શતરંગ / "સ્વ-માન" જરૂરી કે જરૂરિયાતો?
- કાગળ પરના પંખી ટહુક્યાં પ્રિતી એની દરરોજની નોકરીથી કંટાળી ગઈ હતી. એ હંમેશા પ્રયત્ન કરતી કે ડેડલાઈન પૂરી કરે,

- કાગળ પરના પંખી ટહુક્યાં
પ્રિતી એની દરરોજની નોકરીથી કંટાળી ગઈ હતી. એ હંમેશા પ્રયત્ન કરતી કે ડેડલાઈન પૂરી કરે, એનું કોઈ પણ કામ બીજા કોઈને ના કરવું પડે, ઘણી વાર એને બીજાની વધારાની કામગીરી પણ કરવી પડતી તો એ કરી લેતી. એને ફરવા જવું હોય કે કોઈ પ્રસંગ હોય તો પણ એ બધું પ્લાનિંગ કરી કરીને કરતી. જાણે એના જીવનમાં એની નોકરી જ પ્રથમ સ્થાને ના હોય. પ્રિતી પરફેક્ટ કામ કરવા બધા પ્રયત્નો પણ કરતી પણ તેમ છતાંય એક કે બીજી રીતે એના બોસ એને બોલ્યા જ કરે અને એને ખખડાવ્યા જ કરે. પ્રિતીને સમજાતું નહોતું કે એના કયા કામમાં ખામી છે કે એની સાથે આવું વર્તન થાય છે? બધાની વચ્ચે ઉતારી પાડવું, નોકરીમાંથી કાઢી મુકવાની બીક બતાવવી આ બધું જાણે પ્રિતી માટે રોજનું થઇ ગયું હતું. એ દરરોજ વિચારતી કે એ નોકરી છોડી દે પણ પછી વિચાર આવતો ઘરના હપ્તાનો, એના ભાઈના ભણતરનો, જે બાર સાયન્સમાં ભણતો હતો. પપ્પાની દવાઓ, આ બધું વિચારીને એ દરરોજ અપમાનના ઘૂંટડા ભરી જતી. કારણ કે નોકરી એના માટે ખુબ જરૂરી હતી.
રોશની સવારે પાંચ વાગ્યે ઘરના બધા સભ્યોથી પહેલા જાગે અને રાતે બધા સુવે પછી સુવે. લગ્નના ૧૩ વર્ષમાં આ રોજનો નિયમ. બધાને ગરમ-ગરમ રોટલી જમાડતી રોશની એ આ ૧૩ વર્ષમાં ક્યારેય ગરમ રોટલી નહોતી ખાધી, બધા જમી રહે પછી જ જમવાનું, કમર દુઃખતી હોય કે તાવ આવતો હોય પણ ઘરના કોઈને એ વાતનો અણસાર પણ ના આવવા દે. પણ ક્યારેક જો દાળમાં મીઠું વધારે પડી ગયું કે કપડાં પર ડાઘ રહી ગયો તો તરત જ એનો પતિ વિહંગ એને ગમે તેની સામે બોલવા લાગતો. પાડોશી ઉભા હોય કે સંબંધી પણ તરત જ એ કહી દેતો કે, “આટલા વર્ષોથી એકનું એક કામ કરે છે તો પણ આટલું એક કામ પણ હજી સુધી નથી આવડ્યું? રોશનીને ઘણી વાર થતું કે જે ઘર પરિવાર અને પતિ માટે એણે એના સપનાંઓ સાથે સમાધાન કરી લીધું, નોકરી છોડી દીધી કે એ લોકોને કોઈ તકલીફ ના પડે, એ જ વિહંગ એ પણ નહોતો વિચારતો કે રોશનીને આવા રોજ રોજના અપમાનથી કેવું લાગશે? રોશનીના માતા-પિતા, ભાઈ બધા આર્થિક અને સામાજિક રીતે ખુબ સદ્ધર હતાં. અને રોશની એમની એક જ દીકરી હતી. માતા પિતાના ઘરમાં રાજપાટ ભોગવીને આવેલી રોશનીને ઘણી વાર એમ થતું કે ક્યાં સુધી આમ અપમાન સહન કર્યા કરીશ? આ નોકરી તો નથી કે છોડી દેવાય? સંબંધોને નિભાવવો જ હોય તો વધારે વિકલ્પો નથી મળતાં. એમ પણ રોશની એ વિહંગને પ્રેમ કરીને એની સાથે બધાની વિરુદ્ધ જઈને પ્રેમ-લગ્ન કરેલા હવે કયા મોઢે પાછી જાય? એ પણ પ્રશ્ન હતો અને રોશનીની દીકરી એક સ્પેશ્યલ ચાઈલ્ડ હતી જે એના પપ્પા વિહંગને બહુ પ્રેમ કરતી. તો જો રોશની ઘર છોડે તો એની દીકરીને પણ એની અસરો ભોગવવી પડે. રોશનીની દીકરી યાનાને વિહંગની જરૂર હતી એટલે રોશની ને એના સ્વમાન વિષે વિચારવાની જરૂર ના લાગી.
