શતરંગ / શું તમને સવારે ઉઠતાની સાથે જ એડીમાં દુઃખાવો શરૂ થઈ જાય છે?
- જાગૃતતા જરૂરી એડીનાં દુઃખાવાથી દુનિયાભરમાં લાખો લોકો પીડાતા હો

- જાગૃતતા જરૂરી
એડીનાં દુઃખાવાથી દુનિયાભરમાં લાખો લોકો પીડાતા હોય છે. એડીનો દુઃખાવો મોટા ભાગે 25થી 65 વર્ષની વયના લોકોમાં જોવા મળે છે. એડીનાં દુઃખાવાના ઘણાં બધાં કારણો છે. જેમાંનું સૌથી મુખ્ય કારણ પ્લાન્ટર ફેસાયટીસ છે.
★ શું છે આ પ્લાન્ટર ફેસાયટીસ?
પ્લાન્ટર ફેશિયાઉતકનું એક પ્રકારનું બેન્ડ છે. જે આપના પગની આર્ચને ચલાવવામાં મદદ કરે છે. જે પગની આંગળીઓને એડી સાથે જોડે છે. જે પગના ઝટકાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે કોઈ પણ કારણોસર આફેશિયા સુજી જાય છે ત્યારે તેને પ્લાન્ટર ફેસાયટીસ કહેવાય છે.
★ પ્લાન્ટર ફેસાયટીસ(એડીમાં દુઃખાવો) થવાનાં કારણો શું છે?
- જો તમારાં ચપ્પલ, સ્લીપર કે બુટ વધુ કડક કે એડીવાળા હોય અને લાંબો સમય પહેરવામાં આવે તો.
- ફ્લેટ ફીટ
- પીંડી વધુ કડક હોય
- મોટા પો
- વધુ પડતુ ઉભુ રહેવાનું આવે
- વધુ પડતુ ચાલવું
- એડીમાં હાડકું વધવું(કેલ્કેનિયલસ્પર) વગેરે
★ શું લક્ષણો જોવા મળે છે?
- સવારનો પહેલો પગ નીચે મુકતાની સાથે જ એડીમાં અતિશય દુઃખાવો
- જેટલી વાર બેસીને ઉભા થાઓ એટલીવાર એડીમાં દુઃખાવો
- ચાલવામાં તકલીફ
- જો વધુ સોજો વધે તો આરામની સ્થિતિમાં પણ દુઃખાવો સતત ચાલુ રહે છે
★ કેવી રીતે નિદાન થાય છે?
→ શારીરિક પરીક્ષણ દ્વારા મોટાભાગનાં દર્દીઓમાં નિદાન થઈ જાય છે.
→ અમુક દર્દીઓને X-Ray, સોનોગ્રાફીક કે MRIની જરૂર પડે છે.
★ એડીનાં દુઃખાવાની સારવાર શું છે?
→ ફિઝિયોથેરાપીનાં વિવધ સ્ટ્રેચ અને શેક કરવાથી મોટાં ભાગના દર્દીઓને સંપૂર્ણ પણે આરામ મળી જાય છે.
→ પોચી સ્લીપર અને ફોમવાળા શૂઝનો ઉપયોગ ખુબ જ ફાયદાકારક છે.
→ અમુક સ્ટ્રેચ અને કસરત કર્યા પછી જ જમીન પર પગ મુકવો જોઈએ.
→ અમુક દર્દીઓને દવા, સ્ટીરોઇડના ઇન્જેક્શન કે સર્જરીની જરૂર પડે છે.
★ કેવી રીતે રોકી શકશો?
- નિયમિત ધોરણે પીંડી અને એડીનાં સ્નાયુને કડક થતા અટકાવવા સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી જોઈએ.
- વધુ પડતા કડક કે હીલવાળા ફૂટવેર પહેરવાનું ટાળો.
- ઘરમાં પણ પોચી સ્લીપર પહેરવાની આદત પાડો.
- વધુ પડતું વજન હોય તો ઝડપથી ઉતારી દો.
- જો લાંબો સમય ઉભા રહેવાનું કે ચાલવાનું આવે તો બુટમાં સિલિકોન ઇન સોલ નખાવી દો.
- પગમાં કંઈ જ પહેર્યા વગર જમીન પર કે રસ્તા પર ચાલવાનું ટાળો.
(એડીનાં દુઃખાવાને નજર અંદાજ ન કરતા, સારવાર કરવી ખૂબ જ જરૂરી છે.)
- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી. ઓર્થો)








