મુખ્ય સામગ્રી પર જાઓ
GSTV શતરંગ

શતરંગ / વિલન અસલ મેં કૌન હૈ માલુમ? અપુન હી જ ખલનાયક હૈ!

- સિંગલ સ્ક્રિન અપુન સોચા, જબ ઇસ દેશમેં પીએમ કા ઈમાન નહિ, તો અપુન સીધે રાસ્તે ચલ કે ક્યા કરેગા? - ગણે

શતરંગ / વિલન અસલ મેં કૌન હૈ માલુમ? અપુન હી જ ખલનાયક હૈ!

- સિંગલ સ્ક્રિન

અપુન સોચા, જબ ઇસ દેશમેં પીએમ કા ઈમાન નહિ, તો અપુન સીધે રાસ્તે ચલ કે ક્યા કરેગા? - ગણેશ ગાયતોંડે (સેક્રેડ ગેમ્સ)

     સિનેમાનાં પડદા પર તેઝાબ ચાલી રહી છે, લોટિયા પઠાન (કિરણ કુમાર)નું જબરદસ્ત પરફોર્મન્સ લોકોની વાહવાહી લુટી રહ્યું છે. મુન્ના મોહિનીને લોટિયા પઠાન થી બચાવવા દોડધામ કરી રહ્યો છે. લોકો આફરીન થઇ ઉઠ્યા છે! જી હા, વાત ચાલી રહી છે ૧૯૮૮માં એક સિનેમાહોલમાં ચાલી રહેલી ફિલ્મ તેઝાબની. હિન્દી સિનેમામાં વિલન ન હોય તો શું થાય? અથવા તો શું થાત? જો બધા જ લોકો સુરજ બરજાત્યાની ફિલ્મો જેટલા ભગવાન નાં ઘરના અને હળીમળીને રહેનારા હોય તો પછી લાઈફમાં થ્રીલ ક્યારે આવે?        શોલે માંથી ગબ્બર (સેલ્યુલોઈડ પર નું ક્યારેય ન ભુલાનારું કલ્ટ પાત્ર જેના સંવાદ આજે પણ ૩૫ વર્ષ પછી પણ રૂટિન લાઈફમાં બોલાય છે!) કાઢી નાખો તો શું બચે? કે પછી શાન માંથી શાકાલ (બ્રિલિયન્ટ કુલભૂષણ ખરબંદા) કાઢી નાખો તો બાકી શું બચે? પછી નાઇન્ટીઝમાં વિલન અને વેમ્પનો એક બહુ મોટો ફાલ આવ્યો અને એ પણ જરા જુદી તરેહ નો!

     અજીબો ગરીબ નામ, મોટી મોટી આંખો, અસામાન્ય કપડા, ગાડીઓનો કાફલો, ડ્રગ્સ-હથિયારની હેરાફેરી, પુરાના મંદિર, ટેકરીઓ થી લઇ અન્ડર ગ્રાઉન્ડ અડ્ડાઓ, રોજ સાંજે નિયમિત થતા મુજરો કે કેબ્રે ડાન્સ, દારૂની રેલમછેલ વગેરે વગેરે. હા જો કે દિલ્હીબેલી ની જેમ વિલન માં-બેન ની ગાળો બોલ્યા વગર પણ ધારી અસર કરી શકતો હતો. પરિંદામાં અન્ના (નાના પાટેકર), ડરમાં સુનિલ મલ્હોત્રા અને બાઝીગરમાં (વિકી મલ્હોત્રા) (શાહરુખ ખાન), દિલવાલેમાં મામા ઠાકુર (પરેશ રાવલ), વેલજી ભાઈ (અગેઇન પરેશ રાવલ) અને છપ્પન ટીકલી (ગુલશન ગ્રોવર), ગુલફામ હસન (નસીરુદ્દીન શાહ), ગેંડાસ્વામી (તિરંગા), રામા શેટ્ટી (સદાશિવ અમરાપુરકર), ડોક્ટર ડેંગ (અનુપમ ખેર), રતનલાલ ટાઈગર (મુકેશ રિશી). અને આ સિવાય જે ઇતિહાસ છે એવા મોગેમ્બો તો ખરા જ.

