક માણસ દરરોજ સરેરાશ ૯૦થી ૧૨૦ ગ્રામ પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે ને પ્લાસ્ટિકના ઉપયોગમાં પહેલા નંબરે ભારત-ચીન નહીં, અમેરિકા છે. અમેરિકામાં દર વર્ષે ૪.૨ કરોડ મેટ્રિક ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે. ૧.૬ કરોડ મેટ્રિક ટન સાથે ચીન બીજા ક્રમે છે. ૧.૧૩ કરોડ મેટ્રિક ટન સાથે બ્રાઝિલ ત્રીજા અને એક કરોડ મેટ્રિક ટન પ્લાસ્ટિકના કચરા સાથે ભારત ચોથા ક્રમે છે. ટોપ-૧૦માં જાપાન, ઈન્ડોનેશિયા તો છે જ, પરંતુ રશિયા, જર્મની, બ્રિટન અને મેક્સિકો પણ છે. અમેરિકા સૌથી મોટો પ્લાસ્ટિક વપરાશકાર દેશ છે. દુનિયા આખીને પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકવાની સલાહ આપતા અમેરિકામાં વર્ષે ૧૦૦ અબજ પ્લાસ્ટિકની બેગ વપરાશ છે.
એશિયા-આફ્રિકાના અણસમજુ લોકો પ્લાસ્ટિકના ઉપયોગ બાબતે અવેર નથી ને આડેધડ પ્લાસ્ટિકનો કચરો જેમ ને તેમ વેરે છે - એવું એવરેજ અમેરિકન-યુરોપિયન માને છે ને આવુ ધરાર ઠસાવે છે. એમાંય ભારત-ચીનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ થાય તો પૃથ્વીનું કલ્યાણ થઈ જાય એવો પ્રચાર કરવામાં આવે છે. જગતમાં સૌથી વધુ વસતિ આ બંને દેશોમાં છે એટલે એમને પ્લાસ્ટિકના વપરાશથી લઈને હવા-પાણીના પ્રદૂષણ સુધી દોષ આપી શકાય એવું આ સુધરેલા દેશોના નાગરિકો માને છે.
પણ રિયાલિટી એ છે કે ફેક્ટ્સ આ માન્યતામાં સૂર પુરાવે તેમ નથી. ઈતિહાસ એમાં સહમત થઈ શકે તેમ નથી.
પ્લાસ્ટિક જેવો બિનજરૂરી અને પર્યાવરણ માટે બેહદ હાનિકારક પદાર્થ વેસ્ટર્ન વર્લ્ડે આપ્યો છે. પ્લાસ્ટિકના ઉદ્ભવ-વિકાસની ટાઈમલાઈન ચેક કરીએ એટલે આની સાબિતી મળી રહે છે. પ્લાસ્ટિક મટિરિયલ ૧૯૦૭માં દક્ષિણ-પૂર્વ યુરોપિયન દેશ બલ્ગેરિયાના કેમિસ્ટ લીઓ હેન્ડ્રિકે બનાવ્યું હતું. બેકલાઈટ મટિરિયલના શોધક આ રસાયણશાસ્ત્રીને પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીના ફાધર કહેવામાં આવે છે. સિન્થેટિક કમ્પોનન્ટ્સમાંથી પ્લાસ્ટિક મટિરિયલ બનાવાયું હતું અને તેની પહેલી પેટન્ટ ૧૯૦૯માં નોંધાઈ હતી. લીઓ હેન્ડ્રિકે ૧૦૦ જેટલી પેટન્ટ રજિસ્ટર કરાવી હતી, જેમાં પ્લાસ્ટિકની વિવિધ પ્રોડક્ટ્સનો સમાવેશ થતો હતો.
