શતરંગ / પ્રેમને પણ એક્સપાયરી date હોય છે?
- ચાલ જિંદગી મારી સાથે પ્રેમની તે વળી expiry date હોતી હશે? પ્રેમ તો એક વખત થાય એટલે

- ચાલ જિંદગી મારી સાથે
પ્રેમની તે વળી expiry date હોતી હશે? પ્રેમ તો એક વખત થાય એટલે વર્ષો સુધી હૃદયમાંથી જાય નહિ. પ્રેમ તો એક જ વખત થાય વગેરે વગેરે જેવી અનેક વાયકાઓ અને પ્રેમની વ્યાખ્યાઓ આપણે સાંભળી હશે તો આજે આપણે તપાસીએ કે પ્રેમ જ નહિ પણ દરેક લાગણીની expiry date હોય છે કે નહિ?
થોડા જ સમય પહેલા આપણે બિલ-ગેટ્સના છૂટાછેડાના સમાચાર સાંભળ્યા.. બધા આશ્ચર્યચકિત થઇ ગયા કે લગનના આટલા વર્ષો (27 વર્ષ )પછી એવું તો શું થયું કે સુજ્યું કે આમણે આવું પગલું ભર્યું? આના કોઈ સ્ટાન્ડર્ડ જવાબ શક્ય જ નથી. વ્યક્તિ એ વ્યક્તિ એ વાતો અલગ, કિસ્સાઓ અલગ, કથાઓ અલગ, કારણો અલગ, વિચારો અલગ, વિચારધારાઓ અલગ... કોઈ એક વ્યક્તિના કિસ્સાને કોઈ બીજા વ્યક્તિના કિસ્સા સાથે સરખાવવું એ અયોગ્ય જ ગણાશે. કાલ સુધી તો તમે phone કરતા હતાં આજે શું થયું? કાલ સુધી તો તમે મેસેજ કરતા હતાં આજે શું થયું?
કાલ સુધી તો એક મિનિટ મારાં વગર નહોતું ચાલતું આજે શું? કાલ સુધી તો તારા વગર નહિ જીવી શકું એમ કહેતા હતાં આજે શું થયું? આવા અને આના જેવા અનેક વાક્યો તમે પણ સાંભળ્યા હશે, જીવનમાં બોલ્યા પણ હશો અને કદાચ અનુભવ્યા પણ હશે કે જેના માટે અપાર, ગાઢ લાગણી રાખી હોય એ બદલાઈ જાય. જેના માટે જીવનમાં અનેક વર્ષોની તપસ્યા કરી હોય એ તમને છોડી જાય, જેના માટે દિવસ-રાત, સવાર-સાંજ જોયા વગર, દુનિયા-સમાજને ભૂલીને-પોતાની જાતને ભૂલીને, મિત્રો -પરિવાર ભૂલીને, અભ્યાસ - કારકિર્દી ભૂલીને એને વફાદાર રહેવા પોતાની જાત સાથે પણ બેવફાઈ કરીને, એનું ધ્યાન રાખવા પોતાની સુધ-બુધ ગુમાવીને, એની દરેક વસ્તુનું ધ્યાન રાખવું એનાં ઊંઘવાનું એનાં જાગવાનું, એનાં જમવાનું, એનાં સુખ, દુઃખ, ખુશી... એને ખુશ જોવા અને રાખવા કંઈ પણ કરી છૂટવા તૈયાર હોઈએ, એનાં માટે પૈસાથી લઈને જાત ખર્ચી નાખી હોય અને આવું એક વ્યક્તિ અચાનક તમને છોડી જાય, ભૂલી જાય, બીજાને પ્રેમ કરવા લાગે કે હવે તમારી સાથે નથી રહેવા માંગતું એમ કહે ત્યારે શું પરિસ્થિતિ થાય એ જેના પર વીતે એ જ જાણે. પણ કરશો શું? આત્મહત્યા કરવાનાં વિચારો આવશે, દુનિયામાં કંઈ રહ્યું નથી એવું લાગશે, આત્મવિશ્વાસ ગુમાવી બેસશો, પ્રશ્નો થશે અને કદાચ એ પ્રશ્નોને પૂછી શકો એવું કોઈ વ્યક્તિ પણ નહિ હોય તમારી પાસે. મૂંઝાશો, રડશો, દુઃખી થશો, ઊંઘ નહિ આવે, જમી નહિ શકો, કદાચ કોઈ વ્યસને પણ ચઢી જાવ આવું ઘણું બધું થાય જે સામાન્ય છે. સામાન્ય એટલે કહું છું કારણકે આ પરિસ્થિતિમાંથી જીવનમાં દરેક વ્યક્તિ ક્યારેક ને ક્યારેક પસાર થયું જ હોય છે. તો પછી કરવું શું?