     આ સિવાય આ વિલન ની આજુબાજુ નાં કેરેક્ટર પણ બહુ રસપ્રદ હતા. મોટેભાગે વિલન નો ભાણિયો કે ભત્રીજો બતાવવામાં આવે જે સાવ નપાવટ હોય અને એકદમ વિચિત્ર ડ્રેસિંગ હોય (યાદ કરો શક્તિ કપૂર, હરીશ પટેલ વગેરે વગેરે). હિરોઈન ઝાડ ની આજુબાજુ ગીતો ગાવા સિવાય આ વિલનના અડ્ડાઓમાં કિડનેપ થઇ ને આવતી પછી એક સીન એવો આવે જ જેમાં વિલન હિરોઈન નાં કપડા ફાળે અને હિરોઈન બુમો પાડે અને કહે કે ‘ભગવાન કેલિયે મુજે છોડ દો, મુજે જાને દો!) અને વિલન કહે કે ‘બહોત કરારી ઔર નમકીન ચીઝ હૈ તું, જ્યાદા ફળફળા મત’ પછી હીરો ક્યાંય થી પણ પહોચી જાય અને ફાઈટિંગ સિકવન્સ આવે.

     ધીમે ધીમે આ વિલન માટેની લોકપ્રિયતા, લોકો ની સમજ અને લોકો નાં ટેસ્ટ માં ફર્ક આવવા લાગ્યો. આ એ સમય હતો જયારે મુંબઈમાં બ્લાસ્ટ ન થતા, આતંકવાદ ભારતમાં હજુ એટલો નહોતો, રામગોપાલ વર્મા, નિશિકાંત કામત કે અનુરાગ કશ્યપ હજુ રિયાલિસ્ટિક અંડરવર્લ્ડ અને ‘ભાઈ ગીરી’ નહોતા લઇ આવ્યા. એક વિલન પુરા ગામ કે શહેરને ભારે પડતો, જેની ધાક બધે જ હોય અને ફિલ્મ નાં અંતમાં જો એ મરી જાય એટલે ફિલ્મ પૂરી અને બધાએ ખાધું પીધું અને રાજ કર્યું એમ પ્રેક્ષક ભોળા ભાવે માની લેતા.

     ‘બીવી હો તો ઐસી’ની બિંદુ, ‘બેટા’ની અરુણા ઈરાની વેમ્પ તરીકે છવાઈ જતી એ તો એક અલગ લેખનો જ વિષય છે પણ કહેવાનો મતલબ એટલો જ કે સમય બદલાયો એમ લોકો ને હવે રૂટિન લાઈફની જે વધુ નજીક હોય એવા વિલન જોવાની આદત પડવા લાગી. હવે પેલો ચહેરા પર મસા વાળો, કાચની આંખ લગાડેલો કે પછી મોટા જાયન્ટ સાઈઝના અડ્ડા રાખનારો વિલન ફિલ્મી લાગવા માંડ્યો. પરિણામે ફિલ્મ ‘દુશ્મન’માં આશુતોષ રાણા ગોકુલનાં પત્રમાં જમાવટ કરી ગયો, તો વળી આમિરની ‘ગજિની’તો ફિલ્મ નું નામ જ એના વિલન ગજિની ધર્માત્મા નાં નામ થી પડેલી, એ સિવાય આજે મર્ડર-૨ માં પ્રશાંત નારાયણ (સુપર્બ!) રાજીવ પાંડે જેવું સામાન્ય નામ રાખી પણ પરદા પર ધૂમ મચાવી દર્શકોને ડિસ્ટર્બ કરી નાખવાની તાકાત ધરાવે છે.

     ‘ઓમકારા’માં લંગડા ત્યાગી (સૈફઅલી ખાન) કે પછી ‘સેલ્વર મણી’ (સરકાર ફિલ્મમાં તેલુગુ સિનેમા નાં બહુ મોટા કલાકાર કોટા શ્રીનિવાસ રાવ) અને ‘એક હસીના થી’માં કરણ સિંહ રાઠોર (સૈફઅલી ખાન). અહિં વાત એ છે કે વિલનની સમય જતા લાક્ષણિકતાઓ થી લઈને વર્તન-બોલી-સ્માર્ટનેસ અને દેખાવ બધું બદલાયું છે. લોકો વિલન ને પણ બેવકૂફ સ્વીકારી નથી લેતા. વિલન એટલે કોણ? જે હીરોની બહેન કે ગર્લફ્રેન્ડ પર બળાત્કાર કરે એ? ડ્રગ્સની હેરફેર કરે એ? લુંટ ચલાવે કે હપ્તા વસુલે એ? હથિયાર સપ્લાય કરે એ?