અમેરિકન સંશોધક વાલ્ડો સેમોને ૧૯૨૬માં પ્લાસ્ટિકના ઉત્પાદનને ઉત્તેજન આપતી શોધ કરી. તેણે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને ખૂબ મજબૂત બનાવી શકાય એવું રાસાયણિક બંધારણ શોધ્યું. પરિણામે પીવીસી ઈન્ડસ્ટ્રીનો વિકાસ થયો. પ્લાસ્ટિકની ખુરશીથી લઈને પાણીની બોટલ સુધીની ચીજવસ્તુઓનું ઉત્પાદન વાલ્ડોના કેમિકલ સ્ટ્રક્ચરના કારણે શક્ય બન્યું. અમેરિકન કંપની ગુડરિચ કોર્પોરેશને એ બંધારણના આધારે પ્લાસ્ટિકની અસંખ્ય ચીજવસ્તુઓ બનાવીને માર્કેટમાં ઠાલવી. દેખાવમાં સુંદર આ પ્રોડક્ટ્સ ઝડપભેર પોપ્યુલર થવા માંડી એટલે અમેરિકાની અન્ય કંપનીઓ પણ રોકડી કમાણી કરવા મેદાને પડી.
૧૯૩૫માં અમેરિકન કંપની ડુપોન્ટે નાઈલોનની પેટન્ટ નોંધાવી ને ૧૯૩૮થી એનો ઉપયોગ ટૂથબ્રશમાં થવા માંડયો. ૧૯૪૦ સુધીમાં નાઈલોનમાંથી બનેલા ટૂથબ્રથ એટલા પોપ્યુલર થયા કે દુનિયાભરમાંથી એની ડિમાન્ડ નીકળી. એ જ કંપનીએ પોલીએસ્ટરનું ઉત્પાદન શરૂ કરીને જગતમાં એનો ફેલાવો કર્યો. ૧૯૫૭માં ઈટાલીની મોન્ટેકાટિની કંપનીએ મોટા પાયે બોટલોનું ઉત્પાદન શરૂ કર્યું. શરૂઆતમાં એનો ભાવ વધારે હોવાથી અમેરિકા-યુરોપના નાગરિકોને જ એ પોષાતી હતી. ઉત્પાદન વધ્યું એમ ભાવ ઘટયા એટલે ભારત સહિતના ત્રીજા વિશ્વના દેશોમાં પણ કેટલીય પ્રોડક્ટ બોટલોમાં મળવા માંડી. ખાસ તો કોન્ડ્રિક્સનો ટ્રેન્ડ શરૂ થયો એ પછી આવી બોટલો દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગઈ. ૧૯૬૫માં સ્વીડિશ પ્રોડક્ટ ડિઝાઈનર સ્ટેન ગુસ્તાફ થુલિને પ્લાસ્ટિક બેગ બનાવી એટલે ઠેર-ઠેર છૂટથી એનો ઉપયોગ થવા માંડયો. હવે દર વર્ષે ૫૦૦ અબજ પ્લાસ્ટિકની બેગ વપરાય છે.
૧૯૬૦-૭૦ સુધીમાં ઈલેક્ટ્રિસિટીના બોર્ડથી લઈને બાથરૂમની ચીજવસ્તુઓ સુધી બધું જ પ્લાસ્ટિકના મટિરિયલથી બનવા માંડયું. એક તો એ સસ્તું પડતું હતું અને વળી લાંબો સમય ટકે નહીં એટલે વારંવાર આવી પ્રોડક્ટ ખરીદવી પડે. સરવાળે ધંધો ચાલતો રહે એવી ગણતરી સાથે એક દશકામાં તો સેંકડો પ્રોડક્ટ માર્કેટમાં ઠાલવી દેવાઈ. પ્લાસ્ટિક કેન્દ્રમાં હોય એવા અન્ય બિઝનેસ પણ ખીલ્યા. ફોર એક્ઝામ્પલ, રમકડાંનું માર્કેટ. આજે રમકડાંના ઉત્પાદનમાં ચીન મોખરે છે, પણ દાયકાઓ સુધી અમેરિકન કંપનીઓનો રમકડાંના ઉત્પાદનમાં દબદબો રહ્યો ને લગભગ ૯૦-૯૫ ટકા રમકડાંમાં પ્રચૂર પ્રમાણમાં પ્લાસ્ટિક વપરાતું હતું.