પ્રેમ કરાય અને ના કરાય એની ચર્ચાઓ મારાં મતે તો વ્યર્થ જ છે કારણકે જો એવું જ હોત તો જ્ઞાની, બુદ્ધિશાળી, પ્રતિભાશાળી, લોકો પણ પ્રેમથી ક્યાં બાકાત રહ્યા છે? એટલે એની ચર્ચા અસ્થાને છે પણ તો આપણે કરી શું શકીયે? સ્વીકાર... આપણે કરવો પડશે સ્વીકાર...
પ્રેમનું ગણિત જ કઈ અજબ છેં... કોઈ આખી જિંદગી કોઈને ના પામીને પણ ચાહતુ રહે, અને કોઈ પ્રેમલગ્ન કરીને પણ છૂટાછેડા લઈ લે. પ્રેમનાં ઉપર શાયરીઓ લખાય, કવિતાઓ થાય, પ્રેમ સર્જનનું કારણ બને... પ્રેમને કારણે આત્મહત્યાઓ થાય, હત્યાઓ થાય, પ્રેમ જીવનનાં સૌથી મોટા વસવસાનું કારણ બને... કશુંક તમારું નથી રહ્યું, કોઈ તમારું નથી રહ્યું... મનુષ્ય માત્ર એવી ઇચ્છા રાખે છે કે જે આજે મારુ છે એ હંમેશા મારું રહે... આજે હું જે સુખ, સફળતા, ખુશીની સ્થિતિમાં છું એ કાયમ ચાલતી રહે... પણ એ કેટલે અંશે શક્ય છે? ઇચ્છીને કે ના ઇચ્છીને બદલાતી પરિસ્થિતિઓનો સ્વીકાર કરવો જ પડશે. જતું કરવું પડશે, છોડવું પડશે, સ્વીકારવું પડશે કે જે પહેલા મારું હતું એ આજે મારું નથી... એ ઈચ્છા-અનિચ્છાએ સ્વીકારવું જ પડશે...
જયારે આપનું ધાર્યું ના થાય ત્યારે દુઃખ થાય, ગુસ્સો આવે, રડવું આવે, એ એટલું જ સ્વાભાવિક છે જેટલુ ભૂખ લાગવી, ઊંઘ આવવી, છીંક આવવી કે બગાસું આવવું... હા તો આવવા દો ને... આંસુને આવવા દો… ગુસ્સાને આવવા દો… દુઃખને આવવા દો... એનો તમને અધિકાર છે... પણ પ્રેમની ભીખ માંગવાનો નહીં કારણ કે પ્રેમ કોઈ પણ સ્વરૂપે ભીખ માંગતો સારો ના જ લાગે... દુ:ખી થાઓ, રડો, પણ સ્વીકારી લો કે જે પહેલાં તમારું હતું હવે નથી રહ્યું... કારણ કે પ્રેમને અને દરેક લાગણીને એક્સપાયરી date હોય છે...
જિંદગીમાં ખુશ થવું જો એ જિંદગીનો ભાગ છે તો આંસુ પણ જિંદગીનો ભાગ છે જ. એનો વસવસો ના રાખો.
હસો દિલ ખોલીને હસો, રડો દિલ ખોલીને રડો એ વિચાર્યા વગર કે કોઈને શું લાગશે. પણ રડી લીધા પછી ઉભા થાઓ અને કહો જિંદગીને કે ચાલ જિંદગી મારી સાથે...
- અર્ચના તેજસિંહ ચૌહાણ