મધુના આ બીજા લગ્ન હતાં. પહેલા લગ્ન ૧૮ વર્ષે થઈને ૧૯ વર્ષે છૂટાછેડા થઇ ગયા હતાં. એક જ વર્ષમાં એ એક દીકરાની માં પણ બની ગઈ હતી પણ છુટાછેડા પછી એના દીકરાને એ બહુ પ્રેમ કરતી હોવા છતાંય એના સાસરી પક્ષના બધા એ એની પાસેથી એનો દીકરો છીનવી લીધો. ઘરમાં રહેલી જુવાનજોધ દીકરી બધાને આંખમાં કણાની જેમ ખૂંચતી હોય છે. એટલે જેવા જ મધુના છુટાછેડા થયા એના પરિવારના લોકો એના પર બીજા લગ્ન માટે દબાણ કરવા લાગ્યા. એક વાર ના પાડી, બીજી વાર ના પાડી પણ ત્રીજી -ચોથી વારમાં ઘરનાં જાણે બળજબરી પર આવી ગયા અને મધુના સોહમ સાથે બીજા લગ્ન કરાવી દીધા. થોડો સમય બધું સારું ચાલ્યું અને એવામાં મધુ એકસાથે જોડિયાં બાળકોની માં બની. એક દીકરો અને એક દીકરી પણ પછી ધીમે ધીમે સોહમ મધુને મારવા લાગ્યો, એને ગાળો આપતો એના પર શંકા કરતો, ખુબ દારૂ પીતો, મધુનું જીવન નર્ક કરતા પણ ખરાબ થઇ ગયું હતું. રોજ રોજની માર અને ત્રાસના કારણે એના ચેહરા પરનું નુર ઉડી ગયું હતું. એનું શરીર સુકાઈ ગયું હતું. એની સવાર પડતી ત્યારથી એના મગજમાં એક જ વિચાર આવતો કે આ જીવનનો હવે અંત આવી જાય તો સારું. અપશબ્દો, અપમાન એ મધુના મન પર ખુબ ઊંડા ઘા પાડી દીધા હતાં. કેટલીક વાર મધુને એવું પણ થતું કે એ બધું છોડીને ભાગી જાય પછી એની નજર પડતી એના બે બાળકો શિવાય અને શ્રીવી પર અને એ વિચારતી કે એક બાળકને માં વિનાનું કરીને આવી છું હવે બીજા બે બાળકોને માં વિનાના કેવી રીતે કરું? કારણ કે એના બાળકોને માંની જરૂર હતી એટલે મધુ એ અપમાન સાથે સમાધાન કરી લીધું.
એક કે બીજા પ્રકારે આપણા બધાના જીવનમાં એવી ઘણી બધી પરિસ્થિતિઓ આવે છે કે જયારે આપણને કોઈ જગ્યા કે માણસોને છોડી દેવાનું મન થાય છે. ક્યારેક નોકરી તો ક્યારેક કોઈ કામથી આપણને એટલી નફરત થવા લાગે છે કે ઘડીના છઠ્ઠા ભાગમાં આપણને એને છોડી દેવાની તીવ્ર ઈચ્છા થાય છે. રોટી, કપડાં, મકાનની જેમ સન્માન પણ એક સામાન્ય અને અનિવાર્ય જરૂરિયાત છે. જ્યાં આપણને કોઈ સ્થાન ના મળે, જ્યાં વારેઘડીયે આપણું અપમાન થાય, જ્યાં આપણા કામની ગણના ના થાય, સતત આપણને ધુત્કારી નાખવામાં આવે, આપણો શાબ્દિક તિરસ્કાર થાય આ બધી જ ઘટનાઓ ક્યાં કયા માણસના મન પર કેવી અસર કરે છે? એ તો એ માણસ જ જાણતો હોય છે. ઘણી વાર આપણે એવું પણ સાંભળ્યું હોય છે કે સતત થતાં અપમાનો અને તિરસ્કારોના કારણે માણસ છેવટે આત્મહત્યા સુધી પણ પ્રેરાઈ જાય છે. તો શું આ સન્માન શબ્દ શું આટલો બધો જરૂરી હશે જીવનમાં? અને જો આટલો જ જરૂરી છે તો જરૂરિયાતો સામે હારી કેમ જાય છે?
કોઈ પણ માણસ માટે એનું સ્વમાન ખુબ જરૂરી હોય છે. પણ કેટલીક વાર એની જરૂરિયાતો એને એ પરવાનગી નથી આપતી કે એ એના મનની વાત સાંભળે અને ત્યારે શરુ થાય છે આંતરયુદ્ધ. જેમાં સમાધાન કરનારો માણસ દરરોજ હારે છે. સ્વમાન જરૂરી કે જરૂરિયાતો એ તો વ્યક્તિગત બાબત છે પણ એવી કોઈ પણ સિદ્ધી, પૈસા, લાગણી કે જગ્યા જે આપણી માનસિક શાંતિને ભોગે મળે, આપણા મેન્ટલ હેલ્થને ડીસ્ટર્બ કરીને મળે, આપણી જાત સાથે લડીને મળે, આપણને એટલી હદ સુધી લાવીને મૂકી દે કે આપણે આત્મહત્યા જેવું પગલું ભરતાં પણ ના અચકાઇયે એ કેટલું વ્યાજબી છે એ આપણે વિચારવાનું છે. કારણ કે જરૂરિયાતનું ઉભું થવું એ માણસના મૃત્યુપર્યંત ચાલતી ઘટના છે. હવે આપણે એ જ જોવાનું છે કે એ જરૂરિયાતો આપણને જીવાડે એવી છે કે મૃત્યુ સુધી દોરી જાય એવી? અને કોને પ્રાધાન્ય આપવું જરૂરીયાત ને કે સ્વમાનને.
- અર્ચના તેજસિંહ ચૌહાણ