અમેરિકન કંપનીઓ - રિવેલ, મોનોગ્રામ, ઓરૂરા વગેરેએ તો ૧૯૫૦ના દશકામાં પ્લાસ્ટિક ઉત્પાદન-વેચાણના નવા રેકોર્ડ બનાવ્યા હતા અને અમેરિકા ઉપરાંત યુરોપનું માર્કેટ સર કર્યું હતું. ત્યારેય અને આજેય આમાંની ઘણી કંપનીઓ પ્લાસ્ટિક પ્રોડક્ટના ઉત્પાદનમાં દબદબો ધરાવે છે. લેર્ડ પ્લાસ્ટિક, હનીવેલ ઈન્ટરનેશનલ, મિત્સુબિશી કેમિકલ્સ, ડેકો, મેયીર, લિબર્ટી, અપ્લાઈડ, રીડિંગ મેટલ, રેડવૂડ જેવી અમેરિકન કંપનીઓની સ્થાપના ૧૯૪૦થી ૧૯૬૦ના ગાળામાં થઈ હતી ને આજેય પ્લાસ્ટિકના ઉત્પાદનમાં નોંધપાત્ર છે.
૨૦૨૨માં પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રી ૫૯૩ અબજ ડોલરની હતી. ૨૦૩૦ સુધીમાં એ વધીને ૮૦૦ અબજ ડોલરને પાર પહોંચે તેવો અંદાજ છે. દર વર્ષે ૪૦ કરોડ મેટ્રિક ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે. ૧૯૫૦થી ૨૦૦૭ દરમિયાન ૯૨૦ કરોડ ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થયું હતું. એમાંથી અડધો અડધ ઉત્પાદન અમેરિકન-યુરોપિયન કંપનીઓએ કર્યું હતું. ૨૦૨૪માં જગતના ૧૦ લાર્જેસ્ટ પ્લાસ્ટિક મેકર કંપનીઓમાં ઈસ્ટમેન કેમિકલ, સેલનિઝ, ડુપોન્ટ, ઈનિઓસ સહિતની કંપનીઓ અમેરિકા-યુરોપની છે. પ્લાસ્ટિક પેકેજિંગના ક્ષેત્રમાંય એમકોર, સીલ્ડ એર, સોનોકો જેવી કંપનીઓનો દબદબો છે.
પ્લાસ્ટિક ઉત્પાદનના વૈશ્વિક માર્કેટમાં અમેરિકાનો ૨૦ ટકા હિસ્સો છે ને યુરોપનો ૧૫ ટકા. અમેરિકા અને યુરોપના દેશોની કંપનીઓ પ્લાસ્ટિકના બિઝનેસમાં ૩૫ ટકા હિસ્સો ધરાવે છે, તે છતાં દુનિયાને દિવસ-રાત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાની સલાહો આપે છે. પર્યાવરણ અને હેલ્થની મોટી એજન્સીઓ કે જે અમેરિકા-યુરોપના ફંડથી ચાલે છે એ પણ કાયમ ભારત-ચીન જેવા દેશોના માથે દોષનો ટોપલો મઢે છે.
૧૯૭૦ પછી અમેરિકા-યુરોપને પ્લાસ્ટિકના અતિરેકનો ખ્યાલ આવ્યો. કારણ કે જેને એ ત્રીજા વિશ્વના દેશો કહેતા હતા ત્યાં પણ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનું ઉત્પાદન શરૂ થઈ ચૂક્યું હતું. જો એ ટ્રેન્ડ ચાલે તો લાંબાંગાળે પર્યાવરણને નુકસાન થાય એવું સમજાવા લાગ્યું હતું. એ દિશાના સાયન્ટિફિક તારણો આવવા માંડયા હતા. એટલે પ્લાસ્ટિકના નિયંત્રણની હિમાયત થવા માંડી. ઉત્પાદન અને વપરાશ તો અમેરિકા-યુરોપમાં જાગૃતિ છતાં ન ઘટયા, પરંતુ બીજા દેશોમાં જાગૃતિ ફેલાય તે માટે પ્રયાસો શરૂ થયા.
