શતરંગ / શું તમને વારંવાર માથાનો દુઃખાવો, ગરદનનો દુઃખાવો કે કમરનો દુઃખાવો થાય છે?
- જાગૃતતા જરૂરી આજના યુગમાં યુવાનોથી લઈને વૃધ્ધ વ્યક્તિઓ અલગ-અલગ દુઃખાવાથી પીડાય છે. ક્લ

- જાગૃતતા જરૂરી
આજના યુગમાં યુવાનોથી લઈને વૃધ્ધ વ્યક્તિઓ અલગ-અલગ દુઃખાવાથી પીડાય છે. ક્લિનિકમાં યુવાનોની સંખ્યા વૃધ્ધ જેટલી જ જોવા મળે છે. ગરદન, કમર, માથાનો, પીઠનો દુઃખાવો ખૂબ જ પ્રમાણમાં જોવા મળે છે. આ બધાનું કારણ તમારું ખરાબ પોશ્ચર હોઈ શકે છે.
પોશ્ચર શું છે?
– તમારું પોશ્ચર કુદરતી રીતે તમારા શરીરને પકડી રાખે છે. તમારા શરીરના સ્નાયુ, હાડકાં, લિગામેન્ટ, અને વિવિધ રજ્જુઓ તમારા પોશ્ચરને જાળવી રાખે છે. જ્યારે તમે વધુ હલનચલન કર્યા વગર એકધારી સ્થિતિમાં લાંબો સમય સુધી રહો છો ત્યારે તમારું પોશ્ચર એ રીતે ઢળવા માંડે છે.
– પોશ્ચર બે રીતના હોય છે.
સ્ટેટીક પોશ્ચર: જ્યારે તમે એક સ્થિતિમાં સ્થિર હો છો. જેમ કે બેસી રહેવું, ઉભા રહેવું, સૂવું.
ડાયનેમિક પોશ્ચર: જ્યારે તમે સ્થિતિમાં બદલાવ લાવો છો. જેમ કે ચાલવું, દોડવું વગેરે.
પોશ્ચર કેવું હોવું જોઈએ?
– સૌથી વધારે પોશ્ચર બેસવાનું ખરાબ હોય છે. બેસવાની સ્થિતિ ખરાબ હોવાના લીધે જ ઘણા બધા દુખાવા થતા હોય છે.
સારુ પોશ્ચર એટલે:
1). દાઢી અને જમીન સમાંતર હોવા જોઈએ
2). ખભા ઢીલા હોવા જોઈએ
3). કમર સીધી હોવી જોઈએ. કમર સંપૂર્ણપણે સપોર્ટમાં હોવી જોઈએ.
4). તમારા હિપ 90 ડિગ્રી ના ખૂણે હોવા જોઈએ. (ખુરશીમાં કે સોફા પર બેઠા હોય ત્યારે)
5). તમારા પગ જમીન સાથે સંપર્કમાં હોવા જોઈએ.
6). બંને પગ પર એક સરખું વજન આપીને બેસવું કે ઊભું રહેવું જોઈએ
ખરાબ પોશ્ચરથી શું તકલીફ થઈ શકે?
તમારી કરોડરજ્જુમાં બદલાવ આવવાથી કાયફ્રોસીસ, સ્કાલિયોસીસ જેવી તકલીફ થાય છે. જેમાં કરોડરજ્જુની સ્થિતિમાં કાયમી બદલાવ આવવાથી તમારી સ્પાઇનનો શેપ બદલાઈ જાય છે.
કમરનો સતત દુખાવો
ગરદનનો અને ખભાનો દુખાવો
માથાનો દુખાવો
ઊંઘ આવવામાં તકલીફ
કબજિયાત અને પાચનક્રિયાની તકલીફ વગેરે
પોશ્ચર જાળવી રાખવા શું કરવું જોઈએ?
● કોઈપણ સ્થિતિમાં લાંબો સમય ના રહેવું જોઈએ. બેઠા હોય તો સમયાંતરે ઉભા થવું જોઈએ. ઉભા હોય તો સમયાંતરે બેસવું જોઈએ.
● સમયાંતરે યાદ રાખીને ગરદન, કમર સીધી કરતા રહેવું જોઈએ.
● બાળકોમાં નાનપણથી જ પોશ્ચર નું મહત્વ સમજાવવું જોઈએ.
● થોડા થોડા અંતરે અમુક સ્ટ્રેચ અને કસરત તમારી ગરદન અને કમરને રિલેક્સ કરવા કરતું રહેવું જોઈએ.
● ઓફિસ અને વર્ક પ્લેસમાં અર્ગોનોમિક્સ ના નિયમો પ્રમાણે ની ખુરશી અને ટેબલ હોવા જોઈએ.
● નિયમિત યોગ અને વ્યાયામ કરવાથી પોશ્ચરના લીધે થતી તકલીફમાં ખૂબ જ ફાયદો થાય છે.
● ફિઝિયોથેરાપીસ્ટ પાસે પોશ્ચરની તપાસ કરાવી એ પ્રમાણેની અર્ગોનોમિક્સ ઘરે અને ઓફિસમાં અમલમાં મૂકવી જોઈએ.
- ડૉ. મેઘા પટેલ (એમ.પી.ટી.ઓર્થો)








