શતરંગ / શું ચાલતા-ચાલતા અચાનક પગ વળી જાય છે? શું તમને વારંવાર પડી જવાની બીક લાગે છે?
- જાગૃતતા જરૂરી આજકાલની રમતગમતની દુનિયામાં વારંવાર ઇજા થવી ખૂબ

- જાગૃતતા જરૂરી
આજકાલની રમતગમતની દુનિયામાં વારંવાર ઇજા થવી ખૂબ જ સામાન્ય છે. એમાંની સૌથી વધુ સામાન્ય તકલીફ ACL (એન્ટીરીયર ક્રુશીયેટ લિગામેન્ટ) તૂટવું છે. ACL નું તૂટવું બધી જ ઉંમરમાં અને બધા પ્રકારની રમતગમતમાં થઈ શકે છે. પરંતુ જે સ્પોર્ટ્સમાં વારંવાર દિશા બદલવી, દોડવું કે લાંબો કૂદકો મારવાનું આવે એવા સ્પોર્ટ્સમાં આ ઇજા ખૂબ જ સામાન્ય છે.
ACL નું કાર્ય શું છે?
ACL ઘુંટણને સ્થિરતા આપે છે. તે સાથળના હાડકા (ફીમર) અને પગના હાડકા (ટીબીયા) ને જોડે છે. ACL ઘુંટણના રોટેશનમાં સ્થિરતા આપે છે. રમતગમતમાં અલગ અલગ વળાંકમાં ઘૂંટણને સ્થિરતા આપે છે.
ACL ટુટેલો હોય તો કેવા લક્ષણો હોઈ શકે?
→ ઘૂંટણમાં ઈજા સમયે ખૂબ જ સોજો આવવો અને દુ:ખાવો થવો.
→ રોજબરોજની પ્રવૃત્તિમાં વારંવાર ઘૂંટણ વળી જવો.
→ દોડવામાં, ઝડપથી ચાલવામાં, ઉબડખાબડ રસ્તા પર ચાલવામાં ઘૂંટણ ઉપર ઓછો વિશ્વાસ આવે
→ ઘણા દર્દીઓને ACL સાથે ઘૂંટણની ગાદી પણ ફાટી જતી હોય છે. તેમને ACLના દર્દી કરતા દુ:ખાવો વધુ જોવા મળે છે.
તૂટેલા એસીએલ નું નિદાન કેવી રીતે થાય છે?
- ACL ટુટેલો છે તેનું અનુમાન શારીરિક પરીક્ષણ દ્વારા આવી જાય છે.
- નિદાનની ખાતરી કરવા MRI કરાવવો પડે છે.
ACL તૂટ્યા પછી એનો ઈલાજ શું છે?
ACL ની ઈજાને ત્રણ ગ્રેડમાં વહેંચવામાં આવે છે.
ગ્રેડ 1 - લીગામેન્ટને નાના તણાવને કારણે નુકસાન થાય છે, પરંતુ હજી તે ઘુંટણને સ્થિર રાખી શકે છે.
ગ્રેડ 2 - તણાવને કારણે ACL ઢીલું થઈ જાય છે. જેને પાર્શિયલ ટીયર કહે છે જેમાં અમુક ભાગના તાંતણા ટુટે છે.
ગ્રેડ 3 - ACL પૂરેપૂરું ફાટી જાય છે અને ઘૂંટણ અસ્થિર બને છે.
=> ગ્રેડ 1 અને 2 માં AKBK બ્રેસ પહેરીને ઘુંટણને સંપૂર્ણ આરામ આપી દવા અને ફિઝીયોથેરાપી કરવાથી બે ત્રણ મહિનાની અંદર આરામ મળી જાય છે
=> ગ્રેડ 3 ACL ની ઇજામાં સર્જરી જ કરવી પડે છે.
જો ACL સંપૂર્ણ તૂટ્યા પછી પણ એની સારવાર ના કરવામાં આવે તો નાની ઉંમરે ઘૂંટણ અસ્થિર હોવાના લીધે આર્થરાઇટીસ (ઘસારો) આવી જાય છે.
સર્જરી પછી દર્દી સંપૂર્ણ સામાન્ય જીવન જીવી શકે છે. તેથી ગભરાવાની જરૂર નથી.
તમારા ઘુંટણની સંભાળ કેવી રીતે રાખશો?
- ઘુંટણ આપણા શરીરનો સૌથી મોટો અને જરૂરી સાંધો છે. તમારા ઘુંટણ પ્રત્યે બેદરકાર ના રહેવું જોઈએ.
- ઉભા, બેસતા, દોડતા ઘૂંટણની મુદ્રા યોગ્ય હોવી જોઈએ.
- જો તમે એથ્લેટ છો તો ઘુંટણની કેપ્સનો ઉપયોગ કરવો જોઈએ.
- ઘૂંટણના દુ:ખાવાની તાત્કાલિક સારવાર લેવી જોઈએ.
- કોઈપણ ઈજા પછી એની સંપૂર્ણ ફિઝિયોથેરાપી સારવાર લીધા પછી જ સ્પોર્ટ્સ શરૂ કરવું જોઈએ.
- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી. ઓર્થો)