એવા પ્રયાસોના ભાગરૂપે યુએન સંલગ્ન એજન્સીઓ બની. જાગૃતિ ઝુંબેશો ચલાવાઈ. એ અરસામાં પૃથ્વીના તાપમાન, વાયુ-પાણીનું પ્રદૂષણનો મુદ્દો સમજાવા લાગ્યો હતો એટલે ૧૯૭૦થી અર્થ ડેની ઉજવણી શરૂ થઈ. આવતીકાલે ૫૫મો અર્થ ડે ઉજવાશે. આ વર્ષની અર્થ ડેની થીમ છે: પ્લેનેટ વર્સીસ પ્લાસ્ટિક.
પ્લાસ્ટિકનું ઉત્પાદન દુનિયામાં ભયજનક સપાટીએ પહોંચી ચૂક્યું છે. જો તુરંત એનું ઉત્પાદન બંધ નહીં થાય તો માનવજાત માટે હજુય મોટી મુશ્કેલીઓ અને રોગચાળા માટે એ કારણ બનશે. પ્લાસ્ટિક નામના રાક્ષસને અમેરિકા-યુરોપના સંશોધકો-ઉદ્યોગપતિએ પેદા કર્યો અને હવે એ જ રાક્ષસે જગતને ભરડામાં લીધું છે. એના રાક્ષસી પંજામાંથી છૂટવા માટે પ્લાસ્ટિક વગર દિવસ ઉગે અને પ્લાસ્ટિક વગર દિવસ આથમે એવી કોઈ વ્યવસ્થા યુદ્ધના ધોરણે વિકસાવવી પડશે.
2050 સુધીમાં પ્લાસ્ટિકનું વાર્ષિક ઉત્પાદન 110 કરોડ ટનને પાર પહોંચશે
દર વર્ષે ૩૪-૩૫ કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો પેદા થાય છે. એમાંથી અડધું પ્લાસ્ટિક તો ૨૦૦૪થી ૨૦૧૭ વચ્ચે ઉત્પાદિત થયું હતું. જો પ્લાસ્ટિકનો વપરાશ આજે છે એ ઝડપે જ આગળ વધશે તો ૨૦૫૦ સુધીમાં પ્લાસ્ટિકનું વાર્ષિક ઉત્પાદન ૧૧૦ કરોડ ટનને પાર પહોંચી જશે. એટલે કે ૫૦ વર્ષમાં જેટલું ઉત્પાદન થયું એટલું તો વર્ષે થતું હશે! નેશનલ જ્યોગ્રાફિકના એક અહેવાલ ચોંકાવનારો છે. જગતભરના સમુદ્રો ઉપર કુલ ૫,૨૫૦ અબજ જેટલા પ્લાસ્ટિકના ટૂકડાઓ તરી રહ્યાં છે. પૃથ્વીની વસતિને માથાદીઠ એ ટૂકડાઓ સરખે ભાગે વહેંચી દેવામાં આવે તો અંદાજે વ્યક્તિદીઠ ૭૫૦ ટૂકડાઓ આવે! ૫,૨૫૦ અબજ ટૂકડાઓના અંદાજિત વજનનો હિસાબ પણ વિજ્ઞાાનીઓએ માંડયો છે, જે ૨,૬૯,૦૦૦ ટન થાય છે. વસતિ પ્રમાણે દરિયામાં વેરાયેલા એ પ્લાસ્ટિકના ટૂકડાનો હિસાબ કરવામાં આવે તો પૃથ્વી ઉપર જીવિત દરેક વ્યક્તિએ ૨૬ કિલોગ્રામ પ્લાસ્ટિકના ટૂકડાઓ સમુદ્રમાં ફેકીને દરિયાઈ સૃષ્ટિનું નિકંદન કાઢ્યું છે.
- હર્ષ મેસવાણિયા








