મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / ‘સમ્રાટ’ અશોક ‘પ્રેમી’ અશોક તરીકે - 2

- ઇતિહાસ ગાથા સમ્રાટ અશોકની પ્રથમ પ્રેમકથા વિશે આપણે ગયા પ્રકરણમાં જોયું. કે, કેવી રીતે ઉજ્જૈનના એક વ

શતરંગ / ‘સમ્રાટ’ અશોક ‘પ્રેમી’ અશોક તરીકે - 2

- ઇતિહાસ ગાથા

સમ્રાટ અશોકની પ્રથમ પ્રેમકથા વિશે આપણે ગયા પ્રકરણમાં જોયું. કે, કેવી રીતે ઉજ્જૈનના એક વ્યાપારીની કન્યા અશોકની પત્ની બની. અને તેમાં પણ મહત્વની બાબત એ હતી કે, ભારતના સૌથી મોટા સામ્રાજ્યના રાજકુમારનો પ્રેમ સ્વીકારવાને બદલે તેની કેવી રીતે પરીક્ષા લેવામાં આવી. હવે એ પ્રેમની પરીક્ષામાં સફળ થયેલા અશોકની સામે એક બીજી પરીક્ષા આવીને ઉભી હતી. મગધમાં અશોકના વધતા પ્રભાવના કારણે તેમના સાવકા ભાઈઓ તેમની ઈર્ષા કરી રહ્યા હતા. અશોકને રાજધાનીથી દૂર કરવાના કાવતરા કરવામાં તેઓ સફળ થયા. જેથી અશોકને મગધ છોડીને દક્ષિણ તરફ પ્રયાણ કરવું પડ્યું. સમ્રાટ બિંદુસારના આદેશ સામે તેનો પરાક્રમી પુત્ર અવાજ ઊંચો કરી શકે એમ ન હતો. સત્તા માટે પોતાના ભાઈઓની કતલ કરવાનો આરોપ જેના પર લાગી રહ્યો છે એ અશોક અહીં એકપણ શબ્દ બોલ્યા વગર રાજધાની છોડી દે છે. 

રાજકુમાર અશોકની પ્રથમ પ્રેમિકા, જે હવે તેમની પત્ની બની હતી; તેનાથી તેને બે સંતાનો થયા હતા. પરંતુ રાજકાજના કામમાં પોતાના બન્ને સંતાનોને પત્ની સાથે રાજધાનીમાં જ છોડી અશોકે એકલાએ, પોતાના સૈન્ય સાથે ઓડીસા તરફ પ્રયાણ કર્યુ. અહીં શરુ થાય છે એક બીજી રસપ્રદ કથા. 

સંસ્કૃતિની જનની એવી નદીના કિનારે પ્રવાસ કરતા કરતા રાજકુમાર અશોક એક માછીમાર કન્યાને જુએ છે. માછીમાર કન્યાની સુંદરતા કેવી હોય એ મહાભારતના આ દેશમાં કોને ન ખબર હોય! સમ્રાટ શાંતનું પણ એક માછીમાર કન્યાને જોઇને તુરંત પ્રેમમાં પડી ગયા હતા. એવું જ અહીં પણ થયું. એ માછીમાર કન્યા એટલે કૌર્વકી. પ્રથમ પ્રેમ વખતે થયેલી કસોટી જેવું આ વખતે ન થયું. કૌર્વકી પણ અશોકને જોઇને જ મોહિત થઇ ગઈ. અને થોડા સમય બાદ આ પ્રેમ લગ્નમાં પરિણમ્યો. સમય જતા સમ્રાટ બિન્દુસાર પોતાના અન્ય પુત્રોની નિર્બળતા જોઇને સમજી ગયા કે અશોક જ મારો ખરો વારસદાર છે, તેથી અશોકને રાજધાનીમાં પાછો બોલાવવામાં આવ્યો. અને ત્યારે અશોક પોતાની બીજી પત્ની કૌર્વકીને સાથે લઈને રાજધાનીમાં પ્રવેશે છે.