     આજે જયારે કોમેડીના નામે અનીસ બાઝમીઓ અને રોહિત શેટ્ટીઓ વલ્ગારીટી પીરસે છે ત્યારે આપણે ત્યાં જોઈએ એટલી થ્રિલર, સસ્પેન્સ, હુ ડન ઈટ પ્રકારની ફિલ્મો હજુ આજે પણ નથી બનતી. એટલે જ થોડા વિકૃત કે ભયાનક દ્રશ્યો આવતા જ આપણે છળી મારીએ છીએ. સંવાદો અને સ્ક્રીપ્ટ પર પણ એટલી માવજત નથી કરવામાં આવતી કે વિલનનો બોલાયેલો સંવાદ વરસો સુધી યાદ રહે. આજે એવી કઈ ફિલ્મ છે જેના વિલન નાં સંવાદો ગબ્બર-મોગેમ્બો-શાકાલની જેમ વરસો પછી પણ યાદ રહેશે?

     માણસ પોતે સીધો સાદો અને પ્રામાણિક સૌને ગમે છે પણ જો લાઈફમાં ઈવિલ (દુષ્ટ) તત્વો જ નાં હોત તો દબંગ રોબિનહુડ પાંડે છેદી સિંહ ને કે પછી બાજીરાવ સિંઘમ (અજય દેવગન) જયકાંત સિક્રે (પ્રકાશ રાજ)ને કેમ મારત? અને આપણને થ્રિલ નાં ઇન્જેક્શન કોણ આપત?! કોઈ રામન કે રાઘવ ચિતરી ચઢે એ રીતે ખુન કરી વિકૃત બની શકે એ કેવી રીતે ખબર પડત? જિંદગીની ડાર્ક સાઈડ તો જ ખ્યાલ આવે છે જયારે એક એક સક્ષમ વિલન માણસની અંદર પેદા થાય! કોઈ ક્લિવેજ જુએ અને સ્ત્રીને વિકૃતિ થી જુવે, ક્યારેક સેક્સ તો ક્યારેક ડ્રગ્સનો અતિરેક, ક્યારેક કિડનેપિંગ તો ક્યારેક ગંધાતી ગટરમાં સડતી લાશ! અનુરાગ કશ્યપે તો નિયો નોઇર સિનેમામાં વિલન અને ગ્રે શેડનો એક નવો આયામ હાંસિલ કરેલો છે!

     આજે લોકોને મિર્ઝાપુરનાં કાલીન ભૈયા, સેક્રેડ ગેમ્સનાં ગાયતોંડે, ક્રિમિનલ જસ્ટિસનાં મુસ્તફાને જોઈને કિક આવે છે! ચુપકેથી માસ્ટરબેશન કરતી ગોલુ, ક્રિમિનલ જસ્ટિસનો આદિત્ય શર્મા, મિર્ઝાપુરનાં ગુડ્ડુ બબલુની અંદર પણ વિલન છુપાયેલા છે.વાસના, ક્રોધ, લોભ, સત્તાનો નશો માણસને અંદરથી રાવણ બનાવીને જ જંપે છે! રાવણતો બદનામ થઇ ગયો,પણ રામનાં ગ્રે અને બ્લેક શેડ્સ ક્યારેય હાઈલાઈટ ન થયા! જો વાત માનવામાં ન આવે તો દશારા, પુષ્પા અને વિક્રમ જેવી સાઉથની હિટ ફિલ્મો જોઈ લેવી! આજે વિલનનાં કોઈ અડ્ડા કે વિશાળ સેના નથી, હેંચમેનની ફૌજ નથી પણ વિલન ગ્રે બન્યા છે, નાયક-ખલનાયક વચ્ચેની રેખા થોડી બ્લર થઇ છે!                      
वाकिफ तो मैं भी हूँ कामयाबी के तौर तरीकों से..
पर ज़िद तो अपने अंदाज से जीने की है..
  - ભાવિન અધ્યારુ  

આ સમાચાર શેર કરો