શતરંગ / સપનાંને જવાબદારીનો બોજ લાગે છે
- ચાલ જિંદગી મારી સાથે ઘણી વખત એવું સાંભળવા મળે છે કે મારા માથે આ જવાબદારી ન હો

- ચાલ જિંદગી મારી સાથે
ઘણી વખત એવું સાંભળવા મળે છે કે મારા માથે આ જવાબદારી ન હોત તો હું આજે ક્યાંક ને ક્યાંક હોત. જો મને કોઈનો સપોર્ટ મળ્યો હોત તો આજે હું આ જગ્યા એ ના હોત. આવી ઘણી ફરિયાદો આપણે કરતા હોઈએ છીએ,. ક્યારેક કોઈ શારીરિક તકલીફની તો ક્યારેક આર્થિક સંકડામણની તો ક્યારેક ઉંમર અને સામાજિક સ્થિતિની. પણ ખરેખર શું કશું કરવા માટે આ બધી જ પરિબળો એ ઈચ્છાશક્તિ ના આડે આવી શકે છે. આજે મારે વાત કરવી છે એવા અમુક વ્યક્તિઓની કે જેમના માથે અનેક જવાબદારી હોવા છતાંય એમને સપનાં જોયા, જીવ્યા અને પુરા કર્યા. જેમનું નામ છે શ્રી આશા કંદારા. જેઓ અત્યારે રાજસ્થાનમાં ડેપ્યુટી કલેક્ટરની પદવી પર છે.
શ્રી આશા કંદારા કે જેઓએ બાળકોનો ઉછેર, ઘરની જવાબદારી બધું એકલે હાથે સાંભળ્યું એટલું જ નહિ પરંતુ ૪૦ વર્ષની વયે તેઓ અભ્યાસ કરીને ડેપ્યુટી કલેકટર પણ બન્યા. શ્રી આશા કંદારાને લગભગ ૯-૧૦ વર્ષ પહેલા એમના પતિ છોડીને જતા રહ્યા ત્યાર બાદ એમની પાસે બે જ વિકલ્પ હતા કે રડી લેવું કાં તો લડી લેવું અને એમણે બીજો વિકલ્પ પસંદ કર્યો અને જોધપુર નગર નિગમમાં સફાઈ કર્મચારીનું કામ શરુ કર્યું પણ એમની આંખો એ કંઈ અલગ જ સપનું જોયું હતું અને એ હતું એ હતું આઈ.એ.એસ. બનવાનું પણ ઉંમરની મર્યાદાના કારણે તેઓ પરીક્ષા તો ના આપી શક્યા પણ એમણે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમીશનની પરીક્ષા આપી અને જે ઉમરે લોકો કહે છે કે હવે તો જિંદગી પૂરી થઇ એ ઉંમરે તેઓ એ ડેપ્યુટી કલેકટર બનીને બતાવ્યું. હવે જો આપણે આ કિસ્સામાં જોઈએ તો કેટલી બધી જવાબદારી હતી શ્રી આશા કંદારા પર..પોતે ભણવાનું, બાળકોને ભણાવવાના, પોતાનું ગુજરાન ચલાવવાનું, સામાજિક જવાબદારીઓ અને સમાજની ટીકાઓ પણ સાંભળવાની અને આ બધા છતાંય એમણે એમના મનમાં એમની ઈચ્છાને ના મરવા દીધી. એને સતત પોષતા રહ્યા. ત્યાં સુધી કે જ્યાં સુધી એ સપનાંને આકાર ના મળ્યો. શું એમના માથે જવાબદારી નહોતી? શું એમના સામે પડકારો નહોતા? શું એમના વિરોધી અથવા એમને પાછા પાડનારા તત્વો નહિ હોય? મંઝીલ જેટલી ઉંચી હોય મુસાફરી હમેશા એટલી જ કપરી હોય છે પણ એ આપણે જોવાનું છે કે મોંઘી મંઝીલ મેળવવી છે કે સસ્તી સફળતા?
કોઈ એક વ્યક્તિ કે જેને પાણી માંગતા દૂધ મળે છે, જેને જમીન પર પગ પણ નથી મુકવો પડતો, જેના ઘરમાં નોકર-ચાકર હાજર છે, જેને એ પણ ખબર નથી કે 45 ડીગ્રીની ગરમી શું હોય છે? એ વ્યક્તિ બોર્ડમાં પ્રથમ નંબર લઈને આવે અને એક એવો છોકરો કે છોકરી કે જેના ઘરમાં પંખો પણ માંડ ચાલે છે. એને ભણવાની સાથે નોકરી પણ એટલે કરવી પડે છે કે એ એની ફીઝ ભરી શકે અને પોતાનું ટ્યુશન કરી શકે અને એના ઘરમાં લાઈટ બીલ કે દૂધનો ખર્ચો કાઢી શકે અને એનો બોર્ડમાં પાંચમો નંબર આવે તો કોની મુસાફરી અને મહેનતને તમને શાબાશી આપવાનું મન થશે? સુવિધા હોય તો જ માણસ આગળ વધી શકે આ વિચાર જ માણસને અડધો નબળો પાડી દે છે. ચોક્કસપણે સુવિધા એ માણસને સરળતા કરી આપે પણ એ સફળતાની ગેરંટી નથી આપતી.
ભગવાન એને જ વધારે મુશ્કેલી આપે છે કે જેનામાં સહન કરવાની ક્ષમતા હોય છે એ આપણે ઘણી વાર સાંભળ્યું છે. અને એ કદાચ સાચું પણ છે કારણ કે સંઘર્ષ જે પાઠ શીખવે છે એ પાઠ લાખો રૂપિયા ચૂકવીને પણ કોઈ યુનીવર્સીટી શીખવાડી નથી શકતી. એટલે માર્ગમાં આવતી મુશ્કેલીઓને વરદાન સમજીને એમાંથી મળતાં પાઠને સબક સમજીને આગળ વધવું એ જ જીવન છે. એટલે એની ફરિયાદ ના કરવી પણ એને ફરી ફરી યાદ કરવી અને એ દિવસની રાહ જોવી જયારે તમારી મહેનત અને તમારો સંઘર્ષ ઉગી નીકળે અને એ દિવસે શિખર પર ઉભા રહીને જોરથી કહો..’ચાલ જિંદગી મારી સાથે’....
- અર્ચના તેજસિંહ ચૌહાણ