અશોક રાજધાનીમાં આવે ત્યાં સુધીમાં તો મગધની પ્રજા સુસીમથી ત્રાસી ગઈ હતી. સુસીમ પ્રત્યક્ષ રાજા ન હોવા છતાં પણ રાજ્યમાં તેનો ભારે પ્રભાવ હતો. બિંદુસાર ઘરડા થયા હતા, પ્રજા કંટાળેલી હતી અને અશોક ગાદી પર બેસવા માટે સર્વાંગ સંપૂર્ણ હતો. જરૂર હતી માત્ર સત્તાધીશ બનવાની, જેમાં ઘણી વાર લાગે એમ હતી. તેથી પ્રજાના સહયોગથી અશોક બળવો કરે છે અને મગધની સત્તા પોતાના હાથમાં લે છે. 

સત્તાના સુત્રો અશોકના હાથમાં આવે છે. રાજકુમાર અશોક ‘મહારાજ અશોક’ બને છે. મહારાજ અશોકમાંથી ‘સમ્રાટ અશોક’ બનવામાં હવે બહુ વાર લાગે એવું ન હતું. મહારાજ અશોક કૌર્વકી નામની માછીમાર કન્યા સાથે પ્રેમલગ્નથી જોડાયા એ પહેલા પણ તેમની એક પત્ની હતી, જેનાથી તેને બે બાળકો હતા. આ ઉપરાંત એક રાજકીય સંધિના ભાગરૂપે પણ તેમના એક વખત લગ્ન થઇ ચુક્યા હતા. આમ, ત્રણ પત્ની ધરાવતા અશોકના મહારાણી કોણ બને? એ પ્રશ્ન હતો. કેમ કે મહારાણી પાસે પણ ઘણી સત્તા હોય છે. અને રાજાની ગેરહાજરીમાં તો રાજ્યની બધી જ સત્તા મહારાણી પાસે હોય. તેથી રાજાની પટરાણી જ મહારાણી કહેવાય. હવે અશોક માટે પ્રશ્ન એ હતો કે પટરાણીપદે કોને બેસાડવા? આ પ્રશ્ન મહત્વનો એટલા માટે હતો કે સમ્રાટ અશોકની પત્નીઓમાં એકપણ પત્ની ક્ષત્રીય ન હતી. મતલબ રાજકુટુંબની ન હતી. જ્ઞાતિ-જાતિના સામાજિક પરિબળો આજે પણ એટલા મજબૂત છે, તો ત્યારે કેવા હશે? રામને પણ સીતાનો ત્યાગ કરવો જ પડ્યો હતો ને? પ્રચંડ જાતિવાદી માનસિકતા ધરાવતા એ ભારતમાં અશોક અનહદ ચાહતા હોવા છતાં પણ પોતાની પ્રેમિકા સમાન પત્ની  કે કૌર્વકીને પટરાણી બનાવી શકે એમ ન હતા.

સમ્રાટ ચંદ્રગુપ્ત જેવા મહાન રાજવીનો  પૌત્ર, સમ્રાટ બિંદુસારનો પુત્ર અને ભારતની શાન સમા મગધ સામ્રાજ્યનો રાજાધિરાજ સમ્રાટ અશોક પોતાની પસંદગીની સ્ત્રીને પટરાણી પણ ન બનાવી શકયો! એ વખતનો સમાજ પણ કેવો, જે રાજાને પણ મજબૂર બનાવે!  

સમાજ આગળ ભગવાન રામનું પણ નહોતું ચાલ્યું,તો સામાન્ય રાજવીનું તો ક્યાંથી ચાલે! આથી પટરાણી બનાવવા માટે અશોકે ચોથી વાર પણ લગ્ન કર્યા. એ પણ એક નાનકડા રાજ્ય અસંધીવતના રાજકુમારી અસંધીમિત્ર સાથે. કહેવાય છે કે એ સિવાય પણ અશોકને બીજી બે પત્નીઓ હતી.  એક પદ્માવતી જેમનું આયુષ્ય ખુબ ઓછું હતું અને તેમના વિશે કંઈ વધારે માહિતી મળતી નથી. આ ઉપરાંત તેમના પાંચમાં અને અંતિમ લગ્ન થયા તીશ્યરક્ષા સાથે, જે અસંધીમીત્રાની દાસી બનીને રાજ્યમાં આવ્યા હતા.

વિશ્વના મહાનત્તમ રાજવીઓમાંનો એક હોવા છતાં આ રાજા પોતાની પ્રિય પત્નીને પટરાણી ન બનાવી શક્યો! 

- રક્ષા ત્રાપસિયા 

આ સમાચાર શેર કરો